ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૨
ચંદન, તું ભાગેડુ ગુનેગારોને રૂમમાં રાખે છે એ વાત મેં હજી સુધી સીમાને કરી નથી. તારો ભાંડો ફોડીશ તો તું જેલ ભેગો થઇશ.’
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ
‘સાલ્લા અહેસાનફરામોશ, તને મારા ઘરમાં રાખ્યો અને તું મારી જ વાઇફ સાથે.’ ચંદન અભિને ગડદાપાટુ મારવા માંડ્યો.
‘ચંદન, એને છોડી દે…એનો વાંક નથી….વાંક મારો છે…તું મને માર….અભિ તું જતો રહે અહીંથી.’ સીમા વચ્ચે ઊભી રહી ગઇ.
‘ઓહ, તો તું તારા આ ફિલ્મી મજનૂ ખાતર માર ખાવા તૈયાર થઇ ગઇ.’ ચંદન એને ઝૂડવા લાગ્યો.
‘સાલ્લી બદ્જાત..તને ગરીબડી માનીને તારા બાપની ચુંગાલમાંથી મેં તને છોડાવી ને તું.’ ચંદન ગુસ્સામાં સીમાને મારવા લાગ્યો…..અભિ વચ્ચે પડ્યો: ‘પ્લીઝ, તું એને નહીં માર…..વાત સાંભળ….અભિએ હાથ જોડ્યા.’
‘તું હમણાંને હમણાં નીકળ અહીંથી નહીંતર તારી લાશ પડશે.’ ચંદને અભિને બારણાંની બહાર ધક્કો માર્યો.
‘તારો સામાન ઉપાડ ને નીકળ અહીંથી.’ અભિને ધકેલતો એ રૂમ સુધી ગયો. અભિએ ધીમેથી એના કાનમાં કહ્યું: ‘ચંદન, તું ભાગેડુ ગુનેગારોને રૂમમાં રાખે છે એ વાત મેં હજી સુધી સીમાને કરી નથી. તારો ભાંડો ફોડીશ તો તારા સંસારમાં આગ લાગશે ને તું જેલ ભેગો થઇશ. હું જાઉં છું, પણ સીમા પર હાથ ઉપાડીશ કે એને હેરાન કરીશ તો તારી ખેર નથી.’ ચંદને અભિનો પકડેલો કોલર છોડી દીધો.
‘જા નીકળ અહીંથી…ફરી તારું મોઢું નહીં બતાવતો ને સીમાથી દૂર રહેજે.’
‘…ને તું સીમાની નજીક રહેજે, પણ એને સતાવતો નહીં…હું તમારા બંનેથી દૂર જાઉં છું.’ અભિની વાતે ગુસ્સે ભરાયેલો ચંદન પાછો ફર્યો.
‘તને તો હું જોઇ લઇશ…..મારી સાથે દગો કરવાનું પરિણામ કેવું આવશે એની તને ખબર નથી.’ ચંદને સીમાને લાફો મારવા હાથ ઉગામ્યો, પણ અભિની વાત યાદ આવતા જ હાથ અધ્ધર રહી ગયો. એક નબળી પળે અભિ પાસે રૂમમાં ભાગેડુઓને રાખવાનું રાઝ ખોલી નાખવાનું એને મોંઘું પડ્યું.
અભિ અશોક ટંડનની ઓફિસે પહોંચ્યો. દરવાજે બે ટકોરા મારીને ઊભો રહ્યો. થોડીવારે દરવાજો ખુલ્યો.
‘તું….અત્યારે મધરાતે?’ અશોક ટંડનનો પ્યૂન બચુભાઇ આંખો ચોળતા બોલ્યો.
‘બચુભાઇ, રૂમમાલિકે મધરાતે ‘રૂમ ખાલી કરાવી… મુશ્કેલીમાં આવી પડ્યો. રાત કાઢવી છે.’
‘અશોકભાઇને પૂછવું પડે એમને પૂછ્યા વિના તને રાખી ન શકું.’ બચુભાઇએ ઘડિયાળમાં જોતા કહ્યું.
‘બચુભાઇ, અત્યારે ફોન કરવો બરાબર નથી..કાલે હું જ એમને કહી દઇશ’ અભિની વાત પર વિશ્ર્વાસ મુકીને બચુભાઇએ એને અંદર લીધો. અભિએ બેગ સાઇડમાં મુકી.
‘એવું તો શું બન્યું કે તારે રાતોરાત નીકળી જવું પડ્યું…સવાર સુધીની મહોલત પણ ન આપી.?’ બચુભાઇએ શંકા કરી.
‘મારો માલિક મધરાતે અચાનક આવ્યો. મારી પાસે ભાડું માગ્યું….મેં કહ્યું કે ગામથી મામાજી મોકલવાના છે. એણે તકાજો કરીને અત્યારે જ ખાલી કરાવી.’
‘બસ, એટલી વાતમાં તારા મોઢા પર લાલ ઢીમણું ઊપડી આવ્યું.?’ બચુભાઇ બોલ્યા ત્યારે અભિને મોં પરના મારની અસર થઇ….એણે ઊપસી આવેલા ઢીમણાં પર હાથ ફેરવ્યો. દર્દ ઊપડ્યું.
‘રૂમ માલિક પીધેલી હાલતમાં હતો…મેં રૂમ નહીં છોડવાની જીદ કરી તો હાથ ઊપાડ્યો.’
‘મેં છેલ્લાં વીસ વર્ષમાં ટંડન સાહેબની કેબીનની બહાર બેઠા બેઠા ઘણી ફિલ્મી સ્ટોરીઓ સાંભળી છે. તારી સ્ટોરીમાં કાંઇક ખુટે છે.’ બચુભાઇ રિયલ સ્ટોરી અને રિલ સ્ટોરી વચ્ચેનો ભેદ પારખી ગયો હોય એમ બોલ્યો.
‘તને મેં એક રાત સાચવી લીધો, પણ હવે કાલથી તું રહીશ ક્યાં.?’
‘બચુભાઇ, જો હોગા વો દેખા જાયેગા.’ બચુભાઇ અભિને બહાર સોફા પર સુવાનું કહીને પોતે અશોક ટંડનની કેબીનમાં સુઇ ગયો. અભિ સોફા પર આડો પડ્યો, પણ આખી રાત સીમાનો વિચાર કરતો રહ્યો.
બસ્તા શેઠ પૂજા કરીને બહારના રૂમમાં આવ્યા. ચંદનને બેઠેલો જોઇને ભડક્યા.
‘તું પાછો આવી ગયો.? મારી મંજૂરી વિના.? મેં ચોખ્ખું કહેલું કે હું કહું ત્યારે આવજે.’
‘જામખંભાળિયામાં અભેસંગભાઇના ડેલામાં મને નજર કેદ કરીને રાખ્યો હતો. મને ન ફાવે આવું બધું. ભાગી આવ્યો.’
‘તારા પરનો ખતરો હજી ટળ્યો નથી…..તું તો મરીશ, મને પણ મારીશ. પાછો જા.’
‘હું નહીં જાઉં….મને મારી ટેક્સીની ચાવી આપો શેઠ.’ પાછલી રાતના બનાવથી ભાન ભુલી ગયેલા ચંદનને સામે બસ્તા શેઠ ઊભા છે એનું ભાન ન રહ્યું.
‘જોરાવર.’ બસ્તા શેઠની એક બૂમે જોરાવર હાજર થયો. બસ્તા શેઠે માત્ર ઇશારો કર્યો…ને જોરાવરે ચંદનના પેટમાં એક મુક્કો માર્યો. ચંદન બેવડ વળી ગયો.
‘હું કહું એટલું જ પાણી પીવાનું…મને પાણી બતાવવાની હરકત કરવી નહીં. સમજ્યો.?’ બસ્તા શેઠે એના ગરમ મિજાજનો ઠંડા કલેજે પરચો બતાવી દીધો.
‘ગોંધી રાખ આને એની ટેક્સીની સાથે.’ જોરાવર એને બાવડેથી ઝાલીને લઇ ગયો.
વિચારે ચડેલી રાતની સવાર પડતા વાર નથી લાગતી. બચુભાઇ કેબીનની બહાર નીકળ્યો ત્યારે અભિ ગોઠણ વચ્ચે માથું મૂકીને સોફા પર બેઠો હતો.
‘આ લે ચાવી. ડાબી બાજુ છેક છેલ્લે આપણી ઓફિસના ખાસ બાથરૂમ ટોઇલેટ છે. ફ્રેશ થઇ જા ને ટંડન સાહેબ આવે તે પહેલાં તારી વ્યવસ્થા કરી લે.’ અભિ કાંઇ બોલ્યા વિના ચાવી લઇને ગયો. એના પાછા આવ્યા બાદ બચુભાઇ બહાર ગયો. થોડીવારે ચાવાળા છોકરાની સાથે આવ્યો.
‘ચા પી ને સાથે બનમસ્કા ખાઇ લે.’ અભિ વિચારમાં હતો. ચા-નાસ્તો પતાવ્યા પછી બચુભાઇએ એને પેઇનકિલર આપતા કહ્યું, ‘આ ગોળી ખાઇ લે. દરદ ઓછું થઇ જશે.’ બચુભાઇને ક્યાં ખબર હતી કે મૂઢમારની ઇલાજ છે, પણ દિલ પર લાગેલી ચોટ નાઇલાજ છે.
‘બચુભાઇ, તમારા ધ્યાનમાં કોઇ જગ્યા હોય તો કહેજો.’ અભિએ નીકળતા કહ્યું.
‘અકબર પીઆરને પૂછ. કદાચ એ તારું રહેવાનું ગોઠવી દેશે. હમણાં જ પહોંચી જા.’ બચુભાઇએ એને અકબર પીઆરનું ભાયખલાનું સરનામું લખી આપ્યું. અભિ પગથિયાં ઊતરતા વિચારતો રહ્યો કે બચુભાઇ જેવા કેરેક્ટરને લીધે જ મુંબઈમાં સ્ટ્રગલર્સ ટકી જતા હશે.
ફિલ્મી લોકોનો સૂરજ મોડો ઉગે. અભિએ અકબર પીઆરના ફ્લેટની બેલ મારી. થોડીવારે અકબર પીઆરની વાઇફે દરવાજો ખોલ્યો.
‘અકબરભાઇ હૈ?’ અભિએ પૂ્છ્યું.
‘હાં, સોયે હૈ…આપ કૌન.?’
‘મૈં અભિનય શ્રીવાસ્તવ.’
‘આઇયે.’ જવાબ મળ્યો. અભિ અંદર જઇને બેઠો. થોડીવારે અકબર પીઆર બહાર આવ્યો. અભિને જોઇને એના ચહેરા પર આશ્ર્ચર્યની સાથે ચીડ પણ હતી.
‘શું થયું? આમ અત્યારે? મારે ઘરે.? તને એડ્રેસ કોણે આપ્યું.?’ અકબરે સવાલોની ઝડી વરસાવી.
‘સોરી અકબરભાઇ, મુશ્કેલીમાં આવી ગયો. મારે રાતોરાત રૂમ ખાલી કરવી પડી. તમે મને રહેવાની જગ્યા શોધી આપશો એવી આશાથી આવ્યો છું.. બચુભાઇ પાસેથી તમારું એડ્રેસ લીધું.’
‘બેસ, મને જરા સોચવા દે.’ અકબર પીઆર અંદર ગયો. ‘ચા મુકી દે’ એણે વાઇફને કહ્યું. થોડીવારે અકબર પીઆર બહાર આવ્યો. ચા આવી.
‘હવે બતાવ. શું થયું.’ અકબર પીઆરે પૂછ્યું. અભિએ બચુભાઇને કહેલી વાત દોહરાવી. અકબર પીઆરે એના ચહેરાને ધારી ધારીને જોયો. ચાના ઘૂંટડા સાથે અભિની વાત પણ એના ગળે ઊતરી ગઇ. એણે લેન્ડલાઇનનું ડાયલ ઘુમાવ્યું.
‘સમીરભાઇ, આપકી લોજ મેં કોઇ જગહ હૈ…વો સ્ટ્રગ્લરોંવાલી.?’
‘એક જગહ શાયદ હોગી અકબરભાઇ. ફોન કરતા હું થોડી દેર મેં.’
‘ઠીક હૈ’ અકબર પીઆરે અભિની સામે જોતા ફોન મૂક્યો.
‘કદાચ આજે જ મેળ પડી જશે. અચ્છા એક વાત સમજાવ કે નાટક જોવા આવેલી એ મોહતરમા તારી રૂમમાલકણ હતીને? એનો પતિ સાથે ન આવ્યો.?’
‘એ બહાર ગયો હતો.’ અભિએ લુલો બચાવ કરતા કહ્યું.
‘મહોતરમા સાથેના તારા સંબંધ સારા છે. એ બાઇ તારા બચાવમાં કાંઇ ન બોલી મને નવાઇ લાગે છે.’
‘એ મારા બચાવમાં બોલી, પણ એનું કાંઇ ન ચાલ્યું.’ બરાબર એ જ વખતે ફોનની ઘંટડી અભિના બચાવમાં વાગી. અકબર પીઆર વધુ પૂછપરછ ન કરી શક્યો.
‘હેલ્લો અકબરભાઇ, જગહ મિલ જાયેગી. એક સ્ટ્રગ્લર વાપિસ ઘર જા રહા હૈ. લેકિન ભાડા બઢાયા હૈ….સવા સો રૂપિયા મહિના…એડવાન્સ રેન્ટ….ડોર્મેટરી મેં એક પલંગ ઔર એક છોટા કપાટ મિલેગા. ન્હાને ધોને કા કોમન બાથરૂમ હૈ….બતા દેના ઉનકો.’
‘શુક્રિયા સમીરભાઇ, અભી ક્ધફર્મ કરતા હું.’ ફોન મુકીને એણે કહ્યું:
‘અચ્છા, અગર તારી રહેવાની સગવડ નહીં થઇ તો તું ક્યાં રહીશ.?’ અકબર પીઆરે ચાની સિપ મારી.
‘ફૂટપાથ પર..રેલવે પ્લેટફોર્મ પર, પણ ઘરે પાછો નહીં જાઉં.’ અભિ નહીં એનો આત્મવિશ્ર્વાસ બોલ્યો.
‘રેન્ટ સવા સો રૂપિયા મહિના….એડવાન્સ દેના હૈ.’ અકબર પીઆરે વિચાર્યું કે પહેલાનાં રૂમ માલિકને ભાડું ચુકવી નથી શક્યો….હવે શું થશે.
‘એક ફોન કરું.?’ અભિએ પૂછ્યું..અકબર પીઆરે ઇશારેથી હા પાડી.
અભિએ ફોનનું ચકરડું ઘૂમાવ્યું.
‘હેલો….મૈં અભિ…કૂછ રૂપિયો કી ઝરુરત હૈ અરજન્ટ’ એણે ધીમે અવાજે કહ્યું.
‘મિલ કે બાત કરતા હું.’ એણે ફોન મુકીને અકબર પીઆરને કહ્યું: ‘બપોર સુધીમાં એડવાન્સ રેન્ટ આપી દઇશ…તમે ક્ધફર્મ કરી દો.’
અકબર પીઆરે સમીરભાઇને ફોન લગાડતા વિચાર્યું કે અભિએ આ ઇમરજન્સી કોલ ગઇ કાલે રાતે કેમ નહીં કર્યો હોય.? (ક્રમશ:)