પંચતંત્રની પ્રપંચ કથાઓ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
૧ ધ્યેયનું રક્ષણ:
જેમ કે આપણને ખબર જ છે કે એક હતો કાચબો અને એક હતો સસલો.
સસલાએ કાચબાને સંસદમાં, રાજકીય મંચ પર અને પ્રેસનાં નિવેદનો માટે પડકાર આપ્યો- ‘જો આગળ વધવાની બહુ તાકાત છે, તો મારા કરતાં પહેલાં અંતિમ મુકામ પર પહોંચીને બતાડ!’
બેઉ વચ્ચે હરીફાઈ શરૂ થઈ. સસલો એના સ્વભાવ પ્રમાણે ફટાફટ દોડવા લાગ્યો અને કાચબો એની રીતે ધીમી ગતિએ ચાલતો રહ્યો.
જેમ કે આપણને ખબર જ છે કે, આગળ જઈને સસલો એક ઝાડ નીચે આરામ કરવા માંડ્યો. એણે પત્રકારોને કહ્યું કે એ રાષ્ટ્રની સમસ્યાઓ પર ગંભીર ચિંતન કરી રહ્યો છે, કારણ કે એણે ઝડપથી લક્ષ્ય સુધી પહોંચવાનું છે. એવું કહીને એ સૂઈ ગયો.
કાચબો ધીમે ધીમે એનાં લક્ષ્ય સુધી પહોંચવા માંડ્યો.
જ્યારે સસલો સૂઈને ઊઠ્યો ત્યારે એણે જોયું કે કાચબો એના કરતાં આગળ નીકળી ગયો છે એટલે સમજાઇ ગયું કે એની હારના અને બદનામીની સ્પષ્ટ શક્યતાઓ છે.
સસલાએ તરત જ કટોકટી જાહેર કરી દીધી અને એણે એના નિવેદનમાં કહ્યું, ‘પ્રગતિશીલ, પછાત અને રૂઢિચુસ્ત તાકતો આગળ વધી રહી છે, તેઓથી દેશને બચાવવો ખૂબ જ જરૂરી છે.’
આમ કાચબો એના લક્ષ્ય સુધી પહોંચે એ પહેલા જ એની ધરપકડ કરવામાં આવી અને એને જેલમાં ધકેલી દેવામાં આવ્યો!
૨. સિંહની ગુફામાં ન્યાય
જંગલમાં સિંહનો જુલમ બહુ વધી ગયો હતો. જંગલમાં રહેતાં બધાં પ્રાણીઓનું જીવન અસુરક્ષિત હતું અને અસંખ્ય મોત થઈ રહ્યાં હતાં. સિંહ ગમે ત્યારે કોઈના પર પણ હુમલો કરી દેતો.
આ વાતથી પરેશાન થઈને જંગલનાં બધાં પ્રાણીઓ ભેગાં થઈને વનરાજ સિંહને મળવા ગયાં. સિંહ એની ગુફામાંથી બહાર આવ્યો અને કહ્યું, ‘બોલો, શું વાત છે?’
બધાં પ્રાણીઓએ એમની ફરિયાદ કહી અને સિંહના અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો. સિંહે એના ભાષણમાં કહ્યું, ‘સરકારના હિસાબે જે કાર્યવાહી કરવી જરૂરી છે, એ અમે ચોક્કસ કરીશું. જે લોકો અમારી વિરુદ્ધ છે તમે એમની વાતમાં ના ફસાતા. અફવાઓથી સાવધાન રહો, કારણ કે પ્રાણીઓના મૃત્યુના આંકડા અમારી ગુફામાં છે, જેને કોઈપણ અંદર જઈને જોઈ શકે છે. તેમ છતાં જો કોઈ પણ વાત હોય તો તમે મને કહી શકો છો અથવા અદાલતમાં જઈ શકો છો.’
જો કે બધા મામલા સિંહની વિરુદ્ધ હતા અને સિંહને જ એની ફરિયાદ કરવાનો કોઈ અર્થ નહોતો એટલે બધાં પ્રાણીઓએ ખાનગીમાં નક્કી કર્યું કે સહુ અદાલતમાં જશે.
હવે પ્રાણીઓના આ નિર્ણયની ખબર શિયાળ દ્વારા સિંહ સુધી પહોંચી ગઈ હતી.
એ જ રાતે સિંહે અદાલતનો શિકાર કર્યો. ન્યાયના આસનને પંજા વડે ઘસડીને એની ગુફામાં લઈ આવ્યો.
જંગલમાં કટોકટી કે ઇમર્જંસી જાહેર કરવામાં આવી. સિંહે એની ઘોષણાઓમાં કહ્યું, જંગલનાં પ્રાણીઓની સુવિધા માટે, શિયાળ મંડળના સૂચનોને ધ્યાનમાં રાખીને અમે અદાલતને સચિવાલય સાથે જોડી દીધી છે. જેથી ન્યાયની પ્રક્રિયા ઝડપી બને અને બિનજરૂરી વિલંબ દૂર થાય. આજથી બધા કેસોને સુનાવણી અને નિર્ણય મારી ગુફામાંથી જ થશે.’
અને કટોકટી દરમિયાન જે પ્રાણી, ન્યાયની શોધમાં સિંહની ગુફામાં ગયાં, એનો નિર્ણય કેટલી જલદીથી થયો, એ તો સૌ કોઈ જાણે જ છે!
(ચોખવટ: આ વાર્તાઓ શરદ જોશી દ્વારા ૧૯૭૫માં દેશ પર લદાયેલી ઇમર્જંસી કે કટોકટીના સંદર્ભે લખાયેલી છે. કોઇએ એને આજની કહેવાતી ‘અઘોષિત કટોકટી’ના અર્થમાં લેવી નહીં.)