ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : શૅરબજારના સોદા: નકલી ટે્રડિગ એપ્સ વત્તા વોટ્સએપથી સાવધાન

-જયેશ ચિતલિયા

શૅરબજારના ઉતાર ચઢાવ ઉપરાંત રોકાણકારોને સોદા માટે ઓફરની નકલી ટે્રડિગ એપ્સ અને વોટ્સએપના માધ્યમથી કઈ રીતે સાવચેત રહેવું એ સમજીએ…

ઈન્ટરનેટ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની સુવિધાને કારણે શેરબજારમાં સોદા કરવાનું આજકાલ આસાન-ઝડપી બની ગયું છે. તેને કારણે પણ લોકો શેરોમાં ઈન્વેસ્ટમેન્ટ કે સોદા કરવા માટે આકર્ષિત થઈ રહ્યાં છે, પરંતુ એની સાથોસાથ કૌભાંડકારીઓની સંખ્યા અને રોકાણકારોને છેતરવાની પ્રવૃત્તિ પણ વધી રહી છે.

તાજેતરના એક અહેવાલ મુજબ, હાલમાં જ મુંબઈમાં 71 વર્ષના એક નિવૃત્ત ફાઈનાન્શિયલ વ્યાવસાયિક સાથે વોટ્સએપ મેસેજિંગ સર્વિસીસ માર્ગે શેરબજારના કૌભાંડમાં મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હતી. એમાં તે વ્યાવસાયિકે બે કરોડ જેટલી ધરખમ રકમ ગુમાવી હતી.

આમાં વરિષ્ઠ નાગરિક કઈ રીતે ફસાયા?

વેલ, કૌભાંડકાર એક મહિલા હતી. એણે પેલા વરિષ્ઠ નાગરિકને વોટ્સએપ પર એવું વચન આપ્યું હતું કે શેરબજારમાં ઈન્વેસ્ટ કરવાની એમના માટે એક સુવર્ણ તક છે અને એમાં એમને મોટી રકમનો લાભ ઓફર કર્યો હતો. વાસ્તવમાં, તે મહિલાએ નકલી મોબાઈલ ફોન એપ્લિકેશન મારફત વરિષ્ઠ નાગરિકને છેતર્યા હતા. દેખાવમાં તે એપ એક જાણીતી ઈન્વેસ્ટમેન્ટ કંપની જેવી જ હતી. મહિલાએ તે નાગરિકને એપ ડાઉનલોડ કરવા કહ્યું ને એમની મુસીબતનો આરંભ થયો. એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જેમાં બીજા ઘણાં લોકો પણ સામેલ હતા. `ટિપસ્ટર’ દ્વારા આપવામાં આવેલી સલાહના આધારે શેરના વેપારમાંથી કથિત રૂપે મળેલા વળતર વિશે વોટ્સએપ ગ્રુપમાં કોઈને કોઈ વ્યક્તિ અવારનવાર બડાઈ હાંકતી હતી. એવું એક મહિના સુધી ચલાવવામાં આવ્યું. એની પાછળનો ઈરાદો પેલા વરિષ્ઠ નાગરિકનો વિશ્વાસ જીતવાનો હતો. અને પેલા ભાઈ એમાં છેતરાયા પણ ખરા. એમણે ઈન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું અને 24 જેટલા સોદા દ્વારા એમણે લગભગ બે કરોડ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી. નકલી એકાઉન્ટ ઉપર એમને પ્રોફિટ સ્ટેટમેન્ટ પણ બતાવવામાં આવ્યું હતું , જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે એમણે રૂ. 14 કરોડની કમાણી કરી છે. પરંતુ જ્યારે એમણે એમાંના કેટલાક નાણાં ઉપાડવાનું નક્કી કર્યું ત્યારે એમને શંકા ગઈ કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે, કારણ કે એમને પૈસા તો ઉપાડવા દેવાયા નહોતા અને ઊલટાનું એમ જણાવવામાં આવ્યું હતું કે વિથડ્રોઅલ ટેક્સ રૂપે એમણે વધારે પૈસા જમા કરાવવા પડશે. હાલ આ કેસ તપાસ હેઠળ છે.

આંતરરાષ્ટ્રીય મોબાઈલનો ઉપયોગ
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે દેશની અગ્રગણ્ય બ્રોકરેજ કંપનીએ ઈન્વેસ્ટરોને સાવચેત કર્યા જ હતા કે કંપનીના અધિકારીઓના સ્વાંગમાં અજાણ્યા લોકોના હાથે છેતરાય ન જવાય એનું ઈન્વેસ્ટરોએ ધ્યાન રાખવું. ધુતારા વ્યક્તિઓ અને કંપનીઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય મોબાઈલ ફોન નંબરોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર છેતરપિંડીની પ્રવૃત્તિઓ કરે છે. આવી વ્યક્તિ નામાંકિત નાણાં સંસ્થાઓ સાથે પોતે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરે છે અને એવા કથિત સર્ટિફિકેટ પણ દર્શાવે છે.

હકીકત એ છે કે શેરબજારોમાં જયારે તેજી હોય ત્યારે ઘણા લોકો જુદા જુદા શેર્સમાં પૈસા ઈન્વેસ્ટ કરવા લાગે છે. તેજીમાં મોટાભાગના રોકાણકારોને એવું લાગે છે કે બીજા લઈ ગયા ને આપણે રહી ગયા.

આવા રોકાણકારોએ કઈ કઈ વાતે સજાગ રહેવું જોઈશે?

`અમે તમને ઊંચું વળતર આપીશું’…

પોતે કરેલા ઈન્વેસ્ટમેન્ટમાંથી પૈસા બનાવવાનું તો દરેકને ગમે, પરંતુ એમાં કેટલું જોખમ છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

જેમના નામ આપણે જાણતા હોઈએ અને જેમના શેર શેરબજારોમાં લિસ્ટેડ થયેલા હોય એવી અધિકૃત કંપનીઓના શેરોમાં ઈન્વેસ્ટ કરો તો ઠીક છે., પરંતુ, તમે ઈન્વેસ્ટ કરેલા પૈસા ક્યાં જાય છે એ તમે જાણતા જ ન હો તો શું થાય? ઊંચા વળતર અને સાવ ઓછા જોખમનો દાવો કરતી ઓફરો લાલ બત્તી
ગણાય.

ફોન કોલ્સને ટાળો, બ મળો વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મસમોટાં વચનો આપનારાઓથી ચેતવું.

મુંબઈનો આ કિસ્સો જાણવા જેવો છે. એક વરિષ્ઠ નાગરિકને એક કૌભાંડી વ્યક્તિએ ફોન ને પોતાને ઈન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ હોવાનો દાવો કરનારી એ વ્યક્તિને પેલા વરિષ્ઠ નાગરિક ક્યારેય મળ્યા નહોતા. તે છતાં પેલાની વાતોમાં લલચાઈ જઈને – પૂરતી તપાસ કર્યા વિના રૂ. બે કરોડ જેવડી મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી. આ તો ગંભીર ભૂલ
કહેવાય.

એક નિષ્ણાતે સાચું જ કહ્યું છે કે, `જો તમને એસએમએસ, ઈમેલ કે સોશિયલ મીડિયા મારફત ટિપ્સ મળે અને કોઈ અજાણી વ્યક્તિ તમારા મનમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કરે કે કોઈ ચોક્કસ શેર બહુ સારો છે અને તમારે એમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો સમજી લેજો કે તમે એ ઠગની જાળમાં સપડાઈ શકો છો.’ આર્થિક સલાહકારનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવાનું જ હંમેશાં ઉત્તમ રહેશે.

આ વિષયમાં વધુ ચર્ચા હવે પછી કરીશું….

આપણવાંચો: કવર સ્ટોરી : વક્ફ એક્ટ’માં સુધારાથી ખરેખર શું શું બદલાશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button