ઉત્સવ

સ્મશાનની ધરમશાળામાં ઉતારો

મહેશ્ર્વરી

નાટક તખ્તા પર ભજવાય અને કથાવસ્તુ અનુસાર સ્ટેજ પર સંનિવેશ – સેટિંગ્સ બદલાયા કરતા હોય છે. સીન અનુસાર કલાકાર ડ્રોઈંગ રૂમમાંથી કોર્ટરૂમમાં કે હોસ્પિટલમાં ભજવણી કરતો હોય છે. કોઈપણ કલાકાર માટે જગ્યા ફેર સહજ અને સ્વાભાવિક હોય છે. જીવન પણ એક રંગમંચ જ છે એવી સમજણ સાથે ઉછરેલા દરેક કલાકારના અંગત જીવનમાં પણ એવરેસ્ટ પર હાથમાં વાવટો ફરકાવી વટથી મહાલવાનો સમય આવે છે અને એ જ કલાકારે તળેટીમાં રઝળપાટ કરવાનો વખત પણ આવે છે. અમે (હું, માસ્તર અને બે બાળકો) ચલાલાથી અંજાર પહોંચ્યા ત્યારે અમને ઉતારો આપવામાં આવ્યો એ જગ્યા જોઈ હું બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગઈ કારણ કે અમારી રહેવાની જગ્યા સ્મશાનની ધરમશાળામાં કરવામાં આવી હતી. અલબત્ત એ ધરમશાળાની રૂમો વ્યવસ્થિત હતી અને નાટક કંપનીના માલિક ગુણવંતરાય અને ઉષા રાય અન્ય કલાકારો સાથે ત્યાં જ રહેતાં હતાં. સાચું પૂછો તો ‘સ્મશાન નજીક ઉતારો કેમ?’ એવો સવાલ જ અસ્થાને હતો. વરસાદમાં પણ કામ મળતું રહે, અમારું ગાડું ગબડતું રહે એ અમારા માટે વધુ મહત્ત્વ ધરાવતી વાત હતી. એક સરસ જાણકારી એ મળી કે અમે ઉતર્યા હતા એની બાજુમાં જ જેસલ – તોરલની સમાધિ હતી. સમાધિને વંદન કરી બહુ જલદી અમે સ્મશાનની ધરમશાળામાં ગોઠવાઈ ગયા અને નાટકો શરૂ થઈ ગયા. અહીં પણ હું હિરોઈનના જ રોલ કરતી હતી. બધું સરસ ચાલી રહ્યું હતું એ દરમિયાન એક બહુ મજેદાર પ્રસંગ બન્યો. બંને બાળકોને લઈ હું નાટક કરવા જતી હતી. દરમિયાન એક દિવસ છોકરાને તાવ આવી ગયો. એક દિવસ ચાલુ નાટકે હું વિંગમાં ઊભી હતી ત્યાં અચાનક જ માસ્તર બંને બાળકોને લઈ હાંફળા ફાંફળા થતા આવ્યા. તેમના ચહેરા પર ડર ડોકિયું કરતો હતો. મેં પૂછ્યું કે શું થયું? કેમ આટલા ગભરાયેલા લાગો છો? જવાબમાં માસ્તર એટલું જ બોલ્યા કે ‘મને સ્મશાનની ધરમશાળામાં બહુ બીક લાગે છે.’ એમની વાત સાંભળી મને મનમાં વિચાર આવ્યો કે મારી સામે અનેકવાર આક્રમક સ્વરૂપ ધારણ કરનાર આ માણસ આટલો ડરપોક છે? જોકે, આ વિચાર મેં તેમની સામે વ્યક્ત ન કર્યો.
અંજારની કંપની સાથે નક્કી કરવામાં આવ્યો હતો એ એક મહિનો પૂરો થયો અને અમદાવાદ પાછા ફરવાનો સમય આવી ગયો. કચ્છના લોકો બહુ જ માયાળુ અને તેમની સાથે વાતચીતમાં કચ્છ વિશે ઘણું જાણવા મળ્યું. અમદાવાદ પહોંચ્યા એના દસેક દિવસ પછી શું થયું ખબર નહીં, પણ બહેનનો છોકરો બહુ રડ રડ કરવા લાગ્યો. માસ્તર માટે એને સંભાળવાનું બહુ મુશ્કેલ બની ગયું હતું. એટલે પછી મેં માને કાગળ લખ્યો અને એમને વિગતવાર અમારી પરિસ્થિતિ જણાવી કે ‘છોકરો બિલકુલ નથી રહેતો. મારે તો નાટકમાં કામ કર્યા વિના છૂટકો જ નથી’ વગેરે વગેરે. કાગળ મળતા વહેલી તકે મા અને નાની બહેન આવ્યાં અને છોકરાને લઈને બહેન કામ કરતી હતી એ કંપનીમાં જતા રહ્યા. એક જવાબદારીમાંથી મુક્ત થઈ એટલે મને પણ થોડી નિરાંત થઈ. જવાબદારીથી મેં ક્યારેય મોઢું નથી ફેરવ્યું પણ જીવનમાં અમુક સમયે વ્યવહારુ અભિગમ અપનાવવો જરૂરી હોય છે.

ધીરજ પેંટરની કંપનીએ ખેડા જિલ્લાના હલધરવાડ ગામથી નાટકની નવી સિઝનનો પ્રારંભ કર્યો. સાવ નવું ગામ હતું અને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ ન મળ્યો એટલે કંપની માટે સ્થળાંતર કરવું જરૂરી બની ગયું. ત્યાંથી અમે સીધા પહોંચ્યા કાઠિયાવાડના અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ. અહીં ઉત્સાહ સાથે કંપની શરૂ કરી અને પહેલો જ શો પ્રધાનો અને તેમના પરિવાર માટે કર્યો. જોકે, કાઠિયાવાડમાં દામુ સાંગાણીનાં નાટકોને મોળો પ્રતિસાદ મળ્યો. ત્યાંથી અમે મહેસાણા જિલ્લાના ઊંઝા નગરમાં આવ્યા. ઊંઝામાં પટેલોની વસ્તી ઘણી. અહીંનું ઉમિયા માતાજીનું મંદિર પટેલ સમાજના કુળદેવીનું મંદિર ગણાય છે. અહીં નાટકો જોવા ડોકટરો પણ આવતા અને એમાંથી એક ડોક્ટર દંપતી સાથે ઓળખાણ થઈ. એક દિવસ હું એ દંપતીના લેડી ડોક્ટરને મળવા ગઈ. મેં તેમની સાથે પેટ છૂટી વાત કરી અને તેમને કહી દીધું કે મારે હવે વધુ બાળકો નથી જોઈતા. લેડી ડોક્ટરે ફરી ગર્ભવતી ન બનું એ માટે લૂપ લગાડવાની સલાહ આપી. નક્કી કરેલા સમયે હું અને માસ્તર લેડી ડોક્ટર પાસે પહોંચી ગયા. તેમણે મને તપાસીને લૂપ બેસાડી દીધું અને મને કહ્યું કે ‘હવે નિશ્ર્ચિત થઈ જાઓ. તમને પ્રેગ્નન્સી નહીં રહે.’ ઊંઝામાં અમે નાટકો કર્યા, પણ એક સમય એવો આવ્યો કે ત્યાંથી નીકળવાનો નિર્ણય લેવામાં આવ્યો અને અમે વિસનગર પહોંચ્યા. અહીં નાટકો ચાલી રહ્યાં હતાં એ દરમિયાન અચાનક મારું પેટ વધવા લાગ્યું. મને ચિંતા થઈ કે આ શું થયું? અમારા ડિરેક્ટરનાં પત્નીની સલાહથી માલિશ – શેક કર્યા, પણ પેટ ઊતરતું નહોતું. ૮ – ૧૦ દિવસ મને તાવ પણ આવી ગયો. એટલે ડોક્ટરને ઘરે બોલાવ્યા. તેમણે દવા – ઈંજેક્શન આપ્યા અને મેં તેમને સવાલ કર્યો કે આ મારું પેટ કેમ વધવા લાગ્યું છે? ડોકટરે મને તપાસીને ધડાકો કર્યો કે ‘તમે ગર્ભવતી છો અને તમને પાંચમો મહિનો જાય છે.’ મને તો ધ્રાસ્કો જ પડ્યો. હજી અઢી – ત્રણ મહિના પહેલા તો પ્રેગ્નન્સી અટકાવવા લૂપ લગાડ્યો હતો અને મને દિવસો જતા હતા? હું વિચારમાં પડી ગઈ. એ સમયે ગર્ભાધાન અટકાવવા લૂપ સચોટ ઈલાજ ગણાતો હતો. તો પછી હું પ્રેગ્નન્ટ બની કઈ રીતે? વિચારોના વમળ ઉપર વમળ મારા દિમાગમાં ચકરાવો લઈ રહ્યા હતા. જોકે, કોઈ ગડ બેસતી નહોતી. અને અચાનક મારા દિમાગમાં બત્તી થઈ કે ઊંઝાનાં લેડી ડોક્ટરને તો હું ગર્ભવતી છું એનો ખ્યાલ આવી જ ગયો હશે, પણ માસ્તરે આ વાત મારાથી છુપાવવા ડોક્ટરને સમજાવ્યા હશે? એમના પર દબાણ કર્યું હશે? કે પછી એમને ફોસલાવ્યા હશે? સવાલ અનેક ઉઠી રહ્યા હતા પણ ત્યારે મારી પાસે એનો કોઈ જવાબ નહોતો. હકીકત એ હતી કે હું ફરી મા બનવાની હતી. જીવનમાં વધુ એક વાર ઝઝૂમવાનો સમય આવ્યો અને જરાય ગભરાયા વિના કે સંતાપ કર્યા વિના વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધવાનું મેં નક્કી કરી લીધું. કહે છે ને કે ‘આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતી નથી.’ નાટકના ખેલ તો તખ્તા પર ભજવતી હતી પણ જીવનના રંગમંચ પર સુધ્ધાં કેવા કેવા ખેલ કરવા પડતા હોય છે. વિસનગરથી અમારી કંપની પહોંચી પાટણ અને ત્યાં અચાનક મમ્મી – પપ્પા આવી ચડ્યા અને મેં પપ્પાનું એક નવું જ સ્વરૂપ જોયું.

અરીસા ઉપર ‘ઓમ’ અને ‘શ્રી’ લખી મેકઅપનો પ્રારંભ
નાટકોમાં સ્ત્રી પાત્ર માટે અભિનેત્રીઓનો સદંતર અભાવ હતો. પરિણામે પુરુષ કલાકાર નાટકોમાં સ્ત્રી ભૂમિકાઓ કરતા હતા. કિશોર વયમાં છોકરાઓનો અવાજ સ્ત્રૈણ હોય અને શારીરિક ફેરફારો શરૂ થયા ન હોય, એટલે સ્ત્રી પાત્રોમાં તે સહેલાઇથી ઢળી શકે એવી સમજણ રૂઢ થઈ હતી. આ છોકરાઓ સુંદર નહીં પણ સુંદરી જેવા દેખાય એ માટે મેકઅપ વખતે બહુ ઝીણવટથી ધ્યાન આપવામાં આવતું હતું. સફેદ પાવડરની અને લાલ રંગની ભૂકી તેમજ પફ-પાવડર અને વેસેલિનનો બહોળો ઉપયોગ ચહેરાના રંગરોગાન માટે કરવામાં આવતો હતો. આંગળી પ્રથમ લાલ રંગમાં અને પછી પાણીમાં બોળીને અરીસા ઉપર ‘ઓમ’ અને ‘શ્રી’ લખીને મેક-અપની શરૂઆત કરવામાં આવતી હતી. નાટક કંપનીનો વિશેષ નિયમ હતો કે છોકરાઓએ વાળ કપાવવાના નહીં. વિગ માસ્ટર ચહેરાને શોભે એ રીતે છોકરાને ચોટી ગૂંથી આપે અથવા અંબોડો વાળી આપતા. લગ્ન વખતે કુંવારી ક્ધયાના જે રીતે સાજ – શણગાર થાય એ ચીવટ રાખી છોકરાઓને તૈયાર કરી પાત્ર અનુસાર દાગીના પહેરાવવામાં આવે ત્યારે છોકરો ‘સુંદરી’ બની જતો. મજાની વાત એ છે કે આ રીતે તૈયાર થયેલા છોકરાઓ પર ઘણા પ્રેક્ષકો મોહી પડતા હતા. તેમને ભેટ સોગાદોની લાલચ આપીને પ્રેક્ષકો તેમની સાથે નિકટ થવાનો પ્રયાસ કરતા હતા. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?