પરીક્ષાપત્રની પરીક્ષા
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
પહેલા હું માનતો હતો કે પરીક્ષાના પેપર ફોડવાનો ધંધો ખાલી મધ્ય પ્રદેશમાં જ વધારે છે…કદાચ મારા રાજ્ય તરફના વધારે પડતા પ્રેમ કે અભિમાનથી હું એવું માનતો.. પણ ના, હું મુંબઈ આવ્યો તો ખબર પડી કે સાવ એવું નથી. પણ બીજાં રાજ્યો જે ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે એમાં મહારાષ્ટ્ર પાછળ કેવી રીતે રહે? અને પાછળ રહેવું પણ કેમ જોઈએ? અહીં વિદ્યાર્થીઓને બે રીતે જરૂરી સહાયતા આપવામાં આવે છે. એક તો એ કે અહીંયાં ઘણા સમય પહેલાં પેપર ફોડી નાખવામાં આવે છે. અને બીજું અહીંયા નકલ કે કોપી કરવાની પણ ભરપૂર સુવિધા છે. હવે કોઈને આનો લાભ ના મળે તો એ એનું દુર્ભાગ્ય છે.
મધ્ય પ્રદેશના વિદ્યાર્થીઓને બેમાંથી એક જ સુવિધા મળે છે. કોઈ વર્ષે પેપર ફૂટી જાય કાં તો કોઈ વર્ષે ભરપૂર નકલ થાય છે. જો આમ ન થાય તો પણ પેપર તપાસનાર શિક્ષકના ઘરે જઈ કોઈ પણ રીતે માર્કસ વધારાવા મજબૂર કરવાની આઝાદી બધાં વિદ્યાર્થીઓ અને મા-બાપ પાસે છે જ! જો કે આવી માનસિકતા તો આખા દેશમાં છે.
આ વર્ષે હાયર સેક્ધડરીના પ્રશ્ર્નપત્રોના ભાવ મુંબઈના શિક્ષણ બજારમાં ૧૦૦૦થી લઈને ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ પ્રશ્ર્નપત્ર હતા. લોકોએ આડેધડ રીતે પ્રશ્ર્નપત્રની ખરીદી કરી અને અને બાળકોએ બિંદાસ પરીક્ષાઓ આપી. પ્રશ્ર્નપત્ર ખરીદનારના બાપે કહ્યું, લે બેટા, અમે બેઈમાનીથી પૈસા કમાઈએ છીએ, તો તમે બેઈમાનીથી પરીક્ષા પાસ કરો! ચાલો, આ બહાને થોડાક કાળાં નાણાં માર્કેટમાં ફરતાં તો થયાં. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એવી સુવિધા હતી કે જો તેઓ પ્રશ્ર્નપત્ર ખરીદવા માગતા હોય તો એકબીજા પાસેથી પૈસા ઉઘરાવીને ફાળો ભેગો કરી મળીને પ્રશ્ર્નપત્ર ખરીદી શકે છે. આનાથી વિદ્યાર્થીઓમાં પરસ્પર પ્રેમભાવ ને મિત્રતા વધી અને વળી સહિયારા આંદોલન કરવાની પ્રવૃત્તિને પણ વેગ મળ્યો.
એમ નથી કે શિક્ષણ બોર્ડ અને શિક્ષણના અધિકારીઓને આ બધી વાતની ખબર નહોતી. પછીથી આ બાબત પર થોડીક ચર્ચાઓ થઈ. શિક્ષકોને રાજ્યમાં ફરવા મુસાફરીનું ભાડું પણ આપવામાં આવ્યું. પણ આખરે તેઓ એવા મહાન નિષ્કર્ષ પર પહોંચ્યા કે જેમ છે એમ જ ચાલવા દો. આવું તો દર વર્ષે થાય છે. અને પછી ટીચરો, પરીક્ષાનું રિઝલ્ટ તૈયાર કરવાના પવિત્ર કાર્યમાં વ્યસ્ત થઈ ગયા.
અમારા મધ્ય પ્રદેશના એક ખડુસ ક્ષેત્રિય નેતાએ સ્થાનિક કોલેજમાં પ્રશ્ર્નપત્રની ચોરી અને આડેધડ નકલ થતી હોવાની ફરિયાદને સાંભળીને કહ્યું હતું- અરે ભાઈ, મેં આપણા વિસ્તારમાં આટલી મહેનત કરીને કોલેજ કેમ બનાવડાવી છે? એટલા માટે કે આપણા યુવાનોનો શૈક્ષણિક વિકાસ થાય. હવે એમને પ્રશ્ર્નપત્ર ફોડતા કે નકલ કરતા રોકીશું તો એમનો શૈક્ષણિક વિકાસ કેવી રીતે થશે?
હવે તો પ્રશ્ર્નપત્ર ફૂટવા કે પરીક્ષામાં નકલો થવી- એવું બધું તો આખા દેશમાં થઈ રહ્યું છે. જો કે સરકારે વચન આપ્યું હતું કે તેઓ શિક્ષણમાં સુધાર અને વિકાસ કરશે. દરેક રાજ્યના શિક્ષણ બોર્ડે એવી ખાતરી આપી છે કે અમે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કર્યો છે. તો હવે જ્યારે થોડા દિવસો બાદ પરીક્ષાનું રિઝલ્ટ આવશે ત્યારે ૯૦-૯૫ ટકાવાળા વિદ્યાર્થીઓના ફોટા અને ઇન્ટરવ્યુ લેવા પત્રકારો ઊમટી પડશે. ત્યારે કૃપા કરી આ સવાલ પૂછવાનો નહીં ભૂલતા: બેટા, તેં કેટલામાં પ્રશ્ર્નપત્ર ખરીદ્યું હતું?