તેર માળની અગાસીએ પહોંચેલા કોબ્રાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ!

વ્યંગ -ભરત વૈષ્ણવ
‘બોસ, આપણે એક કામ કરીએ.’
રાજુ રદીએ ‘બખડજંતર ચેનલ’ના માલિક બાબુલાલ બબુચકને આટલું જ કહ્યું . તેટલામાં બાબુલાલનો બાટલો ફાટ્યો . બાબુલાલ આગબબુલા થઇ ગયા.નિષ્ફળ માણસ જલ્દી ગુસ્સે થાય છે તેવું રાજુ રદીનું ઓબ્ઝર્વેશન છે.બાબુલાલની ચેનલ આમ ચાલતી નથી અને ખાસ પણ ચાલતી નથી એટલે બાબુલાલનું તપેલું પરમેન્નટ ગરમ ગરમ રહે છે!
‘રાજુડા, અહીં તમને પાટલે બેસાડી પૂજવા માટે મેં નોકરો આપ્યો નથી.’ ‘બાબુલાલ, રાજુની પૂરી વાત તો સાંભળી લો.’ મેં સલુકાઇથી બાબુલાલને કહ્યું.
‘ગિરધરલાલ, મારી જગ્યાએ તમે હોવ તો તમને ગુસ્સો ન આવે ? માલિક થઇને મારે કામ કરવાનું હોય તો તમારા જેવો -લડધા જેવો સ્ટાફ હું શું કામ રાખું? મારે તો તમને હુકમ કરવાનો હોય. સક્કરમીની જીભ અને અક્કરમીના ટાંટિયા એ કહેવત રાજુડાને સંભળાવી ને સમજાવી દે.’ રાજુ સામે કાતરિયા ખાતા બાબુલાલે કહ્યું.
‘હું એને સમજાવી દઇશ. મારું એક સજેશન છે કે આપણે કોબ્રાનો એરિયલ ઇન્ટરવ્યુ લઇએ. એક હેલિકૉપ્ટર કલાક માટે હાયર કરીએ. અમારી સેફટી માટે સૂચન કરૂં છું.’ મેં અતિ વિનમ્રતાથી બાબુલાલને કહ્યું.
‘ગિરધરલાલ, તમે સેલિબ્રીટી રિપોર્ટર અંજના નથી કે ચૂંટણીનું કવરેજ હેલિકૉપ્ટરથી કરો. આપણી પાસે તમને મુંબઇ જતી ટ્રેનમાં સેક્ધડ કલાસમાં મોકલવાનું જ બજેટ છે. તમને કોબ્રાની બીક લાગતી હોય રેઇન કોટ પહેરીને ઇન્ટરવ્યુ લેજો. ચેનલના ખર્ચે રેઇનકોટ ખરીદ કરીને પાકું બિલ રજૂ કરશો એટલે ખર્ચ મજરે મળી જશે .’
આટલું કહી બાબુલાલે હાથથી જાકારો દેખાડી અમને એમની ચેમ્બરમાંથી ફૂટવાનું કહ્યું. રાજુ રદી પગ પછાડતો અને હું બાબુલાલ પર મનોમન ધૂંધવાતો ચેમ્બરની બહાર નીકળ્યા.અમે રેલવેમાં સેક્ધડ કલાસના ડબામાં હડદેલો ખાતાં ખાતા મુંબઇ પહોંચ્યા. અમે કેબ કરીને ઘાટકોપર પહોંચ્યા.અમે કોબ્રાનો ઇન્ટરવ્યુ લીધો.
કિંગ કોબ્રાકુમાર સાથે અમે કરેલો આ દિલધડક ઇન્ટરવ્યુ વાંચો..
‘આવું સાહસ કરાય?’ કોરોનાની સૂચના કરતા ડબલ અંતર અમે જાળવીને અમે પહેલો સવાલ કોબ્રાકુમારને કર્યો. . અમે અમારો પરિચય આપ્યો. ઇન્ટરવ્યુ લેવાની ઇચ્છા જણાવી. કોબ્રા લાંબોલસ થઇને પડેલ.કોઇ નિબંધકારની જેમ શિયાળાની સવારનો તડકો ખાઇ વિટામિન ડી મેળવતો હતો. ઇન્ટરવ્યુનું નામ સાંભળી ફેણ પર ઊંચો થયો. ‘રિપોર્ટર સાહેબ , મારા એક પ્રશ્રનો સાચો જવાબ આપજો. આજકાલ મીડિયા સાચું ક્યારેક બોલે છે અને જૂઠની ઝપ્પી રોજ રોજ લે છે. મીડિયા કોઇકના ખોળામાં બેસી ગયું છે એમ આ ફલેટના રહેવાસી બોલતા હતા.’ કોબ્રાને માઇક પર બોલવાનો પહેલીવાર મોકો મળ્યો હશે એમ બીજો પ્રશ્ર્ન ઠપકાર્યો :
‘તમે ,આ તેર માળના બિલ્ડિંગની અગાસી પર ઉપર આવ્યા. તો તમે પગથિયા ચડીને આવ્યા કે લિફ્ટમાં આવ્યા?’ કોબ્રા જાણે અમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો હતો. ‘અલબત્ત,અમે લિફ્ટમાં આવ્યા.’
‘હવે, તમે જજ કરો કે આપણા બંનેનાથી આળસુને એદી કોણ? તમે સીડી ચડીને અગાસીએ આવ્યા નહીં . હું પાણીના પાઇપ પર પેટેથી ઘસડાતો ઘસડાતો છેક તેરમા માળની અગાસી પર ચડ્યો . પેટમાં સખળડખળ થવાથી લુઝ મોશન થઇ ગઇ. તમે અજગર એટલે કોબ્રાને આળસુને એદી કેમ કહો છો? તમારી પાસે છે કોઇ જવાબ ?’ કોબ્રા ચેસની રમતમાં ચેકમેટ કહેવાય એવી ચાલ ખેલ્યો.
‘એ બધું તો બરાબર. પરંતુ, તમે અહીં શું કામ ચડ્યા આઇ મીન આવ્યા?’ અમે મનને મૂંઝવતો સવાલ પૂછયો.
‘અમને પગ આઇ મિન પેટ છૂટું કરવાનું મન ન થાય? સેર સપાટા કરવાની ઇચ્છા ન થાય? તમે જંગલ પર કબ્જો કરો અમે શહેર પર કબ્જો ન કરી શકીએ ?’ કોબ્રાએ અકાટય સવાલ કર્યો.
‘હમમ’ કહી અમે કોબ્રાને આગળ બોલવા ઇશારો કર્યો. આજકાલ ટીવી ચેનલની ડિબેટમાં એન્કર પેનલિસ્ટ પર હાવી થઇ જાય છે. ડિબેટમાં પંચાણુ ટકા એન્કર જ બોલ બોલ કર્યા કરે છે. પેનલિસ્ટને બોલવાનો મોકો જ મળતો નથી. અમે એવા ઇન્ટરવ્યુર નથી!
‘તમારે ત્યાં કોઇ અદનાન સામી કરીને સિંગર છે. એનું એક ગીત છે. લિફ્ટ કરા દે.હું જોવા માંગતો હતો કે લિફ્ટ થવામાં કેટલી મજા આવે છે.ખરેખર અહીં જલસે પે જલસા હૈ. સબ ચંગાસી હૈ.’ કોબ્રાના ચહેરા પર ખુશી છલકાતી હતી.
‘હવે શું ઇરાદો છે?’ અમે પૂછયું.
‘હવે અઠેઠે દ્વારકા . અહીં રહેવું છે.લગ્ન કરવા છે.સંસાર વસાવવો છે. ફકીરની જેમ ઝોલા લઇને સફર અહીંતહીં બહુ કરી. હવે ઠરીઠામ થવું છે. છોકરાને કોન્વેન્ટમાં ભણાવવા-ગણાવવા છે અને સેટ કરવા છે!’ કોબ્રાએ તેની માનવીય ખ્વાહિશ વ્યક્ત કરી.
‘વેરી ગુડ એના માટે બેસ્ટ લક.’ અમે શુભેચ્છા આપી.
‘વેલકમ સર.’ કોબ્રાએ સામો વાટકી વહેવાર કર્યો.
‘લોકો તમારાથી કેમ ડરે છે?’ અમે છેલ્લો સવાલ પૂછ્યો.
‘જુઓ અમે સરિસૃપ છીએ. અમે માણસ જેવા હડકાયા નથી. અમને જે છેડે છે તેને અમે છોડતા નથી. અમે અકારણ કોઇને પણ છંછેડતા નથી. અમે અમારું અસ્તિત્વ બચાવવા સતત સંઘર્ષ કરીએ છીએ. નહીંતર ડાયનોસોરની જેમ લુપ્ત થઇ જઇએ. અમારે માણસ સાથે વેર નથી. પરંતુ, માણસને અમારી સાથે શું વેર છે તેની અમને ખબર નથી!અમારા મોંઢામાં જ ઝેરની પોટલી હોય છે. જ્યારે માણસ આખેઆખો ઝેરનું પોટલું છે. પોતાનું આધિપત્ય જમાવવા સમગ્ર સૃષ્ટિનું નિકંદન કાઢી રહ્યો છે!’ કોબ્રાએ તેનો પુણ્યપ્રકોપ ઠાલવ્યો. અમારો ઇન્ટરવ્યુ પૂરો થયો.
પાછા ફરતી વખતે એક વિચારે જ અમારા મન-મગજનો કબજો કરી લીધો : ‘કોબ્રા ઝેરી કે માણસ ઝેરી વધુ ઝેરીલો ?’
છે તમારી પાસે આનો જવાબ ?