ટૅક વ્યૂહ – : ઓબ્જેક્ટ – એડિટ ને ઈમેજ ચલો, કંઈક નવું શીખીએ !
વિરલ રાઠોડ
ઈન્ટરનેટ જ્યારે નવું નવું હતું એ સમયે ઘણી બધી એપ્લિકેશન એવી હતી, જેનાથી કામ આસાન થઈ જતાં હતાં જેમ કે, કોઈ રેઝ્યુમ તૈયાર કરવો હોય તો એના ટેમ્પલેટ સીધા જ એડિટ કરી શકાતા. એ સમયે આવા તૈયાર ઓઠા સોફ્ટવેર સાથે જ આવી જતા. ઘણા બધા લોકોએ આનો ઉપયોગ કરેલો. આ વસ્તુ આજે ગુગલ ડોક્સમાં મળે છે. ફાયદો એ થયો કે, ઈનોવેટિવ રેઝ્યુમને મોટો અવકાશ પ્રાપ્ત થયો. લેટરની ફોર્મેટ એવી રીતે બદલી કે, કોર્પોરેટ કોમ્યુનિકેશનની આખી શૈલી બદલી ગઈ.
આ તો થઈ ટેક્સ્ટ કોન્ટેટની વાત. વાર્ષિક રિપોર્ટ વખતે જુદા જુદા ચાર્ટનો ઉપયોગ દરેકે ક્યાંકને ક્યાંક કરેલો હશે. હવે અત્યારે તૈયાર થતા વાર્ષિક રિપોર્ટમાં માત્ર આંકડા નાખવાથી ઓટોમેટિક ચાર્ટ બની જાય અને એ પણ ૩-D ઈફેક્ટ આપે તો? ગોલ્ડના ભાવમાં પ્લેટિનમ અને ડાયમંડ મળ્યું એવી મોજ પડી જાય.
વેબસાઈટ અને ડોમેઈન નેમની દુનિયામાં હજુ પણ ડાઈનામાઈક-ઓટોમેશન ટેકનૉલૉજીનો દબદબો યથાવત્ છે. એપ્લિકેશનના અઢળક વૈવિધ્ય વચ્ચે પણ જે કામ વેબસાઈટ, વેબ એપ્લિકેશન અને પોર્ટલ સર્વિસ કરે છે એનો વ્યાપ દરિયા જેવડો વિશાળ છે. પેઈન્ટ બ્રશ એપ્લિકેશનમાં તૈયાર કરેલી ઈમેજ થોડી ઓછી ચોક્કસ રહી, પણ ફોટોશોપ અને ઈલુસ્ટ્રેટર જેવા ટુલ્સથી એમાં એક્યુરેસીનો-ચોક્કસાઈનો રેશમી સ્પર્શ લાગ્યો. હવે તો એનાથી પણ આગળ, AI ઈમેજ.
એમાં પણ સંપૂર્ણ એડિટ, કલર્સ, ફોર્મેટ, ઈફેક્ટ અને કંપ્રેશન. એપ્લિકેશનના ફીચર્સને આવરી લઈને ઘણી એવી વેબસાઈટ એ સ્તરે અપડેટ થઈ, જેને ડાયરેક્ટ આ ટેકનૉલૉજી એન્ડ યુઝર (આપણા સુધી) સુધી પહોંચાડી. ‘અવતાર’થી આપણે સૌએ આપણે ખુદને બનાવ્યા. હવે એમાં AIનો સ્પર્શ લાગે તો? આ માટે પહોંચી જાવ Deep AI પર. અહીં ક્વોલિટીથી લઈને સ્ટાન્ડર્ડ સેટ કરવાથી સુધીના ટુલ્સ છે.
ગુગલ જેમિની ફીચર્સ અંગે તો હવે જાહેરાત આવે છે. અહીંયા ગુગલથી સાઈનઈન કરીને સોલ્યુશન, આઈડિયા, તૈયાર કોન્ટેટ, બેઝિક ટેક્સ સુધી ડાયરેક્ટ રેડી ટુ એપ્લાય કરી શકો છો. રિયાલિસ્ટિક ઈમેજ સાથે મસ્ત મસ્ત થીમ જોઈએ છે? તો પહોંચી જાવ પિક્સઆર્ટ પર. કોર્મશિયલ, પર્સનલ જેવી બે કેટેગરીમાં માત્ર એક કિવર્ડ નાખવાથી ફોટો તૈયાર કરીને આપી દેશે.
અહીં સર્ચમાં જઈ ‘ઈન્ડિયન વિન્ટર’ લખજો. લિયોનાર્ડો AI ઈમેજ અને ક્રિએટિવિટીની પાંખ ખોલતી વેબસાઈટ છે. આનું તો હોમપેજ જ એવું મસ્ત છે કે બધું જ ભુલાઈ જશે. એક નાનકડું એકાઉન્ટ બનાવીને અહીં AI કરતાં પણ રિયલટાઈમ ઈમેજ બનાવી શકો છો. ટેમ્પલેટ ડિઝાઈન કરી શકો છે. મોબાઈલના વોલ પેપર સાઈઝ અનુસાર તૈયાર કરી શકો. એટલું જ નહીં, આલ્ફાબેટમાં આવતા તમારા નામના એવા ફોન્ટ બનાવી શકશો.
વર્ષ ૧૯૮૭માં અમેરિકી યુવાન થોમસ અને જ્હોન કોલે તૈયાર કર્યું ફોટોશોપ. આ પહેલું વર્ઝન અત્યારના લેટેસ્ટ ટુલ જેટલું સવલતભર્યું ન હતું. વર્ષ ૨૦૧૬માં ચેન્નઈની એક આઈટી કંપનીએ ફોટોશોપનું કસ્ટમાઈઝ વર્ઝન ખરીદ્યું. એ પછી કસ્ટમાઈઝ પેકેજ સાથે એડોબ કંપનીએ જ આખું વર્ઝન તૈયાર કર્યું.
હવે આનું બેઝિક નોલેજ હોય તો થોડા લિમિટેડ ટુલ્સ સાથે તૈયાર છે ફોટોપિયા, જેમાંથી પીએસડી કે જેપીજી ફાઈલ તૈયાર કરીને ડાયરેક્ટ યુઝ કરી શકશો. લેપટોપ કે પીસીમાં ફોટોશોપ હશે તો આ ફાઈલ ડાયરેક્ટ યુઝ પણ થશે. પોતાની ફર્મ છે? કોઈ ઑફર કે સેલના પેમ્ફલેટ તૈયાર કરવાનાં છે? સર્ચ કરી લો વેક્ટરસ્ટોક. પ્લેન બેગ્રાઉન્ડથી લઈને જુદા જુદા શેપના ટેક્સ ફોર્મેટ રેડી મળી જશે. વાર્ષિક કેલેન્ડર બનાવવું હોય અને એમાં જરૂરી તારીખ પર રિમાઈન્ડર મૂકવું હોય તો પિકબેસ્ટ સૌથી શ્રેષ્ઠ.
સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ બધી ફ્રી સાઈટ છે. બહુ તો એક સામાન્ય એકાઉન્ટ બનાવીને એની સમયાંતરે આવતી અપડેટનો સીધો જ ઉપયોગ કરી શકાય છે. ઈમેજનું વર્લ્ડ એટલું મોટું છે કે, ન પૂછો વાત. એક સરવે એવું કહે છે કે, ટેક્સ્ટ કરતાં ઈમેજ અને મલ્ટિમીડિયા વ્યક્તિને વધુ યાદ રહે છે તો બેઝિક AIની સમજ સાથે થોડા એવા એડિટિંગ ટુલ્સથી ઘણું કરી શકાય છે.
બસ, પ્રિન્ટ કરતી વખતે એની સાઈઝનું ધ્યાન રાખવું પડશે. બાકી અહીં આપેલી સાઈટ પર જરૂરથી આંટો મારવા જેવો છે. જે નવું નવું શિખવાડશે, રોમાંચને જાળવશે અને અઈં તો વર્ચ્યુઅલ વર્લ્ડની એવી દુનિયા બતાવશે જે તમને ખરેખર માન્યમાં નહીં આવે.
આઉટ ઓફ ધ બોક્સ
વર્ષ ૨૦૧૧થી ગુગલ ઈમેજમાં સોશિયલ મીડિયા લિંક ઈમેજની શરૂઆત થઈ એટલે જે સૌથી વધુ જોવાયેલ કે વાયરલ હશે એની ઈમેજ ગુગલ પણ સાચવશે. વિવાદિત હશે તો નહીં. પોઝિટિવ હશે તો હા!