ઉત્સવ

દુર્ગાદાસ રાઠોડ નવા બાદશાહ બહાદુરશાહની જાળમાં ન સપડાયા

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

ઔરંગઝેબના અવસાન બાદ મોગલ શાહજાદાઓ સત્તા માટે એકમેક સામે લડવા માંડ્યા. અરાજકતાનો લાભ લઈને મહારાજા અજીતસિંહે જોધપુર બાદ મેડતા, સોજત અને પાલી પણ જીતી લીધા. આ દરમિયાન દુર્ગાદાસ રાઠોડ મહારાજાને મળ્યા. અજીતસિંહે તેમને પ્રધાન એટલે વઝીરનો હોદ્દો ઓફર કર્યો, પરંતુ ૭૦ વર્ષની ઉંમરે પહોંચેલા દુર્ગાદાસે કોઈ પદ સ્વીકારવાનો વિનમ્રતાથી ઈનકાર કર્યો, પરંતુ એમનો જ મત માનીને ચાંપાવત મુકુંદદાસ પાલીને એ હોદ્દો અપાયો.

આ તરફ શાહજાદો મુઅજ્જમ ઉર્ફે બહાદુર શાહે બાદશાહત સંભાળી લીધી. ત્યાર પછી રાજસ્થાનમાં બનેલી ધાનાઓથી બહાદુરશાહ ગુસ્સે થયો. ઈ.સ. ૧૭૦૭ની ૧૨મી નવેમ્બરે તેણે રાજસ્થાન પર હુમલો કર્યો આ સાથે મહારાજા અજીતસિંહે પોતાની રાણીઓને વિશ્ર્વાસુ સેવકો સાથે સિવાના મોકલી દીધી. તેમણે કિલ્લાની મજબૂતી અને સલામતી વધાર્યા. સાથોસાથ તાત્કાલિક દુર્ગાદાસને એમના ગામેથી બોલાવી લીધા. મહારાજા અજીતસિંહે બાદશાહને મળવાની ઈચ્છા દર્શાવતો સંદેશો મોકલાવ્યો, પરંતુ બહાદુર શાહની મોગલ સેનાએ ઈ.સ. ૧૭૦૮ના —- જોધપુર પર હુમલો કરવાની જાહેરાત કરી દીધી. મહારાજા અજીતસિંહે બાદશાહને મળીને ભેટ સોંગાદ આપી, પરંતુ એમના પ્રતિનિધિમંડળમાં દુર્ગાદાસ રાઠોડ નહોતા. બહાદુરશાહે ખાસ દુર્ગાદાસને તેડાવ્યા. એટલું જ નહીં, ખાસ માણસને અડધે રસ્તે એમનું સ્વાગત કરવા મોકલાવ્યા. આ હતું દુર્ગાદાસ રાઠોડનું મહત્ત્વ અને માનપાન. બહાદુરશાહે મનસબ વિશે સામેથી પૂછ્યું ત્યારે દુર્ગાદાસે સ્પષ્ટ જવાબ આપ્યો કે આપ મહારાજા અજીતસિંહને જાગીર કે મનસબ ન આપો ત્યાં સુધી હું કંઈ નહીં સ્વીકારું. કેવી ગજબનાક સ્વામી-ભક્તિ? નહીંતર બહાદુરશાહને વહાલા થવામાં જ વધુ ફાયદો હતો એ કહેવાની જરૂર ખરી?

પછી બહાદુરશાહે મહારાજા અજીતસિંહ અને એમના ચાર દીકરાને મનસબ અને જાગીર આપ્યા પણ જોધપુર ન સોંપ્યું આથી રાઠોડમાં નારાજગી વ્યાપી ગઈ. આ સાથે બહાદુરશાહે એક વધુ છુછી કરી: તેણે દુર્ગાદાસને કંઈ ન આપ્યું.

આ રીતે ચિરસ્થાયી શાંતિ શક્ય ન બની. મોગલ સેના ફરી લડવા નીકળી પડી. થોડા રાજાઓએ ભેગા થઈને આગળનો વિકલ્પ વિચાર્યો. મહારાજા અજીતસિંહે ચર્ચા મંત્રણા અને સલાહ-સૂચન માટે દુર્ગાદાસ રાઠોડને ય બોલાવ્યા. સાથે મળીને બાદશાહ સામે લડવાનું નક્કી થયું: આ દોસ્તાનામાં તિરાડ પડાવવા બહાદુરશાહ રમત રમ્યો. તેણે સવાઈ જયસિંહને કોણીએ ગોળ લગાવ્યો કે તમને પોતાનું રાજ્ય પાછું મળી જશે. હકીકતમાં એનો ઈરાદો નહોતો, માત્ર એકતામાં ભંગ પડાવવાની નેમ હતી. સાથોસાથ બાદશાહે દુર્ગાદાસને સિવાનાની જાગીર સોંપવાનો ય મમરો દાબી જોયો, પરંતુ આ વીરે મોગલ બાદશાહનું ફરમાન ઠુકરાવી દીધું. આ બધી સોગઠાબાજી વચ્ચે દુર્ગાદાસની કાબેલિયનને પ્રતાપે મહારાજા અજીતસિંહને જોધપુરના કિલ્લા પર કબજો થઈ ગયો. ઉંમર વધવા સાથે દુર્ગાદાસની હિમ્મત-તાકાત ઘટ્યા નહોતા, ને રાજ્ય-રાજા માટેની વફાદારી પણ એકદમ અખંડ રહ્યા હતા. કેવું ગજબનાક વ્યક્તિત્વ હશે? (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button