દુર્ગાદાસની મહાનતા પર થઇ ગયો ઔરંગઝેબ ઓળધોળ
વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ
(૩૯)
ક્રૂર, સ્વાર્થી, ધર્માંધ અને સત્તા-લાલસી ઔરંગઝેબની નજર સામે જે આવ્યું કે કલ્પનાતીત હતું. દુર્ગાદાસ રાઠોડ જેવો દુશ્મન આટલો બધો માનવતાવાદી અને સર્વધર્મમાં માનનારો? પોતે દુશ્મનોને સપરિવાર રહેંસી નાખનારો અને તેણે તો મારા પરિવારજનોને આશ્રય, જીવન અને અમારા જ ધર્મનાં સંસ્કાર આપવાની જોગવાઇ સુધ્ધાં કરી?!
અંદરનો માનવી વધુ જાગે અને વિચારે એ અગાઉ બાદશાહે એના પર તરાપ મારી. છતાં દુર્ગાદાસ રાઠોડથી પ્રભાવિત તો થયો જ, તેણે ઇશ્ર્વરદાસ નાગરને માન-ઇનામ-આકરામ આપીને સૂચના આપી કે તાત્કાલિક દુર્ગાદાસ રાઠોડ અને શાહઝાદા મિર્ઝા મોહમ્મદ અકબરના દીકરા બુલંદ અખ્તરને મારી પાસે લાવવાની તજવીજ કરવા માંડો.
અંતે ઇ. સ. ૧૬૯૮ની ૨૦મી મેના રોજ ઇસ્લામપુરીમાં દુર્ગાદાસ રાઠોડ બાદશાહની શિબિરમાં પહોંચી ગયા. ઔરંગઝેબની છાપ ભયંકર ખરાબ હતી. છતાં દુર્ગાદાસ લેશમાત્ર ડર્યાં નહીં. મુલાકાતના સમયે દુર્ગાદાસને શસ્ત્રો બહાર મૂકીને અંદર જવા જણાવાયું ને સમજદાર દુર્ગાદાસે હિમ્મતભેર એ સ્વીકારી લીધું, પરંતુ ઔરંગઝેબે આદેશ આપ્યો કે એમને શસ્ત્રો સાથે અંદર આવવા દો. દુશ્મન પર કેવો અનન્ય ભરોસો? ઔરંગઝેબે પોતાના ખાસ માણસને આગળ જઇને દુર્ગાદાસને અંદર લઇ આવવાનો આદેશ આપ્યો. આ કોઇ રાજા-મહારાજાને જ મળે એવું દુર્લભ સન્માન હતું.
ઔરંગઝેબે તો દુર્ગાદાસ પર એકદમ સમરકંદ બુખારા ઓવારી ગયો હોય એમ મોતીઓની માળા, અશ્ર્વો અને મનસબ ભેટરૂપે આવ્યા. મનસબમાં એમની જાગીરમાં જોધપુર રાજયનું મેડતા, સિવાના અને જૈતરણા નામના પરગણા તથા ગુજરાતના રાણપુર, ધંધુકા, ઇસ્લામનગર, ઉપરાંતના ગામ આપ્યા. એટલું જ નહીં, દુર્ગાદાસના ભાઇ ખેમકરણ, પુત્ર તેજકરણ અને અભયકરણ અને પૌત્ર અનુપસિંહ ઉપરાંત કેટલાંય રાઠોડ સરદારોને મનસબ આપ્યા.
આ સાથે ઔરંગઝેબે મહારાજા અજિતસિંહને પણ પાંચસો અશ્ર્વ સવાર અને જાલૌર-સાંચોરની જાગીરદારી પણ સોંપી. એકાદ સપ્તાહ બાદ દુર્ગાદાસ રવાના થયા, ત્યારે ભાવિના ગર્ભમાં કંઇક ભળતું જ રોપાઇ ચૂકયું હતું. ઔરંગઝેબે ખરેખર દિલથી દુર્ગાદાસને ઘણું બધુ આપ્યું હતું? એની સામે મહાન અજિતસિંહને ઇરાદાપૂર્વક ઓછું આપ્યું હતું? આ બન્ને વચ્ચે ખટરાગ ઊભો કરીને દુર્ગાદાસને પોતાની છાવણીમાં ખેંચી લેવાની ગંદી રમત હતી?
ખેર, મહારાજા અજિતસિંહને પહેલીવાર બાદશાહ ઔરંગઝેબ તરફથી સ્વીકૃતિ અને મનસબ મળ્યા હતા. તેમણે જાલોર અને સાંચૌર પર કબજો જમાવી દીધો. આને પગલે પાંચેક વર્ષ બન્ને છાવણીમાં શાંતિ રહી. દુર્ગાદાસ રાઠોડ સહિતના બધા રાઠોડ સરદારો પોતપોતાની જાગીર સાચવવામાં વ્યસ્ત થઇ ગયાં.
પણ ઇ.સ. ૧૭૦૦ની નવમી નવેમ્બરે કંઇક નવું બનવાનું શરૂ થયું. ઔરંગઝેબે મહારાજા અજિતસિંહને શાહી સેવામાં હાજર થવાનું ફરમાન મોકલ્યું. બહુ સમયથી ઘર્ષણમાં ઉતરવાનું નહોતું થયું પણ ઔરંગઝેબ પર જરાય વિશ્ર્વાસ નહોતો. અલગ-અલગ કારણ અને માંગણી સાથે અજિતસિંહ જવાનું ટાળતા રહ્યાં. ઔરંગઝેબે કેટકેટલીયવાર કહેણ મોકલ્યા પણ એક તો એના પર પૂરેપૂરો અવિશ્ર્વાસ અને સલાહકારોને લીધે મહારાજા અજિતસિંહ ધરાર ઔરંગઝેબને મળવા ન ગયા. શું આ શાંતિના અંતના પગરવ હતા? શત્રુતાની સિકવલની શરૂઆત હતી? આમાં દુર્ગાદાસ રાઠોડે ફરી મહત્ત્વની ભૂમિકા ભજવવાનો સમય નજીક આવી રહ્યો હતો. (ક્રમશ:)ઉ