ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૭
‘ચાની તલબદાર આંખો બોલતી હોય છે. તારી આંખોમાં ચાની તલબ દેખાય છે.’ સીમાની આંખોમાં નિર્દોષ મસ્તી છલકી.
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ
‘સા’બ મૈને ગુના તો કિયા ના….પ્લેટફોર્મ પર સોને કા ગુના…પ્લીઝ મુઝે લોકઅપ મેં ડાલ દો….મેરે પાસ સોને કી જગહ નહીં હૈ.’
હવાલદાર અભિની ચતુરાઇ સમજી ગયા…..સોની નોટની સામે સૂવાની જગ્યા જોઇએ છે.
‘ઓય કલાકાર, શાણા સમજતા હૈ તૂ અપને કો…..ડાયલોગબાજી ઇધર નહીં કરનેકા.’ હવાલદાર તાડુક્યો.
‘સા’બ, મેરે પાસ સોને કી જગહ નહીં હૈ…કોઇ ભી ગુના મેં અંદર કર દો…એક રાત કા સવાલ હૈ.’
ઇન્ચાર્જે હવાલદારની સામે જોયું. હવાલવદાર પોલીસ ઇન્સ્પેક્ટરનો ઇશારો સમજી ગયો. ‘સા’બ, બહાર એક ભી બાકડા ખાલી નહીં.’ બોલીને એણે પોતાના પેન્ટનું ખિસ્સું થપથપાવ્યું.
‘કલાકાર, જા, અંદર જાકે સો જા.’ ઇન્સ્પેક્ટર બોલ્યો. હવાલદાર ઇન્સ્પેક્ટરની ક્યારેય નહીં જોયેલી દિલેરી જોઇ રહ્યો.
અભિને અંદર જતા જોઇને ઇન્સ્પેક્ટર બોલ્યો: ‘સચ્ચા કલાકાર હૈ. તુમને સૂના ઉસને ક્યા કહા? એક રાત કા સવાલ હૈ….સબ કી લાઇફ મેં એક રાત કા હી સવાલ હોતા હૈ….કાલી અંધેરી રાત બીત જાતી હૈ ઔર સુબહ કે ઉજાલે મેં બહુત કૂછ બદલ જાતા હૈ.’
‘સા’બ, અપને કો ક્યા…કલાકાર હો….યા ઘર સે ભાગા હુઆ આદમી.? હમારી જેબ મેં પૈસે આને ચાહિયે.’ હવાલદારે ખિસ્સામાંથી રાતની કમાણી ટેબલ પર મૂકી. રૂપિયાની સરખેભાગે વહેંચણી થઇ ગઇ ને હવાલદાર બહાર બીજો શિકાર શોધવા નીકળી પડ્યો. ઇન્સ્પેક્ટરે અંદર જઇને પોતાના હિસ્સાની લાંચના અડધા પૈસા પાછા આપતા કહ્યું: ‘મેરી ડ્યૂટી બદલે ઇસ સે પહેલે નિકલ જાના.’
વહેલી સવારની લોકલ ટ્રેનમાં માંડ એકાદ બે જણ ઝોકાં ખાતા બેઠા હતા, પણ અભિના મનમાં રાતે સાંભળેલા બે અલગ અલગ ડંડાનો અવાજ ગૂંજતો હતો. એને ટ્રેનના ખટક ખટક અવાજની જગ્યાએ ડંડાનો અવાજ આવ્યા કરતો હતો. કેવી કરૂણતા. ફિલ્મ કલાકાર બનવા આવેલા એક માણસે વોચમેન બનીને ‘એક્ટર્સ અડ્ડા’નો ચોકીપહેરો ભરવાનો સમય આવે. એવું નહતું કે ફિલ્મી દુનિયાની વરવી વાસ્તવિકતાથી પોતે વાકેફ નહતો. એણે ઊગતા કલાકારોની પાયમાલી અને દુર્દશાના ઘણા કિસ્સા સાંભળ્યા હતા., પણ કોણ જાણે કેમ વોચમેનની કહાનીએ એને વિચારતો કરી મૂક્યો. અભિએ બહાર જોયું. એની નજર સામેથી ઊંચી ઇમારતો, ઝાડપાન અને ઝૂપડપટ્ટીની જગ્યાએ રાતનું દૃશ્ય પસાર થઇ રહ્યું હતું.
ફિલ્મની કચકડાની પટ્ટીની જેમ સામેથી પસાર થઇ રહેલું ચિત્ર અને એના શબ્દો રિવાઇન્ડ થઇને દરિયાના મોજાંની અફળાઇ રહ્યાં હતાં.
‘મૈં ભી એક્ટર બનને આયા થા…ઔર આજ.’ વાક્ય અધૂરું છોડીને એણે મોં ફેરવી લીધું હતું જેથી હું એના ચહેરાની વેદનાને વાંચી ન શકું. અગર એના ચહેરાને વાંચી લીધો હોત તો પણ હું શું કરી શકવાનો હતો. ના, હું એના દર્દને સમજી શકું છું…ચહેરો જોયા વિના. એના ડંડામાં પછડાતી…પડઘાતી વેદનાએ મને દ્રઢ અને મક્કમ બનાવી દીધો છે…મારું મનોબળ મક્કમ કરી આપ્યું છે…મારા ઇરાદાઓને બુલંદી બક્ષી છે. હું એક્ટર બનીને બતાવીશ. એણે અચાનક બારીની ઉપર મુક્કીઓ મારી: ‘મૈં બડા સ્ટાર બનુંગા..ઔર ઇસ કે લિયે મુઝે કૂછ ભી કરના પડે…..કરુંગા.’
બાજુમાં અડધી ઊંઘમાં સૂતેલા એક મુસાફરે આંખ ખોલીને ગુસ્સામાં કહ્યું: ‘રાત કા નશા અભી ઉતરા નહીં હૈ ક્યા.?’
અભિની અભાનતા તૂટી. પોતે બોલેલા શબ્દોથી એણે જરાય ભોંઠપ ન અનુભવી. બીજી જ ક્ષણે એની નજર સામે નશામાં ચૂર હવાલદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરની રિલ ફરવા લાગી. આ સ્વપ્નનગરી ઘણુંબધું લૂટી લે છે તો એની સામે કેટલું બધું આપે પણ છે. હવાલદારની લાંચિયાગીરી અભિની ચામડીને અડકીને નીકળી ગઇ……જ્યારે પોલીસ ચોકીના ઇન્સ્પેકટરમાં થોડી બચેલી ઇન્સાનિયત એના દિલને સ્પર્શી ગઇ.
અભિના મનનું ચિત્ર બદલાયું…હવે એના મનમાં રાતે રોકાનારો ભાગેડુ દોસ્ત ડોકાયો. ચંદને એને વિદાય તો કરી હશેને.? તમામ તકલીફો અને મુશ્કેલીઓને જુહુના દરિયામાં પધરાવીને સ્ટાર બનવાના શપથ લેનારો અભિ ધડકતા હૃદયે ઘરે પહોંચ્યો. એણે દરવાજો ખખડાવ્યો.
સીમાએ દરવાજો ઉઘાડતા જ અભિને ખખડાવી નાખ્યો: ક્યાં હતો રાતભર? કેટલી ચિંતા કરાવી મને.?’ પછી શબ્દ બદલીને કહ્યું ‘અમને…મને અને ચંદનને.’
‘હું મારા એક એક્ટર ફ્રેન્ડને ત્યાં રોકાઇ ગયો….મોડું થઇ ગયેલું.’
‘નાકા પરના ફોનબૂથ પર ફોન કરી દેવાય કે નહીં.નંબર તને લખાવ્યો છેને.?’
અભિને આવી બધી વેવલી વાતોમાં રસ નહતો… એને એ જાણવામાં રસ હતો કે ચંદનનો દોસ્ત છે કે ગયો.
‘હવેથી ફોન કરીને જાણ કરી દઇશ….મને રૂમની ચાવી આપો.’
‘ખુલી જ છે રૂમ.’ સીમા બોલી ને અભિને થયું કે ભાગેડુ દોસ્ત હજી રૂમમાં લાગે છે.
‘ચંદન છે ત્યાં?’ એણે પૂછ્યું.
‘ના, કોઇ નથી….ચંદન અને એનો દોસ્તાર ક્યારના નીકળી ગયા.’
અભિને હાશકારો થયો. એક વેળાનું સંકટ ટળ્યું….પણ આ કાયમી ઉપાય નહતો. રૂમ છોડવી તો પડશે જ…..પછી ક્યાં જવું.? જાતે કરેલા સવાલનો જવાબ એની પોતાની પાસે ક્યાં હતો. જો હોગા વો દેખા જાયેગા. એની પાસે આ કાયમી ઉપાય જેવો આ એકમાત્ર ડાયલોગ હતો: જો હોગા વો દેખા જાયેગા.
‘મારા માટે ચા નહીં બનાવતા. પ્લીઝ.’ કહીને એ ચાલતો થયો.
સીમા મોં ફેરવીને મલકી. થોડીવાર પછી અભિના રૂમના દરવાજે બે ટકોરા પડ્યા.અભિએ બારણું ખોલ્યું. સામે સીમા નાસ્તાની પ્લેટ લઈને ઊભી હતી.
‘આ શું છે.?’ અભિએ પૂછ્યું.
‘નાસ્તો….તેં ચાની ના પાડેલીને’ આ રીતે અભિને છેતરવાની સીમાને મજા પડી ગઇ હોય એમ લુચ્ચું હસી.
‘ઓહ હોહોહોહો…તમે પણ કમાલ છો…ચાની ના પાડી તો નાસ્તો..’ અભિએ પોતાના ખભા ઢાળી દેતા આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.
‘થેપલાં અને અથાણું છે.’ સીમા ટેબલ પર પ્લેટ મૂકીને ઉતાવળે પાછી જવા લાગી.
‘ઓ મા..’ એ બોલી…
‘શું થયું.?’ અભિએ પૂછ્યું.
‘ચાને ઉકળતી મૂકીને આવી છું.’
અભિ હસી પડ્યો. થોડીવારમાં જ એ ચાનો મગ લઇને આવી.
‘ચાની તલબદાર આંખો બોલતી હોય છે. તારી આંખોમાં ચાની તલબ દેખાય છે. કેટલી લાલ છે જો’ સીમાની આંખોમાં નિર્દોષ મસ્તી છલકી.
‘એક સવાલ પૂછું.?’ અભિ બોલ્યો.
‘હા’
‘તમારી આ ભાષા, આંખો વાંચી લેવાની કળા, ચહેરાનો અભ્યાસ કરવાની કુનેહ….આ બધું તમારામાં ક્યાંથી આવ્યું છે મારી તો સમજની બહાર છે.’
સીમા થોડીવારના મૌન પછી બોલી: ‘મેં બી.એ. સાથે સાઇકોલોજી કર્યું છે.’
અભિ અવાચક બનીને સીમાને જોતો રહ્યો. ઓ માય ગોડ…આ માયાવી નગરી કેટકેટલાં પાત્રોથી ભરેલી છે. કેટલા ચહેરા, કેટલા મ્હોરાં, કેટલા મુખવટા…..પાત્રોમાં પાત્રો. દરેકની એક અનોખી કહાની…અલગ અંદાજ.
દુનિયા એક રંગમંચ છે ને આપણે બધા રંગકર્મીઓ છીએ…આવી બધી શેક્સપિયરે લખેલી લાઇનોની ફિલોસોફી કરતાં વધુ રસ સીમાની સાઇકોલોજીમાં પડ્યો. ચંદન જેવા ગુનાઇત માનસ ધરાવતા ટેક્સી ડ્રાઇવર સાથે આવી સુશીલ અને સાયકોલોજી ભણેલી છોકરી ક્યાંથી ભટકાઇ ગઇ.? હું જેમ એની ટેક્સીની અડફેટે આવી ગયેલો એમ એ પણ ભટકાઇ ગઇ? અભિને રમૂજ પણ સૂઝી…પછી ગંભીરપણે વિચારવા લાગ્યો: થોડીવાર પહેલા મારો ચહેરો ને આંખો વાંચી લેનારી સીમાએ હજી સુધી ચંદનનો ચહેરો વાંચ્યો નહીં હોય…કે પછી એ ચંદનનો ચહેરો વાંચવામાં થાપ ખાઇ ગઇ હશે કે ચંદનની કોઇ જાળમાં ફસાયેલી હશે…અભિને સવાલો…પેટા-સવાલો ઘણા થયા, પણ એ પહેલા સવાલમાં જ વધુ ગૂંચવાયેલો રહ્યો. અભિની ઉલઝનની વચ્ચે સીમા જ સવાલ કરી બેઠી: ‘એક વાત પૂછું.?’
‘હા.’ અભિએ આશ્ર્ચર્ય સાથે માથું હલાવ્યું.
‘એ રાતે આવેલો ચંદનનો એ દોસ્ત કોણ હતો.?’ સીમાના આવા અણધાર્યા પ્રશ્ર્નનો અભિને અંદાજ નહતો. શું કહેવું….શું જવાબ આપવો.? સાચો જવાબ એના સંસારમાં આગ લગાડશે….ખોટા જવાબથી સીમા સાથેનો એનો પોતાનો વિશ્ર્વાસ તૂટી જશે.
‘ચંદને તમને એના દોસ્ત વિશે કહ્યું હશેને.’
‘ના, એણે માત્ર એટલું કહ્યું કે સુનીલ મોઝીઝ નામનો એનો ફ્રેન્ડ એક રાત માટે આવે છે ને બીજે દિવસે વહેલી સવારે વડોદરા જશે.’
ચંદને સીમાને ખોટું નામ કહ્યું હોવાની અભિને ખાતરી થઇ ગઇ…
‘હા, મને પણ એવું જ કહ્યું.’ અભિએ ટૂંકમાં પતાવ્યું.
‘મોડી રાત સુધી દારૂ પીતા પીતા ત્રણ જણે માત્ર આટલી જ વાતો કરી.?’
સીમાનો સવાલ પેચીદો નહતો…પણ અભિ નામના કલાકારને ગૂંચવી શકે એમ નહતો.
‘દારૂની સાથે ચખનામાં અલકમલકની ચટપટી વાતો હોય, જે સ્વાદ વધુ જગાવે અને નશો આહિસ્તા આહિસ્તા ચડાવે.’ અભિએ મોંમાં આવેલો સંવાદ બોલી નાખ્યો.
એ જ વખતે ટેલિફોન બૂથવાળો છોકરો આવીને બોલ્યો: ‘અભિનય ભૈયા, આપકા ફોન હૈ.’
‘ઇસ વક્ત કૌન હોગા.?’ એણે સીમાની સામે જોતા પૂછ્યું. હું આવું હમણાં કહીને અભિ દોડ્યો.
‘મૈં મામાજી.’ મામાજીના અવાજમાં દર્દ હતું.
‘ક્યા હુઆ મામાજી.?’ અભિ ઉતાવળે બોલ્યો.
‘બેટા, મુઝે માફ કરના….મૈંને કહા થા…..લેકિન મૈં તુમ્હે હર મહિને પૈસા નહીં ભેજ સકતા.’ અભિને થયું કે કોઇ જાણીતા હાથ એને ગળે ટૂંપો દઇ રહ્યું છે. એનો શ્ર્વાસ રૂંધાવા લાગ્યો. ત્રણ મિનિટ પૂરી થયાની વોર્નિંગ આપતું બીપ…બીપ…બીપ…વાગવાની શરૂઆત થઇ.
‘તેરી મામીજી કહેતી હૈ કી તુ વહાં છોટીમોટી નૌકરી કર કે અપના કામ ચલા લે…’ મામાજીનું વાક્ય પૂરું થયું ને લાઇન કટ ઓફ થઇ. અભિની તાજી ભીની થયેલી આંખો બૂથમાં કાળા ચશ્મા પહેરીને બેઠેલી અંધ મહિલાને જોતી રહી. અભિએ પાછલી રાતે પોલીસ ઇન્સ્પેક્ટરની ઇમાનદારીથી વધેલા પૈસામાંથી દસની નોટ કાઢીને અંધ મહિલાને આપી.
‘દસ કા નોટ હૈ.’ અભિ બોલ્યો.
‘છુટ્ટા નહીં હૈ મેરે પાસ. ચલેગા નહીં દેગા તો ભી..’ મહિલાએ નોટ પાછી આપતા કહ્યું.
‘સૂના હૈ તૂ એક્ટર બનને આયા હૈ’ અંધ મહિલાએ પૂછ્યું.
‘જી હા.’
‘તુમ્હારી સ્ટ્રગલ અબ શુરૂ હોગી…..સબ જગહ સે આદમી કી મદદ બંધ હોતી હૈ…તબ અસલી સ્ટ્રગલ કી શુરૂ હોતી હૈ.’
(ક્રમશ:)