ઉત્સવ

એક્ઝિબિશન્સ – માર્કેટિંગ… લક્ષ્યોને હાંસલ કરવાની ગુરુ ચાવી છે

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

માર્કેટિંગની વાત આવે એટલે આપણા ધ્યાનમાં સૌપ્રથમ એડવર્ટાઇઝિંગ આવે, કારણ તે માસ મીડિયાનો પ્રકાર છે અને તેના થકી તમે એક જ સમયે ઘણા લોકો સુધી પહોંચી શકો. માર્કેટિંગ લોકો સુધી પહોંચવા વિવિધ તરીકાઓ અપનાવે છે. અમાંનું એક માધ્યમ એટલે ટ્રેડ- શો અને એક્ઝિબિશન.

હાલમાં મારા યુવાન પુત્ર સાથે અમુક ઇન્ડસ્ટ્રીના પ્રદર્શનમાં જવાનું થયું. પુત્ર જુવાન હોવાથી સહજ ભાવે પૂછ્યું:
આજના સમયમાં લોકો આવા એક્ઝિબિશનમાં આવે છે?! એનો પ્રશ્ર્ન ખોટો નહોતો, કારણ કે આજની ડિજિટલ માર્કેટિંગની ઝડપી ગતિવાળી દુનિયામાં, જ્યાં ઓનલાઈન જાહેરાત, સોશિયલ મીડિયા અને ઈમેલ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે પ્રદર્શનો, ટ્રેડ- શો કદાચ જૂના યુગના અવશેષો જેવા લાગે, પરંતુ આજે પણ એ માર્કેટિંગ વ્યૂહરચનાનાં નિર્ણાયક ઘટક છે. શા માટે પ્રદર્શન આજે પણ ડિજિટલ યુગમાં તમારી માર્કેટિંગ વ્યૂહરચના માટે મહત્ત્વપૂર્ણ છે અને તમારા વ્યવસાય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં કેવી રીતે મદદ કરી શકે એ જાણવાની કોશિશ કરીયે.

એક્ઝિબિશનનું માધ્યમ B૨B થી થતા વેપારીઓમાં વધુ મદદરૂપ થાય છે. વેપારમાં સૌથી મોટી મૂંઝવણ એટલે કસ્ટમરને ક્યાંથી શોધવા? આપણે જાણીયે છીએ કે જો કસ્ટમરને ફોન કરી (જેને કોલ્ડ કોલિંગ કહીયે છીએ) સંપર્ક કરવા જઇયે તો એ કદાચ ફોન કાપી શકે અથવા જોઈતો પ્રતિભાવ ના પણ મળે. આવા સમયે પ્રદર્શનોમાં તમને ગ્રાહકો સામેથી મળે છે, કારણ કે ત્યાં આવવા વાળો વર્ગ ચોક્કસ હેતુથી આવતો હોય છે. આથી ગ્રાહક તમને સામેથી મળે છે. પ્રદર્શન તમને સંભવિત ગ્રાહકો અને ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે અર્થપૂર્ણ વાતચીત કરવાની તક આપે છે. આજના ડિજિટલ યુગમાં આ માધ્યમ તમને વ્યક્તિગત રીતે લોકોને મળાવે છે, એમની સાથે ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા એકબીજામાં વિશ્ર્વાસ ઊભો કરવામાં મદદ કરે છે અને તમારી બ્રાન્ડ અને તમારા ગ્રાહક વચ્ચે યાદગાર જોડાણ સ્થાપિત કરી શકે છે. પ્રદર્શનના સૌથી નોંધપાત્ર ફાયદાઓમાં લીડ જનરેશન મોટો ફાયદો ગણી શકાય. તમારા બૂથની મુલાકાત લેનારા પ્રતિભાગીઓ ઘણીવાર તમારી કંપની જે ઓફર કરે છે તેમાં ખરેખર રસ ધરાવતા હોય છે. આ ક્રિયા- પ્રતિક્રિયાઓ ઉચ્ચ-ગુણવત્તાવાળી લીડ્સમાં પરિણમી શકે છે, જે અન્ય માર્કેટિંગ ચેનલો દ્વારા જનરેટ થતી લીડ્સની તુલનામાં ગ્રાહકોમાં રૂપાંતરિત થવાની શક્યતા વધુ હોય છે.

બીજો મોટો ફાયદો પ્રદર્શનોનો એ કે ત્યાં બેઠા બેઠા તમને નવી નવી માહિતીઓ મળી શકે. બજારની આંતરદૃષ્ટિ અને પ્રતિસાદ એકત્ર કરવા માટેનું સ્થળ પ્રદર્શનો કહી શકાય. આવનારા વર્ગ સાથે વાત કરીને, તમે એમની જરૂરિયાત – પસંદગી અને પીડાના મુદ્દાઓની ઊંડી સમજ મેળવી શકો છો.

આ પ્રત્યક્ષ માહિતી તમને તમારા ઉત્પાદનો અથવા સેવા સુધારવામાં, વધુ સારી માર્કેટિંગ વ્યૂહરચના
વિકસાવવામાં અને તમારા સ્પર્ધકોથી આગળ રહેવામાં મદદ કરી શકે છે. પ્રદર્શનોમાં ભાગ લેવાથી તમે તમારા સ્પર્ધકો પર નજર રાખી શકો છો. તમે જોઈ શકો છો કે એ લોકો નવું શું કરી રહ્યા છે, કેવી ઓફરો લાવી
રહ્યા છે અને એ પોતાનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કેવી રીતે કરી રહ્યાં છે ….આ સ્પર્ધાત્મક વિશ્ર્લેષણ તમને તમારી વ્યૂહરચનામાં ફેરબદલ કરવામાં અને બજારમાં આગળ રહેવામાં મદદ કરી શકે છે. વેપારીઓ દ્વારા નવા ઉત્પાદનો પ્રદર્શનોમાં લોન્ચ થતા હોય છે ત્યારે તે ઉત્પાદનો માટે લોકો શું વિચારે છે તેનો
રીઅલ-ટાઇમ પ્રતિસાદ મળે છે. આ વાત તમને તમારા વ્યવસાયને કઈ દિશામાં લઇ જવું તે નક્કી કરવામાં સહાય કરશે. વધુ મહત્ત્વની વાત એ છે કે, મોટાભાગનાં પ્રદર્શનો અથવા ટ્રેડ- શો જે-તે ક્ષેત્રના અગ્રણી
નિષ્ણાતો દ્વારા પ્રસ્તુતિઓ, પરિસંવાદો અને વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન કરે છે. આ વાર્તાલાપ તમને
નવી વાતો, વિચારો અને સમય સાથે ચાલવામાં મદદ કરે છે. ફક્ત એક પ્રદર્શનમાં હાજરી આપીને તમે તમારો ઉદ્યોગ કઈ દિશામાં જઈ રહ્યો છે તે શોધી શકો છો, જેનો અર્થ એ કે તમે તમારી ભાવિ વ્યવસાયિક વ્યૂહરચનાઓનું સફળતાપૂર્વક આયોજન કરી શકો છો. આમ પ્રદર્શનમાં તમારો સ્ટોલ રાખવો એ તમારા ઉદ્યોગમાં તમારા માટે નામ બનાવવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.

જયારે પણ તમે આવી અગ્રણી ઇવેન્ટ્માં હાજરી આપો છો ત્યારે તમે તમારી બ્રાન્ડને એક આગવું સ્થાન પ્રદાન કરો છો. આમ તમારી બ્રાન્ડ સ્થાપિત કરવા અને તમારા ઉદ્યોગમાં તમારા વ્યવસાયની સ્થિતિને મજબૂત કરવા માટે એક્ઝિબિશન યોગ્ય સ્થાન છે. અલબત્ત, ફક્ત પ્રદર્શનમાં હાજર રહેવું એ આનો એક ભાગ છે.

તમારી બ્રાન્ડને તમે અન્ય પ્રદર્શકોથી અલગ તારવો. આ કરવાનો એકમાત્ર રસ્તો ડિઝાઇન છે. તમારું બૂથ ડિઝાઇન અને પ્રસ્તુતિઓ એવી બનાવો જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે. તમારા સ્ટોલની ડિઝાઇન થકી તમારી બ્રાન્ડની છબી બંધાશે. પ્રદર્શનો તમને ક્ધટેન્ટ બનાવવાની સામગ્રી પણ પૂરી પાડશે. તમે તમારા બૂથના ફોટા અને વીડિયો, ઉત્પાદન ડેમો અને પ્રતિભાગીઓ સાથેની ક્રિયા-પ્રતિક્રિયાઓ કેપ્ચર કરી તમારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તમારી બ્રાન્ડને પ્રમોટ કરી શકો છો.

બીજી તરફ ટ્રેડ – શોમાં તમે ગ્રાહકોની સાથે સાથે નવા સપ્લાયરો પણ શોધી શકો છો. તમારી ઇન્ડસ્ટ્રીમાં જે જે વાતોની જરૂર છે પછી તે રો મટેરીઅલ હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય કે પછી સેલ્સ અને માર્કેટિંગ એજન્સી હોય. એ પણ ત્યાં હાજરી આપશે તો તમે એમનો સંપર્ક સાધી નવા બિઝનેસ પાર્ટનર્સ બનાવી શકો છો.

આમ, એક્ઝિબિશન અને ટ્રેડ- શો તમારા વ્યવસાયને સંભવિત લીડ્સ પ્રદાન કરે છે. લોકોને તમે રૂબરૂ મળી શકો છો- બજાર સંશોધનની તક પ્રાપ્ત થાય છે. યોગ્ય વ્યૂહરચના સાથે પ્રદર્શનોમાં હાજરી આપવાથી તમારી બ્રાન્ડની ઈમેજ-છબી સુધારી તમને એક મોટી બ્રાન્ડની હારમાળામાં મૂકી શકે છે. તમારી માર્કેટિંગ યોજનામાં પ્રદર્શનોનો સમાવેશ કરીને તમે એક લાભદાયી વ્યૂહરચના બનાવી શકો છો.

ભલે આપણે ડિજિટલ યુગમાં જીવીએ, પણ વ્યક્તિગત સંબંધો આજે પણ જરૂરી છે, લોકોને આજે પણ રૂબરૂ-સામસામે ક્રિયા-પ્રતિક્રિયાઓ દ્વારા વેપાર કરવો છે. આ શક્તિને અવગણશો નહીં, કારણ કે પ્રદર્શનો અને ટ્રેડ -શો તમારા માર્કેટિંગ લક્ષ્યોને હાંસલ કરવાની ગુરુ ચાવી બની શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?