ઈકો-સ્પેશિયલ : અનકલેઈમ્ડ ડિવિડંડ-શેર્સની સમસ્યાનો ઉકેલ તથા સાયબર અટેક સામે રક્ષણ

-જયેશ ચિતલિયા
- આ બે મુદા પર ‘સેબી’ શું પ્લાન ઘડી રહ્યું છે?
- પોતે કરેલા શેર ઈન્વેસ્ટમેન્ટ પર જાહેર થયેલું ડિવિડંડ જમા કરાવવાનું ભુલાઈ જાય અને શેર્સ પણ ભૂલાઈ જાય એવી સમસ્યાના ઉકેલ માટે ‘સેબી’ અને સરકાર સાથે મળીને એક પ્લાન ઘડી રહ્યા છે. એટલું જ નહીં, બેંકો પર થતાં સાયબર અટેકસ સામે સુરક્ષિત થવાના અમલ માટે પણ ‘સેબી’ સક્રિય બન્યું છે.
આપણે બ્લડ કેમ્પ, હેલ્થ કેમ્પના નિયમિત થતા આયોજન વિશે વરસોથી સાંભળતા-જોતા આવ્યા છીએ. આવી શિબિર હેલ્થ મેનેજમેન્ટ તથા વેલ્થ મેનેજમેન્ટ પણ આવશ્યક છે.
બીજા શબ્દોમાં કહીએ તો સંપત્તિના વ્યવસ્થિત વહીવટ માટે યોગ્ય સમજણ અને આયોજન હોવા જરૂરી બને છે. આ માટે પણ આમ તો દેશભરમાં નિયમિત અને સંખ્યાબંધ પરિસંવાદો યોજાતા રહે છે. આમ છતાં હવે ‘સેબી’ અને ‘મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ’ પણ સંયુકત રીતે સિનિયર સિટીઝન્સને ધ્યાનમાં રાખી ઈન્વેસ્ટર્સ કેમ્પ પ્લાન કરી રહ્યા છે, જેનું મુખ્ય લક્ષ્ય ડિવિડંડ કે શેર્સ કલેમ વિનાના રહી ગયા છે એનો અધિકાર એમના વારસદારોને સરળતાથી મળી રહે એ દિશાનો છે.
વન સ્ટોપ વિન્ડો
‘સેબી’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) અને ‘મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ’ (એમસીએ) એ આ અનોખી પહેલ કરી છે, જેને પગલે દેશભરમાં અનકલેઈમ્ડ ડિવિડંડ અને શેર્સ માટે શિબિરો યોજાતી રહેશે. આવી શિબિરોમાં રોકાણકારોના અનકલેમ્ડ ડિવિડંડ અને શેર્સના કિસ્સા હાથ ધરાશે અને તેનો નકકર ઉપાય કરાશે. રિફંડના વિલંબની સમસ્યા પણ આવરી લેવાશે.
કોણ-કોણ ભાગ લેશે?
આ કેમ્પમાં કંપનીઓ પાસેનાં સરનામા અને કલેમ્સની ડિસ્ક્રિપન્સીનો પણ ઉપાય કરાશે. અગાઉ આ સુવિધા માત્ર 75ની વયના નાગરિકો માટે હતી. એ હવે 70ની વય માટે અને ભવિષ્યમાં 60ની વય સુધી લાવવાનું લક્ષ્ય છે. આવા ‘નિવેશક શિબિર’માં કંપનીઓ, સરકારી અધિકારીઓ, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટસના અધિકારીઓ સહભાગી બની રોકાણકારોની સમસ્યાના ઉકેલ લાવશે. આ માટે વન સ્ટોપ વિન્ડો કામ કરશે.
સાયબર અટેક સામે પણ ‘સેબી’ તૈયાર
આ દરમિયાન સાયબર અપરાધો કે સાયબર હુમલાને ધ્યાનમાં રાખી તેનો સામનો કરવાની, તેને ઊગતા ડામવાની અને સુરક્ષિત રહેવાની તૈયારી ચાલી રહી છે. અહીં ફાઈનાન્સિયલ સેકટર મુખ્ચ છે. આમાં બેંકો અને સ્ટોક માર્કેટ ઉપરાંત માર્કેટ મધ્યસ્થીઓ પણ વ્યાપકપણે સમાઈ જશે.
રિઝવઁ બેંક નિયમનકાર તરીકે બેંકોને ચોકકસ સૂચનાઓ તો આપે જ છે, પણ આ સાથે નિયમન સંસ્થા ‘સેબી’ પણ સાયબર ક્રાઈમ સામે સતત સક્રિય બની છે. ‘સેબી’એ બેંકોને તેમની સાયબર સિકયુરિટી, ઈત્યાદિને અપડેટ રાખવાનો આદેશ આપ્યો છે. બેંકો પણ આ મામલે કેટલી સજજ, સમર્થ અને જાગ્રત છે એ પણ ‘સેબી’ જાણવા-સમજવા માગે છે. ભાવિ સંભાવના, જોખમો અને ખતરાઓને ધ્યાનમાં રાખી ‘સેબી’એ બેંકોને ચોકકસ માળખું તૈયાર કરવા કહ્યું છે.
આપણ વાંચો: વિશેષ પ્લસ : મનનો અરીસો છે આપણી આંખ
સાયબર કેપેબિલિટી ઈન્ડેકસ
તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો માટે બેંકની સલામતી અતિ મહત્ત્વની ગણાય. આને નજરમાં રાખીને ‘સેબી’ એ ‘સાયબર કેપેબિલીટી ઈન્ડેકસ’ પણ તૈયાર કર્યો છે, જે સાયબર સિકયુરિટીની સજજતા સામે રેટિંગ આપશે. લિસ્ટેડ બેંકોના કિસ્સામાં આ માહિતી અને અપડેટ સ્ટોક એકસચેંજને આપવા પણ આવશ્યક બને છે.
‘સેબી’ના આદેશ મુજબ બેંકોએ ઓડિટ રિપોટ સબમિટ કરવા ઉપરાંત સાયબર કેપેબિલીટી ઈન્ડેકસનું રેન્કિંગ કરવાનું કે મેળવવાનું જરૂરી છે.