દુર્ગાદાસના પ્રમુખ સાથી ચાંપાવતથી મોગલ સૈનિકો થર થર ધ્રૂજતા હતા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૫૧)
અમિતાભ બચ્ચન જેમ પ્રકાશ મેહરા, મનમોહન દેસાઈ કે રમેશ સિપ્પી વગર ધ અમિતાભ ન બની શક્યો હોત એમ દરેક મહાપુરુષ માટેય અમુક વ્યક્તિ, એમના સાથ-સહકાર ચાવી રૂપ બની જાય છે.
વીર દુર્ગાદાસ રાઠોડના એક મહત્ત્વના સાથી એટલે મુકુંદદાસ ખીંચી. ક્યાંક મુકુંદદાસ કલાવત તરીકે ઓળખાવાતા આ સજ્જનના પૂર્વજ રાવ અચલદાસ ખીંચી, હાલના કોટા જિલ્લા સ્થિત ગાંગરોનગઢના શાસક હતા. જોધપુરના મહારાજા જયવંતસિંહ (પહેલા)ના તેઓ અત્યંત વિશ્ર્વાસુ હતા. જસવંતસિંહના અવસાન બાદ તેમને રાણી નિવાસ અને બાળ રાજકુમાર અજિતસિંહની દેખરેખની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ મોગલોની દાનતથી પૂરેપૂરા વાકેફ રાઠોડોએ રાણીઓ અને રાજકુમારની સોંપણી ન કરી ત્યારે ઔરંગઝેબની સેનાએ હવેલીને ઘેરી લીધી હતી. રાજકુમાર અજિતસિંહને ગમે તે ભોગે ઔરંગઝેબથી બચાવીને દિલ્હીથી મારવાડ મોકલવાની યુક્તિ ઘડાઈ. મુકુંદદાસે મદારીનો વેશ ધારણ કરીને અજિતસિંહને બહાર લઈ જવાનું જોખમ ઉઠાવ્યું હતું.
આમ દુર્ગાદાસ અને મુકુંદદાસનું ધ્યેય સમાન હતું. તેઓ દુર્ગાદાસના વિશ્ર્વાસુ અને મુખ્ય સાથી બની ગયા. દુર્ગાદાસના કહેવાથી મુકુંદદાસ સતત અજિતસિંહની સાથેને સાથે રહે. ક્યારેક મદારી તો ક્યારેક સંન્યાસીનો વેશ ધારણ કરી લેતા.
સમય જતા અજિતસિંહ મહારાજા બન્યા ત્યારે મુકુંદદાસને મોટી જાગીર ન આપી પણ સેનામાં રાખ્યા. છતાં મુકુંદદાસની નિષ્ઠાની કદર રૂપે એમના પુત્ર ગોકુલદાસને જાગીર આપી હતી. આના જાગીર પટ્ટામાં સ્પષ્ટપણે લખાયું હતું કે મુકુંદદાસે સંકટના સમયે મારી ખૂબ સેવા કરી છે એટલે આ ઈનામરૂપે આ જાગીર આપું છું. મારો કોઈ ઉત્તરાધિકારી આ જાગીરપટ્ટો રદ નહિ કરી શકે.
દુર્ગાદાસ રાઠોડના વિરાટ વ્યક્તિત્વ, બલિદાન અને શૌર્યના પડછાયામાં ભલે મુકુંદદાસ ખીંચી ઢંકાઈ જતા હોય પણ તેમને દુર્ગાદાસનો જમણો હાથ અવશ્ય કહી શકાય.
ઠાકુર સોનગ ચાંપાવત એટલે મોગલો નામના ભૂત સાથે વાતથી જ વાત કરવાની ઉગ્ર આગ્રહી. મહારાજા જસવંતસિંહ (પહેલા)ના શાસનમાં જોધપુરના કોતવાલ ઠાકુર સોનગ પણ સતત માતૃભૂમિ, રાજ્ય અને બાળ રાજકુમારની રક્ષા માટે લડતા રહ્યા. મહારાજા જસવંતસિંહના અવસાન બાદ મોગલોને ભાઈબાપા કરીને અજિતસિંહ માટે રાજ્ય પાછું મેળવી લેવાની વિચારધારામાં દુર્ગાદાસ (માત્ર શરૂઆતમાં) અને અન્ય આગેવાનો હતા પણ ઠાકુર સોનગ દૃઢ હતા કે મોગલો વાતચીતથી સમજે એવા નથી જ.
પરંતુ શાંતિ-મંત્રણાના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા બાદ સોનગ ફોર્મ્યુલા સિવાય વિકલ્પ નહોતો અને પછી તો રાઠોડો ઈ.સ. ૧૬૭૯થી લઈને રાજકુમાર અજિતસિંહ અંતે મહારાજા બન્યા ત્યાં સુધી લડતા જ રહ્યા.
આ બધી લડાઈમાં બહાર આવ્યું કે ઠાકુર સોનગ ચાંપાવત અત્યંત સ્વાભિમાની અને અઠંગ યોદ્ધા હતા તેમણે દુર્ગાદાસ સાથે કદમ મિલાવીને અનેક સંગ્રામ કર્યા અને અનેક મહત્ત્વની કામગીરી બજાવી હતી, જ્યારે મોગલોમાં ફાટફૂટ પડાવવા માટે ઔરંગઝેબના શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને લઈને મહારાષ્ટ્ર ગયા ત્યારે મારવાડની જવાબદારી સફળતાપૂર્વક સંભાળવા સાથે ચાંપાવત મોગલોના વિરોધની જ્વાળાને ઠંડી પડવા દીધી નહોતી. આ સોનગના ઉગ્ર આક્રમણથી મોગલ સેના થરથરી ઉઠતી હતી. ઔરંગઝેબ માટે દુર્ગાદાસ એક, તો ઠાકુર સોનગ ચાંપાવત બીજું શિરદર્દ બની ગયા હતા. એ પણ એટલી હદ સુધી કે ઔરંગઝેબે ચાંપાવત સાથે સમાધાન માટે દૂત મોકલવો પડ્યો હતો ઈ.સ. ૧૬૮૧ની આઠમી ઑક્ટોબરે સમાધાન માટે ચર્ચા કરવા જતી વખતે રસ્તામાં બીમારીને લીધે ઠાકુર સોનગ ચાંપાવતનું મૃત્યુ થયું.
પરંતુ રાઠોડોના મોગલો સામેના મહા સંગ્રામમાં વીરનાયક દુર્ગાદાસ રાઠોડના સાથીઓમાં ઠાકુર સોનગ ચાંપાવત એક પ્રમાણિક નામ ગણાય જ. (ક્રમશ:)