ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ-૨

ગોટમોટ સૂતેલા સાપની જેમ પાછલી સીટ પર બેઠેલા છોકરાએ અચાનક ચંદનના કાનમાં ફુંફાડો માર્યો: બબલુ નામ હૈ હમારા. મર્ડર કિયા હૈ હમને…

અનિલ રાવલ

છેલ્લાં થોડાં વરસોથી બસ્તા શેઠે નવો ધંધો ડેવલપ કર્યો હતો. બીજા રાજ્યમાંથી ગુનો કરનારા ભાગેડુને આશ્રય આપવાનો ધંધો. આ ધંધો અલગ અલગ રાજ્યોના ગુંડાઓની સિન્ડીકેટ ચલાવતી. સિન્ડીકેટ ગુંડાટોળકીનો કોઇ ગુંડો ગુનો આચરે તો એ રાજ્યનો ડોન એને છૂપાવવા બીજા રાજ્યની સિન્ડીકેટ ટોળકીના ડોન પાસે મોકલી આપતો….અને મુંબઈ ભાગેડુઓનું માનીતું શહેર….આમેય મુંબઇ શહેર માટે કહેવાય છે ને કે દુનિયાના કોઇપણ ુખુણામાંથી કોઇ ગુનો કરીને ભાગે તો તે સૌથી પહેલાં મુંબઇ આવે છે. આશ્રય આપનારા ડોનની જવાબદારી રહેતી કે ભાગેડુ શખસ પોલીસને હાથ ન લાગે અને એકાદ બે દિવસમાં એને અન્ય નક્કી કરેલા રાજ્ય કે સ્થળે સલામત રીતે મોકલી આપવાનો. બસ્તાએ મુંબઈમાં ગુનો કરનારા પોતાની સિન્ડીકેટના કેટલાય ગુનાખારોને બીજા રાજ્યમાં આશ્રય અપાવ્યો હતો. આવી વણલખી ગેરન્ટી અને આશ્રય આપવાના ધંધામાં ડોન લોકોને મોટી રકમ મળતી. ચંદન બસ્તાનો ખાસ માણસ…એને આ સાઇડ બિઝનેસમાં ફાવટ આવી ગઇ હતી. ચંદન ખાલી રાખેલી ખોલીનો ઉપયોગ ભાગેડુને છુપાવવા માટે કરતો…જેનો પત્ની સીમાને બિલકુલ ખયાલ નહતો. એ બિચારી તો માત્ર એટલું જ જાણતી કે ક્યારેક ચંદનનો કોઇ દોસ્ત એકાદ બે રાત રહેવા આવતો ને જતો રહેતો.

બસ્તા શેઠની વાત સાંભળીને ચંદન ગૂંચવાઇ ગયો….ધર્મસંકટમાં મુકાઇ ગયો. સીમાના કહેવાથી એણે અભિનયને રૂમ આપી દીધી ને બસ્તા
શેઠને ના પાડી શકાય એમ નહતી. ટેક્સી ડ્રાઇવર ચંદને વિચારોના એક્સેલેરેટર પર દિમાગનું જોર લગાવ્યું.

શેઠ, કેટલા દિવસ માટે….એણે પૂછ્યું.

એક રાત…કીધુંને મેં તને. કાલે ગુજરાત મોકલી દેવાનો. બસ્તા શેઠ બોલ્યો.
ક્યાંથી પિક-અપ કરવાનો છે.

માહિમ ચર્ચમાં બેઠો છે. કધોણું બ્લ્યુ જીન્સ અને ભૂખરું લાલ ચેક્સવાળું હુડી પહેરીને. કોડવર્ડ જેલી ફિશ.


અભિનયે જમીને હાથ ધોતાં કહ્યું: ‘મને ખબર છે તમે બંને ગુજરાતીમાં શું વાત કરતા હતા.’ સીમા એક સેક્ધડ માટે થાળી ઉપાડવાનું
ભૂલીને એની સામે જોતી રહી ગઇ. કોણ હશે આ માણસ.? ગુજરાતી જાણતો હોવા છતાં એણે સાંભળ્યા કર્યું અને મેં મુર્ખીએ એને રૂમ ભાડે આપી…જમાડ્યો….
‘તુમ કો ગુજરાતી આતી હૈ…બતાયા નહીં તુમને.?’ સીમાની એક આંખમાં શંકા ને બીજીમાં અણગમો હતો.

અભિનયે ભીના હાથ જોડતા કહ્યું: ‘માફ કરજો. મારી મા ગુજરાતી હતી…બાપ યુપીવાળો…બંનેને નાનપણમાં ગુમાવ્યાં….પહેલા બાપ ને પછી મા ગઇ. મામાની સાથે રહ્યો…મામા પ્રેમાળ, પણ મામીનું દિલ ન જીતી શક્યો. એટલે જ મુંબઈ આવ્યો છું….ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિમાયલથી ઊંચું નામ કમાવા…મારી પોતાની એક નવી ઓળખ ઊભી કરવા…નવા સંબંધો બાંધવા.’
સીમા થાળી મુકવા કિચનમાં ગઇ ને ત્યાં જ ઊભા રહી વિચારવા લાગી. અભિનયની વાત સાંભળીને વિચારવા લાગી. બીજી બાજુ અભિનયને થયું કદાચ રૂમ નહીં મળે…

સીમા બહાર આવીને બોલી: અવિશ્ર્વાસ અસંખ્ય વિચાર કરાવે. હું તારા વિશે કેટકેટલું ખરાબ વિચારી ગઇ હતી. કોણ હશે તું…જેલમાંથી છૂટીને તો નહીં આવ્યો હોય…કોઇ બહુરૂપિયો ઠગારો તો નહીં હોય.’
‘અમે કલાકાર લોકો બહુરૂપિયા જ છીએ…..એક જનમમાં કેટકેટલાં પાત્રો જીવીએ છીએ.’
‘મેં ક્યારેય કોઇ નાટક નથી જોયું…તારું નાટક જોવા બોલાવજે.’ સીમાએ કહ્યું.

‘નાટક નહીં, ફિલ્મ જોવા બોલાવીશ….ફિલ્મના પ્રીમિયરમાં.’ અભિનયે હાથના એક ઝાટકે વાળની છાજલી ઉપર કરતા કહ્યું.
‘તને જોતા લાગે છે કે તું મોટો કલાકાર બનીશ..’ સીમા બોલી.

એકસો ને એક ટકા. મુંબઈમાં પગ મુકતા જ મોટો ડાયરેક્ટર મળ્યો….રહેવા માટે રૂમ મળી ગઇ….મૈં હંમેશાં પોઝિટિવ સૌચતા હું….ઔર દુસરી બાત હંમેશાં કહેતા હું…..જો હોગા વો દેખા જાયેગા.’
‘જો હોગા વો દેખા જાયેગા..’ અભિનયનો તકિયા કલામ હતો…..આ ધ્રુવપંક્તિમાં એનો આત્મવિશ્ર્વાસમાં એનો આત્મવિશ્ર્વાસ છલકતો.

‘જા થોડીવાર આરામ કરી લે.’ સીમાએ એને ચાવી આપી. અભિનય એક સ્માઇલ આપીને ગયો.


ચંદન બસ્તા શેઠને મળીને માહિમ ચર્ચ જવા નીકળ્યો. રસ્તામાં ડીઝલના થરથરતા કાંટાને જોઇને બોલ્યો: ‘ઇસે અભી ખતમ હોના થા.’ એણે પેટ્રોલ પંપે ટેક્સી વાળી. લાંબી લાઇન જોઇને બે ચાર ગાળ બોલ્યો, પણ ગાળ બોલવાથી જલ્દી નંબર લાગવાનો નહતો. એ માહિમ ચર્ચમાં બેઠેલા અજાણ્યા ભાગેડુ ગુનેગારની કલ્પના કરતો ઊભો રહ્યો. જોકે એણે અગાઉ ઘણા ભાગેડુઓને આશ્રય આપ્યો હતો, પણ ક્યારેય પિક અપ કરતા
પહેલા આટલું વિચાર્યું નહતું જેટલું એ ત્યારે
વિચારી રહ્યો હતો. શું નામ હશે એનું.? ચર્ચમાં બેઠો છે તો ક્રિશ્ર્ચિયન હશે? શું કાંડ કરીને આવ્યો હશે.? હવે વિચારોની ગાડીએ ગિયર બદલ્યો. અભિનયને શું કહેવું કે આ કોણ છે? અભિનયને રવાનો કરી દઉં એ જ એક રસ્તો છે….કોઇ રસ્તો ન જામે તો યુ ટર્ન લઇ લેવો… સીમાને સમજાવી દઇશ.

‘ઓ ભાઇ તેરા નંબર આયા…ગાડી આગે લે..’ સાંભળીને એણે ધક્કો મારીને ટેક્સી આગળ લીધી…ડીઝલ ભરાવ્યું. અભિનયથી પીછો છોડાવવાના ખયાલે ચંદન અને ટેક્સીમાં નવું ઇંધણ પૂર્યુ. ટેક્સી માહિમ ચર્ચ પાસે ઊભી રહી. ચંદને આસપાસ કાતિલ નજર ફેરવી. બહાર આવીને ફરી એક નજર કરી. કોઇ નથી એની ખાતરી સાથે ચર્ચનાં પગથિયાં ચડીને અંદર ગયો….એ પહેલીવાર ચર્ચમાં પ્રવેશી રહ્યો હતો. પ્રવેશતાની સાથે એણે ક્રોસને જોઇને અનાયાસે કાપળે અને છાતીની બંને બાજુ વારાફરતી હાથ ફેરવ્યો. એની નજર કધોણા જીન્સ અને ભૂખરા ચેક્સવાળા શર્ટને શોધતી હતી. પચીસેક વર્ષનો એક યુવાન છેલ્લી બેન્ચ પર બેઠો હતો. ચંદન એની બાજુમાં જઇને બેસી ગયો. ‘જેલી ફિશ.’ ચંદન નીચું મોઢું કરીને એ બોલ્યો. છોકરો ઊઠીને બહાર ગયો…ગોગલ્સ ચડાવીને ટેક્સી ડ્રાઇવરની રાહ જોતો ઊભો રહ્યો. એની પાછળ તરત જ બહાર આવેલો ચંદન દરવાજો ખોલીને બેસી ગયો. પાછલી સીટનો દરવાજો ખોલીને યુવાન અંદર બેઠો. ચંદને મીટર ડાઉન કર્યું….ભાગેડુને જોઇ શકાય એ રીતે કાચની પોઝિશન ઠીક કરી. થોડીવાર કોઇ કાંઇ બોલ્યું નહીં…થોડી થોડીવારે ચંદન કાચમાંથી એને જોતો રહ્યો.

‘કલ સુબહ કી ટ્રેન સે તુમ્હે ભરૂચ જાના હૈ…મૈં ટ્રેનમેં બૈઠા દુંગા….ટિકટ નિકલવા કે..’ છોકરો કાંઇ બોલ્યો નહીં.
‘નામ ક્યા હૈ?’ છોકરો ચૂપ રહ્યો.
‘કૌન સા ગાંવ.?’ છોકરો ચૂપ રહ્યો.
‘મર્ડર કિયા હૈ.?’ છોકરો ચૂપ રહ્યો.
‘હિન્દુ હૈ? મુસલમાન હૈ….યા ક્રિશ્ર્ચયન.?’
ગોટમોટ સૂતેલા સાપની જેમ પાછલી સીટ પર બેઠેલા છોકરાએ અચાનક ચંદનના કાનમાં ફુંફાડો માર્યો: બબલુ નામ હૈ હમારા. મર્ડર કિયા હૈ હમને…
‘છપ્રા ગાંવ…હિન્દુ હૈ હમ હિન્દુ’ ચંદન અગાઉ ભાગેડુઓના મોઢે આવું ઘણુંબધું સાંભળી ચુક્યો હોવા છતાં સહેજ ડરી ગયો.


ચંદને ટેક્સી એના ઘરની ગલીને નાકે ઊભી રાખીને કહ્યું: અંદર હી બૈઠે રહેના…આતા હું.’ બબલુએ એની સામે જોયું. ચંદન ઘરે ગયો.
જલ્દી આવી ગયો?’ સીમાએ દરવાજો ખોલતા કહ્યું.

આપણે પેલા એક્ટરને રૂમ નથી આપવી. એને બોલાવીને ના પાડી દઇએ.’

કેમ ખૂનબૂન કરીને આવ્યો છે? બેંક લૂટી છે? ભાગેડુ છે..? તેં એના વિશે કાંઇ ખરાબ સાંભળ્યું.?’ સીમાને થયું કે કોઇએ અભિનય વિશે સચોટ માહિતી આપી દીધી કે શું.
ના…મારું મન નથી માનતું.’ ભાગેડુને લાવવાની ઉતાવળમાં ચંદન સીમાને સમજાવવાની કોશિષ કરી રહ્યો હતો.

સો રૂપિયા ભાડું મળશે ચંદન સો રૂપિયા….વિચાર તો કર….કોણ આપે આટલું ભાડું.?’ ચંદન ભાડાની રકમ જાણીને લલચાયો.

સો રૂપિયા આપશે? તેં ભાડાની વાત કરી એની સાથે.?’

હા….નક્કી થઇ ગયું….એને જમાડ્યો પણ ખરો…અને તને ખબર એ ગુજરાતી બોલે છે…એની મા ગુજરાતી હતી અને બાપ ભૈયો..’ સીમા બોલી.
ચંદન વિચારે ચડી ગયો. ગુજરાતી છે…અને ભાગેડુ તો ક્યારેક આવે…ભાડુ દર મહિને મળે.

પણ…મારો કોઇ દોસ્ત આવે તો શું કરવું.?’ ચંદને પૂછ્યું.

અરે. એકાદ બે દિવસ એની સાથે સમાવી લેવાયને…એમાં પેલા એક્ટરને કે તારા દોસ્તને વાંધો શું કામ હોય’ સીમાએ સમસ્યા ઉકેલી આપી.
સીમા, મને ઊબડખાબડ લાગતા રસ્તાને તેં ડામરનો પાકો રસ્તો બનાવી દીધો. સાચું કહું….આજે જ મારો દોસ્ત એક રાત માટે
આવે છે…હું એને લેવા જાઉં છું….તું પેલા
એક્ટરને વાત કરી રાખજે.’ ચંદન ઉતાવળે નીકળી ગયો. એને બહાર બેસાડી રાખેલા પેલા છોકરાની ચિંતા હતી…એક રાત છૂપાવવાની એની જવાબદારી હતી.


‘સોરી…થોડા પ્રોબલમ થા…સોલ કર દિયા.’ એણે ટેક્સી સ્ટાર્ટ કરી. ‘ખાનેપીને કા થોડા સામાન લે કર આતે હૈ.’ એણે વાઇન શોપ પર જઇને દારૂની બોટલ લીધી. એક નાનકડા ઢાબા જેવી જગ્યાએથી અંડા ભુરજી…ચીકન…રોટી..પાંવ…ચના મસાલા…જે હાથ લાગ્યું તે લઇ લીધું. દુનિયાની નજરથી ભાગેડુને બચાવતો ચંદન ઘરે પહોંચ્યો ત્યારે એક ઉગતા એક્ટરની સાથે ભાગડેુને રાખવાના વિચારથી
બેચેન હતો. કેમકે રૂમ શેર કરવાની વાત એણે ભાગેડુને કરી નહતી. રૂમમાં બીજા કોઇને રાખવાની વાત જાણીને ભાગેડુનું મગજ છટકશે તો કાંઇપણ થઇ શકે છે અને બસ્તા શેઠને જવાબ આપવો ભારે થઇ પડશે. ચંદનના દિમાગની બેટરી બેસી ગઇ હતી.


બીજી બાજુ, સીમાએ અભિનયને ચંદનનો દોસ્ત એક રાત માટે આવે છે એની જાણ કરી દીધી તેથી અભિનય માનસિક રીતે તૈયાર હતો. આમેય એ કલાકાર હતો…મિલનસાર હતો….વાચાળ હતો…મિત્રો ઝડપથી બનાવી લેતો.

‘યે મેરા દોસ્ત હૈ મિલન…કલ સુબ કી ટ્રેન સે બડૌદા જાનેવાલા હૈ…વહાં સે આબુ.’ ચંદને મનમાં જે આવ્યું કહીને ઓળખાણ કરાવી.

‘મૈં અભિનય…મતલબ નામ મેરા અભિનય હૈ.’ બોલીને એણે હાથ મિલાવ્યો. બબલુએ ઝીણી આંખે અભિનયને જોયો.

‘નામ અચ્છા હૈ….અભિનય. એક્ટિંગ ભી અચ્છી કરતે હોંગે.’ બબલુ બોલ્યો.

‘ચલો ડ્રીંક મારતે હૈ’ ચંદને વાત વાળવા બોટલ ખોલી. ગ્લાસ ભર્યા. ત્રણેયે ચીયર્સ કર્યું.

‘મિલન, તુમ્હારા સામાન કહાં હૈ..?’ અભિનયે સવાલ કર્યો. ચંદનને થયું કે ગાડી ખોટા ટ્રેક પર ગઇ….એણે સ્ટિયરિંગ સંભાળી લીધું.

સામાન બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન કે લોકર રૂમમેં રખા હૈ….એક રાત કે લિયે કૌન સામાન લાને..લે જાને કી તકલીફ ઉઠાયે યાર’
‘યે બબલુ કૌન હૈ..?’ અભિનયે પૂછ્યુ. બબલુએ ચંદનની સામે કાતિલ આંખે જોયું. ચંદન મોંમાં ભરેલો ડ્રીંકનો ઘૂંટડો પરાણે ઉતારી ગયો. બબલુ અને ચંદને અભિનયની સામે શંકાની નજરે જોવા લાગ્યા. આ માણસને બબલુ નામની કેમ ખબર પડી.? અભિનયને એમના હાવભાવ સમજાયા નહીં….એણે બબલુનું કાંડું બતાવતા કહ્યું: ‘મૈને સોચા તુમ્હારે બેટે કા નામ કા ટેટૂ હૈ.’
ઘરમેં માં મુઝે બબલુ કહે કે બુલાતી હૈ….છોટા થા તબ માંને ગાંવ કે મેલે મેં ટેટૂ કરવા દિયા થા.’ બબલુએ થોડી રાહત સાથે એક મોટો ઘૂંટડો માર્યો. બેમાંથી કોઇ અંગત વાત કે સવાલ ન કરે ચંદને એની સતત સાવચેતી રાખવી પડતી હતી. થોડીવારમાં એક બાટલી ખાલી થઇ ગઇ….ત્રણેય જણ જમી પરવાર્યા. અભિનય અને બબલુને મૂકીને ચંદન એની રૂમમાં પાછો ફર્યો ત્યારે સીમા એની બાંહોંમાં સમાઇ જવા બેતાબ હતી.

‘મારે સવારે જલ્દી ઊઠવું છે.’ બબડતો ચંદન પડખું ફેરવીને સૂઇ ગયો. સીમાએ નાઇટ લેમ્પનું રહ્યુંસહ્યું અજવાળું પણ બુઝાવી નાખ્યું.


‘અભિનય, તુમને અપને બારે મેં કૂછ બતાયા નહીં….કહાં સે હો.? કૌન સી એક્ટિંગ કર કે આયે હો.?’ બબલુએ પૂછ્યું.
‘એક્ટિંગ કર કે નહીં…કરને કે લિયે આયા હું’
‘સાલા…મેરે સામને એક્ટિંગ મત કર…બતા..મર્ડર કર કે આયા હૈના તૂ.?’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ