ઉત્સવ

અહંકારની પુકાર નાનો માણસ-મોટો ઇગો

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ખુશી અને ખુરશી જીરવવી અઘરી. (છેલવાણી)
‘બૈરાગ’ ફિલ્મમાં અંધની ભૂમિકા ભજવ્યા બાદ દિલીપકુમાર ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્લાઇન્ડસ’ નામની અંધજનોની સંસ્થામાં ટ્રસ્ટી હતા. એકવાર એમણે અભિનેતા નસીરૂદ્દીન શાહને ત્યાં ચીફ-ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું, કારણ કે નસીરે ‘સ્પર્શ’ ફિલ્મમાં અંધનો અદ્ભુત રોલ કરેલો અને નેશનલ એવોર્ડ મેળવેલો, પણ નસીરે દિલીપસાહેબને લાંબો પત્ર લખ્યો કે એ અઠવાડિયે એણે ક્યાં-ક્યાં શૂટિંગ કરવા જવાનું છે, ક્યો-કયો એવોર્ડ લેવા જવાનું છે વગેરે વગેરે.. જેથી કાર્યક્રમમાં નહીં આવી શકે…
દિલીપકુમારે પત્રને વાંચીને હસીને કહ્યું : જનાબ કહના ચાહતે હૈં કિ આઇ હેવ અરાઇવ્ડ!’ એટલે કે હું હવે એક લેવલ પર પહોંચી ગયો છું! નસીરે નવી નવી સફળતાના નશામાં પોતાની ફજેતી કરી લીધી. નવી સફળતા-નવો પાવર- નવી ખુરશીનો નશો- શરાબ, કોકેન કે હેરોઇન જેવા ડ્રગ્સથી વધારે કાતિલ હોય છે.

યુ.પી.માં અત્યંત ગરીબ સમાજમાંથી આવેલ એક મુખ્યમંત્રી પાસે જેવો પાવર આવ્યો કે એમણે સી.એમ. ઓફિસની પોતાની રૂમમાં એક જ ખુરશી પોતાના બેસવા માટે રાખી હતી. મુલાકાતી ગમે એટલો મોટો માણસ હોય એણે સી.એમ. સામે પરાણે ઊભા જ રહેવાનું! આમાં ગરીબીમાંથી અચાનક પાવરફૂલ બનેલા સી.એમ.નો ઇગો સંતોષાતો.

મારો એક કઝીન નાનપણમાં મારા ગામ દ્વારકાથી નજીક મીઠાપુર ટાઉનમાં ૧૦ કિલો મીટરના અંતરે શનિ-રવિ ફરવા ગયો ને એને એમ લાગ્યું કે એણે જાણે માર્કો પોલોની જેમ જગતની યાત્રા કરી નાખી છે એટલે દ્વારકા પાછા આવીને જે સામે મળે એને પૂછે : ‘કાં? ઓળખ પડે છે?’ હવે બે દિવસમાં કોણ એને ભૂલી જવાનું કે એ બદલાઇ જવાનો? પણ આ છે નાના માણસનો મોટો ઇગો!
નવજાત પાવરમાં લોકો, તુઘલક જેવા નવા નવા નિયમો લાદતા હોય ને નવી સૂબેદારીનો સુંવાળો અહમ ને ભરમ પાળતા હોય છે.

કાદરખાન જ્યારે નં.૧ ડાયલોગ-રાઇટર ને કોમેડિયન હતા ત્યારે દરેક સીનમાં છેલ્લી પંચલાઇન પોતાની જ રાખતા, જેથી સામેનો કલાકાર લાજવાબ થઇ જાય ને સીનના અંતે કાદરખાનને જ તાળીઓ મળે, પણ અસરાની જેવા કલાકાર, કાદરખાનની પંચલાઇન પર પોતાની પંચલાઇન ચાલુ સીનમાં નાખી દેતા ને પછી કાદરખાનને કંઇ ના સૂઝે એટલે એ અસરાનીને થપ્પડ મારી દેતા! આવું બહુ ચાલ્યું પછી અસરાની જેવા સિનિયર કલાકારોએ કાદરખાન સાથે કામ કરવાનું જ બંધ કરી દીધું. નવા પાવરમાં લઘુતાગ્રંથિની લીલા સોળે કળાએ ખિલતી હોય છે.

એક નાનકડા શહેરમાંથી ચૂંટાયેલા નેતા અચાનક મોટા મંત્રી બની ગયા ત્યારે જૂના સરકારી અધિકારીઓને ખૂબ હડધૂત કરતા, પણ સત્તા સામે સૌ લાચાર. એક વાર એક મામૂલી પિયુને મંત્રીને સંભળાવી દીધું : મંત્રીજી, એ ન ભૂલતા કે તમે પાંચ વરસ માટે છો, હું તો પર્મેનેંટ છું! ’

ઇન્ટરવલ:
આજ મૈં જહાં હું, કલ કોઇ ઔર થા યે ભી એક દૌર હૈ,
વો ભી એક દૌર થા. (સાહિર)
મેં શરૂશરૂમાં કાલીઘેલી કવિતાઓ લખવાનું શરૂ કરેલી ત્યારે મેં એક અ-કવિ મિત્રને મારી કવિતા સંભળાવી: ‘ઇચ્છાઓના ખેતરમાં લાગણીઓનાં ઘોડા તબડક તબડક તબડક તબડક દોડે.’ મિત્રએ સૂચવ્યું: આ ‘તબડક-તબડક’ ૪વાર ને બદલે ૨વાર કર… મેં સૂચન માન્યું પણ પછી તો એ દરેક લાઇનમાં બે-બે શબ્દો કાપી નાખવાનું સૂચન કરવા માંડ્યો, જાણે કવિતા એની પોતાની હોય! મેં કંટાળીને આમ કરવાનું કારણ પૂછ્યું તો એણે નિખાલસતાથી કહ્યું: યાર,મને મને તારી કવિતા કાપવામાં બહુ મજા આવે છે!’

જો કે બીજાની રચના કે લખાણ કાપવાનો અધિકૃત પાવર, વિદેશોમાં મોટી મોટી પબ્લિશિંગ કંપનીના તંત્રી પાસે હોય છે. નવા લેખકોનાં અપ્રગટ પુસ્તકોને રિજેક્ટ કરવા કે એમાં કાપકૂપ કરવાની સત્તા હોય છે. ઇતિહાસ ગવાહ છે કે જે.કે. રોલિંગ- જેફ્રી આર્ચર જેવા બેસ્ટસેલર લેખકનાં પુસ્તકોને એ તંત્રીઓએ વરસો સુધી વારંવાર નકાર્યાં હતાં અથવા તો સુધારીને બગાડ્યા હતા. આજે એ જ જેફ્રી આર્ચર- જે.કે. રોલિંગ-મારિયો પુઝો જેવા લેખકો અને એમની એ જ નવલકથાઓ જગ ભરમાં અમર છે ને તંત્રીઓને આજે કોઇ જાણતું-ઓળખતું પણ પણ નથી.

મહાકવિ-નાટ્યકાર શેક્સપિયરની એક રચનાનું ત્યારની ઇંગ્લેંડની રાણી એલિઝાબેથ પહેલીએ ભરસભામાં ટીકા કરીને અપમાન કરેલું ત્યારે શેક્સપિયરે કહેલું : ‘ઇતિહાસ શેક્સપિયરને યાદ રાખશે પણ એના સમયમાં કઇ રાણી કે રાજા હતો એ કોઇને યાદ પણ નહીં હોય!’ થયું પણ એવું જ ને?

ગુજરાતી રંગભૂમિના ટેલેંટેડ પણ ખૂબ તુમાખીવાળા નિર્દેશક અરવિંદ ઠક્કરનો આંતરકોલેજ નાટ્ય સ્પર્ધાઓમાં સિક્કો ચાલતો. પણ આવી નાનકડી પ્રવૃત્તિમાં એમણે પણ પાવરના નશામાં ત્યારના નવાસવા અભિનેતા જતીનને બધાની સામે થપ્પડ મારેલી. પછી એ જતીન-‘રાજેશ ખન્ના’ બનીને દંતકથા સમાન સુપરસ્ટાર બની ગયા અને અરવિંદ ઠક્કર અમુક નાટકો આપીને શરાબ- ગુનાખોરી અને મનોરોગનો શિકાર બનીને ગુમનામીમાં ખોવાઇને
કરૂણ રીતે મૃત્યુ પામ્યા.

વરસો સુધી મુંબઇ કે ગુજરાતનાં પાઠયપુસ્તકોમાં ત્યારના વિદ્વાનોએ મહાકવિ ‘મરીઝ’ની ગઝલોને ક્યારેય પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપ્યું નહીં આજે એ વિદ્વાનોની હયાતિ કોઇને યાદ નથી, પણ ‘મરીઝ’ની ગઝલો લોકોનાં દિલ પર હજીયે રાજ કરે છે!

ભારતીય હાસ્ય-વ્યંગના બાદશાહ હરિશંકર પરસાઇએ કહેલું :‘મારી વ્યંગરચનાઓ માટે તંત્રીઓ અને વિવેચકો કહેતા કે આ બધું હસાવવાનું છોડો, કશુંક એવું લખો કે સાહિત્યમાં અમર થઇ જાવ! મને ‘અમર’બનવાનું કહેનારાઓ એ બધા ક્યારના ય મરી ગયા ને હું હજી યે લખું છું ! ’ ખરેખર તો કોઇપણ લેખક-કલાકાર કે સત્તાધીશ, સમયના વિશાળ મહાસાગરમાં ઉપર-નીચે ઉછળતા-પડતા મોજાં જેવા હોય છે. કોઇકની લહેર મોટી, તો કોઇકની નાની, પણ આખરે તમામ લહેરે ખતમ જ થવાનું છેને? આનાથી મોટું પાવર વિશેનું કોઇ સત્ય નથી.
એંડ-ટાઇટલ્સ:
ઇવ: તને શેનો આટલો ઇગો છે?
આદમ: તને મેળવવાનો!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો