ઉત્સવ

આપણી નજીકની વ્યક્તિ સાથેના સંબંધમાં અહંકારને સ્થાન ન હોવું જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ એક યુવતીએ મને કહ્યું, મારા બોયફ્રેન્ડ સાથે મારું બ્રેકઅપ થઈ ગયું છે.’

મને આશ્ર્ચર્ય થયું કારણ કે તે એક યુવાન સાથે ત્રણ વર્ષથી પ્રેમમાં હતી. બંને સાથે હરતાંફરતાં હતાં. બંનેએ એક જ ક્ષેત્રમાં હતા અને થોડા સમય અગાઉ તો લગ્નનું આયોજન કરી રહ્યાં હતાં. મને આશ્ર્ચર્ય થયું અને થોડો આઘાત પણ લાગ્યો. મેં તેને પૂછ્યું: એવું તે વળી શું થઈ ગયું કે તમે બંને છૂટા પડી ગયાં?’

તેણે કહ્યું: મારા બોયફ્રેન્ડે મારી સાથે અંતર કરી નાખ્યું હતું. અને મેં ગુસ્સો કર્યો તો તેણે મને મનાવવાને બદલે જે રીતે વાત કરી એને કારણે મારો ઈગો હર્ટ થઈ ગયો અને મેં પણ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. એ પછી તેણે મને કોલ કર્યા, મેસેજ કર્યા, પણ મેં નક્કી કરી લીધું કે હવે આ હું આ તકલાદી સંબંધને લાંબુ ખેંચવા માગતી નથી. તેને મારી દરકાર ન હોય તો હું પણ તેના વિના જીવી શકું છું.’ તે યુવતીએ કહ્યું: પેલું ગીત છે ને કે વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકીન, ઉસે એક ખૂબસૂરત મોડ દે કે છોડના અચ્છા… એ જ રીતે મેં તેની સાથે કોઈ ઝઘડો કર્યા વિના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું.’

મેં તને કહ્યું: આવું બને ત્યારે હિન્દી ફિલ્મનાં બીજા ગીતો પણ યાદ કરી શકે ને! થોડી સી બેવફાઈ’ ફિલ્મમાં રાજેશ ખન્ના અને શબાના આદમી વચ્ચે જે ગેરસમજ થાય છે એ ફિલ્મના એક ગીતના શબ્દો યાદ રાખવા જોઈએ: ઉન્હે યે જીદ થી કી હમ બુલાતે, હમે યે ઉમ્મીદ વો પુકારે…’

તેણે ખભા ઊલાળતા કહ્યું: વોટએવર, પણ હવે બધું ખતમ થઈ ગયું અમારી વચ્ચે.’

મેં તેને પૂછ્યું: એક અઠવાડિયા દરમિયાન તારા બોયફ્રેન્ડના સંજોગો કહેવા હતા એ તને ખબર હતી? એ કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો એના વિશે તને ખબર હતી?’

તેણે કહ્યું: સંજોગો ગમે એવા હોય ગમે, પણ અમારી વચ્ચે એક નિયમ હતો કે અમે રોજ દિવસમાં બે વખત અમે ફોન પર વાત કરીશું. એને બદલે તેણે એક સપ્તાહ સુધી મારો સંપર્ક ન કર્યો. તે સામાન્ય રીતે રોજ સવારે મને ગુડ મોર્નિંગ’નો મેસેજ મોકલે. એ દિવસે તેણે મને મેસેજ મોકલ્યો નહીં!’

મેં તેને કહ્યું: તો તું પણ ગુડ મોર્નિંગ’ મેસેજ મોકલી શકે ને?’

તેણે કહ્યું હતું: મેં મેસેજ કર્યો હતો, પણ તેણે એનો જવાબ છેક બીજે દિવસે આપ્યો!’
તેણે ઘણી ફરિયાદો કરી અને આક્રોશ ઠાલવ્યો પછી તે રડી પડી.

મેં તેને કહ્યું: તું એક વાર તેને મળીને શાંતિથી વાત કરી જો.’
તે યુવતીએ ત્યારે તો કહ્યું કે મારે તેનું મોઢું પણ નથી જોવું. જો કે થોડા દિવસો પછી તેનો કોલ આવ્યો. તેણે કહ્યું: અમારી વચ્ચે ગેરસમજ થઈ હતી એ દૂર થઈ ગઈ છે અને મેં તેને સોરી’ પણ કહ્યું અને તેણે પણ મને સોરી’ કહી દીધું છે.’

તે બંને વચ્ચે સંવાદ થયો ત્યારે તે યુવતીને ખબર પડી કે એ દરમિયાન તેના બોયફ્રેન્ડના કુટુંબમાં કોઈક મોટી તકલીફ ઊભી થઈ હતી અને તે એવી સ્થિતિમાં નહોતો કે તેની સાથે વાત કરી શકે. તે તેની ગર્લફ્રેન્ડને સ્ટ્રેસ આપવા ઇચ્છતો નહોતો. તેના બોયફ્રેન્ડે તેને કહ્યું હતું કે હું માનસિક તણાવ હેઠળ હતો એટલે તેં ખરાબ રીતે વાત કરી એથી મને પણ ગુસ્સો આવી ગયો હતો.

તે યુવતીની સાથે વાત કર્યા પછી મને થયું કે આપણે કેટલી નાનીનાની વાતોમાં સંબંધોને દાવ પર લગાવી દેતા હોઈએ છીએ અંગત સંબંધોને અહંકારથી અભડાવવા ન જોઈએ. જે સંબંધો તમારા માટે સંબંધો મહત્વના હોય એમાં અહંકારની ભાવના ન આવવી જોઈએ. મારા મિત્ર ભાનુકુમાર મહેતાની દીકરી નિયતિએ એક સરસ મજાની વાત વીડિયો બનાવીને શેર કરી હતી એ હૃદયને સ્પર્શી ગઈ હતી: હું જ્યારે નાની હતી ત્યારે મારા પપ્પાએ કહ્યું હતું કે એક લિસ્ટ બનાવો, દસ લોકોનું. એવા દસ લોકોનું, જેમની વાતોનું તમારે ક્યારેય ખરાબ નથી લગાડવાનું.’ જોકે હું નાની હતી ત્યારે મને પપ્પાની એ વાતથી ગુસ્સો પણ આવતો હતો. મને થયું કે કોઈ આપણી સાથે ગમે નહીં એવી વાત કરે તો ય ખરાબ પણ નહીં લગાડવાનું! પણ આજે જ્યારે વિચારું છું તો લાગે છે કે આ સૌથી સુંદર સલાહ છે. એવા દસ લોકોનું લિસ્ટ બનાવું જોઈએ, જેમના પર તમે પૂરો વિશ્વાસ કરી શકો છો, જેમનાથી તમને કોઈ દિવસ ડર લાગતો નથી, જેમના જજમેન્ટનો ડર નથી લાગતો કે જેમના ઈરાદાઓ વિષે પણ ક્યારેય કોઈ ડર નથી લાગતો. બની શકે છે કે તે વ્યક્તિઓ સાથે ક્યારેક કોઈ અણસમજ થાય, નારાજગી થાય, પણ તમે તેમની પાસે જાઓ, વાતો કરો.

હકથી સામે બેસાડીને વાત કરો, પણ તેમની કોઈ વાતથી તમે દુભાયા હો તો તો એ વાત દિલમાંથી દૂર કરી નાખજો કારણ કે એવી દરેક નાની-નાની વાતથી મોટો હોય છે એ સંબંધ, જેને તમે મહત્ત્વનો ગણ્યો હોય છે.

મારી સાથે હંમેશાં એવી વ્યક્તિઓ સાથેનો સંબંધ અકબંધ રહ્યો, જેના નામનું મેં લિસ્ટ બનાવ્યું હતું. તમે પણ કોશિશ કરજો. આ દસ લોકો તમને બહુ જ તાકાત આપશે, બહુ જ ખુશી આપશે.’
નિયતિ મહેતાએ કહેલી આ વાત જુદીજુદી રીતે ઘણા લોકો કહી ગયા છે, પરંતુ આટલી સામાન્ય વાત પણ આપણે જીવનમાં ઉતારી શકતા નથી. આપણા માટે જે સૌથી વધુ મહત્વની વ્યક્તિઓ હોય તેમની સાથેના સંબંધમાં અહંકારને સ્થાન ન હોવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ