દુબઈમાં સિંગલ વિન્ડો પૉલિસીને કારણે ઉદ્યોગોને મળ્યું મોકળું મેદાન
મુંબઈ સમાચાર ટીમ
દુબઈ યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)નું મહત્ત્વનું શહેર છે. દુબઈ, અબુધાબી, શારજાહ, ઉમ્મુલ ક્કૈન, રાસ-અલ ખૈમા, અજમાન અને અલ ફુજેરા અમિરાત છે. દુબઈના રાજા એ યુએઈના વડા પ્રધાન અને ઉપ રાષ્ટ્રપતિ છે. જોકે, યુએઈના ઉદ્ભવના ૧૫૦ વર્ષ પહેલા દુબઈ અસ્તિત્વમાં આવ્યું હતું. ૧૯૬૦ સુધી તો વૈશ્ર્વિક સ્તરે દુબઈનું નામ લેવાતું નહોતું, પરંતુ ૮૦-૯૦ના દાયકા પછી પરિવર્તનનો પવન ફૂંકાયો અને વેપાર-વાણિજ્યને ક્ષેત્રે દુનિયામાં નામ બનવા લાગ્યું, કારણ સ્પષ્ટ હતું બિઝનેસ પૉલિસી.
બિઝનેસ ફ્રેન્ડલી પૉલિસીથી એક આડ વાત કરીએ. દુબઈમાં શોપિંગ ફેસ્ટિવલના શુભારંભથી દુબઈના અર્થતંત્રમાં પ્રાણ પુરાયો હતો, તેમાંય વળી સિંગલ વિન્ડો પૉલિસીને કારણે ઉદ્યોગોને નવા રોકાણની સાથે રોજગારીમાં વધારો થયો હતો.
વાસ્તવમાં, દુબઈમાં ‘ઈઝ ઓફ ડુઈંગ’ પૉલિસીને કારણે નવા વેપાર-ઉદ્યોગોની ક્ષિતિજો વિસ્તરી હતી. વર્ષ ૧૯૯૫માં દુબઈમાં શોપિંગ ફેસ્ટિવલનો આરંભ કર્યો હતો, ત્યારપછી મોલ કલ્ચર અને ગગનચુંબી ઈમારતોનું પ્રમાણ વધ્યું હતું, તેથી દુબઈ ગ્લોબલ સિટી તરીકે ઓળખાવા લાગ્યું હતું.
એ પછીના વર્ષોમાં એટલે કે વર્ષ ૧૯૯૯માં દુબઈને ઈન્ટરનેટની સિટી બનાવવાની શરૂઆત થઈ હતી, તેનાથી ઉદ્યોગપતિઓ અને વેપારીઓને રોકાણ કરવા માટે નવી તકો મળી. ખાસ તો સિંગલ વિન્ડો પૉલિસીને કારણે એક જ વખતમાં તમામ પ્રકારની મંજૂરી મળવા લાગી તેનાથી વેપારીઓ હોય કે બિઝનેસમેનને લાઈસન્સરાજ કે અન્ય ભ્રષ્ટાચારનું પ્રમાણ નહીંવત રહ્યું હતું.
વેપાર, વાણિજ્યથી અલગ છેલ્લે હેલ્થની વાત કરીએ તો કોવિડ-૧૯ની મહામારી વખતે પણ દુનિયાભરના દેશોએ વિદેશીઓની એન્ટ્રી માટે દરવાજા બંધ કર્યા હતા, પરંતુ દુબઈ મહેમાનોનું સ્વાગત કરતું હતું. દુબઈમાં એક્સ્પો ૨૦૨૦ને જોરદાર પ્રતિભાવ મળ્યો હતો. કોરોના મહામારીના સંકટને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું હતું, પરંતુ ફરી બેઠું થઈ ગયું હતું.
દુબઈવાસીઓ છે શિસ્તપ્રિય
દુબઈનું નામ પડે એટલે સૌથી પહેલા તમારા દિમાગમાં બે વાત ચોક્કસ આવે, જેમાં એક તો દુબઈના અમીર શેખ અને બીજી લકઝરી લાઈફ. દુનિયાના દરેક મહાનગરમાંથી કરોડોપતિ ગરીબ બની ગયાના સમાચાર જાણવા મળ્યા હશે, પરંતુ તમને દુબઈમાંથી એવું ક્યારેય જાણવા મળ્યું નહીં હોય એના પાછળના મજાના કારણ છે.
દુનિયાના અનેક દેશમાં તેલના કૂવાઓ છે, જ્યારે દુબઈમાં પણ છે. આમ છતાં દુબઈના નાગરિકો જેવી શિસ્તપ્રિયતા બીજે ક્યાંય જોવા મળશે નહીં. શિસ્ત માટે દુબઈના નીતિ નિયમોનું કારણ પણ જવાબદાર છે. દુનિયાના વિકસિત અને મોર્ડન શહેર ન્યૂ યોર્ક અને લંડન, પેરિસની તુલનામાં દુબઈમાં ક્રાઈમ રેટનું પ્રમાણ નહીંવત છે, જેને તમે ઝીરો પણ કહી શકો.
જાહેર સ્થળો કે પરિવહન ક્ષેત્રમાં કે પછી રસ્તાઓ પર પણ તમે જો કોઈ બેગ ભૂલી જાઓ તો તમને તમારી બેગ ચોક્કસ પાછી મળશે. એ જ રીતે ચોરી-લૂંટફાટ કે પછી વેપાર-બિઝનેસમાં છેતરપિંડીના ચાન્સ જ નથી. કાયદા એટલા સખત છે કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરવાનું વિચારી શકે નહીં.
જાહેર પરિવહન ક્ષેત્રે પણ તમને લોકો શિસ્તપ્રિય પ્રજા જોવા મળશે. કારનગરી કહેવાય છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાનું ક્યારેય કોઈ વિચારતું નથી. દુબઈમાં સૌથી ઓછા ગુનાનો દર છે, જ્યારે દુનિયાના સૌથી સુરક્ષિત તરીકે સાતમું સ્થાન ધરાવે છે. ગુનાની દૃષ્ટિએ કહો કે પછી આધ્યાત્મિક દૃષ્ટિએ આ શહેરમાં દરેક ધર્મના લોકો માટે કોઈ પણ જાતના પ્રતિબંધ નથી. દરેક વર્ગના લોકો માટે વિના રોકટોક બિઝનેસ, વેપાર કરવા ભરપૂર તકો મળી રહે છે, તેથી દુબઈનો ઔદ્યોગિક રીતે વિકાસ થયો છે.
મહિલાઓ માટે પણ સેફ સિટી
સ્થાનિક મહિલાઓની સાથે ટૂરિસ્ટ મહિલાઓ માટે પણ દુબઈ સેફ સિટી માનવામાં આવે છે. દુબઈના સખત કાયદા તથા વિદેશી લોકોની સુરક્ષા કરવાની ભાવનાની પ્રતિબદ્ધતાને કારણે દુનિયાના શહેરોમાં દુબઈમાં મહિલાઓ પણ પોતાને વિશેષ સુરક્ષિત અનુભવે છે. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે નાની મોટી ચોરી, કૌભાંડ કે પછી ભ્રષ્ટાચારના કેસ બને છે, પરંતુ તેનું પ્રમાણ વધારે હોતું નથી. માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા પણ લોકો ડરે છે, જ્યારે કોઈ તેનું પાલન ન કરે તો તેનું ભાન કરાવે છે.