ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૪

‘મૈં એક્ટિંગ સિખાતા નહીં….દિખાતા હું. મેરા કામ હૈ આયના દિખાના ઔર તુમ્હારા કામ હૈ આયના દેખના.’

અનિલ રાવલ

સત્યદીપ ચૌબેનો અવાજ સાંભળીને નજીકના ટેબલ પર અન્ય કેટલાક સાથી કલાકાર સાથે બેઠેલી શીલા દોડી ગઇ.

‘ભાઇસા’બ આપ…આપ આઇએ, ઇસ તરફ આઇએ.’ શીલાએ એને બેસાડતા કહ્યું: ‘ચૌબેજી જબ નાટક લિખતે હૈ તબ કોઇ ઉસે ડિસ્ટર્બ નહીં કર સકતા…ક્યા આપકો પતા નહીં.?’
‘જી..મૈં નયા હું….ઇસલિયે.’અભિનય બોલ્યો.

‘બડે ગુસૈલ હૈ….એક બાર એક લડકા ઉસસે નાટક મેં રોલ માગને ગયા થા..ઉસકો ચાંટા માર દિયા થા.’
અભિનયે પૂરી તન્મયતાથી લખી રહેલા ચૌબેજીને જોયા. અજીબ ઇન્સાન છે. જાહેરમાં અલગ વર્તે…ખાનગીમાં અલગ વર્તન…આ એ જ દિગ્દર્શક છે જેણે જાહેર મંચ પરથી મારા અભિનયની પ્રશંસા કરી હતી. ને આજે….આજે મને ઓળખવાનો પણ ઇન્કાર કરી દીધો. મંચ પર એ નહીં એમનો દંભ બોલ્યો ને આજે એમની અસલિયત બોલી.

‘સોરી, મુઝે માલુમ નહીં થા.’ અભિનયે કહ્યું.
‘ક્યા…કૂછ કામ થા ચૌબેજી સે?’ શીલાએ પૂછ્યું.
‘મૈં ભોપાલ સે હું….વહાં નાટકો મેં કામ કરતા થા..મુઝે ચૌબેજી કે હાથોં અવોર્ડ ભી મિલા હૈ…યહાં ફિલ્મોં મેં કામ ઢૂંઢને આયા હું.’
શીલાએ એના સાથી કલાકારો સામે જોયું…બધાંના ચહેરા સહેજ મલક્યા.

‘મૈં શીલા..યે રિયાઝ….ઓમ…ઔર યે આકાંક્ષા…હમ લોગ કરીબ કરીબ પાંચ સાલ સે ચૌબેજી કે સાથ હૈ.’ શીલાએ પરિચય કરાવ્યો.
‘મૈં અભિનય.’
‘હમને કભી ફિલ્મોં મેં અભિનય કરને કે બારે મેં સૌચા નહીં હૈ..’ શીલા બોલી..
‘હમારા તો ડ્રામા ડ્રામા હી ધર્મસ્ય.’ ઓમે કહ્યું.

‘મુઝે નહીં લગતા કી ચૌબેજી કિસી કો ફિલ્મોં કે લિયે રેકમન્ડ કરતે હોંગે.’ આકાંક્ષાએ કહ્યું. સામેથી ચૌબેજીને આવતા જોઇને રિયાઝ બોલ્યો.. ‘સર આ રહે હૈં.’ બધા ઊભા થઇ ગયા. ચૌબેજી બેઠા. બધા એમની સામે અદબ વાળીને ઊભા રહી ગયા.

‘તો તૂમ અભિનય હો..’ ચૌબેજી અભિનયને જોઇને બોલ્યા. અભિને ખુશી ઓછી ને આશ્ર્ચર્ય વધુ થયું. થોડીવાર પહેલાના ચૌબેજી અને અત્યારના ચૌબેજીનો જમીન આસમાનનો ફરક હતો. કેટલું પ્રેમથી બોલ્યા. અભિએ વિચાર્યું.

‘જી સર…આપકે હાથોં મુઝે બેસ્ટ એક્ટર કા અવોર્ડ મિલા થા.’
‘યહાં કિસ સિલસિલે મેં આયે હો?’
‘ફિલ્મો મેં કામ કરને આયા હું સર.’
‘મૈં ફિલ્મેં નહીં બનાતા…સિર્ફ નાટક કરતા હું.’
‘સર, આપકે સાથ કામ કરના હૈ…મુઝે આપકે નાટકોં મેં રોલ કરના હૈ.’
ચૌબેએ બધાની સામે જોતા કહ્યું: ‘જિતની સીટ હૈ..ઉસ પર લેડીઝ બૈઠ જાયેં.’ શીલા અને આકાંક્ષા બેસી ગઇ. ચારમાંથી એક સીટ બચી.

‘બચી હુઇ એક સીટ પર રિયાઝ તુમ બૈઠો.’ સ્વભાવિક રીતે ઓમ અને અભિ ઊભા રહ્યા….એ જોઇને ચૌબેજીએ કહ્યું: ‘દેખો, મેરે પ્લે કી હાલત ભી એસે હી હોતી હૈ. કિસી ના કિસી કો તો ખડા રહેના પડતા હૈ…મેરે ગ્રુપ મેં આજ કમસેકમ પચીસ લડકે લડકિયાં હૈ…જિસ કો રોલ નહીં મિલતા દુસરા કામ કર લેતા હૈ…કોઇ બેક સ્ટેજ સંભાલ લેતા હૈ…. કોઇ લાઇટીંગ..તો કોઇ સાઉન્ડ ઔર મ્યુઝીક. તુમ ક્યા કરોગે.?’
‘અભિનય..’ અભિ આત્મવિશ્ર્વાસ સાથે બોલ્યો. ચૌબેજી હસી પડ્યા.

‘પૈસે નહીં મિલેંગે. રિહર્સલ મેં રોઝ આના હોગા….ચાહે તુમ્હારા રોલ હો યા બેક સ્ટેજ. ઔર એક બાત…મૈં એક્ટિંગ સિખાતા નહીં….દિખાતા હું. મેરા કામ હૈ આયના દિખાના ઔર તુમ્હારા કામ હૈ આયના દેખના.’ ચૌબેજી બોલીને ચાલતા થઇ ગયા. અભિ એક્ટર્સ અડ્ડામાં સૌ કોઇને રંગદેવતાના આ કર્મનિષ્ઠ રંગકર્મીને નમન કરતા જોઇ રહ્યો.

ચૌબેજીના ગયા બાદ શીલા બોલી: ‘પાંચ સાલ મેં મૈંને ચૌબેજી કો હાં કહેતે હુએ પહેલી બાર દેખા….તુમ અચ્છે અભિનેતા હો યા બડે નસીબ વાલે.’
‘દોનોં…..એક્ટિંગ અચ્છી કર લેતા હું, ઔર લકી ભી હું.’


માણસજાત બહુ વિચિત્ર જાત છે….એક જીવમાં કેટલા બધા જીવ ધબકે છે…કેટકેટલાં પાત્રો ભજવે છે….કેટલા રંગ બદલે છે…જેવો સામેનો માણસ એવું એનું પાત્ર…જેવો માહોલ એવો સંવાદ…ચૌબેજીના થોડીવારમાં કેટલા બધા રંગ જોવા મળ્યા. ગુસ્સો..પ્રેમ..ભેખધારી નાટ્યકાર…સ્પષ્ટ વક્તા. આ માણસ મૂડી હશે કે સમય જોઇને મૂડ બદલતો હશે…કે મૂડી હોવાનો ઢોંગ કરતો હશે. શો બિઝનેસમાં કદાચ આવું બધું ન કરે તે ફેંકાઇ જતો હશે. આ લાઇનમાં માણસ દંભી, સ્વાર્થી, તકવાદી, મતલબી, લુચ્ચો ન હોય તો એ એલિઅન ગણાતો હશે. અશોક ટંડન મૂળ મહેસાણાનો..બાપદાદા ખેતી કરતા…ફિલ્મી દુનિયામાં અશોક ટંડન બનીને છવાઇ ગયો…ને આજે કાર્ટૂન જેવા ચિત્રવિચિત્ર…રંગબેરંગી કપડાં પહેરીને ફરે છે….ઢગલાબંધ હિટ ફિલ્મો એના નામે બોલે છે…સંખ્યાબંધ અવોર્ડ એની ઓફિસના શો કેસમાં શો પીસ બનીને બેઠા છે. અને પેલો પીઆર એક નંબરનો ફિક્સર લાગે છે….માણસ જોઇને એને ક્યાંક ને ક્યાંક ફિક્સ કરી દે. મને પહેલી જ મુલાકાતમાં ચૌબેના ગ્રુપમાં ફિક્સ કરી દીધો. ચંદન ટેક્સી ડ્રાઇવરનો માર્ગ અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલો છે…ને બબલુ ખૂની નીકળ્યો. ખરેખર માણસ અંદર અલગ બહાર અલગ હોય છે. માણસનું આ જ અસલી ડીએનએ છે. માણસજાતની આ જ ખાસિયત છે… હું પણ તો આવો જ છુંને….ભોપાલમાં કાવાદાવા કરીને…દિગ્દર્શકની ચમચાગીરી કરીને નાટકોમાં મેઇન ભૂમિકા લેતો રહ્યો….જેથી ઝડપથી ફેમસ થઇ જાઉં…સતત લોકોની આંખોમાં રહું….એટલે તો અશોક ટંડન અને ચૌબેજીના ધ્યાન પર આવ્યો. અને હવે ફિલ્મલાઇનમાં સિક્કો જમાવવા સવાર પડ્યે એક નવી તકના શિકારે નીકળી પડવાનું…રસ્તે મળતા કોઇપણનો સ્ટેપિંગ સ્ટોન તરીકે યુઝ કરી લેવાનો….ને આગળ વધવાનું. ’ઇસ રંગ બદલતી દુનિયા મેં ઇન્સાન કી નિયત ઠીક નહીં.’ એને ફિલ્મી ગીતની એક કડી યાદ આવી ગઇ.


અભિએ ઘરે પહોંચીને તાળું જોયું ત્યારે ખયાલ આવ્યો કે ચાવી લેવી પડશે. એણે ચંદનના ઘરનો દરવાજો ખખડાવ્યો. સીમાએ દરવાજો ખોલ્યો.
‘સોરી, તાળું મારીને ચાવી તમને આપવાનું ઉતાવળમાં રહી ગયું.’ અભિએ કહ્યું.
‘આવ, બેસને…હવે ચાવી તું તારી પાસે જ રાખજે.’ સીમાએ ચાવી આપતા કહ્યું.
‘ચંદન નથી આવ્યો.’ અભિએ અંદર નજર કરી.

‘ના..એનું કાંઇ નક્કી નહીં. ક્યારે પણ આવે. ક્યારેક ટેલિફોન બૂથ પર ફોન કરીને રાતે નહીં આવું એવું પણ કહેવડાવે.’
‘રાતભર ટેક્સી ચલાવે.?’ અભિ વાત કઢાવવાના ઇરાદે બોલ્યો.

‘ના..ના… એના દોસ્ત લોકો સાથે બેસી જાય…તો બધું ભૂલી જાય.’ સીમાના ચહેરા પર પીડા ઊપસી આવી.

‘ચંદનના દોસ્ત લોકો બહુ છે….ગઇકાલે બહારગામથી આવેલા એના ફ્રેન્ડને તો તમે ઓળખતા જ હશો નહીં.?’ અભિએ વાતમાં જરા વધુ ઊંડે ઊતરવાનો પ્રયાસ કર્યો.

‘હું એના કોઇ દોસ્તને ન ઓળખું…ન એ મને કોઇની સાથે ઓળખાણ કરાવે. એકાદ બે રાત રોકાય ને બારોબાર જતા રહે.’ અભિને સમજાઇ ગયું કે સીમા ખરેખર ભોળી ગૃહિણી છે..એને પોતાના પતિના અન્ડરવર્લ્ડ કનેક્શનની કોઇ જાણ લાગતી નથી. મારે એને ચંદનની અસલિયત વિશે કહેવું નહીં જોઇએ, પણ ચંદનિયો બહુ ચાલાક કહેવાય. પત્નીથી છુપાઇને આટલું મોટું જોખમી કામ કરે છે. માણસજાત….ઘરમાં અલગ બહાર અલગ. આ દુનિયામાં બધા જ લોકો કલાકાર છે….એક સે બઢ કર એક.

‘તને એના દોસ્તથી કોઇ તકલીફ તો નહોતી પડીને?’ સીમાએ પૂછ્યું.
‘ના..બહુ અચ્છો માણસ હતો.’
‘કોણ બહુ અચ્છો માણસ હતો.?’ અંદર આવતા ચંદને પૂછ્યું.

અભિ થોડો મુંઝાયો…રાતના એ મુસાફર વિશે શું કહેવું. સાચું લાગે એવું ખોટું બોલવું એ પણ અભિનયનો એક ભાગ જ છેને એણે સંવાદ ગોઠવી લીધો.
‘પેલો મિલન….બબલુ….હું એની વાત કરતો હતો. ઓછું બોલે…પણ ટુ ધી પોઇન્ટ. બહુ અચ્છો માણસ હતો.’ ચંદને હાથમાં પકડેલી દારૂની બોટલ ટેબલ પર મૂકી.
‘શું કહ્યું એણે..?’

‘મારી એક ગર્લફ્રેન્ડ હતી….કોલેજમાં સાથે ભણતા…એણે બીજે લગન કરી લીધા…એને દારૂ ઓછો પડ્યો….મારી પાસે માગ્યો…મેં કહ્યું મારી પાસે નથી..પછી અચાનક મને એનાં નસકોરાંનો અવાજ આવવા લાગ્યો.’

ખોટી વાતને સાચી લાગે એ રીતે કહેવાની પણ એક કળા હોય છે અને અભિ અઠંગ કલાકાર હતો., પણ ચંદનને ગળે વાત ઊતરી કે નહીં એ કળી શકાયું નહીં.
‘બે ગ્લાસ લાવ’ ચંદને સીમાને કહ્યું. સીમા ગ્લાસ લેવા ગઇ.

‘ચંદન, પ્લીઝ હું નહીં લઉં….મને કોઇ લેડીઝની સામે પીતા સંકોચ થાય…તું પી હું રૂમ પર જાઉં.’
અરે…તને સીમાની સામે પીતા શરમ આવતી હોય તો ચાલ રૂમ પર જઇએ.’ સીમા ગ્લાસ લઇને આવી.
તું દારૂ પીએ છે.?’ સીમાએ અભિને પૂછ્યું….

એક્ટર છે….ફિલ્મલાઇનમાં દારૂની રેલમછેલ ને પાર્ટીની મોજ…રોજેરોજ.
‘કાલે રાતે અમે સાથે પીધો હતો…..તારી સામે પીતા શરમાય છે…રૂમ પર જઇએ છીએ..લે આ બોટલ પકડ, હું ગ્લાસ લઇ આવું છું.’ સીમાને ગમ્યું નહીં…ચંદનનું પીવું અને અભિને પીવડાવવું. એ કાંઇ બોલી નહીં….બોલી શકી નહીં.


‘તું દારૂ પીએ છે…..સીમાનું આવું પૂછવું એને ગમ્યું હતું….કોણ પૂછે છે આટલું પ્રેમથી આ દુનિયામાં….ભોપાલમાં ક્યારેય કોઇએ ક્યાં પૂછ્યું હતું અને કોઇ આત્મિય હતુંય ક્યાં જે પૂછે, જે આંખથી અણગમો બતાવે. સીમાએ બતાવેલી આત્મિયતા એને સ્પર્શી ગઇ હતી. ચંદને પેગ બનાવ્યા ત્યારે એ ચૂપ હતો.

‘ક્યાં ખોવાઇ ગયો. ફિલ્મી દુનિયામાં ખોવાઇ જવાને હજી વાર છે ભાઇ….ચાલ ચિયર્સ કર.’ ચંદને અભિને ગ્લાસ આપતા કહ્યું..
ચિયર્સ થયું…ગ્લાસ ટકરાયા..બે અલગ અલગ દુનિયાના ઇન્સાન ટકરાયા.

એકની ગુનાખોરીની દુનિયા, બીજાની ફિલ્મી દુનિયા. દરેકની પોતાની એક અલગ દુનિયા હોય છે ને એમાં ખોવાઇ જવાની મજા પણ ઓર જ હોય છે. દરેકનું વિશ્ર્વ અલગ.દરેકનું ભાવવિશ્ર્વ જુદું….છતાં ક્યારેક અન્યના ભાવવિશ્ર્વમાં લટાર મારીને એનો અનેરો રોમાંચ માણવાનો. ચંદનની દુનિયા અલગ છે…અભિનું વિશ્વ જુદું છે…છતાં સંજોગોએ એમને એક કરી આપ્યા છે. અભિ ચંદનના ભાવવિશ્ર્વમાં હતો ને ચંદન અભિના ભાવવિશ્ર્વમાં…
‘તું બહુ નબળો એક્ટર છો..’ બે પેગ ગટગટાવી ગયા બાદ ચંદન બબડ્યો.

‘હમમમમમ…તો તો મને ઝડપથી રોલ મળી જશે….નબળા કલાકારને જલ્દી કામ મળે.’ અભિએ મજાકમાં કહ્યું.

‘મિલન બબલુની તેં વાત કરી એ બધી ખોટી હતી….એક ગર્લફ્ર્રેન્ડ હતી…છોડીને ચાલી ગઇ….ને…દારૂ ઓછો પડ્યો..બધી ખોટી વાત. તારું મોઢું કહી આપતું હતું.’ એક અચ્છો અદાકાર હોવાનો અભિનો ભ્રમ ભાંગી ગયો….એક સામાન્ય ટેક્સી ડ્રાઇવરે એના હાવભાવ પરથી પકડી પાડ્યો.
સાચો કલાકાર તો ચંદન નીકળ્યો.

‘કદાચ નશામાં એ આવો જ બબડાટ કરતો હતો’ એણે લુલો બચાવ કર્યો.
મારી ટેક્સીમાં રોજ અલગ અલગ ખોપડીના પચાસ-સો જણ બેસે છે…એ ભાષા કાંઇપણ બોલે એના મોઢા જોઇને હું એની બોલી ઉકેલી નાખું છું.
‘સાચું બોલ…શું કહ્યું એણે.?’

અભિ પહેલેથી જ દારૂ ચડે નહીં એની તકેદારી રાખીને સાચવી સાચવીને પીતો હતો ને જાળવી જાળવીને બોલતો હતો. આ નવી પરિસ્થિતિમાં સાચું બોલવું એ જ એક રસ્તો હતો..કેમ કે એ ચંદનની રૂમમાં હતો…એની દયામાયા પર હતો..

બબલુએ મને કહ્યું કે ‘એ બિહારમાં કોઇનું મર્ડર કરીને આવ્યો છે.’
‘અને તું…તું ભોપાલમાં તારી ગર્લફ્રેન્ડનું મર્ડર કરીને આવ્યો છોને..તારી સાથે નાટકોમાં કામ કરતી હતી….લગ્નની ના પાડી…બ્લેકમેઇલ કરવા લાગી.’
(ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી