ઉત્સવ

ટી-૨૦ને લીધે ટેસ્ટના ડાંડિયા ડૂલ

કવર સ્ટોરી -અજય મોતીવાલા

ટેસ્ટને બચાવશો તો જ ક્રિકેટ બચશે, પિચનો પ્રશ્ર્ન સૌથી મોટી ચિંતા છે જ, ફટકાબાજી પર જ ફૉકસ રખાશે તો જેન્ટલમેન્સ ગેમનું આવી જ બન્યું સમજો, બૅટર્સ હવે ટેક્નિકથી રમવાને બદલે ધીરજ ગુમાવી બેસે છે

ટેસ્ટ-મેચ જ ક્રિકેટ જેવી મહાન રમતની અસલ ઓળખ છે. ટેસ્ટના દાવપેચ જ દરેક ખેલાડીને ખરો ક્રિકેટર બનાવે છે, પરંતુ ફરી એકવાર આ લોન્ગેસ્ટ ફોર્મેટના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. પાંચ દિવસની મેચ જો હવે દોઢ દિવસમાં પૂરી થઈ જતી હોય તો ગંભીર ચિંતાનો વિષય તો કહેવાય જ…કેટલાંક જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટવીરોએ પણ ટેસ્ટ ગેમની બદતર થઈ જતી તાસિર વિશે કડક ટીકા કરી છે.

થોડા મહિના પહેલાં વન-ડે ક્રિકેટના મૃત્યુઘંટની વાતો થતી હતી, પરંતુ દોઢ મહિના પહેલાં ભારતમાં રમાયેલા રોમાંચક વર્લ્ડ કપે વન-ડેના ફોર્મેટને જીવતદાન આપ્યું હતું. ટવેન્ટી-૨૦ ક્રિકેટ કરોડો ક્રિકેટપ્રેમીઓને ભરપૂર મનોરંજન આપે છે, પરંતુ એની કેટલીક મેચ ફિક્સ થતી હોવાના આક્ષેપ સમયાંતરે થતા રહેતા હોવાથી એ શોર્ટેસ્ટ ફોર્મેટના માથે જોખમ તો તોળાય જ છે. હવે જ્યારે ટેસ્ટ-ક્રિકેટનું પણ અવમૂલ્યન થઈ રહ્યું છે ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે ક્રિકેટની આખી રમતના માથે મોટી દશા બેઠી છે કે શું?

આગામી માર્ચમાં ટેસ્ટ-ક્રિકેટ ૧૪૭ વર્ષની થશે. દોઢસો વર્ષમાં આ ફોર્મેટે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પણ અત્યારે જે હાલત છે એ સૌથી વધુ ટેન્શનવાળી વાત છે. ૧૮૮૨માં લંડનના ઓવલમાં ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની એકમાત્ર ટેસ્ટ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી એટલે ટેસ્ટ-મેચનો અકાળે અંત આવવો એ કોઈ નવી વાત નથી, પરંતુ ત્યારે ક્રિકેટ પ્રાથમિક તબક્કામાં હતી, ક્રિકેટરો નવા-નવા પાઠ શીખી રહ્યા હતા અને બે-ચાર દેશો જ આ રમત રમતા હતા જ્યારે અત્યારે ખાસ કરીને પિચના પ્રકોપને કારણે અને બે દાયકા જૂના ટી-૨૦ ફોર્મેટની અસરને લીધે ટેસ્ટ-મેચો વહેલી પૂરી થવા લાગી છે.

ભારતની છેલ્લી ચારમાંથી ત્રણ ટેસ્ટ વહેલી પૂરી થઈ ગઈ..!
આપણી છેલ્લી ચારમાંથી ત્રણ ટેસ્ટ ત્રણ કે એનાથી ઓછા દિવસમાં પૂરી થઈ. ગયા વર્ષે જુલાઈમાં ડોમિનિકામાં વેસ્ટ ઇન્ડીઝ સામે યશસ્વી જયસ્વાલે ડેબ્યુ ટેસ્ટ-ઇનિંગ્સમાં ૧૭૧ રન બનાવ્યા,જેને કારણે ભારતે ત્રીજા દિવસે એક દાવ અને ૧૪૧ રનથી વિજય મેળવ્યો હતો. ત્યાર પછી પોર્ટ ઑફ સ્પેનની બીજી ટેસ્ટ પાંચમા દિવસે ડ્રોમાં પરિણમી હતી, પણ ગયા મહિને સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાએ શ્રેણીના પહેલા મુકાબલામાં ભારતને ત્રીજા દિવસે હરાવ્યું હતું .એ પછી આ મહિને તો ભારતે હદ જ કરી નાખી. કેપ ટાઉનમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ માત્ર દોઢ દિવસમાં સાઉથ આફ્રિકનોને પછાડી દીધું.

અહીં માત્ર આપણી જ વાત નથી કરવી. ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે હજી આ શનિવારે જ પૂરી થયેલી સિરીઝની ત્રણેય ટેસ્ટ-મેચ ચાર-ચાર દિવસમાં પૂરી થઈ. ટેસ્ટ-મેચોના રિઝલ્ટ આવી રહ્યા છે એ સારી વાત છે, પણ એટલા પણ વહેલા ન આવવા જોઈએ કે જેમાં ટેસ્ટનો જે મિજાજ અને માહોલ કે એની જે અસલ મજા છે એ જ જતી રહે.

ટી-૨૦ની આ બધી અસર ?

મુદ્દાની વાત એ છે કે ટેસ્ટનું ચાર દિવસમાં રિઝલ્ટ આવે ત્યાં સુધી ઠીક છે, પણ દોઢ દિવસમાં આખી મેચનો વીંટો વળી જાય એ તો એના ભાવિ માટે અચ્છા સંકેત નથી. ટી-૨૦ની અને ખાસ કરીને કીડીના રાફડાની જેમ ફાટી નીકળેલી ફ્રેન્ચાઇઝી-આધારિત લીગ ટુર્નામેન્ટોની એવી તો વિપરીત અસર થઈ છે કે બેટર્સ (બેટ્સમેન) જાણે ક્રીઝ પર ટકી રહેવાની ટેક્નિક જ ભૂલી ગયા છે. ધીરજ ગુમાવી બેઠા છે અને ટી-૨૦ સ્ટાઇલની ફટાફટ ક્રિકેટ રમવાના મૂડમાં આવીને આડેધડ શોટ ફટકારીને પોતાની વિકેટ ફેંકી દેતા હોય છે . અધૂરામાં પૂરું, પિચ (અન-ઇવન બાઉન્સ અપાવનારી) ખરાબ હોય એટલે બોલર્સને મોકળું મેદાન મળી જાય છે. જો ફ્લેટ પિચ હોય તો રનનો ઢગલો થઈ જાય ને છેવટે મેચ નીરસ ડ્રોમાં જાય. ટેસ્ટ-ક્રિકેટમાં બેટ અને બોલ વચ્ચે બેલેન્સ જેવું જાણે કંઈ રહ્યું નથી. ક્યારેક વિચાર આવે કે ક્રિકેટના મોવડીઓ આવનારી પેઢીઓને વારસામાં આપશે શું? ડગુમગુ થતી વન-ડે?, અસરહીન ટેસ્ટ-ક્રિકેટ અને મનોરંજક છતાં દિશાહીન બનેલી ટી-૨૦?
કોચની જેમ પિચ ક્યૂરેટર બનવાની પણ આકરી પરીક્ષા જરૂરી…
બીજી ખાસ વાત એ છે કે પિચ તૈયાર કરવા પર ખાસ ધ્યાન રહે એની તકેદારી અને દરકાર આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ) એ અને દરેક દેશના ક્રિકેટ બોર્ડે રાખવી જોઈએ.
જેમ કોચ બનવા વિવિધ સ્તરની પરીક્ષાઓ પાસ કરવી પડે છે એમ પિચ ક્યૂરેટર બનવા માટે પણ એક્ઝામ્સ હોવી જોઈએ, જેથી ફાઇનલ પિચ બનવામાં કોઈ ગરબડ ન થાય.
બેટર હોય કે બોલર, ખેલાડીનું ખરું ઘડતર ટેસ્ટ-ક્રિકેટ રમીને જ થતું હોય છે. કોઈ પણ પ્લેયરને સાઉન્ડ ટેક્નિક, યોગ્ય ફૂટવર્ક અને પર્ફેક્ટ ટેમ્પરામેન્ટ ટેસ્ટ-મેચ રમીને જ મળતા હોય છે. વન-ડે કે ટી-૨૦નું ફોર્મેટ ક્યારેય ક્રિકેટપ્રેમીઓને રિયલ પ્લેયર ન આપી શકે. હવે માય-બાપ જેવી ટેસ્ટ-ક્રિકેટ જ ખતરામાં આવી જાય તો કહેવું જ શું?
ટી-૨૦ની અસરમાં રમતા ખેલાડીઓ ટેસ્ટમાં સસ્તામાં વિકેટ ગુમાવીને ટેસ્ટ-ક્રિકેટને હાનિ પહોંચાડી રહ્યા છે. રોજની ૨૩ વિકેટ પડે (જે ત્રીજી જાન્યુઆરીએ કેપ ટાઉનમાં બન્યું) અને બે દિવસમાં ૩૩ વિકેટ પડે અને ખેલ દોઢ દિવસમાં જ ખતમ થઈ જાય તો ટેસ્ટનો કચ્ચરઘાણ ન વળે તો બીજું શું થાય ?!
ટેસ્ટ પ્રત્યેનો લગાવ ઘટતો જશે તો વધુને વધુ ખેલાડીઓ ટેસ્ટ-કરિયર છોડીને ટી-૨૦ લીગ રમવા તરફ ફંટાઈ જશે.
ક્રિકેટની લોકપ્રિયતા ઘટશે તો બીજી રમતોને થશે ફાયદો…
ફુટબોલ, રગ્બી, બાસ્કેટબોલ, ટેનિસ વગેરે જેવી અન્ય રમતનું સંચાલન કરનારાઓ મનમાં હરખાતા હશે અને વિચારતા હશે કે ક્રિકેટનું જેટલું અવમૂલ્યન થાય એટલું સારું, કારણકે એનાથી એમને જ ફાયદો થશે. બીજા શબ્દોમાં કહીએ તો ક્રિકેટની લોકપ્રિયતા ઘટે તો સ્પોન્સર્સ નગદ નાણા ઠાલવવા માટે બીજી રમતો તરફ વળે.

ભારતમાં ક્રિકેટની રમત ધર્મની જેમ પૂજાય છે, ૮૦થી ૯૦ ટકા લોકો માત્ર ક્રિકેટને ફોલો કરે છે. સચિન તેન્ડુલકર તથા એમએસ ધોની જેવા ખેલાડીઓ ‘ક્રિકેટિંગ-ગોડ’ તરીકે ઓળખાય છે. ભારતની જ વાત કરીએ તો ક્રિકેટની પ્રતિષ્ઠા વધુ જોખમમાં આવતાં ઊભરતા ખેલાડીઓની ટેલન્ટ વેડફાઈ જશે, કેટકેટલાય લોકોની રોજીરોટી છીનવાઈ જશે, સરકારને કરોડોમાં થતી કરવેરાની આવક પણ બંધ થઈ જશે. એકંદરે સ્પોર્ટ્સ પરથી લોકોનો વિશ્ર્વાસ ઊઠતો જશે.

૧૪૭ વર્ષ જૂની ટેસ્ટને લીધે જ તો ક્રિકેટની રમત બચી છે. એનો જ મૃત્યુઘંટ વાગશે તો બચશે શું? ડગમગતી વન-ડે અને એન્ટરટેઇન કરાવતી ટી-૨૦?
ફોર ગોડ સેક, ક્રિકેટને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (ડબ્લ્યુડબ્લયુઈ) જેવી માત્ર એક મનોરંજક રમત બનતી રોકજો.

છેલ્લી દસમાંથી સાત ટેસ્ટ બેથી ચાર દિવસમાં થઈ પૂરી!
(૧) ૩-૬ જાન્યુઆરી ૨૦૨૪, સિડનીમાં ઑસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે આઠ વિકેટે વિજય
(૨) ૩-૪ જાન્યુઆરી ૨૦૨૪, કેપ ટાઉનમાં ભારતનો સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે વિજય
(૩) ૨૬-૨૮ ડિસેમ્બર ૨૦૨૩, સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાનો ભારત સામે એક દાવ અને ૩૨ રનથી વિજય
(૪) ૨૬-૨૯ ડિસેમ્બર ૨૦૨૩, મેલબર્નમાં ઑસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે ૭૯ રનથી વિજય
(૫) ૧૪-૧૭ ડિસેમ્બર ૨૦૨૩, પર્થમાં ઑસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે ૩૬૦ રનથી વિજય
(૬) ૬-૯ ડિસેમ્બર ૨૦૨૩, મીરપુરમાં ન્યૂ ઝીલેન્ડનો બંગલાદેશ સામે ચાર વિકેટે વિજય
(૭) ૨૮ નવેમ્બર-૨ ડિસેમ્બર ૨૦૨૩, સિલ્હટમાં બંગલાદેશનો ન્યૂ ઝીલેન્ડ સામે ૧૫૦ રનથી વિજય
(૮) ૨૭-૩૧ જુલાઈ ૨૦૨૩, ઓવલમાં ઇંગ્લેન્ડનો ઑસ્ટ્રેલિયા સામે ૪૯ રનથી વિજય
(૯) ૨૪-૨૭ જુલાઈ ૨૦૨૩, કોલંબોમાં પાકિસ્તાનનો શ્રીલંકા સામે એક દાવ અને ૨૨૨ રનથી વિજય
(૧૦) ૨૦-૨૪ જુલાઈ ૨૦૨૩, પોર્ટ ઑફ સ્પેનમાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની
ટેસ્ટ ડ્રો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?