ઉત્સવ

ઔરંગઝેબના રઘવાટ વચ્ચે દુર્ગાદાસ પહોંચ્યા સંભાજી પાસે

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

સગા બાપથી જીવ બચાવવા માટે દીકરાએ શત્રુઓ સાથે રહેવું પડે એમના જેવા લિબાશ-દેખાવ અપનાવવા પડે એનું નામ મોગલ સામ્રાજ્ય. સત્તાની જીવલેણ ભૂખ અને લાચારી આ બધું કરનારા શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને સાથે રાખનારા દુર્ગાદાસ રાઠોડ જાણતા હતા કે પોતે ઘમંડી સુલ્તાનને પડકાર્યો છે. મોતના મુખમાં માથું મૂકી દીધું છે. પણ એમ ડરે એ બીજા. તેઓ તો ગમે તે રીતે ઝઝૂમવા, જીતતા અને જીવતા માગતા હતા કે જેથી રાજકુમાર અજિતકુમારને સલામત રાખી શકાય. કેવા અનન્ય સ્વામીભક્તિ અને માતૃભૂમિ-પ્રેમ!

દુર્ગાદાસ કાયમ મોગલ સેનાને હાથતાળી આપવા માટે નિતનવા વ્યૂહ અપનાવતા રહે. તેઓ જયારે મોગલજાદાને લઇને નર્મદા ઓળંગી ગયા. ત્યારે એક ટુકડીને પાછળ છોડી ગયા હતા. શા માટે? બાદશાહના લશ્કર, અમલદારો અને જાસૂસોને ભ્રમમાં રાખવાના હતા. એમને ખબર પડવા દેવી નહોતી. શાહજાદો કંઇ ટુકડી સાથે છે, ક્યાં છે.

મોગલ સેના, અમલદારો અને ગુપ્તચરો શાહજાદા વિશે કંઇ નિશ્ર્ચિત માહિતી આપી શકતા નહોતા, ન તો એને પકડી કે ખતમ કરી શકતા હતા. આને લીધે ઔરંગઝેબ એકદમ રઘવાયો થઇ રહ્યો હતો. આ બધા વચ્ચે એક વાવડે સ્તબ્ધ કરી દીધો.

છેક દક્ષિણના ગુપ્તચરો તરફથી માહિતી આપી કે બળવાખોર શાહજાદો તો રાજપૂત દુશ્મન દુર્ગાદાસ સાથે બીજા શત્રુ મરાઠા છત્રપતિ શંભાજી મહારાજ પાસે છેક દક્ષિણમાં પહોંચી ગયો છે. આમે ય પોતાનું રાજ્ય વિસ્તારવા માટે ઔરંગઝેબનો ડોળો ક્યારનો દખ્ખણ પર મંડાયેલો હતો જ. પણ એ અગાઉ રાજસ્થાનમાં શાંતિ અને અંકુશ જમાવવાનું જરૂરી લાગ્યું. ના છૂટકે મૂંડી નીચી રાખીને ઔરંગઝેબે જોધપુરના મહારાણા જયસિંહ સાથે સમાધાન કરી લીધું. અલબત્ત, આ યુદ્ધબંધીના કરાર વખતે જતા અગાઉ મહારાણાએ શાહજાદા આઝમના બે દીકરા પોતાના વિશ્ર્વાસુઓના રક્ષણમાં રાખ્યા કે જેથી કોઇ દગાબાજી ન થાય. આટલું જ નહીં, લગભગ એકાદ લાખ માણસોનો કાફલો લઇને તેઓ કરાર કરવા ગયા હતા. આ દર્શાવે છે કે તેમને મોગલોની દાનત પર લેશમાત્ર વિશ્ર્વાસ નહોતો. આમાં અન્ય શરતો સાથે ઔરંગઝેબે સ્વીકારી લીધું કે કુંવર અજિતસિંહ વયસ્ક થઇ જાય પછી તેમને જોધપુરનું રાજ સોંપી દેવાશે. ઔરંગઝેબ કામચલાઉ શાંતિ તો ખરીદી લીધી પણ નાક નીચું રાખીને. અને આમાંનાં વચનો કેટલાં તકલાદી હતાં એ ઉભય પક્ષ જાણતા હતા.

આ કાવાદાવાથી દૂર વીર દુર્ગાદાસ રાઠોડ પોતાના કાફલા સાથે શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને લઇને ઇ. સ. ૧૬૮૧ની ૨૮મી એપ્રિલે છત્રપતિ સંભાજી રાજેના રાજ્યમાં પહોંચી ગયા. દુર્ગાદાસના ચારસો અશ્ર્વ સવાર, થોડા પાયદળ અને સામાન લાદેલા ઊંટ સાથે પહોંચ્યા ત્યારે પ્રેમપૂર્વક સ્વાગત થયું.

પાલી કિલ્લાની નીચે પડતા છોડસા ગામમાં એક મોટા મકાનમાં શાહજાદાને ઉતારો અપાયો. આ મકાનની છત કાચી હતી પણ ગાલીચા પાથરવા સાથે સારી સજાવટ કરાયેલી હતી. સલામતી અને વ્યૂહાત્મક કારણોસર દુર્ગાદાસ અને અન્ય આગેવાનોને પણ નજીકમાં રાખવામાં આવ્યા હતા.

એકાદ પખવાડિયા બાદ રાજા ફરજંદજીએ આવીને મૂલ્યવાન ભેટ સોગાદ સાથે છત્રપતિ સંભાજીનો એક પત્ર શાહજાદાને આપ્યો. પછી તેઓ મરાઠા સામ્રાજયના પ્રતિનિધિ તરીકે શાહજાદા સાથે રહ્યા. તેઓ બધા મોંઘેરા મહેમાનોની આગતા સ્વાગતાનું ધ્યાન રાખવા માંડ્યા. સંભાજીને બાદશાહ બનવા ઉત્સુક શાહજાદાને જલ્દી મળવું હતું. પણ જયોતિષ સહિતના સલાહકારોએ ઉતાવળ કરવા ન દીધી. સાથોસાથ સંભાજીને શંકાય ખરી કે શાહજાદાનું આગમન ઔરંગઝેબની કુટિલ નીતિનો કોઇ ભાગ તો નહીં હોય ને? (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button