રાષ્ટ્રના હિતમાં શાસકથી વિરુદ્ધ વિચારવાની હિમ્મત હતી દુર્ગાદાસમાં
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૩૫)
જો ઔરંગઝેબે સાચી આત્મકથા દિલથી લખી હોત તો એમાં રાજપૂતો અને રાઠોડો છવાઈ ગયા હોત. રાઠોડો અને ખાસ તો દુર્ગાદાસ રાઠોડને હંફાવવા અને હરાવવાના મનસૂબા સાથે ઔરંગઝેબે કરતબ ખાન ઉર્ફે સુન્નત ખાનને માન-અકરામ આપ્યા, લાવ-લશ્કર સોંપ્યા અને જોધપુરમાં ખુદ જઈને કાયમી શાંતિ-વ્યવસ્થા સ્થાપવાનો આદેશ આપ્યો. જાણે શાંતિ-વ્યવસ્થા કોઈ બકરીનું બચ્ચું ન હોય?
અને કરતબ ખાને કેવા તીર માર્યા? એ અમદાવાદથી જોધપુર ગયો, થોડું રોકાયો. કહી શકાય કે સ્થિતિનો કયાસ કાઢ્યો. પછી? કાસિમ બેગ મોહમ્મદ અમીન ખાનને પોતાના વતી જોધપુરની જવાબદારી સોંપીને પાછો ફરી ગયો. અને થયું શું? એનું એ જ. ન શાંતિ સ્થપાઈ, ન વ્યવસ્થા દેખાઈ. જ્યારે તક મળે ત્યારે રાઠોડો મોગલોની ચોકી અને કચેરીઓ પર હુમલો કરે અને લૂંટ ચલાવીને જતા રહે. આમાં પ્રજાના મનમાં શાસક પર વિશ્ર્વાસ બેસે ક્યાંથી.
આ બધા આક્રમણ, લૂંટફાટમાં રાઠોડોને પક્ષે વકરો એટલો નફો એવો ઘાટ હતો. મોગલોની આબરૂ ધોવાતી તી, નાક કપાતું હતું. ક્યારેક રાઠોડોએ પાછીપાની કરવી પડે કે હારવું પડે તો ચોક્કસ ફરી ત્રાટકતા ને ત્રાટકતા જ. બંને પક્ષે સતત નાની-મોટી ખુવારી થતી રહેતી હતી. ઔરંગઝેબને માણસોના મોતની પરવા નહોતી પણ એની મૂંછ નીચી જ રહેતી હતી એનો ગુસ્સો વધતો જતો હતો. બંને પક્ષ વચ્ચેની ચીલઝડપની ઘટનાઓ તવારીખ તારીખ-વાર સાથે ઈતિહાસમાં અંકિત છે.
આ બધામાં મહારાજા અજિતસિંહને નામે કરવસૂલી અને ઠેર-ઠેર ચોકી સ્થાપવાના વાવડ મળતા ઔરંગઝેબ સુબેદાર સુજાત ખાન ઉર્ફે કરતબ ખાન પર ખૂબ ફુંગરાયો. અને સુબેદારે શું કર્યું? રાઠોડોને વિનંતી કરી કે કરવસૂલી ધાંધલધમાલને બદલે શાંતિથી કરો. આવા હતા ઔરંગઝેબના ખાસ માણસો.
એક રાઠોડ લડવૈયા ઈશ્ર્વરદાસ પોતાનું લૂંટાયેલું પશુધન પાછું મેળવવામાં મોગલો સામે ખપી ગયા. એમના દીકરાના આગ્રહથી દુર્ગાદાસ રાઠોડે મેડતાના પર કબજો જમાવી લીધો. અલબત્ત, અહીં રાઠોડોનું અધિપત્યું ઝાઝું ટક્યું નહોતું.
દુર્ગાદાસ રાઠોડે ભડસિયાના યુદ્ધમાં સફી ખાનને ધૂળ ચાટતો કર્યા બાદ સિવાના પર પણ કબજો મેળવી લીધો હતો. એ રાઠોડો માત્ર મારવાડની બહાર અન્ય વિસ્તારોમાં પણ કરની વસૂલી કરવા માંડ્યા હતા.
હવે હારેલા સફીખાને નવો પેંતરો રચ્યો. તેણે મહારાજા અજિતસિંહને અજમેર આવવાનું આમંત્રણ આપ્યું. સાથોસાથ વચન આપ્યું કે જો તમે આમંત્રણ સ્વીકારશો તો બાદશાહ ઔરંગઝેબને કહીને આપને જોધપુરનું રાજ્ય પાછું અપાવી દઈશ. મહારાજા અજિતસિંહ આ પ્રસ્તાવથી ખુશખુશાલ થઈ ગયા અને અજમેર જવા માટે મનોમન તૈયાર થઈ ગયા. તેમણે દુર્ગાદાસ રાઠોડને સૂચના મોકલી કે અજમેર જવા માટે આપ પણ આવી જાઓ. પરંતુ જમાનાના ખાધેલા દુર્ગાદાસને આ ઓફરમાં જરાય રસ ન પડ્યો. તેમણે પોતાના ભાઈને મોકલીને મહારાજા અજિતસિંહને અજમેર ન જવાની સલાહ આપી. રાષ્ટ્રના હિતમાં શાસક વિરુદ્ધ વિચારવાની હિમ્મત પણ હતી દુર્ગાદાસમાં.
પરંતુ આ શિખામણને અવગણીને અજિતસિંહ તો સૈન્ય લઈને અજમેર જવા નીકળી પડ્યા. તેમણે એક જણને સુફી ખાન સાથે વાટાઘાટની શરૂઆત માટે પોતાનાથી આગળ રવાના ય કરી દીધા.
શું સુફી ખાન કે મોગલ સલ્તનત એટલી આસાનીથી જાની દુશ્મનને રાજ સોંપી દે ખરું?
(ક્રમશ:)