ઉત્સવ

પત્તાનાં બાદશાહની ચુનાવી ઘોષણા

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

સિંહાસનની બાજુમાંની જૂની હીરાજડિત ખુરશી પર બેઠેલી બદામના પત્તાની રાણી ક્યારની ય મસાલેદાર દિલબહાર પાન ચાવી રહી હતી. એનું ફૂલેલું મોઢું, આંખનું કાજળ અને નાકની નથણીમાં લાગેલા
મોતીની સેરમાં બહુ આકર્ષક લાગતી હતી..જે સિંહાસન પર બેઠેલા બુઢ્ઢા બદામના પત્તાના બાદશાહને બહુ ગમી રહી હતી,પણ અચાનક રાણીએ ડોકને ઘુમાવીને કહ્યું, ‘જહાપનાહ, આ વખતે હું ચૂંટણી લડીશ.’ હુક્કો પી રહેલા બદામના પત્તાનો બાદશાહ આ સાંભળીને ચોંકયો અને બોલ્યો, ‘ઓ મારી મહેબૂબા, રાણીસાહેબા.. તું તારું કામ કરને. મોતીઓની માળા પહેર, મનગમતા પકવાન જમ, ક્લબમાં બેસીને મીઠી- મીઠી વાતો કર, બગીચાઓમાં ઝૂલા ઝૂલ, ગીતો સાંભળ… તને પ્રજાની શું પડી છે કે તું ‘લોકશાહી’માં ટાંગ ઘુસાડી રહી છે. તારે જરૂર શું છે ચૂંટણી લડવાની?’
બાદશાહ, શેરબજારની કમાણી, ઘોડાના રેસની કમાણી, ફેક્ટરીમાં રોકાણની કમાણી, મોટાં-મોટાં ખેતરો અને ફળના બગીચાઓની કમાણી, બાપ-દાદાની મિલકત અને મકાનનાં ભાડાની આવકના આધારે જેમ તેમ જીવન જીવી રહ્યો હતો, પણ એના નવાબી ઠાઠમાં જરા ય બદલાવ આવ્યો નહોતો. એ એવા બાદશાહોનો વંશજ હતો, જે અત્યારની કમજોર હાલતમાં યે પોતાની રાણીઓને કહેતા હતા કે ‘તુમ જો બેઠે હો શીશમહલ મેં, તુ કો કૌન પડી પરવાહ?’ બદામનાં બાદશાહે પણ એ જ અંદાજમાં રાણીને કહ્યું ,પણ રાણી પર એની કોઈ અસર થઈ નહીં.
‘આજની લોકશાહીવાળી સરકાર, જ્યારે જુઓ ત્યારે ટ્રંપકાર્ડવાળી ચાલ ચાલે છે અને તમે એક બાદશાહ થઈને ય દબાય જાઓ છો. અરે, લોકશાહી આવી તો શું થયું? ગામડાના લોકો હજી ય અભણ છે, એ લોકો તો આપણને જ વોટ આપશેને? એ ગરીબ લોકો હજી યે આપણી ભક્તિ કરે છે.’ રાણીએ કહ્યું.
‘શું બકે છે, રાણી? શું હું ચૂંટણી લડીને મામૂલી મંત્રી બનું? આનાથી તો મારો રહ્યોસહ્યો રૂઆબ પણ ઘટે. માથા પર મેં જે તાજ પહેર્યો, શું એના પર ગાંધીટોપી પહેરું? શું બકે છે? સંસદમાં બેસીને વિરોધીઓની વાતો સાંભળું? અરે, એક જમાનો હતો જ્યારે અમે બાદશાહો અમારા વિરોધીઓની જીભ કાપી નાખતા!’
‘ઓ બાદશાહજી, આમ હાથ પર હાથ ધરીને બેસી રહેશો તો મંત્રી બનવાનું તો છોડો, તમે પણ ગરીબ કે આમ જનતા બનીને જ રહી જશો. જો દેશમાં સમાજવાદ આવશે તો તમારે રસ્તા પર જૂતાં ઘસવા પડશે. આ વિદેશી મોટરકારો પણ છીનવાઇ જશે. હું કહું છું કે જાતે લડો અને પોતાનું શાસન, જાગીરદારોને ઊભા કરો- જમણેરી પાર્ટીઓ તમને સાથ આપશે.’
‘આવી દલીલોથી બદામની રાણીએ બુદ્ધિભ્રષ્ટ રાજાને વિચારવા માટે મજબૂર કર્યો. બદામના પત્તાનો થોડીવાર હુક્કો ગડાવતો રહ્યો ને પછી એણે કહ્યું, ઓકે, હું લડીશ. હવે જે ચૂંટણી આવશે એમાં હું ધામધૂમથી ચૂંટણી લડવા ઊભો રહીશ. તૈયારીઓ શરૂ કરો!’
બીજા જ દિવસે, જર્જરિત રાજમહેલમાંથી જૂનો બૂંગિયો ઢોલ વગાડતો વગાડતો બાદશાહનો ચમચો દાંડી પીટતાં પીટતાં, ગામનાં ચાર રસ્તા પર પત્તાનાં બાદશાહનું ચૂંટણી ઘોષણાપત્ર સંભળાવવા માંડ્યો:
‘ગરીબોના પાલનહાર અને દયાળુ, જ્યોર્જ છઠ્ઠાના પ્રિય, તાશ કુળદીપક, હિઝ હાઈનેસ બદામના પત્તાનો રાજા અને હર હાઈનેસ બદામના પત્તાની રાણી રાજાસત્તાકની પ્રાચીન માન, સન્માન, પ્રતિષ્ઠાને કાયમ રાખવા. લોકશાહી પર દયા કરવા, પ્રજાની વિનંતી પર પોતાના ગુલામો, દસ્સા, અઠ્ઠા અને છગ્ગા સહિત સૌ લોકશાહીની ચૂંટણીમાં લડવા જઈ રહ્યા હતા. સમગ્ર પ્રજાને જાણ થાય કે પત્તાનાં બાદશાહો, રાણીઓ અને ગુલામો શાસનમાં આવશે ત્યારે આ દેશની એવી જ હાલત કરવામાં આવશે જે આ દેશમાં મૂઈ આઝાદી આવતા પહેલા હતી. ગરીબોની બેરોજગારી દૂર કરવા સિંહના શિકારનું ચલણ વધારવામાં આવશે. ગરીબ પ્રજાને અવાજ ઉઠાવવાની તક મળશે. દેશની સમૃદ્ધિ વધારવા માટે વિદેશથી ઈમ્પોર્ટેડ ગાડીઓની આયાતમાં વધારો કરાશે. ઉચ્ચ કક્ષાની શરાબની આયાત વધારીને રાષ્ટ્રીય એકતામાં વધારો કરવામાં આવશે. રાજ્યો, જાગીરદારો, જમીનદારો અને શેઠિયાઓના છોકરાઓ માટે નવી જાહેર શાળાઓ ખોલવામાં આવશે ,જેથી શિક્ષણનો વિકાસ થાય. બીજા દેશોમાં ભારતની ઇજજત વધારવા માટે રાજાસાહેબ પોતે વર્ષમાં ત્રણ મહિના પેરિસમાં રહેશે.
મહેલની સામેનો રસ્તો પહોળો કરવામાં આવશે અને સરકારી ટેક્સ સલામી મુજરાના ભેંટ રૂપે લેવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકારી અધિકારીઓ ચાબૂક હાથમાં લઈને, ઘોડા પર બેસીને ગામડે ગામડે ફરશે. લોકશાહીને લગતી બધી બાબતના નિર્ણય રાજા સાહેબ પોતે ‘દરબારે આમ’માં કરશે. સમાજમાં સૌ માટે સમાજવાદ લાવવા અંગે નવરાશના સમયમાં વિચાર કરવામાં આવશે. પ્રજા માટે મહારાજ રોજ સવારે દસ મિનિટ માટે ઝરૂખામાંથી દર્શન આપશે.એ ઉપરાંત, મહિનામાં એક વાર મહારાજની સવારી રસ્તાની વચ્ચેથી નીકળશે. છવ્વીસમી જાન્યુઆરીના બદલે દશેરાનો દરબાર ફરી શરૂ કરવામાં આવશે….. તો રાજની પ્રજાને આદેશ આપવામાં આવે છે કે મહારાજા, મહારાણી અને એમના કાર્યકર્તાઓ ઉર્ફે ચમચાઓને
(જમણેરી પાર્ટીવાળાં સહિત) સૌને વોટ આપીને એમની ફરજ પૂરી કરે…!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…