ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: પાકિસ્તાન-અમેરિકાને એમની જ ભાષામાં કરારા જવાબ!

-જયેશ ચિતલિયા

હમણાં એપ્રિલમાં યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટ્રેડ ટૅરિફ યુદ્ધનો ધડાકો કરીને વૈશ્વિક સ્તરે અનિશ્ર્ચિતતા ઊભી કરી એ પછી શ્વાનની પૂંછડી જેવા પાકિસ્તાન પ્રેરિત-સંયોજિત આતંકવાદીઓએ કાશ્મીરમાં નિર્દોષ ભારતીય હિંદુ નાગરિકોની હત્યા કરીને જે માહોલ ઊભો કર્યો પછી ભારત એક એવો દેશ છે જે યુએસ- પાકિસ્તાન બન્નેને તેમની ભાષામાં જવાબ આપવા સજજ બન્યો છે.

આમ તો અમેરિકાની ટૅરિફ પોલિસીના આંચકાઓ હાલ એકંદરે શાંત પડી ગયા હોવાનું જણાય છે. જોકે આ આંચકાઓ વચ્ચે ભારતે સાનુકૂળ માર્ગ શોધીને તેને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે.

અમેરિકા સાથે ભારતે બળ કરતાં કળથી કામ લેવાનું મુનાસિબ ગણ્યું છે, જેમાં શાણપણ અને ડહાપણ પણ છે. ચીન ભલે અમેરિકા સામે બાંયો ચડાવે, ભારતે અમેરિકા સાથે એવી સમજૂતીના મંડાણ કર્યા છે, જેમાં યુએસની નવી ટૅરિફ પોલીસીના માહોલમાં ભારત એની સાથે વેપાર કરાર કરનાર પ્રથમ રાષ્ટ્ર બનશે. બીજીબાજુ, ભારતે તાજેતરમાં જ યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો નિર્ણય લઈ બીજી સફળ બાજી મારી છે અને ત્રીજી બાજીમાં ભારત યુરોપિયન દેશો સાથે વાતચીત કરી રહ્યુું છે. આમ એક તરફ આપણો દેશ પહલગામની ઘટના બાદ પાકિસ્તાન સામે વિવિધ સ્તરે તનાવમાં વ્યસ્ત છે ત્યારે એના સમાંતરે અર્થતંત્રના હિતમાં એક પછી એક પગલાં ભરવામાં પણ સક્રિય રહ્યું છે. આને રાજકીય સાથે આર્થિક કુનેહ કહી શકાય. આવા માહોલમાં પણ દેશના આર્થિક હિતમાં વિરાટ મનોરંજન ઉદ્યોગને આવરી લેતા ‘વેવ્સ’ જેવા કાર્યક્રમો યોજીને સરકાર પોતાની સમતુલા દર્શાવી રહ્યું છે.

ભારત સરકારની તારીફયુકત કુનેહ
‘ઑપરેશન સિંદૂર’ દ્વારા દેશની સરકાર-સૈન્ય પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહયા છે. આ તો હજુ એક ઝલક જ છે. એ પછી વિવિધ સ્ટ્રાઈકિંગ એકશન પણ ચાલુ છે. એ પાછી પણ જરૂર પડશે તો ‘સિંદૂર : 02’ અને બીજા લશ્કરી પગલાં પણ બાકી છે.

જોકે, દેશનો એક ચોકકસ વર્ગ હાલ પહલગામની ઘટના પછી સરકાર પર તૂટી પડયો છે, વિશ્વમાંથી પણ વિવિધ દબાણ થઈ રહ્યાં છે ત્યારે ભારત સરકાર સમતુલા જાળવીને પોતાની રીતે આગળ વધી રહી છે. મોટા ભાગની પ્રજા વડા પ્રધાન મોદીની સાથે છે. ‘મોદી અપરાધીઓને છોડશે નહીં’ એવો વિશ્વાસ સૌને છે.

મહત્વનું ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન
આવી બધી રાજકીય લશ્કરી કાર્યવાહીને લીધે એની આર્થિક અસર મોટી અને નકકર સ્વરૂપે થવાની છે. આમ છતાં ભારત એક મજબૂત નિર્ણયશક્તિ ધરાવતો દેશ છે એ ફરી એક વાર જગત સામે સાબિત થયું છે. આર્થિક વાતો પર પાછાં ફરીએ તો આજે ઘણાં દેશ ભારત સાથે વેપાર કરવા- વધારવા આતુર છે. દેશમાં આવતો વિદેશી રોકાણ પ્રવાહ પણ આપણા અર્થતંત્ર- રાજતંત્ર અને દૂરંદેશી-વિઝનના પુરાવા સમાન છે. શૅરબજાર હોય કે સીધું વિદેશી રોકાણ હોય, ભારત હાલમાં આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. ભારતના આર્થિક વિકાસનો દર 6 ટકા ઉપર રહેવાનો આશાવાદ અકબંધ છે.

તાજેતરમાં જ ‘એપલ’ ફોન વિશેના વહેતા થયેલા અહેવાલ કહે છે કે ભારતમાં બનતા ‘એપલ’ ફોન અમેરિકા જાય છે, જયારે કે આ ફોન કંપની ખુદ અમેરિકાની જ છે, અર્થાત્ અમેરિકાની જ વસ્તુ ભારત અમેરિકાને નિકાસ માર્ગે મોકલે છે. આમ ભારત ધીમી ગતિએ મેન્યુફેકચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. સર્વિસ સેકટરમાં પણ ભારતની ગતિવિધિ બહેતર બનતી જાય છે.

યુકે – ઈયુ સાથે વેપારનું મહત્ત્વ
તાજેતરમાં યુકે સાથે થયેલા ‘એફટીએ’ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પણ મહત્ત્વની ઘટના છે. આ કરાર વિશ્વના પાંચમા અને છઠ્ઠા ક્રમના અર્થતંત્ર વચ્ચેના કરાર છે. આમાં પરસ્પર લાભ અને હિતોનું ધ્યાન રખાયું હોવાથી તેની સફળતાની શકયતા પણ ઊંચી રહેશે. આને પગલે ભારતની નિકાસને પ્રોત્સાહન મળશે તેમ જ રોજગાર સર્જનને પણ બળ મળશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં કરેલા નિવેદન અનુસાર ભારત યુરોપિયન યુનિયન સાથે ટોચની પ્રાયોરિટી સાથે વેપારની વાટાઘાટ કરી રહ્યું છે.

અલબત્ત, આ બધી ગતિવિધિ વચ્ચે ભારતે વિશ્વ બજારમાં સતત કોમ્પિટિટિવ (સ્પર્ધાત્મક) બનવું જોઈશે. તેની સામે હરીફાઈમાં ચીન જેવું મહાકાય રાષ્ટ્ર છે. ભારતે તેની પ્રોડકટ-સર્વિસીસ ગુણવત્તામાં સુધારા કરતા જવું પડશે. સપ્લાય ચેઈનમાં પણ સુધારા જરૂરી બનશે. હાલ તો આપણો દેશ વિશ્વ વેપારમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વના નકકર કદમ ભરી રહ્યો હોવાના ઘણાં સકારાત્મક સંકેતો આપી રહ્યો છે.

આપણ વાંચો:  વિશેષ પ્લસ: સેલ્ફ હેલ્પ દ્વારા મેન્ટલ હેલ્થના ચક્રમાંથી મેળવો મુક્તિ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button