ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૩

બમ્બઇ મેં કેલેન્ડર કે પન્ને ઔર જુતે જલ્દી ફટ જાતે હૈ...પર ફિલ્મોં મેં કામ નહીં મિલતા’ અકબર પીઆર બોલ્યો.

અનિલ રાવલ

‘બતા મર્ડર કર કે આયા હૈના તૂ.’ બબલુ ફરી બોલ્યો….અભિનયનો નશો ઊતરી ગયો….આંખોમાં ચડેલો ખુમાર ઝાંખો પડી ગયો….શું કહેવું, શું બોલવું…કાંઇ સમજાયુ નહીં.

‘મૈં તો તેરી શકલ દેખ કર હી પહેચાન ગયા થા કી તૂ કોઇ બડા કાંડ કર કે આયા હૈ….કિસકા મર્ડર કિયા હૈ?’ બબલુએ પૂછ્યું. અભિનયે ઊઠીને લાઇટ ચાલુ કરી….અજવાળાએ અચાનક ઝપટમાં લીધેલી આંખોને ચોળતો એ દીવાલને અઢેલી બેસી ગયો.

‘ઓહ, તો એક્ટિંગ કરને કે લિયે તુઝે સ્પોટલાઇટ ચાહિયે. અરે..બતા દે યાર, મર્ડર કિયા હૈના.?’ હમ દોનોં એક હી ટેક્સી કે પેસેન્જર હૈ.
‘પહેલે તૂમ બતાઓ..’ અભિનયે ધીરેથી બોલ્યો.

‘મૈં બિહાર મેં મર્ડર કર કે ભાગા હું…..ઔર તૂમ.?’
‘ભોપાલ મેં…ગર્લફ્રેન્ડ કા મર્ડર કિયા હૈ…નાટકો મેં સાથ મેં કામ કરતે થે..’
‘શાદી કે લિયે પીછે પડી થી. ફિર બ્લેકમેઇલ કરને લગી.’ અભિનય ધ્રુજતા અવાજે બોલ્યો.
‘મુઝે લગા હી થા કી તૂ હૈ તો કોઇ બડા અભિનેતા.’
‘તુમને કિસ કા મર્ડર કિયા હૈ..?’ અભિનયે પૂછ્યું.

‘છોડ યે સબ બાતેં….યે બતા તૂ યહાં સે કબ નીકલને વાલા હૈ.?’ બબલુએ નશાની હાલતમાં પણ સાચો જવાબ આપવાનું ટાળ્યું.
‘કલ શામ કો.’ અભિનયે કહ્યું.
કહાં જાયેગા.?

‘પતા નહીં….દોપહર તક પતા ચલ જાયેગા..ગુડનાઇટ.’ અભિનયે સ્વિચ ઓફ કરી.

થોડીવારમાં બબલુના નસકોરાંનો અવાજ આવવા લાગ્યો…પણ અભિનય જાગતો પડ્યો રહ્યો…પડખાં ફેરવતો રહ્યો. વહેલી સવારે ચંદને દરવાજો ખખડાવ્યો. એના આશ્ર્ચર્યની વચ્ચે બબલુએ દરવાજો ખોલ્યો. કદાચ પાછલા મગજમાં રહેલા ફફડાટે એની ઊંઘ ઊડી ગઇ હશે. અભિનય જાગી ન જાયે એની તકેદારી રાખવા સાથે બંને ઇશારાથી વાતો કરતા ચૂપચાપ નીકળી ગયા…બહારથી દરવાજો અટકાવીને. જો હોગા વો દેખા જાયેગા…બોલીને.
અભિનયે ચાદર માથા સુધી ખેંચી લીધી.


બબલુને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનથી ટ્રેનમાં રવાના કરીને ચંદન સીધો જુહુ તારા રોડ પરના બસ્તા શેઠના ઘરે ગયો….એ સમયે એના ઘરે જવું વહેલું હતું, પણ બસ્તા શેઠે પોતાના માણસોને ખાસ સૂચના આપી રાખેલી કોઇ સિરિયસ મામલો હોય તો રાતે બાર વાગ્યે પણ ઘરનો દરવાજો ખખડાવવો. આ બસ્તા શેઠ ગન અને પૈસાની થેલી સાથે તૈયાર હશે. બસ્તા શેઠ રાતે મોડો સૂવે તોય વહેલા ઊઠીને પૂજાપાઠ કરવાનું ચૂકે નહીં. પાપ અને પૂજાપાઠની એની ગાડી સમાંતરે ચાલતી…..એને કોઇ લાલ સિગ્નલ નડતું નહીં. બહાર ડ્રોઇંગ રૂમમાં બેઠેલા ચંદન માટે ચા-નાસ્તો આવ્યા….પછી બસ્તા શેઠ.
‘બેસાડી દીધો પેલાને ટ્રેનમાં.?’

‘હાં શેઠ.’
‘કોઇને શંકા નથી ગઇને….ખાસ તો તારી બાયડીને.’
‘ના શેઠ.’ ચંદન બે જણને રાતે સાથે રાખ્યા હોવાની વાત કરી દેવા માગતો હતો, પણ એની જીભ ઊપડતી નહતી.

‘તારા દિમાગમાં કાંઇક તો ચાલી રહ્યું છે…શું થયું કોઇ ગરબડ….કોઇ મુશ્કેલી…કોઇ તકલીફ.?’

‘ના..ના કોઇ કરતા કોઇ મુશ્કેલી નથી પડી…હું જાતે ટિકિટ કઢાવીને..એને એની સીટ પર બેસાડીને આવ્યો.’ ચંદને વાતને ડાઇવર્ઝન આપી દીધું.
બસ્તા શેઠે પાયજામાના ખિસ્સામાંથી નોટો કાઢીને ચંદનને આપી.

‘જા, એશ કર.’
બસ્તા શેઠ પૈસા આપતી વખતે કાયમ આવું બોલતા. ચંદન નોટો ગણ્યા વિના ખિસ્સામાં સરકાવીને ઊભો થયો. ચંદન જાણતો કે બસ્તા શેઠ રોકડો હિસાબ કરી નાખતા..ને ક્યારેય ઓછું આપતા નહીં…એનો ધંધો બે નંબરિયો હતો, પણ એમાંય બરકત હતી.
‘જાઉં શેઠ. ખિસ્સામાં ઉછળતી ખુશી સાથે એ નીકળી ગયો.’


ચંદન ઘરે પહોંચ્યો. દરવાજો ખોલતા જ સીમા ચિંતાના સૂરમાં કહેવા લાગી.
‘અભિનય સવારથી નીકળી ગયો છે….રૂમ ખુલ્લી મૂકીને.’
ચંદન રૂમ પર દોડી ગયો. પાછળ સીમા ગઇ. એની બેગ પડેલી હતી.

ચટ્ટાઇ…ચાદર….ઓશિકા બધું અસ્તવ્યસ્ત હતું. બેગ જોઇને ચંદનને રાહત થઇ કે અભિનય ભાગેડુ તો નથી. અંદર જઇને બધે જોયું. બાથરૂમમાં નજર કરી. દોરી પર સુકાતો ટુવાલ જોયો. બેગ ખોલીને જોયું. આગલે દિવસે પહેરેલા કપડા અંદર હતા.

‘આપણો એક્ટર નાહી ધોઇને…કપડાં બદલીને ક્યાંક ગયો છે’ ચંદન હસી પડ્યો.

‘આટલો વહેલો….એ પણ કહ્યા વિના. ચંદન, આપણે એ બહુરૂપિયાને રૂમ આપીને ભૂલ તો નથી કરીને…’
‘આપણે નહીં તેં…..તેં ભલામણ કરી હતી’. ચંદને કટાક્ષ કર્યો. ને સીમાએ છણકો કર્યો.
‘ચાલ, ચાલ તાળું મારી દે.’ ચંદન બોલ્યો.


અભિનય દાદરના દરિયા કિનારે બેસીને ધીમે ધીમે પોતાની તરફ આવી રહેલાં મોજાંને જોતો હતો. સમંદર પ્રત્યેના અજીબ લગાવનું કારણ કદાચ એને હજી સમજાતું નહતું….મુંબઇના દરિયા કિનારાઓ વિશે એણે વાંચ્યું-સાંભળ્યું હતું….કદાચ સન્મુખ પહેલીવાર થયો હતો. ભરતીનો સમય હતો ને એ દૂર કોઇ અગમ્ય પેટાળમાંથી ઊઠતા મોજાંને મનભરીને માણી રહ્યો હતો. દરિયાની ખારી હવા એને મીઠી લાગી રહી હતી. પ્રત્યેક મોજાંનો મિજાજ અલગ હતો….લય અલગ હતો…તરંગ જુદો હતો…એનું સંગીત અનોખું હતું. એક મોટા મોજાંને ધસી આવતા જોઇને ભીંજાય જવાના ભયથી એ પાછળ જઇને ઊભો રહ્યો….છતાંય પાણીની હળવી વાછંટે એને થોડો તો ભીંજવી દીધો….એણે માથું ઝકઝોળ્યું.. અભિનય મોજાનાં તરંગમાંથી બહાર આવ્યો…એની સામે પાછલી રાતનું દૃશ્ય ધસી આવ્યું…..બબલુ સાથેનો સંવાદ યાદ આવતા અભિનય હસી પડ્યો. “બતા કિસકા મર્ડર કર કે આયા હૈ તૂ…હમ દોનોં એક હી ટેક્સી કે પેસેન્જર હૈ સાલ્લું, જબરું કેરેક્ટર નીકળ્યું ને પાછાં ચંદન અને સીમા મુખ્ય ભૂમિકામાં. મનેય એક્િંટગ કરવાની ભારે મોજ પડી ગઇ…આ દુનિયા ખરેખર રંગમંચ છે…વિચારતો થોડો ગંભીર થઇ ગયો..

સાદાસીધા લાગતા લોકો ગુનેગારને પોતાના ઘરમાં પનાહ આપે છે….ચંદન શું ચીજ હશે? સીમાની સીમામર્યાદા ક્યાં સુધીની હશે અને ખૂની બબલુને પનાહ આપવાનું કારણ શું હશે.? કહાની રોમાંચક અને રસપ્રદ છે….જાણવી પડશે…..શું પોતે આ માહોલમાં રહી શકશે ખરો….આ વિચારે એને વિચારતો કરી દીધો. અરે…મારી પાસે એ જ રૂમમાં રહેવા સિવાય બીજો કઇ વિકલ્પ પણ ક્યાં છે. ચાલો, મુંબઈની નાટ્યશિબિરનો પહેલો દિવસ યાદગાર બની રહ્યો. આગે જો હોગા વો દેખા જાયેગા…


અભિનય નાઝ કમ્પાઉન્ડમાં અશોક ટંડનની ઓફિસના વેઇટિંગ રૂમમાં બેઠો હતો. બચુભાઇએ એને કેટલીય વાર કહ્યું કે સાબ માટિંગ મેં હૈ….પણ એ ચસકવાનું નામ લેતો નહતો.બસ એકબાર મિલને દો….દો મિનિટ કે લિયે એ બચુભાઇને કહેતો રહ્યો…..બચુભાઇએ અંદર ચા લઇ જતી વખતે ટંડનને કહ્યું ‘સાહેબ, પેલો કલાકાર આવ્યો છે….મેં કહ્યું મીટિંગમાં છે તોય જતો નથી.’
‘ભલે બેઠો’. ટંડને કહ્યું. બહાર આવીને જોયું તો અભિનયે આશાભરી નજરે બચુભાઇની સામે જોયું.
‘કૂછ કહા સાબને..?’ અભિનયે પૂછ્યું.

‘બૈઠો……મીટિંગ ચાલુ હૈ.’ અભિનયને થોડી આશા બંધાઇ.


‘કોણ કલાકાર બહાર બેઠો છે.’? અશોક ટંડનની સામે બેઠેલા ને ટંડન ફિલ્મ્સની પબ્લિસિટી સંભાળતા અકબર પીઆરએ કુતૂહલવશ પૂછ્યું. આમ તો અકબરની અટક લાકડાવાલા, પણ પબ્લિસિટીનું કામ કરતો હોવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા એને અકબર પીઆર તરીકે ઓળખે.

‘જવા દેને યાર….એક નાટકવાળો ભોપાલથી આવી ટપક્યો છે….ફિલ્મોમાં હીરો બનવા….નાટકનો એક્ટર સારો છે, પણ આપણી પાસે ક્યાં કોઇ પ્રોજેક્ટ છે….ભલે ધક્કા ખાતો.’
‘એને તમે સત્યદીપ ચૌબે પાસે મોકલી આપોને…ભલે ત્યાં નાટકો કરતો….તમારી પાસે ધક્કા ખાતો તો બંધ થઇ જશે.’

‘ઓહ યસ….મને પહેલા બત્તી કેમ ન થઇ……સત્યદીપ પણ એને ઓળખે જ છે…અમારા બંનેના હાથે તો એને અવોર્ડ અપાયો હતો.’ ટંડને કહ્યું. એણે બેલ વગાડી…બચુભાઇ આવ્યો. પેલાને અંદર મોકલ.
અભિનયે અંદર જતા પહેલા વાળ સરખા કર્યા ને ઊંડો શ્ર્વાસ લઇને અંદર ગયો.

‘તુમ એક કામ કરો….સત્યદીપ ચૌબે કે પાસ ચલે જાઓ….નાટકો મેં કામ કરના શુરુ કરો. ટંડને કહ્યું. અભિનયને કહેવાની ઇચ્છા થઇ કે ભોપાલમાં હું નાટકો જ કરતો હતો….મારે ફિલ્મોમાં કામ કરવું છે….એટલે તો મુંબઈ આવ્યો છું.’

‘નાટકમાંથી ઘણા કલાકારોએ ફિલ્મોમાં કેરિઅર બનાવી છે નહીં પીઆર.? ટંડન બોલ્યો. એને ગુજરાતી બોલતા જોઇને અભિનયના કાન ઊભા થઇ ગયા.’
‘સર, તમે ગુજરાતી છો.?’ એના ચહેરા પર અનેરી ચમક આવી ગઇ.

‘હા, પાકો ગુજરાતી છું.’

‘સર, હું અડધો ગુજરાતી છું….મારી મા ગુજરાતી હતી ને બાપ યુપીનો.’
અભિનયે કામની આશાએ ગુજરાતી કનેક્શન વાપર્યું.

‘સર, નાટકોમાં બહુ કામ કર્યું… મને ફિલ્મમાં એક ચાન્સ આપો.’
‘ભાઇ, તું નાટકોમાં કામ કરીશ તો ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકોના ધ્યાન પર આવીશ….તારા ચાન્સ વધી જશે,’ પીઆર બોલ્યો.

‘આ અકબર પીઆર છે…એને ફિલ્મ પબ્લિસિટીનો વરસોનો અનુભવ છે….એટલે સલાહ આપે છે.’ ટંડને કહ્યું.

‘બમ્બઇ મેં કેલેન્ડર કે પન્ને ઔર જુતે જલ્દી ફટ જાતે હૈ…પર ફિલ્મોં મેં કામ નહીં મિલતા…પહેલે બમ્બઇ કે નાટકો મે કૂછ કર કે દિખાઓ’ અકબર પીઆર બોલ્યો.
‘જો દિખતા હૈ વો બિકતા હૈ. ટંડને ટાપસી પુરાવી.’
‘સત્યદીપ ચૌબે ક્યાં મળશે.?’ અભિનયે પૂછ્યું.

‘એક્ટર્સ અડ્ડા પર. જુહુમાં…જુહુ બસ સ્ટેન્ડની સામેના રોડ પર નાટકના કલાકારો અને ફિલ્મી સ્ટ્રગલર્સ રોજ સાંજે મળે છે…એ જગ્યાનું નામ પડી ગયું છે…એક્ટર્સ અડ્ડા. સત્યદીપ ચૌબે ત્યાં રોજ સાંજે બેસે છે.’ ટંડને કહ્યું.

અભિનયે વૉચમાં જોયું. સાંજ પડવામાં હજી વાર હતી…સાંજ ઢળશે તો સવાર ઊગશેને….સ્માઇલ આપી…થૅન્ક યુ કહીને એ નીકળી ગયો.


અભિનય એક્ટર્સ અડ્ડા પર પહોંચ્યો. એક્ટરોનો આ અડ્ડો એટલે એક ચોરસ જમીનના ટુકડાની ફરતે લીલાછમ વૃક્ષોની ફેન્િંસગ, લાકડાના ચાર સપાટ થડને સામસામે ગોઠવીને બનાવેલી સીટિંગ એરેન્જમેન્ટ અને વચ્ચે બે થડની ઉપર કાળા કડ્ડપાની ભારે-વજનદાર ટાઇલ્સ મૂકીને બનાવેલું ટેબલ…સાઇડમાં નાની ટપરી જેવી કોન્ટિન જેમાં ચા-કૉફી સિવાય કાંઇ મળતું નહીં…જુહુ જેવા વૈભવી વિસ્તારમાં વિખ્યાત બની ચુકેલો એક્ટર્સ અડ્ડો હકીકતમાં રંગભૂમિના એક માલદાર ચાહકની દેન હતી.

કેટલાક કલાકારો…સ્ટ્રગ્લર્સ લાકડાના થડ પર ટ્ટટાર બેસીને વાતો કરતા હતા. અભિનયની આંખો સત્યદીપ ચૌબેને શોધતી હતી. ચૌબેજી છેક છેલ્લા ટેબલ પર બેસીને એકાગ્રતાથી કાંઇક લખી રહ્યા હતા. અભિનયે એને દૂરથી જોયા.

કથ્થઇ રંગનો ભૂખરો ઝભ્ભો..સહેજ મેલું ચુડીદાર….બાજુમાં મુકેલો ભરતકામ કરેલો ઝોલો…નાકની ડાંડી પર અટકેલા દોરી બાંધેલા ચશ્માં. હાશ, ચૌબે મળી ગયાના આનંદ સાથે એ ગયો.
‘ચૌબેજી પ્રણામ.’ અભિનયે બે હાથ જોડતા કહ્યું. સત્યદીપ ચૌબેએ ડોકું નમાવીને ચશ્માંમાંથી ગુસ્સાભરી આંખો એની સામે જોયું.
‘કૌન હો તૂમ.?’

‘મૈં અભિનય શ્રીવાસ્તવ’.
‘કૌન અભિનય…મૈં કિસી અભિનય કો નહીં જાનતા’… અરે શીલા, બોલો ઇનકો…..ડિસ્ટર્બ ના કરે. (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…