અત્યંત કપરા સંજોગોમાંય દુર્ગાદાસે ખાનદાની ન જ છોડી | મુંબઈ સમાચાર

અત્યંત કપરા સંજોગોમાંય દુર્ગાદાસે ખાનદાની ન જ છોડી

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૩૪)
સંજોગો એવા ઊભા થયા કે દુર્ગાદાસ રાઠોડને બાળરાજા અજીતસિંહની સલામતી માટે વતન ધસી જવાનું હતું, તો શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને જીવ બચાવવા માટે વતનથી દૂર દૂર ભાગી જવું હતું. શાહજાદાએ રત્નાગિરી નજીક આવેલા અને એ સમયના સક્રિય બંદર રાજપુરાથી બે ભાડાના જહાજ કર્યાં. અંદર ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરી માલસામાન સાથે ઈરાકના સુલતાનને મળવા નીકળી પડ્યો.

ઈ. સ. ૧૬૮૭ની ૨૬મી જાન્યુઆરીએ કચવાતા મને શાહજાદાને અલવિદા કહીને દુર્ગાદાસ વતન ભણી આગળ વધવા માંડ્યા.

મોગલ સેના અને રાઠોડો- રાજપૂતો વચ્ચે ઠેરઠેર ચીલઝડપ અને યુદ્ધ ચાલતા રહ્યા. વિશાળ સેના છતાં ઔરંગઝેબને નિર્ણાયક સફળતા મળતી નહોતી. એ અગાઉ ટીટેવા ગામથી દુર્ગાદાસ વતન જતા હતા ત્યારે રસ્તામાં આવતા મોગલ વિસ્તારો લૂંટવાનું ચુકતા નહોતા. માલવાથી રતલામ અને ત્યાંથી બદનોર ગયા. રસ્તામાં સમૃદ્ધ મોગલ ગામ માલપુરા ય લૂંટ્યું. ત્યાંના મોગલ ફોજદાર સૈયદ કુલુબ સાથે યુદ્ધ થયું જેમાં બંને પક્ષે ખુવારી થઈ. કેકડી અને અન્ય ગામ લૂંટતા- લૂંટતા ઈ. સ. ૧૬૮૭ની આઠમી ઑગસ્ટે પોતાના નામ ભીમરલાઈ પહોંચી ગયા.

ઘણાં લાંબા સમયે વતન પહોંચવા છતાં સુખ, શાંતિ કે આરામમાં રાચવાના બદલે દુર્ગાદાસ તરત શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરના સંતાનોને મળવા બાડમેર પહોંચી ગયા. સત્તા કે રાજકીય સ્વાર્થ ખાતર તકસાધુ બનવાના બદલે દુર્ગાદાસ શાહજાદાના અને તેના સંતાનોના સાચા યજમાન અને આશ્રયદાતા સાબિત થયા. કેવી અકલ્પ્ય ખાનદાની?

ભીમરભાઈમાં દુર્ગાદાસ રાઠોડ અને મહારાજા અજીતસિંહ મળ્યા. યુવા મહારાજાએ દુર્ગાદાસ પ્રત્યે આદર વ્યક્ત કરીને ખુશીખુશી શિરપાવ આપીને આ અનોખા યોધ્ધાનું સન્માન કર્યું, વધાર્યું. પરંતુ દુર્ગાદાસ જાણતા હતા કે હજી જોખમ ટળ્યું નથી.

સાવધાની, સાવચેતી રાખવી જ પડે. રાઠોડજીએ સૂચન કર્યું કે હવે મહારાજાએ સલામતીના કારણોસર પિપળોદના પર્વતોમાં જ રહેવું. આ વાત માનીને અજીતસિંહ ઊંચાઈવાળા વિસ્તારમાં રહ્યા.
આ લડાઈને ચાલુ રાખવા માટે સતત પૈસાની જરૂર પડતી. એ ભેગા કરવા માટે દુર્ગાદાસ પોતાના સાથીઓ સાથે વસૂલી માટે નીકળી પડ્યા. વ્યૂહાત્મક રીતે બધા રાઠોડ સરદારો વિભિન્ન વિસ્તારોમાં વહેંચાઈ ગયા.

દુર્ગાદાસ રાઠોડ સિંધ તરફ ગયા અને ત્યાં ઠેર ઠેર લૂંટ લચાવી અને શક્ય બન્યું ત્યાં કરવેરા વસૂલ કર્યાં. આ તરફ રાઠોડ સરદારોએ સોજત પર આક્રમણ કર્યું. અહીંનો મોગલ ફોજદાર સુજાતસિંહે જોરદાર લડાઈ આપી. આમાં રાઠોડોએ પીછેહઠ કરવી પડી. શક્ય એટલા જીવ બચાવીને સલામત સ્થળે પહોંચી ગયા અને દુર્ગાદાસ રાઠોડની મદદ માગી.

અંતે ૧૬૮૭ની ૨૫મી ઑકટોબરે દુર્ગાદાસ સહિતના રાઠોડ આગેવાનોએ ફરી સોજત પર હુમલો કર્યો. દુર્ગાદાસે સોજત શહેરની બહારનો મોરચો સંભાળ્યો. કારણ કે અન્ય સરદારો યુદ્ધમાં વ્યસ્ત હતા અને સવારે શહેરમાં ઘુસી ગયા. પરંતુ સાંજ સુધી જીત ન મળી.

રાત પડતા બધા પાછા શહેર બહાર નીકળી ગયા. એ સમયે સમાચાર આવ્યા કે સોજતની વહારે જોધપુરથી મોગલ સેના આવી રહી છે.
જોશમાં કપાઈ મરવાને બદલે રાઠોડોએ વ્યૂહાત્મક પીછેહઠ કરી. પણ આ ક્યાં મરવા-મારવાનો અંત હતો? (ક્રમશ:)

સંબંધિત લેખો

Back to top button