દુર્ગાદાસના સાથીએ તો નવજાત બાળકીનું બલિદાન આપી દીધું

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૫૩)
વીર દુર્ગાદાસ રાઠોડ. વટવૃક્ષ સમાન વિરાટ પ્રેરક વ્યક્તિત્વ.
દુર્ગાદાસ જે મહારાજા જસવંતસિંહના આજીવન વફાદાર સેવક રહ્યાં એ જસવંતસિંહના સૌથી વિશ્ર્વાસુઓમાં એક નામ હતું મોહકમસિંહ ચાંદાવત. તેઓ બલુંદાના રાજા હતા પણ કાયમ જસવંતસિંહની સાથે રહ્યાં. ઔરંગઝેબે રાજકીય કારણોસર જસવંતસિંહ પર ‘રહેમ નજર’ રાખી પણ એમને એક સ્થળે સ્થિર થવા ન દીધા. અલગ-અલગ લડાઇ માટે જુદા-જુદા સ્થળે મોકલતો રહ્યો. આ સમયે મોહકમસિંહ કાયમ જસવંતસિંહની જ સાથે જ રહ્યાં. મહારાજાના અવસાન બાદ પણ મોહકમસિંહની વફાદારી એમના પરિવાર પ્રત્યે ટકી રહી.
જયારે ઔરંગઝેબની સેનાએ બાળકુંવર અજિતસિંહ અને સ્વ. જસવંતસિંહની મહારાણીઓની હવેલી ઘેરી લીધી, ત્યારે એમને બચાવવા માટે લડનારાઓમાં મોહકમસિંહ પણ હતા. નવજાત અજિતસિંહનો જીવ બચાવવા માટે એમના ઘોડિયામાં ઠાકુર મોહકમસિંહની ધર્મપત્ની બાથેલીજીએ પોતાની દીકરીને સુવડાવી દીધી. રાજકુમારને બાળકીના કપડાં પહેરાવીને હેમખેમ બહાર કઢાયા હતા. આમાં મોહકમસિંહ અને બાથેલીજીએ પોતાની દીકરીનું બલિદાન આપવું પડયું હતું. આ બાથેલીજીએ પુત્રી ગુમાવ્યાનું વિષાદ ભૂલીને એક વર્ષ સુધી બાળકુંવરને સ્તનપાન કરાવીને સગી માતાની જેમ ઉછેર્યો હતો. આ યુગલે આ વાત એટલી ખાનગી રાખી હતી કે એક વર્ષ સુધી ખાસ દાસીઓને ય એનો અણસાર આવવા દીધો નહોતો. દાસીને સચ્ચાઇની જાણ થઇ કે તરત જ બાળકુંવરને અન્યત્ર ખસેડાયો હતો.
જયારે ઇ. સ. ૧૬૭૯ના જુલાઇમાં રાઠોડ સેના દિલ્હી છોડીને મારવાડ તરફ ગઇ ત્યારે આખરી ટુકડીમાં દુર્ગાદાસ અને ઠાકુર મોહકમસિંહ હતા. આ બન્ને મોગલો સાથેની લડાઇમાં ખૂબ ઘવાયા હતા. એ સમયે દુર્ગાદાસે આગ્રહભેર મોહકમસિંહને વતન બક્ષ્યું. બાલુંદા જઇને આરામ કરવા મોકલ્યા હતા. મોહકમસિંહ જ નહીં તેમની ધર્મપત્ની બઘેલીજી અને દીકરા કુંવર હરિસિંહ મેવાડ અને દુર્ગાદાસ રાઠોડ સદૈવ અનન્ય સાથ આપતા રહ્યાં હતાં.
એક વધુ અનન્ય વ્યક્તિત્વ એટલે રાજસિંહ મેડતિયા. મહારાજા જસવંતસિંહની હયાતીમાં મોગલો મારવાડના એક મંદિરની ઇંટ તો શું રેતીનો કણ પણ ખેરવી શકયા નહોતા, પરંતુ જસવંતસિહના અવસાન બાદ ઔરંગઝેબે મારવાડ પર કબજો જમાવીને મંદિરો તોડવાનું શરૂ કરી દીધું. આ બધું ચૂપચાપ જોઇ રહેવાને બદલે આલર્નિયાવાસના રાજસિંહ મેડતિયાએ પ્રતિજ્ઞા લીધી કે મોગલો સામે વેર ન વાળું ત્યાં સુધી અનાજ નહીં ખાઉં અને પલંગ પર નહીં ઊંઘું. તેઓ માત્ર દૂધ પર જીવવા માંડયા હતા. તેમણે મોગલો પર હુમલો કરીને જોડતા પાછું જીતી લીધું એટલું જ નહીં મૌગલોએ બાંધેલી મસ્જિદો તોડાવી નાખીને ઔરંગઝેબને એની જ ભાષામાં જવાબ આપ્યો હતો. તેમણે મોગલોથી મુક્તિ મેળવવાના સંગ્રામમાં દુર્ગાદાસ રાઠોડને પૂરેપૂરો સહકાર આપ્યો હતો, જેનાથી પ્રજાનું મનોબળ અડીખમ રહ્યું હતું. અનન્ય વીરતા બનાવનારા રાજસિંહ મેડતિયા માટે મારવાડમાં કહેવાય છે ‘રાજડ જિસૌ નહીં રાઠોડ.’
વીર દુર્ગાદાસ રાઠોડને પ્રદીર્ઘ લડતમાં ઘણા મહાનુભાવોના સાથ, સહકાર મળ્યા. આમાં ગોપીનાથ મેડતિયા, ઘાણેરાવ, રાજા બહાદુરસિંહ શેખાવત, જગરામસિંહ ઉદાવત અને છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પણ ખરા વ્યુહાત્મક કારણોસર જયારે દુર્ગાદાસ રાઠોડ શાહજાદા મોહમ્મદ અકબરને લઇને મરાઠા રાજયમાં પહોંચ્યા, ત્યારે મોગલોને દુશ્મન માનનારા છત્રપતિ સંભાજી મહારાજે તેમને પ્રેમથી આવકાર્યા હતા. એ સમયે મોટાભાગના રાજા ઔરંગઝેબના ખોફથી થરથરતા હતા, ત્યારે છત્રપતિ સંભાજી અને વીર દુર્ગાદાસ રાઠોડ કંઇક અલગ જ માટીથી ઘડાયેલા વતન-પ્રેમી હતા.
દુર્ગાદાસ રાઠોડ પર લખાયેલી એક પંક્તિ દોહરાવીને કહી અને આ શ્રેણીનું સમાપન: માઇ જણે તો પૂત જણ, જૈસા દુર્ગાદાસ બાંદ મુંડાસે થામ્યો દુર્ગાદાસ જેવો આપજો. જેણે મુંડાસા-પાઘડી કે સાફા જેવા કપડાની મદદ વગર થાંભલાથી આકાશને રોકયું. (સંપૂર્ણ)