૭૮ વર્ષની ઉંમરેય વીર દુર્ગાદાસે નવી જવાબદારી નિભાવી જાણી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૪૮)
૭૮ વર્ષની ઉંમરે ફરી વીર દુર્ગાદાસ રાઠોડને પોતાની ઉપયોગીતા અને તાકાતનું પ્રદર્શન કરવાનો પડકાર ફેંકાયો. મોગલ બાદલ ફરુખ શિયરે ચુડામન જાટના ઉપદ્રવને નાથવા માટે સવાઈ જયસિંહ આમેરની આગેવાનીમાં મોગલ સેના મોકલી અને એમાં દુર્ગાદાસનો પણ સમાવેશ કરાયો. થુનના કિલ્લા સુધી જવાનું હતું.
દુર્ગાદાસ મોગલ સેના સાથે નીકળ્યા પણ અધવચ્ચે અલગ થઈને વતન સાદડી માટે રવાના થઈ ગયા! શા માટે? કારણ એમને એક વાત ખટકી હતી કે દિલ્હીમાં પોતાનું ભવ્ય સ્વાગત થયું, ઈનામો અપાયા પણ કોઈ જાગીર ન અપાઈ. આવા સંજોગોમાં કોઈ સ્વમાની વીર પુરુષ શા માટે પોતાનો અને સાથીઓના જીવ મોગલો માટે જોખમમાં મૂકે?
દુર્ગાદાસ સાથે આવેલા રાજા અને એમના પુરોગામી- વારસદાર રાજા પણ એમની વીરતા, દેશ-ભક્તિ, યુદ્ધ-કૌશલ અને વ્યૂહનીતિની પ્રશંસા કરતા હતા, એમને આદર આપતા હતા.
ઈ. સ. ૧૭૧૬માં દુર્ગાદાસ રાઠોડે ફરી પોતાનું કૌવત બતાવ્યું.
બાદશાહ ફરુખ શિયરે રામપુરાનું પરગણું ઉદયપુરના મહારાણા
સંગ્રામસિંહ દ્વિતીયની જાગીરમાં જોડી દીધું. મહારાણાએ દુર્ગાદાસને આ જાગીરના સુબા તરીકે જવાબદારી સોંપી. સાથોસાથ આદેશ આપ્યો કે તાત્કાલિક રીતે ત્યાંની સત્તા સંભાળી લો. દુર્ગાદાસ લશ્કર સાથે પહોંચ્યા અને કામ
પૂરું કર્યું.
થોડા સમયમાં મરાઠાઓએ માળવા પર હુમલો કર્યો, ત્યારેય દુર્ગાદાસે સમાધાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જો કે રામપુરામાં સુબેદારના પદ પર હતા, ત્યારથી જ દુર્ગાદાસની
તબિયત કથળવા માંડી હતી. આ માંદગી વચ્ચે સત્તા પર ચોંટી રહેવાને
બદલે તેઓ માતૃભૂમિ માળવાથી દૂર મહાન જૈન તીર્થ ઉજ્જૈન પહોંચી
ગયા હતા. અહીં જ ઈ. સ. ૧૭૧૮ની ૨૨મી નવેમ્બર અને રવિવારના
રોજ ૮૦ વર્ષ અને ત્રણ મહિનાના આયખા બાદ જીવનની માયા સમેટી
લીધી.
ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે આ વીરને અગ્નિદાહ અપાયો અને એમની સ્મૃતિમાં એક છત્રી બનાવાઈ હતી જે આજેય હયાત છે. વીર દુર્ગાદાસ રાઠોડ સ્મૃતિ સમિતિએ. જોધપુરના મસુરિયા પહાડ પર અશ્ર્વસવાર દુર્ગાદાસની અષ્ટ ધાતુની પ્રતિમા આજેય આકર્ષણનું કેન્દ્ર છે. આનું અનાવરણ તત્કાલીન વડા પ્રધાન વાજપેયીજીએ કર્યું હતું.
માતૃભૂમિ, વતન અને સ્વામી માટે સતત લડતા રહેનારા દુગાદાસ રાઠોડે ત્રણ લગ્ન કર્યાં હતાં. પહેલી પત્ની થકી મોટા પુત્ર અભયકરણનો જન્મ થયો. બીજી પત્ની દ્વારા બે દીકરા તેજકરણ અને મહેશકરણ ઉર્ફે મેહકરણ પ્રાપ્ત થયા. તો ત્રીજી પત્ની થકી દીકરી ચૈનકરણે પરીવારને પૂરો કર્યો.
આ સંતાનોએ પણ યથાશક્તિ મહારાજા- મહારાણીની સેવા કરી, લડાઈ કરી અને વફાદારી નિભાવવાનો પ્રયાસ કર્યો પણ એકેય પિતાની આભાને આંબી ન શકયા.
દુર્ગાદાસ રાઠોડની દીર્ઘ પરાક્રમયુકત કારકિર્દીના એક પુરાવા સાબિતી આજેય હયાત છે. રાજસ્થાન અને દિલ્હીના અમુક સંગ્રહ સ્થાનમાં દુર્ગાદાસ રાઠોડે લખેલા અને તેમને લખાયેલા પત્રો આજેય મોજુદ છે.
અહિ સવાલ થાય કે દુર્ગાદાસ જેવા વીર આટઆટલું પરાક્રમ કરે, ત્યારે અગણિત દુશ્મનોની જેમ કાયમી મિત્રો અને સાથીઓ તો હોય જને! એ
બધાનો અલ્પ પરિચય અવશ્ય મેળવવો જોઈએ કે ટીમ દુર્ગાદાસનો સાચો અણસાર મળે. (ક્રમશ:)