ઉત્સવ

ઈ-સીમ: તું મેરા સાથ નિભા જા… સાથ નિભા જા

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

રવિવારની મસ્ત મોર્નિંગમાં ઉપરોકત શીર્ષક વાંચીને થોડું તો કંઈક આંખથી દિમાંગમાં ખૂંચ્યું હશે, પણ વાત એ વિષયની કરવાની છે, જેણે એક સમયે આખી દુનિયા બદલી નાખી હતી.

હવે એના જ વિષયમાં એક નવી વસ્તુ એ આવી રહી છે જેનાથી ટેલિકોમ્યુનિકેશન જગત પરિવર્તિત થઈ રહ્યું છે. જેની ટ્રાયલ એપલ કંપનીએ ઓલરેડી કરી લીધી છે. સામાન્ય સવાલ એ થાય કે, આમા શું નવું છે? પણ જે નવું છે એ જ તો ન્યૂઝ છે, જેના પર હજજારોની સંખ્યામાં ઊભા થઈ રહેલા વ્યૂઝ છે.

કાળની કેડીએ ચાલતા ચાલતા આપણે ટૅકનોલોજીના એ યુગમાં પ્રવેશ્યા છીએ કે, શું નથી’ એ ચીજ- વસ્તુઓનું આખું મ્યુઝિયમ બની જાય, જો કોઈ ટૅકનોપ્રેમી બનાવે તો!

ઉદાહરણ તરીકે : ફ્લોપી ડિસ્ક, નીચેથી દડીવાળું માઉસ. કિ-પેડવાળો આડો ફોન, (જેને ગેમ ફોન એંગેજ) નામ અપાયું હતું. આ જ કેટેગરીમાં વધુ એક વસ્તુ જોડાશે એ છે : ‘ સીમ કાર્ડ’ (સિંગલ ઈનલાઈન મેમરી મોડ્યુલ).

અગાઉ કિ-પેડવાળા અને મોટાભાગે પાછળની બાજુથી ખૂલતા મોબાઈલમાં સીમકાર્ડ માટેની જગ્યા વધારે રાખવી પડતી. એના કારણે બીજા ડિવાઈસને જગ્યા ઓછી મળતી. સમયના સેક્ધડકાંટે બદલતી ટૅકનોલૉજીની દુનિયામાં એવો ચેન્જ આવ્યો કે, આજે નેનો સીમકાર્ડ મોટાભાગના મોબાઈલ યુઝર્સના ડિવાઈસમાં ચાલે છે. જો કે, હવે આ જગ્યા પણ અદૃશ્ય થઈ રહી છે. યેસ, આ સાંભળીને તમારી જિજ્ઞાશ વધી ગઈ હશે.

સીમકાર્ડ ટ્રેન્ડઆઉટ થઈ રહ્યું છે. એની શરૂઆત એપલ કંપનીઓ પોતાના આગામી ફોનમાં કરી છે. આ ફોન હજું ટેસ્ટના તબક્કામાં છે. નક્કર પરિણામ આવશે તો સીમકાર્ડની દુનિયામાં નવા-જૂની નહીં, પણ બિગબેંગનું રહસ્ય જાણવા મળ્યું હોય એવું પરિવર્તન આવશે.

એક વાત તો નક્કી છે કે એપલ કંપની પોતાના ફોનમાં સીમને લઈને કોઈ મોટી ખણખોદ કરશે તો બીજી કંપનીઓ એના બેઠા પગલાંને અનુસરશે. પાયાનો અને ખેતરમાં નખાતા બીજ જેવો પ્રશ્ર્ન એ છે કે, આપણા ફોનનું શું થશે?

જવાબ છે કંઈ નહીં થાય. ઈ- સીમ કે અટેચ્ડ સીમ માટે પહેલા એને સપોર્ટ કરેવો એવો ફોન હોવો અનિવાર્ય છે. ઈ- સીમ એટલે એમ્બેડેડ સીમ. જેમ પહેલાના ફોનમાં સ્નેકની ગેમ ઈનબિલ્ટ આવતી એમ આવા ફોનમાં સીમકાર્ડ અંદર જ આવશે. આમાં જ્યારે ફોન બદલીએ ત્યારે સીમ બીજા ફોનમાં નાખવું પડે એવી ઝંઝટ હોતી નથી. સીમ કટ કરાવીને નવા ફોનમાં નાખવાનો પણ એક મધુર ભૂતકાળો હતો.

આ બધા વચ્ચે સૌથી મોટી રાહત એ થશે કે, જ્યારે ટેલિકોમ સર્વિસ આપતી કંપની બદલવી હશે ત્યારે નવું કાર્ડ ખરીદવું નહીં પડે. માત્ર એની એક એપ્લિકેશનથી ફોન એક્ટિવ થઈ જશે. આ ઉપરાંત ઈ- સીમ મલ્ટિપલ પ્રોફાઈલને સપોર્ટ કરે છે. ખાસ કરીને વિદેશયાત્રા કરનારાને વારંવાર સીમ બદલવાની જરૂર નહીં પડે. માત્ર કંપની પ્રોફાઈલ એક સર્વિસ મેનેજર તરીકે બદલીને એક્ટિવ કરી શકાશે.

બીજી એક ખાસ વાત એ છે કે, સિક્યોરિટી વધી જશે, પણ ડખો એ છે કે, બધી કંપનીઓના ખિસ્સાને આવી સ્પેસ ઘટાડતી ટૅકનોલૉજી પોસાશે? જવાબ હજું અંધારામાં છે. ફોન ચેન્જ કોઈ કરે છે ત્યારે ફરી નવા નંબર કે રી-રજિસ્ટ્રેશનની લમણાજીક વધી જશે. એમાંય કંપનીઓ પોતાના કસ્ટમર કેર ગોઠવશે. જે હકીકતમાં કસ્ટમર માટે કહેર સમાન હોય છે…. એક દબાવો..બે ‘દબાવો’ની ઝંઝટમંથી છુટકારો મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. આવા નકારાત્મક તોફાનના મુદ્દામાં આપણી નૌકા સુરક્ષિત છે. કારણ કે, હજું આ ટૅકનોલૉજી આપણા સુધી આવતા ભવ થશે. હવે જે લોકો મારી જેમ નવા નવા ફોન વાપરવાના શોખીન છે એના માટે આ નક્કામું છે. કારણ કે, દર વખતે થોડી ટેલિકોમ સર્વિસ આપતી કંપનીના દરવાજે ટકોરો મારીશું? ના..બિલકુલ નહીં. કદાચ એટલે જ આઈફોનમાં પહેલો પ્રયોગ થઈ રહ્યો છે. માર્ક કરજો.. આઈફોન વાપરનારા ઝડપથી ફોન બદલતા નથી. (સેલિબ્રિટીને બાદ કરતા). બધા ફોનમાં ઈ-સીમ ફેસિલિટી નથી હોવાની.

આખી કથાનું હાર્ટ -મૂળ વાત તો હવે આવે છે. માની લો કે, ફોન ઈ -સીમને સપોર્ટ કરે છે, પણ ટેલિકોમ સર્વિસ આપતી કંપની ઈ-સીમ આપે છે ખરા? તો જાણ ખાતર અહીં વાત મૂકું કે, વીઆઈ, જીઓ અને એરટેલ ઈ- સીમ આપે છે, પણ આની આખી સર્વિસ અને હેલ્પલાઈન અલગ છે. આ તો એવી વાત થઈ કે, સૂરજ ભલે જૂનો રહ્યો પણ દરરોજ નવો દિવસ લઈને આવે છે…!
ટૂંકમાં પૈસાથી ખમતીધર કંપનીઓ હાલમાં આવા પ્રયોગ કરે છે. બાકી પોતાના ફિચર્સ અને હાઈટેક મોડ પર જતી કંપનીઓ હાલ આના વિશે બહું વિચારતી નથી, કારણ કે નવાં ફિચર્સથી ગ્રાહકને આકર્ષી શકાય એમ છે. ઉદાહરણ તરીકે, સેમસંગના ફોનમાં કેટલાક ફિચર ભલે કોમન હોય, પણ દરેક ફિચર કોમન નહીં હોય. આના કારણે જ ફોન બનાવતી કંપનીઓ ટાર્ગેટ ઓડિયન્સ રિસર્ચ કરીને ફોન બનાવે છે.

ટૅકનોલૉજી ભલે આવિષ્કારના પ્રકાશમાં ટર્ન મારતી હોય પણ ટેલિકોમ કંપનીઓ દર રિ-ચાર્જ અને સર્વિસ પર રહેલી રેવન્યૂનો વિચાર કરે છે. સર્વિસ ટેક્સ અને જે તે દેશના ટેક્સની કપાત બાદ શું હાથમાં આવશે અને એ લાડવો કેમ મોટો થાય એની ગણતરી કંપનીઓ કરે છે. ફ્રી ઈન્ટરનેટ સર્વિસ પાછળ પણ મોટું રેવન્યૂ છે. કારણ કે, ફ્રીનો ડેટા લિમિટેડ છે. કંપનીઓને કમાવવું અનલિમિટેડ છે. પ્લાનમાં રૂપિયો કે બે રૂપિયો વધારીને પ્રેમથી તે કમર અને ખિસ્સા બન્ને તોડે છે.

આઉટ ઑફ ધ બોક્સ
ટૅકનોલૉજી સાથે કદમતાલ કરો એનો કોઈ વાંધો નથી, પણ નીતિ, સિદ્ધાંત અને વિચારોમાં પારદર્શકતા નહીં હોય તો મોબાઈલ તો શું રિયલ ટોર્ચમાંથી આવતો પ્રકાશ પણ અંધકાર દૂર નહીં કરી શકે..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો