ઉત્સવ

થાઈ પાણીપૂરી ટ્રાય કરી છે ક્યારેય?

શેફ વીરેન્દ્રનું બ્રેઈન ચાઈલ્ડ છે આ અનોખી ડિશ

મુંબઈના રસ્તા પર સૌથી વધુ મળતા ફાસ્ટફૂડની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં નંબરે આવે પાણીપૂરી અને બીજા નંબરે આવે છે વડાપાંઉ… પણ જો તમને પૂછવામાં આવે કે તમે અત્યાર સુધી કેટલા પ્રકારની પાણીપૂરી ખાધી છે? તો તમારો શું જવાબ આવે? કે ભાઈસાબ પાણીપુરી તો પાણીપુરી જ હોય ને એમાં વળી વેરિએશન કેવા હોય…

હા બહુ બહુ તો આપણામાંથી જીભના ચટાકાપ્રેમીઓમાંથી કોઈએ લસણવાળું પાણી, ફુદીનાનું પાણી કે પછી જીરાવાળું પાણી ટ્રાય કર્યું હશે, પણ એ ટ્રેન્ડ પણ મુંબઈમાં હજી એટલો ખાસ જોવા નથી મળી રહ્યો, પરંતુ જો અમે તમને પૂછીએ કે શું તમે થાઈ પાણીપૂરી ટ્રાય કરી છે ક્યારેય તો ચોક્કસ જ તમારી આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ જાય કે એ વળી શું છે નવું? આવું તો ક્યારેય સાંભળ્યું જ નથી. આજે અમે તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ આ થાઈ પાણીપૂરીના જનક સાથે…આવો મળીએ શેફ વિરેન્દ્ર રાવતને…

શેફ વીરેન્દ્ર રાવતના કૂકિંગ કૌશલ્ય વિશે વાત કરીએ એ પહેલાં ટૂંકમાં એમનો પરિચય મેળવી લઈએ. વીરેન્દ્ર રાવતનો જન્મ અને ઉછેર બંને મુંબઈમાં જ થયો છે. ગૂડ ફૂડ કોન્સેપ્ટ સાથે સંકળાયેલા વીરેન્દ્રની કુકિંગની દુનિયામાં પ્રવેશવાની સફર વિશે વાત કરીએ તો આ સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે દાદરની કેટરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુશન પૂરું કર્યું હતું. કુકિંગ પ્રત્યેના તેમના પેશન અને સમર્પણે જ વીરેન્દ્રને પાકકળાના ક્ષેત્રમાં નામ અને દામ બંને કમાવવાની તક પૂરી પાડી છે.

કારકિર્દીના પ્રારંભિક તબક્કા વિશે વાત કરતાં શેફ વીરેન્દ્ર જણાવે છે કે શરૂઆતના દિવસોમાં મને જાણીતા શેફ મોશે શેકના માર્ગદર્શન હેઠળ કામ કરવાની તક મળી. તેમનો અનુભવ જ મારા જીવનમાં ટનિંગ પોઈન્ટ લાવનારો સાબિત થયો અને મેં મારી આગવી શૈલીથી કુકિંગ કરવાનું શરૂ કર્યું. શેફ મોશેએ જ મને શિખવાડ્યું કે કંઈક નવું કરતી વખતે, નવા નવા ફ્લેવર્સ સાથે અખતરા કરતી વખતે ચોકસાઈ રાખવી કેટલી જરૂરી છે.

આજે શેફ વીરેન્દ્ર રાવત તેમની પાકકળા અને સતત કંઈક નવું ટ્રાય કરતાં રહેવાની પહેલને કારણે જાણીતું નામ બની ગયા છે. તેઓ એકદમ પારંપારિક વાનગીઓમાં મોર્ડન ફ્યૂઝનનો તડકો લગાવે છે. શેફ વિરેન્દ્ર રાવતે જ આપણે રસ્તા પર મળતી સાધારણ પાણીપુરીને ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જઈને થાઈ પાણીપુરી જેવી અનોખી અને ઈન્ટરસ્ટિંગ ડિશ ઈન્વેન્ટ કરી છે.

પર્સનલ શેફથી કોર્પોરેટ્સ સુધી તમામ પ્રસંગો પર શેફ વીરેન્દ્રએ પોતાના સ્વાદ, વિચાર અને રચનાત્મક્તાથી લોકોને સરપ્રાઈઝ તો કર્યા જ છે, પણ એની સાથે સાથે પોતાની કુકિંગ સ્કીલના દિવાના પણ બનાવ્યા છે. વાતનો દોર આગળ વધારતા શેફ વીરેન્દ્રએ જણાવ્યું હતું કે મારી લાઈફનો એક સિમ્પલ મંત્ર છે કે જો તમે ચેલેન્જને ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી શકો તો સફળતા તમારા કદમ ચૂમે છે. જ્યારે જિંદગીમાં કોઈ પણ પડકાર આવે, કે ચેલેન્જ આવે તો તેનાથી ડરવાને બદલે તેમાંથી તક શોધવાનું શરૂ કરો.

વર્ષોથી કુકિંગની દુનિયામાં નેમ એન્ડ ફેમ કમાવી રહેલા શેફ વીરેન્દ્રની સ્પેશિયાલિટી વિશે વાત કરીએ તો તેમણે થાઈ પાણીપૂરીની સાથે સાથે જ પાત્રા પિઝ્ઝા, કોરિયન ચીઝ બન્સ, થાઈ સિગાર વિથ સ્વીટ ચિલી, સલાડ ઈન જાર જેવા અનોખા અને કંઈક હટકે એવા સ્ટાર્ટર્સ લોકોની પ્લેટમાં સર્વ કર્યા છે. મેઈન કોર્સમાં તેમની સ્પેશિયાલિટી છે સાગો રિસીતો, એક્ઝોટિક થાઈ કરી, મેથી મલાઈ પનીર વિથ ટિકડિયા, નાસી ગોરેંગ, દિલ્લી કા ચાટ્સ સહિત ડેઝર્ટમાં ઓપેરા કેક સ્લાઈઝ, રાસ્પબરી એન્ડ ડાર્ક મેક્રોન્સ, વ્હાઈટ ફોરેસ્ટ રાસ્પબરી, તિરામિશુ જાર્સ જેવા ડેઝર્ટથી અનેક લોકોના દિલ જીતી લીધા છે અને તેમની આ કુકિંગ યાત્રા હજી પણ અવિરતપણે આગળ ધપી રહી છે, આપણે શેફ વીરેન્દ્રને તેઓ આ જ રીતે નવા નવા પ્રયોગો કરીને કૂકિંગક્ષેત્રે પોતાનું અનન્ય યોગદાન આપતા રહે એવી શુભેચ્છા પાઠવીએ….

વન મોર ફિધર ઈન કેપ…

વાનગીઓ, રેસિપી સાથે એક્સપરિમેન્ટ્સ કરવાની સાથે સાથે જ શેફ વીરેન્દ્ર સર્વિંગમાં પણ હંમેશાં કંઈક નવું કરવામાં વિશ્ર્વાસ રાખે છે. તેમની આ જ ધગશે ફ્લાઈંગ બૂફે નામના જેવા તદ્દન અનોખા અને નવા જ કોન્સેપ્ટને ભારતમાં લોન્ચ કરવાનું ક્રેડિટ પણ શેફ વીરેન્દ્રને જ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button