ઉત્સવ

ટ્યૂશનનાં ઇજેક્શન શિક્ષાનો વેપાર, વેપારની શિક્ષા

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: શિક્ષા ને પરીક્ષા, બે અલગ બાબત છે. (છેલવાણી)
બે ગરીબ, ટ્યૂશન ટીચરો, ટાઇમ-પાસ કરતા હતા ત્યારે એક ટીચરે, બીજાને પૂછ્યું, ‘ધારો કે તારી પાસે ‘ટાટા-બિરલા’ જેટલાં પૈસા આવી જાય તો?’

બીજા ટીચરે કહ્યું, ‘તો હું તો ટાટા-બિરલા કરતાં વધારે પૈસાવાળો હોઇશ!’

પહેલાએ પૂછ્યું, ‘અરે, એ કઇ રીતે? તને ’ટાટા-બિરલા’ જેટલાં જ પૈસા મળશે ને તારી પાસે ક્યાં કશું છે?’

‘મૂરખ, મારાં ટ્યૂશનો તો ચાલુ જ રહેશેને?’ બીજા ટીચરે આંખ મારી!

સામે પહેલાએ કહ્યું, ’લે! તો પછી હું તો ટાટા-બિરલા ને તારાથી યે વધારે પૈસાવાળો બનીશ. મારી તો વાઇફ પણ ટ્યૂશન કરાવે છેને?’

દેશમાં, સરેરાશ શિક્ષકની આવી જ હાલત છે, ટૂંકા પગારમાં ટ્યૂશન કરવા પડે છે. સ્કૂલોમાં હજી યે ભણતરનું ‘અવેલેબલ લેવલ’ એવું છે કે ‘ટ્યૂશનં શરણં ગચ્છામિ’ વિના છૂટકો જ નથી. ‘ટ્યૂશન-પુરાણ’ની કાળી ડિબાંગ બાજુ પણ છે. જેમાં ભણતરનો ભયંકર ભોરિંગ, ભરખી જાય છે, માસૂમ વિદ્યાર્થીઓને… જે બિચારા નાની આંખે, મોટા સપનાં જુએ છે. જેમનાં મા-બાપો, સંતાનોની સફળ કરીયર બનાવવા, સપનાંઓનું વિષાક્ત વાવેતર બાળકોમાં કર્યે જ રાખે છે.

રાજસ્થાનનાં કોટા શહેરમાં એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં ‘સ્પર્ધાત્મક પ્રવેશ-પરીક્ષા’ કે ‘એંટ્રેંસ એક્ઝામ’ની તૈયારી માટે દેશભરથી વર્ષે આશરે ૨.૫ લાખ વિદ્યાર્થીઓ આવે છે, જ્યાં માત્ર ને માત્ર માર્ક્સ મેળવવાની જ સતત-સખત તાલીમ આપવામાં આવે છે. કોટા શહેર, ‘કોચિંગ-હબ’ કે ‘કોટા-ફેક્ટરી’ તરીકે જાણીતું છે કારણ કે ત્યાં ગલીગલીએ લાઇનબંધ, કોચિંગવાળાંઓ રીતસર શિક્ષા વેંચે છે. કોટામાં કોચિંગવાળાઓ, આંતરિક પરીક્ષાઓની લગામ મારી મારીને, લક્ષ્ય ભણી વિદ્યાર્થીઓને દોડતા રાખે છે, જે આખરે હાંફીને હારી જાય છે.

હમણાં ‘નીટ’(NEET)ની પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી, અમનકુમાર સિંહ કોટાથી કંટાળીને ભાગી ગયો ને મા-બાપને ચિઠ્ઠી લખી: ‘મારું ભણવામાં મન નથી લાગતું માટે ભાગી જઉં છું. દર વર્ષે, ઘરે ૧ વાર ફોન કરીશ, ૫ વરસે ઘરે પાછો આવીશ ને હું કોઈ ખોટું પગલું નહીં ભરું!’

પોલીસને હજુઅમન, મળ્યો નથી. ગુમનામ સપનાનાં સરનામાં નથી હોતા.

ગયા વર્ષે, ‘આદર્શ રાજ’ નામનાં મેડિકલ એંટ્રેંસ-એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીને કોચીંગ ક્લાસની ઇંટરનલ પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા ને એણે આત્મહત્યા કરી. આવા અનેક કરુણ કિસ્સાઓની ભરમાર છે. મહત્ત્વાકાંક્ષી મા-બાપો, બાળકોને કોટાના કોચિંગ ક્લાસની ભઠ્ઠીમાં રીતસર ધકેલે છે, જેથી બાળકો કામિયાબ એન્જિનિયરિંગ, ડૉક્ટર કે સરકારી ઓફિસર બનીને લાખો કમાઇ શકે. એંટ્રેન્સ કે કોમ્પિટેટિવ પરીક્ષાનાં પ્રેશરથી બાળકો હતાશા, આત્મહત્યા કે નશેબાજીમાં નાશ પામવાનાં સેંકડો કિસ્સાઓ બન્યા જ કરે છે.

ઈંટરવલ: પઢોગે લિખોગે, બનોગે નવાબ,
જો ખેલોગે, કૂદોગે, હોંગે ખરાબ! (શકીલ બદાયુની)
ગયા ડિસેમ્બરમાં, ભારતીય સંસદનાં આંકડાઓ અનુસાર, ૨૦૧૯-૨૧ વચ્ચે દેશમાં ૩૫,૯૫૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરેલી. માત્ર કોટામાં જ ૨૦૨૩માં ૨૬થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરેલી ને આ વરસે પણ ‘સ્યૂઇસાઇડનો સિલસિલો’ ચાલુ જ છે! નોર્મલ કોલેજોનું મુક્ત વાતાવરણ, સ્પોર્ટ્સ કે નાટક-સંગીત-નૃત્ય જેવી ઇતર પ્રવૃત્તિઓ વગેરે વિના સતત માર્ક્સ મેળવવાનાં મહાબોજથી કોચિંગ ફેક્ટરીમાં ૧૭-૧૮ વરસનો વિદ્યાર્થી તન-મનથી ત્રાસી જાય છે. ખરેખર તો આ બધાંનાં મૂળમાં, બોલ-બચન નેતાઓએ બક્ષેલી બેકારી છે અને ચુનાવ-જીવીઓની જુમલાબાજી ચાલે જ રાખે છે.
ચલો, ગમગીન ગાથાઓ છોડો. અગાઉ બોલીવૂડમાં રોશન તનેજા કે આશા ચંદ્રા, જેવા ફ્લોપ કલાકારો એક્ટિંગના કોચિંગ ક્લાસ ચલાવીને, દેશભરથી રાતોરાત ‘સ્ટાર’ બનવા આવેલા યુવક-યુવતીઓ પાસેથી હજારો રૂ. કમાતા. હવે ચતુર ચરિત્ર-અભિનેતાઓ શહેર શહેર, શાખાઓ ખોલીને, ‘એક્ટર-રાઇટર-ડાયરેક્ટર’ બનાવવાનાં કોર્સથી લાખો-કરોડો કમાય છે. આજકાલ બોલિવૂડમાં નોર્મલ હિંદી બોલતા શીખવવાનાં ટ્યૂશનો ચાલે છે!

જો કે આપણે ત્યાં ‘ટ્યૂશન-ટીચર’ શબ્દ ખામખાં બદનામ છે. પણ જેમ મીઠાઇ ‘કંદોઇ’ બનાવે, ક્રિકેટર નહીં. એ વાત ટ્યૂશન માટે પણ લાગુ પડે છે. રિક્ષાવાળો, શિક્ષા થોડીને આપી શકે? સમજાતું નથી કે લોકો, ટ્યૂશન-ટીચરો કે ટીચરોની આટલી નિંદા કેમ કરે છે? શ્રીકૃષ્ણ, સાંદીપની ઋષિ પાસે ને શ્રીરામ પણ ગુરુના આશ્રમમાં ગયેલા. સંત-કવિ તુલસીદાસે લખેલું: ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ. અલ્પકાલ વિદ્યા સબ આઇ.’ એટલે કે શ્રીરામ ગુરુનાં આશ્રમમાં ગયા માટે જ એમને જલદી જ્ઞાન મળેલું. તો આજના સામાન્ય વિદ્યાર્થીઓની શું ઓકાત? જો કે એ મહાન ઋષિઓ ને આજનાં ટ્યૂશન-ટીચરોની તુલના ના જ થાય, પણ ભારત જેવા ’શાસ્ત્ર-પ્રધાન’ દેશમાં ટ્યૂશન-શાસ્ત્ર’ કેમ નથી લખાયું?- એ વિશે શાસ્ત્રોનાં સ્કોલરોએ ‘ટ્યૂશન’ લેવા જોઇએ.

બધાં નહીં પણ ઘણાં ખરા, ‘ટ્યૂશન-જીવી’ શિક્ષકોએ ટ્યૂશન મેળવવા સ્કૂલમાં બહુ મહેનત કરવી પડે છે. જેમ કે- ‘ક્લાસમાં મોડા આવવું, ક્લાસમાં ’માથું દુ:ખે છે’ કહીને સૂઇ જવું, ૧-૨ સહેલા પ્રશ્ર્નો સમજાવવાનાં ને અઘરા પ્રશ્ર્નોને હોમવર્કમાં આપી દેવાનાં, વિદ્યાર્થી કંઈ પૂછે તો કહી દેવાનું કે ક્લાસ પછી સમજાવીશ. ક્લાસ પછી પૂછે તો કહેવાનું ઘરે આવજે, ત્યાં સમજાવીશ’ વગેરે વગેરે.. અથવા અર્ધ-વાર્ષિક પરીક્ષામાં પૈસાપાત્ર ને નબળા વિદ્યાર્થીઓને જાણી કરીને ઓછાં માર્કસ આપવાનાં, જેથી એ બાળકોએ પરાણે પૂ.ટીચરનું જખ મારીને ટ્યૂશન રાખવું જ પડે અને પછી શરૂ થાય ‘ટ્યૂશન-ટ્રેડિંગ’
મહાકવિ કબીરજી, ભણેલ નહોતા પણ મહાજ્ઞાની હતા એટલે જ એમણે લખેલું: ‘કહત કબીર ગુરુ રૂઠતે, હરિ નહીં હોત સહાય.’ (અગાઉ ‘મન’થી ને હવે ‘ધન’થી સેવા કરવાથી) ગુરુ, એકવાર પ્રસન્ન થાય તો ભગવાન પણ નુકસાન કરી શકતા નથી. પણ જો ગુરુ ક્રોધિત થાય તો ભગવાન પણ મદદ કરી શકતા નથી.

..તો શિક્ષા કે કોમર્સકી ક્રોનોલોજી સમઝો!

એંડ-ટાઇટલ્સ:
આદમ: મને ભણાવીશ?
ઈવ: ના, તું મારું યે ભણેલું ભુલાવી દઇશ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button