પંખીઓ પણ કરે છે ખુશીનો એકરાર
વિશેષ -કે. પી. સિંહ
પંખીઓને જ્યારે ચણ નાખીએ ત્યારે એ દાણા મોંમાં નાખીને તેમના માટે રાખેલા પાણીમાં ઘૂસીને પાંખો ફેલાવીને કલરવ કરતા હોય તો એ દૃશ્ય જોવા જેવું લાગે છે. એ પળ તેમની ખુશી અને મસ્તીની હોય છે. આપણી બાલ્કનીમાં આપણે રાખેલા પાણીના વાસણમાં પણ તેઓ ભીંજાઈને મન મૂકીને આનંદ લેતા હોય છે. એની અંદર પોતાના પીંછા ફેલાવીને આનંદ કરતા હોય છે. એવું કહેવાય છે કે તેઓ જ્યારે પાંખ ફફડાવે છે એનો અર્થ એ કે તેઓ તમારી હાજરીમાં પોતાને સલામત અનુભવે છે. એવી અનેક લાગણીઓ તેમને પણ હોય છે અને તેઓ વ્યક્ત પણ કરે છે. ખુશીનો એકરાર: પંખીઓ દાણા ચણવાની સાથે પાણીમાં છપાક છપાક કરીને ન્હાતા હોય છે તો એ દૃશ્ય જોઈને તો આપણું મન પણ હરખાઈ જાય છે. એનાથી જાણ થાય છે કે તેઓ ખુશ છે અને તેમનું પેટ ભરાઈ ગયું છે.
સફાઈનો સંકેત: પંખીઓ જ્યારે તેમનાં માટે રાખેલા પાણીના વાસણમાં ઘૂસીને પોતાની પાંખો ફેલાવે છે અને ભીની પાંખોને સુકાવવા માટે એને ફફડાવેે છે તો એનું કારણ છે કે તેના શરીર પર જામેલી માટીને હટાવવા માટે તેઓ આવું કરે છે. તો કેટલીક વખત પંખીઓના શરીર પર કોઈ જીવજંતુઓ પણ ફેલાઈ જાય છે તો એને હટાવવા માટે પણ તેઓ આવી રીત અપનાવે છે. એના માટે તેઓ થોડા સમય માટે પાણીમાં ડૂબકી લગાવે છે. એથી તેમની સાફસફાઈની સાથે કુદરતી સલામત હોવાનો પણ તેઓ સંકેત આપે છે.
ગરમીથી રાહત: બળબળતા ઉનાળામાં ગરમીથી રાહત મળે એ માટે પારેવડા પાણીમાં પડ્યાં રહે છે અને પોતાને ઠંડક આપવાનો પ્રયાસ કરે છે. પોતાના શરીરના તાપમાનને કુદરતી રીતે નિયંત્રિત રાખવાની આ તેમની રીત છે. એથી તેઓ ગરમીથી પણ રાહત અનુભવે છે. ખુશી અને ખેલનો એકરાર: પંખીઓ માટે રાખેલા પાણીના વાસણમાં ઘૂસીને એમાં છપાક છપાક કરતાં તેઓ જ્યારે પાણીને આમ-તેમ ઉડાવે છે તો એનો અર્થ એ થાય છે કે તેઓ મનોવૈજ્ઞાનિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. અનેક વખત એવું બને છે કે કેટલાંય પંખીઓ એક સાથે પાણીમાં ઊતરે છે. એનાથી તેઓ પરસ્પર સંબંધોને પણ સશક્ત બનાવે છે. સાથે જ તેઓ એ વાતને પણ સારી રીતે સમજે છે કે પાણી કેટલું અગત્યનું છે.
વાસ્તવમાં તેમની આવી રમત સહજતાને પણ દર્શાવે છે. ઘણી વખત તેઓ પોતાની હરકતોથી તમારા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા હોય છે. જાણે કે કહી રહ્યાં હોય કે તમે તેમનાં માટે પાણી રાખીને મોટું કામ કર્યું છે. ઝડપથી થતાં શહેરીકરણને કારણે તેમના પ્રાકૃતિક સંસાધનો ખૂબ ઓછાં થઈ ગયાં છે. શહેરોમાં તો પંખીઓ હવે માનવતાની રહેમ નજર પર જ ટકેલાં છે. તેમનાં ભોજનના પણ ફાંફાં છે અને તેમના રહેવાના પણ ઠેકાણાં નથી રહ્યાં. એથી જ્યારે પણ પંખીઓ પાણીની અંદર ઘૂસીને છબછબિયા કરે તો માનવું કે તેઓ પાણીનો વેડફાટ નથી કરી રહ્યાં, પરંતુ તમારી કરુણાનો ધન્યવાદ માની રહ્યાં છે.