ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: ‘ઈન્ડિયા ફર્સ્ટ’ એમાં ખોટું શું છે ?

-જયેશ ચિતલિયા

વૈશ્વિક વેપારના નકશા પર ભારત સક્ષમ સ્થાન બનાવવા સજાગપણે સક્રિય થઈ રહ્યું છે. ભારત સીધા વિદેશી રોકાણના નીતિ-નિયમોમાં પણ સુધારા કરવાની પ્રક્રિયામાં છે. આપણી વિશાળ માર્કેટ સામર્થ્ય અને વ્યવહારુ અભિગમ જોઈને હવે કોઈ હિંદુસ્તાનની ઉપેક્ષા નહીં કરી શકે.

તાજેતરના ટૅરિફ યુદ્ધની ઘટનાએ સમગ્ર વિશ્વમાં એક ખાસ સબક એ શીખવી દીધો છે કે ખુદ વેપાર-આયાત-નિકાસ ક્ષેત્રે મજબૂત બનો. સ્પર્ધામાં સક્ષમ બનો. ટ્રમ્પના એક પછી એક જાહેર થયેલા અને સતત બદલાતા નિયમોના પગલે દરેક દેશ પોતાની આર્થિક રક્ષા માટે જાગ્રત અને સક્રિય બની રહ્યો છે. આ સંદર્ભમાં આપણો દેશ પણ સતત સજાગતા સાથે વ્યવહારું બનીને પગલાં લઈ રહ્યો છે.

જયારે બીજીબાજુ ચીન અમેરિકાનું ટૅરિફ યુદ્ધ પણ શાંત પડી ગયું દેખાય છે. ભારત આ સંજોગોમાં શું કરી રહ્યું છે અને વિચારી રહ્યુું છે તેના પર નજર કરવી-સમજવી જોઈએ. વિદેશી માલિકીની કંપનીઓ પ્રત્યે ભારતના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને વિદેશી રોકાણો માટેના નવા કડક નિયમોનો અમલ થવાની ચર્ચા ચાલુ થઇ છે. આવા ફેરફારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવતાં રોકાણોને લગતાં હશે અને એમાં સવિશેષપણે શેર ટ્રાન્સફર અથવા રિસ્ટ્રક્ચરિંગ(પુનર્ગઠન)ના કિસ્સામાં આવાં રોકાણોને વિદેશી સીધા રોકાણ (FDI-ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ) નિયમોને આધીન બનાવાશે.

વિદેશી માલિકીના નિયમો કડક થશે
મળતી માહિતી અનુસાર ભારત વિદેશી માલિકીના નિયમોને કડક બનાવવાની યોજના બનાવી રહ્યું છે,જે ઈ- કોમર્સથી લઈને ફાર્માસ્યુટિકલ્સ સુધીના બિઝનેસ પર નોંધપાત્ર અસર કરી શકે છે. આ ફેરફારો વિદેશી માલિકીની કંપનીઓ પ્રત્યે ભારતનો દૃષ્ટિકોણ ફરીથી ડિફાઈન કરશે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થતાં આવાં રોકાણો તેમ જ ખાસ તો શેર ટ્રાન્સફર અથવા પુનર્ગઠનની બાબતમાં તેમને વિદેશી સીધા રોકાણ (FDI) નિયમો હેઠળ આવરી લેશે. આ વિષયની ચર્ચાઓ અંતિમ તબકકામાં છે અને તેમાં નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારની રૂ એ ઘડાયેલા આ અંતિમ નિયમો ટૂંક સમયમાં જ જારી થશે.

FOCE ની નવી શ્રેણી બની શકે…

આ સમીક્ષાનો હેતુ વિદેશી રોકાણ કાયદાઓને સરળ બનાવવાની સાથે સાથે છટકબારીઓને બંધ કરવાનો પણ છે.

કેન્દ્ર સરાકર ‘વિદેશી માલિકીની અને તેમના દ્વારા નિયંત્રિત સંસ્થાઓ’ (Foreign Owned and Controlled Entitiesquot; -FOCE), ની એક નવી શ્રેણી બનાવવાની યોજના ધરાવે છે, જેમાં પરોક્ષ વિદેશી રોકાણ ધરાવતી ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થવાની સંભાવના છે. ભારતમાં જે સીધા મૂડી રોકાણ દ્વારા કરી શકાતું નથી તેને પરોક્ષ રીતે પણ મંજૂરી આપવી જોઈએ નહીં એવું સરકાર દ્રઢપણે માને છે અને તેથી જ હવે આ વિશે નવા નિયમોમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થશે.

આ નવા નિયમના ફેરફારો અમલમાં આવ્યા બાદ સ્થાનિક પુનર્ગઠન અથવા આંતરિક ટ્રાન્સફર પણ વિદેશી માલિકીની કંપનીઓ માટેની FD જોગવાઇઓને આકર્ષશે અને તે મુજબ જ ટ્રાન્સફર કે રિસ્ટ્રક્ચરિંગ કરી શકાશે. FDને ભારતીય કંપની અથવા રોકાણ ભંડોળ તરીકે ડિફાઈન કરવામાં આવશે અને ભારતની બહાર રહેતી વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત થતાં રોકાણોનો એમાં સમાવેશ કરાશે. એમાં પરોક્ષ માલિકીને આવરી લેવાની સાથે, તે માળખા અથવા માલિકીમાં ફેરફારની વાત આવે ત્યારે સીધી માલિકીની વિદેશી કંપનીઓ માટેનાં FD નિયમોને આધીન બનાવાશે.

આપણ વાંચો:  ઝબાન સંભાલ કે: લાલચટક-પીળે પાને-સફેદ જૂઠ

પાછલે બારણેથી ભારતમાં પ્રવેશ કઠિન બનશે
ખાસ કરીને, પરોક્ષ શેરહોલ્ડિંગની કોઈપણ ટ્રાન્સફરની બાબતની જાણ કરવાની જરૂર પડશે અને એણે દરેક ક્ષેત્રદીઠ વિદેશી રોકાણ મર્યાદાઓનું પાલન કરવું પડશે. આ વ્યવહારો વાજબી બજાર મૂલ્ય પર કરવા માટેના નિયમોને પણ આધીન રહેશે. નિયમોમાં પ્રસ્તાવિત સુધારાનો હેતુ એ સુનિશ્ર્ચિત કરવાનો છે કે વિદેશી રોકાણકારો ભારતની FD નીતિના ઉદ્દેશ્યને બાયપાસ ન કરી શકે. સેન્ટ્રલ બેંક આ બાબતે સહમત છે. નવી FOCE વ્યાખ્યા ચીની અથવા અન્ય વિદેશી રોકાણકારો માટે ઓફશોર ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અથવા લેયર્ડ સ્ટ્રક્ચરવાળી ભારતીય સંસ્થાઓ જેવા પરોક્ષ માળખાનો ઉપયોગ કરીને પાછળના દરવાજેથી વિશેષ નિયમન હેઠળનાં ક્ષેત્રોમાં પ્રવેશ કરવાનું મુશ્કેલ બનશે.

ભારત ફર્સ્ટ પણ….
ભારતને મોટા અને સાતત્યપૂર્ણ વિદેશી રોકાણની જરૂર છે અને હજી લાંબો સમય રહેશે. એથી ભારતે આ દિશામાં ઉદાર રહેવું પણ પડશે, ભારતે સ્થાનિક ઉત્પાદકો તેમ જ પોતાના ‘મેક ઈન ઈન્ડિયા’ મિશનને પણ આગળ વધારવાનું છે. જો અમેરિકન સરકાર ‘અમેરિકા ફર્સ્ટ’ કરતું હોય તો ભારતે પણ ‘ભારત ફર્સ્ટ’ પર જોર આપે એમાં કંઈ ખોટું નથી. અલબત્ત, દરેક દેશ પોતાને અગ્રક્રમે મુકવાનું ચાહશે, કિંતુ એમ કરવા માટેની શક્તિ કે સામર્થ્ય બધાં દેશોમાં હશે નહીં, જેથી ઘણાં દેશોએ સમાધાન પણ કરવા પડશે. ટૅરિફ યુદ્ધમાં મોટા અને અગ્રણી યોદ્ધા દેશોમાં ચીન, યુરોપ, બ્રિટન, ભારત, રશિયા ગણાય છે. હાલ તો ભારત અને યુએસ વચ્ચે ત્રણ તબકકામાં વેપાર કરાર કરવાની વાટાઘાટ ચાલુ છે.

જોકે ટ્રમ્પના અભિગમને ધ્યાનમાં રાખતા આમાં ફેરફાર સંભવ છે, પરંતુ હવેના સંજોગોમાં ભારતની સદંતર ઉપેક્ષા થવાનો સમય ચાલ્યો ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button