દુર્ગાદાસ રાઠોડે ફરી એકવાર ઔરંગઝેબ સામે બળવો પોકાર્યો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૪૦)
શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબર પાછો ફરવા માંગે છે. કાબુલથી આવેલા આ સંદેશો બાદશાહ ઔરંગઝેબ માટે અનેક કારણસર ખૂબ મહત્ત્વનો હતો. બળવાખોર નમી રહ્યો હતો, બેટો પાછો આવી રહ્યો હતો અને અન્ય રાજકીય-શાસકીય કારણો પણ હતા. આ બાબતને એકદમ ગંભીરતાથી લઇને ઔરંગઝેબે દીકરાને પાછા લાવવાની જવાબદારી દુર્ગાદાસ રાઠોડને સોંપી. દુર્ગાદાસ બહાદુર અને કાબેલ હોવા સાથે વિશ્ર્વાસુ હતા તથા શાહજાદો પણ એમની એકેય વાત ઉથાપતો નહોતો.
૧૯૬૯ની સાતમી મેએ દુર્ગાદાસ પૂરેપૂરી તૈયારી સાથે મેડતાથી રવાના થયા. દુર્ગાદાસે દુનિયા જોઇ હતી, જેટલી લડાઇ જોઇ હતી એટલા જ નદીના પાણી પીધા હતા. જરાય ઉતાવળ કે કચાસ રાખવાને બદલે તેઓ વ્યવસ્થિતપણે આગળ વધવા માંગતા હતા. એક તો રાજકારણ હતું. સત્તાની ખેંચતાણનો મામલો હતો અને એ પણ લોહી તરસ્યા નિષ્ઠુર મોગલ શાસકોની શતરંજ હતી.
એકદમ ઉત્સાહભેર ધસી જવાને બદલે દુર્ગાદાસ રાઠોડે સિંધ પહોંચીને દીકરા તેજકરણને આગળ મોકલ્યો. મિર્ઝા મોહમ્મદ અકબર સાથે ચર્ચા કરીને વધુ પાક્કે પાયે કરવાનું અનિવાર્ય, તે આવકાર્ય હતું. અને દુર્ગાદાસ સાડી સોળ આની સાચા સાબિત થયા.
શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને બાદશાહ ઔરંગઝેબ એટલે કે સગા બાપ પર જરાય વિશ્ર્વાસ નહોતો. તેણે અબ્બાજાનને મળવાનો જ નનૈયો ભણી દીધો. હવે શું? અંતે દુર્ગાદાસ રાઠોડે પાછા ફરવાનું નક્કી કર્યું.
સ્વાભાવિક છે કે ઔરંગઝેબને આ ન ગમ્યું. શાહજાદાને સાથ અને આશ્રય રાઠોડે જ આપ્યા હતા. એની બળવાખોરીની આગમાં કેરોસીન રેડયું હતું. એનું ઔરંગઝેબને ખૂન્નસ હતું. સ્વાભાવિકપણે ધ્યાન ફરી મહારાજા અજિતસિંહ તરફ ગયું. જે અનેક વખત એનું આમંત્રણ ઠુકરાવી ચૂકયા હતા. હવે બાદશાહને શંકા જવા માંડી કે કયાંક અજિતસિંહ અને રાઠોડ સરદારોને લીધે દુર્ગાદાસ રાઠોડ પણ પોતાનાથી દૂર ન થઇ જાય. એક વખતનો કટ્ટર દુશ્મન હવે એના માટે અનિવાર્ય બની ચૂકયો હતો.
આ જ કારણસર દુર્ગાદાસને મારવાડથી દૂર રાખવાનો કારસો વિચારાયો. એમને ફોજદાર બનાવીને છેક પાટણ મોકલાવાનું નક્કી કરાયું.
ઇ.સ. ૧૭૦૧ના જૂનમાં ઔરંગઝેબ શાહજાદા આઝમ શાહને અમદાવાદનો સુબેદાર બનાવ્યો, પરંતુ એક તો અનુભવ અને વ્યવહાર-દક્ષતાનો અભાવ અને ઉપરથી શાહજાદા હોવાનું અભિમાન. એના વાણી-વર્તનથી સરકારી કર્મચારીઓમાં નારાજગી વધવા માંડી. આમાં રાઠોડો પણ ખરા. આઝમ શાહની નીતિરીતીઓ જરાય માફક ન આવવાથી દુર્ગાદાસ ફરી બળવા પર ઉતરી આવ્યા.
માત્ર વિદ્રોહી બનીને ચૂપ બેસવાને બદલે દુગાર્દાસ રાઠોડે તો મહારાજા અજિતસિંહને પણ ધૂંસરી ફગાવી દેવા માટે સમજાવવા માંડયા. આ બધા વાવડ સાંભળીને ઔરંગઝેબ ઉશ્કેરાયા. તેણે રાજા, વાજા અને વાંદરાની ઉક્તિને સાર્થક કરતા શાહજાદા આઝમ શાહને આદેશ કહેવડાવ્યો કે ગમે તેમ કરીને દુર્ગાદાસ રાઠોડને મારી સેનામાં હાજર કરો કાં ખતમ કરી નાખો.
(ક્રમશ:)