ઉત્સવ

દારૂબંધીના રાજકારણનો નશો દારૂના નશા કરતાં વધુ ખતરનાક છે!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

વિલિયમ શેક્સપિયરના નાટક ‘હેમલેટ’માં મુખ્યપાત્રના મુખેથી બોલાયેલો ‘ટૂ બી ઓર નોટ ટૂ બી ઇઝ ધ કવેશ્ર્વન’ ડાયલોગ એવરગ્રીન છે. અદ્ભુત મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’માં દારૂના નશાથી તર થયેલો નાના પાટેકર દીકરી-જમાઈની પાર્ટીમાં પહોંચી હાજર મહેમાનો સમક્ષ શેક્સપિયરની ઉપરની ઉક્તિ થોડા ફેરફાર સાથે બોલે છે : ટૂ પી ઓર નોટ ટૂ પી ઇઝ ધ કવેશ્ર્ચન!’ કદાચ ભારતીય ફિલ્મ ઇતિહાસના શ્રેષ્ઠ પાંચ અભિનયમાં ગણના કરી શકાય એવો અભિનય નાનાએ આ ફિલ્મમાં કર્યો છે. મહેફિલમાં લથડિયા ખાતી જીભે દારૂના ગુણગાન ગાતી શિઘ્રકવિતા રચીને એણે કરેલી એકોક્તિ નહીં જોઈ હોય તો યૂટ્યૂબ પર જઇને જોઈ લેજો. સોમરસ, મદિરા, વારૂણી, સુરા, આસવ, મધુ, મધુમાધવી, કાદંબરી… જેવા દારૂ માટેના અતિસુંદર નામો આપણા સંસ્કૃત વેદ સાહિત્યમાં છે એનો પણ ઉલ્લેખ કરે છે.

દર વર્ષે જ્યારે દિવાળી કે ક્રિસમસના તહેવાર આવે છે, ત્યારે ગુજરાતની પોલીસે બધી કામગીરીને સાઇડટ્રેક કરીને દારૂ વેચનારા, પીનારા, ફાર્મહાઉસ પર મહેફિલ કરનારાઓને પકડવા લાગી જાય છે. પોલીસ અને બૂટલેગરો વચ્ચે ઉંદર-બિલાડીની રમત શરૂ થાય છે. આબુ, દિવ, દમણ, સેલવાસ મુંબઈ કે ગોવા જેવા દારૂની છૂટવાળા સ્થળો ગુજરાતીઓથી ઊમટી પડે છે. દારૂબંધીની તરફેણ કરનારા અને વિરોધ કરનારાઓ વચ્ચે દલીલબાજી જોર પકડે છે. ગુજરાતમાં જે દારૂ ખરીદવાની પરમિટ ધરાવનારાઓ છે એમની છુપી ઇર્ષ્યા કરનારા વધી જાય છે. દિવાળીની ઉજવણી હોય અને એમાં જો છાંટોપાણીની વ્યવસ્થા નહીં હોય તો ધૂળ પડે એવી ઉજવણીમાં! જોકે ગુજરાતમાં દારૂના પરમિટ ધારકોની હાલત પણ કફોડી છે. જેમની પરમિટ મર્યાદા પૂરી થઈ ગઈ હોય એમના માટે પરમિટ રિન્યુ કરવાનું તો મુશ્કેલ બની જ ગયું છે, પરંતુ પરમિટના લિકરશોપ પરથી મળતી મદિરા પર એટલો મોટો ટેક્સ લાદવામાં આવ્યો છે કે બોટલનો ભાવ જોઇને જ પીનારાનો નશો ઊતરી જાય!

આપણા દેશમાં ગુજરાત અને બિહારમાં સંપૂર્ણ દારૂબંધી છે. કેરળમાં આંશિક બંધી છે. પૂર્વના એકા-બે નાના રાજ્યોમાં પણ આંશિક દારૂબંધી છે. ગુજરાત રાજ્યની સ્થાપનાથી જ ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. કેટલાક એનો યશ કે અપયશ મોરારજી દેસાઈને આપે છે તો કેટલાક ગાંધીજીને. દારૂબંધીના રાજકારણનો નશો દારૂના નશા કરતા વધુ ખતરનાક છે. ચતુર નીતીશકુમારને ખ્યાલ આવી ગયો હતો કે ચૂંટણી ઢંઢેરામાં જો દારૂબંધી નાખવાનું વચન આપવામાં આવે તો તેઓ મુખ્યમંત્રી બની શકે એમ છે. એમણે વચન આપ્યું, પાળ્યું અને મુખ્યમંત્રી બની ગયા.

ગુજરાતમાં તો રાજ્યની સ્થાપના પછી કોઈ પણ રાજકીય પક્ષે દારૂબંધી બાબતે કોઈ ફેરફાર કરવાનું વિચાર્યું નથી. હા, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દારૂબંધી થોડી હળવી કરવા પ્રયત્ન કર્યો હતો ખરો. બિઝનેસ કોન્ફરન્સ માટે બહારથી આવતા ડેલિગેટ્સને ખાસ દારૂની પરમિટ આપવી, તેમ જ સ્પેશ્યલ ઇકોનોમી ઝોનમાં દારૂની છૂટ રાખવા માટે પણ વિચારણા થઈ હતી, પરંતુ કોઈપણ કારણસર એનો અમલ થઈ શક્યો નહોતો. મોદીના દિલ્હી ગયા પછી તો દારૂબંધીના નિયમો વધુ કડક થયા.

ભારતના બે-ત્રણ રાજ્યો ઉપરાંત કેટલાક ઇસ્લામિક દેશો સિવાય વિશ્ર્વમાં કયાંય દારૂબંધી નથી. અમેરિકાએ પણ કેટલાક ધાર્મિક સંપ્રદાયોના દબાણને વશ થઈને ૧૯૧૯ના વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં મૂકયો હતો. જોકે આ કાયદો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો અને કાયદાને કારણે મળેલા દુષ્ટ પરિણામોને લીધે ૧૯૩૩માં અમેરિકાએ દારૂબંધી ઊઠાવી લેવી પડી હતી. દારૂબંધીના ૧૩ વર્ષ દરમિયાન અમેરિકામાં દારૂપીવાનું પ્રમાણ ઘટવાને બદલે ભારે માત્રામાં વધી ગયું. દાણચોરીથી લવાતા દારૂનો ધંધો કસદાર હોવાથી વિવિધ માફિયા ગેંગનો ઉદ્ભવ થયો અને એમની વચ્ચે શરૂ થયેલી ગેંગવોરને કારણે અમેરિકાના ઇતિહાસમાં ક્રાઇમ રેટ સૌથી વધુ વધ્યો. માફિયાઓ પાસે દારૂના ધંધામાંથી મળેલા અઢળક બે નંબરી પૈસા આવ્યા, જેને કારણે વેશ્યા વ્યવસાય અને જુગારના અડ્ડાઓ વધી ગયા. ૧૩ વર્ષની દારૂબંધીના દુષ્ટ પરિણામો અમેરિકાએ ત્યાર પછીના ઘણાં વર્ષો સુધી ભોગવ્યાં. સમૃદ્ધ થયેલા ઇટાલિયન માફિયા સરદારો બેફામ બન્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ રાજકારણમાં પણ ભ્રષ્ટાચાર વધી ગયો. અમેરિકાના કેટલાક નિષ્ણાતો અને બૌદ્ધિકો દારૂબંધીના નિર્ણયને અમેરિકાની એક સૌથી મોટી બેવકૂફી ગણાવે છે.

આપણે ત્યાં એવી માન્યતા છે કે ચૂસ્ત ઇસ્લામિક દેશોમાં દારૂબંધીના કાયદા ખૂબ કડક હોય છે, હકીકતે આ અર્ધસત્ય છે. તાલિબાન કે આઇએસઆઇ જેવા કટ્ટરવાદીઓના શાસન જ્યાં નહીં હોય ત્યાં કેટલાક નિયમોને આધીન દારૂ મળી શકે છે. ઇરાન જેવા દેશમાં ખોમૈનીના શાસન પહેલાં (અને પછી પણ) કેટલાક વિસ્તારોમાં વાઇન શોપ અને બાર હતા. ઇરાનમાં શ્રીમંતો અને યુવાનો દારૂ પીએ એને બહુ ઓછા છોછ માને છે, એ જ રીતે ઇરાકનાં યુવક-યુવતીઓ પણ વિકએન્ડમાં કુર્દની સરહદે આવેલા પબ અને ડિસ્કોથેકમાં જઈ મનોરંજન કરે છે. વર્ષો સુધી સિવિલ વોરથી ત્રસ્ત પેલેસ્ટાઇનમાં બહુમતી મુસ્લિમ છે, પરંતુ ખ્રિસ્તીઓ પણ મોટી માત્રામાં છે. ખ્રિસ્તીઓના વિસ્તારમાં છૂટથી દારૂ મળે છે અને મુસ્લિમ વિસ્તારના કેટલાક શોખીનો વિકેએન્ડ દરમિયાન કે ચાલુ દિવસે પણ થોડું જોખમ લઈ ખ્રિસ્તી વિસ્તારમાં જઈને છાંટોપાણી કરી આવે છે.

દુનિયા ઝડપથી નજીક આવી રહી છે અને વ્યવસાયિક કારણે દુનિયા આખીના લોકો બીજા દેશોમાં જતા થયા છે ત્યારે રાજકારણીઓ માટે વધુ પડતું રૂઢીચુસ્ત થવું પાલવે નહીં એ મુસ્લિમ શાસકો પણ સમજી રહ્યા છે. હિન્દુપુરાણોમાં પણ ફક્ત પુરુષો જ નહીં મહિલાઓ પણ મદિરાપાન કરતી હોવાનાં ઉલ્લેખ છે. ગુજરાતમાં દારૂબંધીને કારણે જ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા થાય છે. ગોવામાં પરકેપિટા હત્યાના બનાવો સુરત જેવા શહેર કરતાં દસમા ભાગના પણ નથી. પોંડિચેરીમાં દેશનો સૌથી સસ્તો દારૂ વેચાય છે, અને છતાં કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ પોંડિચેરી બિહાર કરતાં હજાર દરજ્જે વધુ સેઇફ છે. જો અમદાવાદ કે રાજકોટમાં મોડી રાત્રે સ્ત્રી એકલી બહાર નીકળી શકતી હોય તો મુંબઈમાં પણ રાત્રે ૨ વાગ્યાની છેલ્લી ટ્રેન પકડીને ઘરે જતી સેંકડો સ્ત્રી હોય જ છે. ૬૦ લાખથી વધુ યહુદીઓની હત્યા કરનાર હિટલરે કદી દારૂ કે નોનવેજને હાથ લગાડ્યો નહોતો, તો બીજી તરફ વિશ્ર્વના એક શ્રેષ્ઠ નેતા તરીકે જેની ગણના થાય છે એ ઇંગ્લેડના વડા પ્રધાન વિન્સ્ટન્ટ ચર્ચિલથી મોટો દારૂડિયો મળવો મુશ્કેલ છે. ૮૫થી વધુ વય સુધી જીવેલા ચર્ચિલ દરરોજ સવારે બ્રેકફાસ્ટ વખતે વ્હિસ્કી પીતા, બપોરે લન્ચ વખતે આખી બોટલ શેમ્પેઇનની ખાલી કરતા અને રાત્રે જમતા પહેલાં પાછી અર્ધી બોટલ બ્રાન્ડી પીતા હતા! જોકે બધાનું સ્વાસ્થ્ય કદાચ ચર્ચિલ જેવું સારું ન હોય, પરંતુ એક વિદ્વાને કહેલું એમ: સમાજની ત્રણ બદી ઐતિહાસિક કાળથી ચાલી આવી છે અને દુનિયાનો કોઈ કાયદો એને રોકી નહીં શકે. દારૂ, જુગાર અને વેશ્યા વ્યવસાય. જોઇએ ભવિષ્યમાં આ વિદ્વાન ખોટા પડે છે કે નહીં!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા