બાદશાહની અધધધ લાલચ છતાં દુર્ગાદાસ પોતાના સ્વામી સામે ધરાર ન લડયા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
વીર દુર્ગાદાસ રાઠોડના કૌશલ, વ્યૂહ, શૌર્ય અને નેતૃત્વને શત્રુઓય પ્રશંસાની નજરે નિહાળતા હતા. એટલે જ હિન્દુસ્તાન પર ઇ. સ. ૧૭૧૩થી ૧૭૧૯ સુધી રાજ કરનારા બાદશાહ ફરુખ સિયર મૂળ અને પૂરું નામ અબ્બુલ મુઝફકરુદ્દીન મુહમ્મદ શાહ ફરુખ સિયર-તરફથી દુર્ગાદાસને મહારાજા અજિતસિંહ વિરુદ્ધ લડવા આવવાનું કહેણ જ ન મોકલાવાયું. દુર્ગાદાસને હાથી-ઘોડા સાથે મૂલ્યવાન ભેટ-સૌગાદ, અમદાવાદના ખજાનામાંથી એક લાખ રૂપિયા આપવાનો આદેશ, સાથોસાથ અમદાવાદની ફોજદારી ઓફર કરાઇ. એટલું જ નહીં, દુર્ગાદાસના દીકરાઓ અને ભાઇઓ માટેય ભેટ અને પદ.
એ જમાના મુજબ આ અધધ કહેવાય, ભલભલા માની જાય. પરંતુ દુર્ગાદાસ અલગ જ માટીના ઘડાયેલા હતા. જે મહારાજાના પોતે જીવનરક્ષક હતા, જેને મહારાજા બનાવવામાં પોતે સિંહફાળાથી વધુ પ્રદાન આપ્યું હતું. પણ એ જ અજિતસિંહે પોતાને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફગાવી દીધા હતા. છતાં, ક્ધિતુ, પરંતુ, પણ દુર્ગાદાસ તો હજી અજિતસિંહને પોતાના મહારાજા માનતા હતા, સ્વામી સમજતા હતા. તેમણે બાદશાહ વતી લડવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો. આ ઇનકાર માત્ર શાબ્દિક બનીને ન રહી જાય. મોગલ સેના એમના અને પરિવારના જીવ પાછળ પડી શકે, પરંતુ એવો ડર દુર્ગાદાસ પાસે કયારેય ફરકયો કયાં હતો?
ત્યાર બાદ મોગલો અને મહારાજા અજિતસિંહની સેના વચ્ચે લાંબો સમય જોરદાર યુદ્ધ થતું રહ્યું, પણ નિર્ણાયક પરિણામ આવતું નહોતું.
બાદશાહ ફરુક સિયરે દુર્ગાદાસની નાફરમાનીને પણ પચાવી લીધી. એ સુપેરે જાણતા હતા કે રાજસ્થાનમાં જીતવું કે ટકવું હોય તો દુર્ગાદાસ રાઠોડ પોતાની સાથે રહે એ અનિવાર્ય છે આથી તે લોકો દ્વારા પ્રયાસરત રહ્યાં કે એકવાર દુર્ગાદાસ રાઠોડ આવીને પોતાને
મળે.
મોગલ વંશાવલીના આ બાદશાહ ફરુક સિયર પર ઝાઝું ફોકસ કરાયું નથી, પરંતુ તૈમુરના વંશ જ ફરુક સિયર (૨૦ ઑગસ્ટ, ૧૬૮૫-૨૮ એપ્રિલ, ૧૭૧૯)નું ભારતને બરબાદ કરવામાં બહુ મોટું, ખરેખર ખૂબ ભયંકર
પ્રદાન છે.
ઇ.સ. ૧૭૧૭ની વાત છે જોન સુરમનની આગેવાનીમાં બ્રિટિશ પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું. આ ડેલિગેશન ફરુક સિયરના દરબારમાં હાજર થયું. એ સમયે ફરુક સિયાર ગંભીર ઇજાને લીધે પથારીવશ હતા. આ પ્રતિનિધિમંડળમાં આવેલા ડૉ. હેમિલ્ટને સારવાર થકી બાદશાહને એકદમ સાજા કરી દીધા. ફરુક સિયર તો ખુશખુશાલ થઇ ગયો. તેણે અંગ્રેજોને ભારતમાં ગમે તે સ્થળે વેપાર કરવાની મંજૂરી આપી દીધી. એટલું જ નહીં, અંગ્રેજોએ બનાવેલા ચલણી સિક્કાનો ભારતભરમાં સ્વીકાર કરવાનો આદેશ બહાર પાડી દીધો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ‘મેગ્નાકાર્ટા’ તરીકે આ ઘોષણા ઓળખાય છે. આને લીધે હવે અંગ્રેજોએ ભારતમાં પગપેસારો કર્યા બાદ શું-શું કર્યું એનો ઇતિહાસ ખૂબ જાણીતો છે અને અહીં દોહરાવવાનો જરૂરી નથી.
આ ફરુક સિયરના ઘણા બધા પ્રયાસો બાદ અંતે દુર્ગાદાસ રાઠોડ સાદડીથી રવાના થયા બાદશાહના દરબારમાં જવા માટે. બાદશાહે દુર્ગાદાસને દિલ્હીમાં આવકારવા પોતાના ખાસ વિશ્ર્વાસુને મોકલ્યા. ઇ.સ. ૧૭૧૬ની ૧૮મી ફેબ્રુઆરીએ દુર્ગાદાસે દિલ્હી દરબારમાં પગ મૂકયો. બાદશાહે તેમનું શાહી
સન્માન કર્યું, માન-પાન-ભેટ આપ્યા. દુર્ગાદાસ પૂરો એક મહિનો દિલ્હીમાં રોકાયા.
બાદશાહ ફારુક સિયર ઇચ્છતો હતો કે દુર્ગાદાસ રાઠોડનો ઉપયોગ માત્ર રાજસ્થાનમાં શાંતિ માટે જ કરવો. એનો વ્યૂહ પ્રશંસનીય હતો. દુર્ગાદાસ સૌ માટે એકદમ અનિવાર્ય હતા. એ બાબત પરથી સાબિત થાય છે.
(ક્રમશ:)