ભલે પધાર્યા પ્રભુ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
આપણી પૃથ્વીથી ઘણે દૂર-સુદુર આકાશલોકમાં સર્વ દેવદૂતોની એક તત્કાલીન મિટિંગ ભરાઈ હતી. વરિષ્ઠ દેવદૂતે કહ્યું:- પૃથ્વી પર એક વિશેષ પ્રતિભા ધરાવતું બાળક જન્મ લેવાનું છે. ટોળામાંથી કોઈ બોલ્યું- ભલે ને જન્મે, એમાં શું, પણ આ સભા શા માટે? અને શોરબકોર થવા લાગ્યો. વરિષ્ઠ દેવદૂતે બધાને શાંત પાડતા કહ્યું-શાંત, શાંત- બધા શાંત થઈ જાઓ. પૃથ્વી પર જન્મ લેતાં બધાં બાળકો ખાસ જ હોય છે. પણ, આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. એ વિશેષ પ્રતિભાશાળી ધરાવે છે. આપણે અહીં ઈશ્ર્વરને પ્રાર્થના કરવા ભેગા થયા છીએ કે આ બાળકનો શ્રેષ્ઠ ઉછેર કરી શકે એવાં માતા-પિતાનું સરનામું આપે, જયાં આ બાળક અવતાર ધારણ કરે.
આકાશલોકમાં શાંતિ છવાઈ ગઈ. એક શોધ ટુકડી પૃથ્વીલોકમાં આવી. આ ટુકડીએ ખાસ પ્રતિભાશાળી જણાતા ૧૦૦ દંપતીઓનાં નામ-સરનામાનું લિસ્ટ તૈયાર કરીને વરિષ્ઠ દેવદૂતને આપ્યું. એમણે તે પ્રભુના ચરણે મૂક્યું.
૨૫વર્ષીય શિક્ષિકા નંદિતા અને રેડીમેડ ગારમેન્ટના વેપારી પ્રકાશ મહેતાને ઘરે આ વિશેષ બાળક જન્મ લેશે તેના અવતરણનો સમય પણ નક્કી થઈ ગયો.
ચાલો મળીએ એ સ્પેશિયલ માતા-પિતાને.
૨૧એપ્રિલ ૨૦૦૪નો શુભદિવસ બુધવાર, વહેલી સવારે ૪.૩૦નો સમય હતો. એ ક્ષણને યાદ કરતાં નંદિતા કહે છે- બે નર્સ અને ત્રણ ડોકટરો સાથે હું લેબરરૂમમાં હતી. બાળકને જન્મ આપવાની એ અદ્ભુત ક્ષણ નજીક હતી. જો કે પ્રસૂતિની વેદના અને થોડા ડરની વચ્ચે માતૃત્વના આનંદની અદ્ભુત ક્ષણ પણ ભળેલી હતી. ડોકટરે કોઈ ડીમ લાઈટથી મારાં ગુપ્તાંગોને તપાસ્યા. મારા ચહેરા પર માથા પરની ફ્લડ લાઈટ ઝગારા મારતી હતી. મેં આંખો સજજડ ભીડી દીધી. ડોકટર મને ઊંડા શ્ર્વાસ લઈને પેટના ભાગ પર દબાણ આપવાનું કહી રહ્યા હતા. હું પરસેવે રેબઝેબ અને થાકી ગઈ હતી.
હવે ફોરશેપ કરવું પડશે. એવો એક અવાજ મારા કાને પડ્યો. ત્યાં જ મારા બાળકે પોતાનો માર્ગ શોધી લીધો કે તરત જ એક જ ઝીણું, મીઠું બાળરૂદન ઓપરેશન રૂમમાં સંભળાયું. મારા કાને નર્સના શબ્દો અથડાયા- ઈટ્સ અ બેબી બોય.
હું બરાબર ભાનમાં ન હતી. પણ. ઈટસ અ બેબી બોય શબ્દો સાંભળતા જ મારા આનંદની કોઈ સીમા ન રહી.
પણ, ખબર નહીં થોડી વારમાં જ ડોકટરો અંદર અંદર વાત કરી રહ્યા હતા. નર્સોને સૂચના આપી રહ્યા હતા. અને મારા પર ઈંજેકશનની કોઈ અસર થઈ હશે અને હું ગાઢ નિદ્રામાં સરી પડી.
લગભગ ત્રણેક કલાકે હું ભાનમાં આવી, મારા બેડ પાસે પ્રકાશ ગંભીર ચહેરે બેઠા હતા. મેં મારા બેડ પર કે પારણામાં મારો દીકરો ન જોયો, મેં ગભરાયેલા અવાજે કહ્યું-
કયાં છે આપણો દીકરો ? પ્રકાશે ધીમા અવાજે કહ્યું- તને ચકકર ઓછા થાય પછી તને બતાવું.
ત્યાં જ નર્સ આવી અને નંદિતાને કહેવા લાગી- અબ કૈસા હૈ, લો, યે ઈંજેકશન લેના હૈ.
નર્સ, મેરા બેટા કીધર હૈ, જલદી લે આઓ.
આપ કી ડિલીવરી પ્રીમેચ્યોર હુઈ હૈ. બેટા બહુત કમજોર હૈ. ઉસે ઈન્ટેસીવ કેર યુનિટમેં રખા હૈ.
નંદિતા દયામણા ચહેરે નર્સ સામું જોઈ રહી. પ્રકાશે નંદિતાની પીઠ પસવારતાં કહ્યું- નંદિતા, બાળક તો પ્રભુનું સ્વરૂપ છે. ચિંતા કરવાની નહીં. ડોકટરો આપણા બાળકની વિશેષ કાળજી રાખે છે.
મેં કહ્યું- મને મારા બાળક પાસે લઈ જાઓ.
પ્રકાશે ડોકટરની પરવાનગી લીધી. હું નર્સનો હાથ પકડી ઈન્ટેસીવ કેર યુનિટમાં મારા બાળકને જોવા ગઈ. મારી સાથે જરા ઉદાસ ચહેરે ચાલી રહેલા પ્રકાશે કહ્યું- નંદિતા , આ અશક્ત બાળકને જોઈને હિંમત રાખજે, એનો ઉછેર કરવો એ પડકાર રૂપ છે.
પણ એવું તો શું છે, આપણા બાળકમાં. નંદિતાએ પૂછયું.
કાચની પેટીમાં નાનું, ગોરું ગોરું, આખા શરીરે આછી રૂવાટીવાળું બાળક ટૂટિયું વાળીને સૂતું હતું.
નંદિતાની છાતીમાં દૂધ ઊભરાઈ આવ્યું. બાળકને છાતીએ વળગાડવા એ અધીરી થઈ ગઈ. કેરયુનિટમાં મૂકેલી એક ખુરશી પર બેસી જતાં એ બોલી-સિસ્ટર, મારું બાળક મને આપો, હું એને સ્તનપાન કરાવું.
ના, હમણાં નહીં. ડોકટર કહે ત્યારે જ આપી શકાય. નર્સે કહ્યું.
નંદિતાની આંખ ભરાઈ આવી. હું મારા બાળકને દૂધ પણ ન પીવડાવી શકું. મારી સ્થિતિ પણ દેવકી જેવી જ થઈ. એણે મથુરામાં કૃષ્ણને જન્મ તો આપ્યો પણ વસુદેવ કૃષ્ણને તરત ગોકુળમાં લઈ ગયા. મારો લાલો જન્મતાની સાથે જ આ પેટીમાં પૂરાઈ ગયો. હું માતા તો થઈ, પણ મારા દીકરાને ધવડાવી પણ ન શકું ? પ્રભુ આ તે કેવી કસોટી.
ચાલ, નંદિતા, તું સૂઈ જા. ડોકટર ખૂબ ધ્યાન રાખે છે. જો કેવો શાંતિથી સૂતો છે. પ્રકાશે કહ્યું.
ત્યાં જ ડોકટર અગ્રવાલ આવ્યા અને કહ્યુ:-નંદિતા, હું જાણું છું, તમે ખૂબ ચિંતિત છો. પણ અમે એની સ્પેશિયલ કેર કરીએ છીએ. મને લાગે છે કે એક અઠવાડિયું તો બાળકને આમાં રાખવો પડશે.
મને મારા બાળક સાથે જ રાખો. એને ભૂખ લાગે ત્યારે હું એને દૂધ પીવડાવું. એ ભીનું કરે તો એને સૂકામાં સુવડાવું. નંદિતા એકી શ્ર્વાસે બોલી રહી હતી.
તમે ચિંતા ન કરો. અમે બધું ધ્યાન રાખીશું. નર્સે કહ્યું.
નંદિતા. તમારા બાળકને કોઈ ઈંફેકશન ન લાગે એટલે એને સ્પેશિયલ કેર યુનિટમાં રાખવો જ પડે. તમે તમારા બેડ પર જાઓ.
નંદિતા એકી ટકે જોઈ રહી. મારો લાલો, કાનુડો, કેવો રૂપાળો છે. આ એના વાંકા વળેલા બે પગ અને આ હાથની નાજુક બંધ મુઠ્ઠી હવે કયારે ખુલશે. ત્યાંજ એ શિશુ જરા હલ્યું, હસ્યું. એણે નાનીશી આંખ જરા ઉઘાડી.
નંદિતા અને પ્રકાશની આંખમાં હર્ષના આંસુ આવ્યાં.
નંદિતાએ પ્રભુનો પાડ માણતા ગાયું-
મારા દીકરા. તમે મારા દેવના દીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રહો.
આ ઈશ્ર્વરદત્ત બાળકનો શ્રેષ્ઠ ઉછેર હું કરીશ. હું વ્યવસાયે શિક્ષિકા આ બાળકમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરી એને મહામાનવ બનાવીશું.
પ્રકાશે કહ્યું- નંદિતા ધેટસ ધ સ્પીરીટ. આપણા આ બાળકની ટ્રીટમેન્ટ બેસ્ટ ડોકટર કરશે. પ્રભુએ આપેલા આ પડકારને આપણે હસતે મોઢે ઝીલીશું. ભલે, પધાર્યા પ્રભુ, આપનું સ્વાગત છે.
(ક્રમશ: વધુ આવતા અંકે)