ઈકો-સ્પેશિયલ : ટ્રમ્પને પગલે પગલે… શરૂ થશે ટેરિફ વૉર ને ક્રિપ્ટોકરન્સીને મળશે નવા કરન્ટ-ટ્રેન્ડ…
-જયેશ ચિતલિયા
અમેરિકામાં પ્રેસિડન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા બાદ આ વૈશ્ર્વિક મહાસત્તા હવે વધુ આક્રમક બનીને કામ કરશે એવાં એંધાણ છે. આપણે અહીં આ વિષયની રાજકીય ચર્ચા કરવી નથી, પરંતુ આર્થિક દૃષ્ટિએ તેને સમજવાનો પ્રયાસ કરવા જેવો છે, જેમાં ટેરિફ વૉર, ક્રિપ્ટો માર્કેટ અને બ્રિકસના મુદ્દા વધુ મહત્ત્વના રહેશે.
ટ્રમ્પે તાજેતરમાં એક સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો છે. સત્તા મળતાં જ એમણે પોતાનો આક્રમક અભિગમ બતાવવાનું શરૂ કરી દીધું છે. હાલ તો ટ્રમ્પસાહેબની વાતો અને નિવેદનોએ ટેરિફ યુદ્ધનો ગંભીર સંકેત આપ્યો છે તો બીજી બાજુ ‘બ્રિકસ’ (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા દેશનું સંગઠન) ને સીધેસીધું કહી દીધું છે કે એ જો ડૉલરને તોડવાની કોશિશ કરશે તો ભારે પડશે. કારણ એ કે આ દેશો પોતાના પરસ્પર બિઝનેસ માટે નવી કરન્સી ઊભી કરવાની યોજના ધરાવે છે. આમ થાય તો ડૉલરને સંભવિત તકલીફ થઈ શકે એવો ટ્રમ્પને ભય છે.
ટ્રમ્પે રશિયા અને ઈરાન સામે તો સેંકશન્સ (પ્રતિબંધ) લાગુ કર્યા છે, જયારે કે ભારત અને ચીનમાં તેમને ચીનનો ભય વધુ હોઈ શકે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ભારતીય રિઝર્વ બૅન્ક પોતાની ડિજિટલ કરન્સી રૂપે ‘ડિજિટલ રૂપી’ લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. કેટલાક દેશો સાથે વેપાર માટે સમજૂતી પણ થઈ છે તો અમુક દેશ સાથે કરાર કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
Also read:સુખનો પાસવર્ડ : આપણો ઈરાદો નેક હોય તો દુનિયાની પરવા ન કરવી…
આ પાછળનું લક્ષ્ય ડૉલર પરની નિર્ભરતા ઘટાડવાનો રહ્યો છે. જોકે હવે ટ્રમ્પની ડૉલરની દાદાગીરીને પગલે ભારત સહિતના દેશોમાં આ મામલે પરિવર્તન આવશે કે કેમ એ સવાલ છે. એક મુદો એ પણ ઊઠી રહ્યો છે કે અમેરિકા પોતે જ કેમ ‘બ્રિકસ’માં મેમ્બર બની જતું નથી? આમ થાય તો શું પરિણામ આવે એ સવાલો પણ સંવેદનશીલ છે. ટ્રમ્પના પગલે ટેરિફ વૉર મોંઘી પડશે?
ટ્રમ્પના સત્તા પર આવતાંની સાથે જ ટેરિફ વૉરનાં એંધાણ મક્કમ બનતાં ગયાં છે. જાન્યુઆરીમાં આ વિશેનું ચિત્ર ઘણુંખરું સ્પષ્ટ થશે. ટ્રમ્પ કયા દેશોથી થતી આયાત પર કેવા ટેરિફ દર લાગુ કરે છે, કોને કેટલી રાહત આપે છે એ હાલ તો જે-તે સંબંધિત દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે.
વિવિધ દેશોનાં ચાલતાં શસ્ત્રયુદ્ધ વચ્ચે આ ટેરિફ યુદ્ધ પણ મોંઘું પડે એવું છે. જેમ વિશ્ર્વ યુદ્ધ ભય સર્જે છે તેમ ટેરિફ વૉર પણ એ દેશોના અર્થતંત્ર સામે પડકાર સર્જે છે. આમ નવા વરસમાં ટ્રમ્પના નિર્ણયોથી વિવિધ દેશો સાથેના અમેરિકાના વેપાર સંબંધોમાં નવા પરિમાણ જોવા મળી શકે છે, જેની અસર વૈશ્ર્વિક વેપાર પર પડી શકે.
આ બધા વચ્ચે હાલ તો ભારત માટે આશ્ર્વાસન એ છે કે યુએસએ ભારતને વધુ તકલીફમાં મૂકશે નહી. કહેવાય છે કે ભારત અને ખાસ કરીને મોદી સાથેના ટ્રમ્પ્ના સંબંધ આમાં ભૂમિકા ભજવશે. ભારતને અમેરિકાની જરૂર છે તો અમેરિકાને પણ ભારતની આવશ્યકતા છે જ. અનેક અમેરિકન કંપનીઓને ચીન સહિતની અન્ય બજાર કરતાં ભારતીય બજાર વધુ આકર્ષક અને વાઈબ્રન્ટ જણાય છે.
ભારતની ટેલેન્ટ એમેરિકામાં નોંધનીય કામગીરી બજાવી રહી હોવાનું જાહેર છે. ટ્રમ્પની ટીમમાં પણ ભારતીય લોકોનો સમાવેશ આની સાક્ષી પૂરે છે. ક્રિપ્ટોકરન્સીને કરન્ટ, પરંતુ સાવચેતી જરૂરી…
ટ્રમ્પના આગમન સાથે અને તે પહેલાં પણ ક્રિપ્ટોકરન્સીને નવો કરન્ટ મળવાનો શરૂ થયો છે. એટલું જ નહી, ક્રિપ્ટો માર્કેટમાં ખાસ ઉછાળા આવી રહ્યા છે, જોકે ક્રિપ્ટોમાં સૌથી વધુ જોર અને જોશ ‘બિટકોઈન’ને મળ્યું છે, જેના પુરાવા એના ઊછળેલા ભાવ છે. આ સાથે અન્ય કોઈનના ભાવ પણ આડેધડ કૂદકા મારવા લાગ્યા છે, જેનાથી રોકાણકારો-ખેલાડીઓએ સાવેચત રહેવું જોઈશે. સોશ્યલ મીડિયા અને ચોકકસ એપ મારફત આવા કોઈન્સ (અન્ય ક્રિપ્ટોકરન્સી) પોતાની તરફ રોકાણકારોને આકર્ષી રહ્યા છે, જેમાં ઘોડા સાથે ગધેડા દોડવાની શક્યતા હોવાથી તેમના ભાવ જોઈ ઈન્વેસ્ટર્સ ગેરમાર્ગે દોરાઈ શકે છે.
Also read:મોર્નિંગ મ્યૂસિંગ: લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર કચરો જામી ગયો છે, એટલે…
ભારતનો યુવા વર્ગ અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર્સ હાલ જ્યારે ક્રિપ્ટો પાછળ દોડી રહ્યા છે અને તેમાં વળી ગ્લોબલ હસ્તી એલન મસ્કનું નામ પણ જોડાયું છે ત્યારે લોકોના સંયમની પરીક્ષા ચોક્કસ થવાની છે. આમાં જે ભટકી જશે એ ચોક્કસ નુકસાનીનો ભોગ બની શકે છે.