ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ

‘સા’બ, બમ્બઈ મેં અપના પક્કા એડ્રેસ બનાને કે લિયે આયા હું. અબ તો મેરે પાસ સિર્ફ સપનેં હૈ.’

અનિલ રાવલ

સ્વપ્નનગરી મુંબઈ માં હાંફતા પગલાં અને થાકતાં શ્ર્વાસની સાથે કદમ મિલાવવા એક તાજો…નવો….થનગનતો શ્ર્વાસ ઊતરી આવ્યો. માયાવી મહાનગરના વીટી સ્ટેશને હાથમાં એક નાનકડી બેગ લઇને ઊતરેલા યુવાનની આમતેમ ફરતી અચરજભરી આંખ કોઇને શોધતી નહતી…છતાંય કાંઇક ખોજતી હતી. સ્ટેશનમાં સતત થતી ઘોષણા અને લોકોની ચહલપહલથી સર્જાતા કર્કશ અવાજને ઝીલવા એના કાન ટેવાયેલા નહતા…એના ખભાઓએ આટલા બેરહેમ હડસેલા ખમ્યા નહતા. પ્લેટફોર્મને ચીરતો એ ચાલતો રહ્યો….બહાર નીકળતા જ એના રોમેરોમમાં અજીબ સ્ફુર્તિ પ્રસરી ગઇ. મુંબઈની હવાની આ જ તો તાસીર છે. એણે ઊંડો શ્ર્વાસ લઇને ચાલવાનું શરૂ કર્યું…એની કોઇ દિશા નક્કી નહતી, પણ મંજીલ નિશ્ર્ચિત હતી….કદાચ એ મંજિલ દૂર હતી…એ જરા આગળ ગયો કે એના કાને પાન-બીડીવાળાની કેબિને વાગતું ગીત કાને પડ્યું….

‘સાથી ના કોઇ મંજીલ દીયા હૈ ના કોઇ મહેફિલ
ચલા મુઝે લે કે એ દિલ અકેલા કહાં….’

જાણે શાયરે આ ગીતના શબ્દો પોતાના માટે જ લખ્યા હોય એવું વિચારીને જરા હસ્યો.

‘ગઝદર સ્ટ્રીટ કહાં હૈ…બતાયેંગેં?’ એણે કેબિનવાળાને સરનામું લખેલી ચિઠ્ઠી બતાવતા પૂછ્યું.
‘મેટ્રો સે આગે….કાલબાદેવી કે રાસ્તે પર…બાંયે સાઇડ મેં ગઝદર સ્ટ્રીટ હૈ.’
પાનવાળાએ કહ્યું…

‘અગરબત્તીવાલા મેન્શન વહીં પર હૈ.?’ એણે પૂછ્યું.

‘વહાં પૂછ લેના’ પાન પર ચુનો લગાડતા ભૈયાજીએ એની સામું જોયા વિના જ કહ્યું.

ગઝદર સ્ટ્રીટમાં આવેલા અગરબત્તીવાલા મેન્શનના બીજા માળે પહોંચીને એણે સાંકળ ખખડાવી. એક બાઇએ બહાર આવીને મરાઠીમાં પૂછ્યું: ‘કોણ પાહિજે.?’
અજાણી ભાષાના પહેલવહેલા પરિચયથી નાસીપાસ થયા વિના એણે કહ્યું:
‘રમાકાન્તજી..’
‘રમાકાન્ત ગુજર ગયે….દો મહિના હુઆ…યે ખોલી હમને ખરીદ લિયા હૈ….ઉનકી બેટી સે’
‘ઉનકી બેટી કહાં રહેતી હૈ.?’

‘વો તો અમેરિકા સે આઇ ઔર ખોલી બેચ કે ચલી ગઇ વાપસ’
‘મૈં ઉનકા દૂર કા રિશ્તેદાર હું…મૈંને લેટર લિખા થા કી મૈં મુંબઇ આ રહા હું…થોડા દિન આપકે વહાં રહુંગા’
‘બાઇ અંદર ગઇ. એક લેટર લઇને પાછી ફરી. યે લેટર આયા થા.’
એણે લેટર લઇને જોયો…પોતે લખેલો પત્ર હતો…જેનો જવાબ મળ્યો નહતો….છતાં એકલા રહેતા રમાકાન્તને ત્યાં રહેવાની જગ્યા મળી જશે એવી આશાએ એ સીધો પહોંચી ગયો હતો.

‘માફ કરના..તકલીફ કે લિયે.’ કહીને એણે પત્ર ખિસ્સામાં મૂક્યો ને હળવે પગલે અને ભારે હૃદયે નીકળી ગયો. બિલ્ડિંગની નીચે ઊતરતા જ એના હળવા પગલાં મક્ક્મ પગલાંમાં તબદીલ થઇ ગયા હતા અને ભારે હૃદય હળવું થઇ ગયું હતું. ‘જો હોગા વો દેખા જાયેગા.’ એ બોલ્યો. અને ચાલવા માંડ્યો. અચાનક એની સામે દરિયો આવીને ઊભો રહી ગયો…પણ એને ક્યાં ખબર હતી કે જેને દુનિયાભરના સહેલાણીઓ ચોપાટી તરીકે ઓળખે છે…એ આ ચોપાટીનો દરિયો છે. ઉછળતા મોજાં જોઇને એનું મન ઉછળવા લાગ્યું….એને કદાચ આટલો વિશાળ દરિયો અને છ-છ ફૂટ ઉછળતાં મોજાં ક્યારેય જોયા નહતા. એનું મન લલચાયું પગ બોળવાને..એણે બેગ કાંઠે મુકી….શૂઝ ઉતાર્યા…..ને દોડી ગયો દરિયાને ભેટવા દોડતો હોય એમ…ઊભો રહ્યો ક્યાંય સુધી સાથળ સુધીના પાણીમાં. દૂર….નજર પહોંચી ત્યાં સુધી સમંદરને જોતો. અચાનક એને કરન્ટ લાગ્યો હોય એમ ઝડપથી બહાર આવ્યો…..પલળતા બચી ગયેલી એક ચબરખી પેન્ટના ખિસ્સામાંથી કાઢીને વાંચી.


ગ્રાન્ટ રોડ પરના નાઝ થિયેટર કમ્પાઉન્ડના પહેલે માળે ખુલ્લી ઓફિસમાં બેગ મુકતા જ એણે પ્યૂનને પૂછ્યું: ‘ટંડન સા’બ હૈ.?’

‘ટંડન સા’બ લંડન ગયે હૈ…’ પ્યૂને જવાબ આપ્યો ને ફિલ્મમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થાય એમ ટંડને એન્ટ્રી કરી. પ્યૂને સલામ મારી…યુવાનને બાજુ પર કર્યો. ટંડન યુવાન પર અછડતી નજર કરીને અંદર ગયો.
‘યહી હૈ…ટંડન સા’બ…મૈં ઉન્હે જાનતા હું…મુઝે મિલના હૈ.’ એણે રહ્યું.

અરે ભાઇ, ઠહેરો ઝરા.’ ખોટું બોલ્યાની ભોઠપ ચહેરા પર લાવ્યા વિના પ્યૂન અંદર ગયો.
‘મેરી કૂછ પ્રોડ્યુસરો કે સાથ મિટિંગ હૈ….આયેંગે અભી. વો બાહર કૌન હૈ.?’

‘સા’બ કોઇ નહીં….આપકે બારે મેં પૂછા, મૈને કેહ દિયા….ટંડન સાબ લંડન ગયે હૈ.’
પ્યૂને ટંડન અને લંડનના મેળવેલા પ્રાસથી ખુશ થઇ ગયેલા જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અશોક ટંડને કહ્યું: ‘બુલાઓ ઉસે.’
પ્યૂનને આશ્ર્ચર્ય થયું. કોઇને ઘાસ નહીં નાખતા અશોક ટંડને બિઝી હોવા છતાં એને મુલાકાત આપી.

યુવાન અંદર આવતા જ બોલવા લાગ્યો. ‘સા’બ, આપ હમેં પહેચાન ગયે…મૈં અભિનય શ્રીવાસ્તવ…આપ ભોપાલ આયે થે…ચીફ ગેસ્ટ બન કર હમારી રવીન્દ્ર નાટ્ય મંદિર મેં…મુઝે આપકે હાથોં બેસ્ટ એક્ટર કા એવોર્ડ દિયા થા…યે દેખિયે’ કહીને એણે બેગમાંથી ફોટો કાઢીને બતાવ્યો..‘આપકે સાથ મેં મુંબઈ કે બડે રાઇટર ડાયરેક્ટર સત્યદીપ ચૌબે થે….આપ દોનોં ને મંચ પર સે કહા થા કી અભિનય તુમ યહાં ક્યા કર રહે હો…તુમ્હારા કામ બમ્બઇ મેં હૈ.’

અત્યાર સુધીમાં કેટકેટલીયવાર મંચ પરથી આવા શબ્દો બોલનારા અશોક ટંડનને ક્યાં ખબર હતી કે આ માથા ફરેલ નાટ્ય કલાકાર ભોપાલથી મુંબઈ આવી પહોંચશે.

‘અભિનય, ફિલહાલ મેરે પાસ કોઇ ફિલ્મ પ્રોજેક્ટ નહીં હૈ….તુમ અપના નામ એડ્રેસ, ફોન નંબર બહાર રજિસ્ટર મેં લિખ દો.’ ટંડને બેલ વગાડીને પ્યૂનને અભિનયની ડિટેલ નોંધી લેવાની સૂચના આપી.
‘એડ્રેસ… ટેલિફોન નંબર….સા’બ, બમ્બઈ મેં અપના પક્કા એડ્રેસ બનાને કે લિયે આયા હું. અબ તો મેરે પાસ સિર્ફ સપનેં હૈ.’ અભિનયે કહ્યું.
‘કોઇ બાત નહીં મિલતે રહો…નાઝ કમ્પાઉન્ડ મેં આતે રહો.’ ટંડને કહ્યું.

અભિનયના ગયા પછી અશોક ટંડને પ્યૂનને કહ્યું: ‘બચુભાઇ, હું પણ વરસો પહેલા મહેસાણાથી આમ જ અશોક પટેલ તરીકે આવેલો…આજે લોકો મને નિર્માતા-દિગ્દર્શક અશોક ટંડન તરીકે ઓળખે છે.’


અભિનય ટંડને કહેલા શબ્દો વાગોળતો…વિચારતો ચાલતો રહ્યો. રસ્તા પર લગાવેલા ફિલ્મી હીરોના મોટા પોસ્ટરોમાં પોતાની જાતને ફિલ્મસ્ટાર તરીકે જોતા…હરખાતા…સપનામાં રાચતા અભિનયને લાલ સિગ્નલ કે ઝેબ્રાનું ભાન ન રહ્યું ને અચાનક એક ટેક્સીએ એને અડફેડે લીધો. ઝેબ્રા પર પડેલા અભિનયની આસપાસ લોકોનું ટોળું જમા થઇ ગયું. ટેક્સીવાળાએ ઝડપથી બહાર આવીને લોકોના મારથી બચવાના ઉપાય તરીકે કરગરીને કહેવાની શરૂઆત કરી: ‘મેરા કસૂર નહીં થા…ઇસને સિગ્નલ દેખા નહીં…મૈં ઉસે હોસ્પિટલ લે કર જાતા હું.’
લોકોની મદદથી બેભાન અવસ્થામાં પડેલા અભિનયને ટેક્સીમાં બેસાડી દેવાયો. ટેક્સી ડ્રાઇવર ચંદન ગાડી સ્ટાર્ટ કરતા બબડવા લાગ્યો.

અરે… તુઝે મેરી હી ટેક્સી મિલી ટકરાને કે લિયે…અબ ક્યા કરું તેરા…હોસ્પિટલ લે જાઉંગા તો હઝાર સવાલ કરેંગેં….ઘર પર લે કર જાતા હું…હોશ મેં આને કે બાદ…વો જહાં ચાહે વહાં છોડ દુંગા…..ચંદનના વિચારનો ગિયર બદલાયો….ને ટેક્સી સાયન-કોલીવાડાની એક ચાલ પાસે ઊભી રહી. ચંદનનું એક રૂમ રસોડાનું નાનું ઘર આ ચાલીમાં.


‘સીમા, બહુ વાગ્યું હોય એવું લાગતું નથી.’ ચંદને અભિનયના મોં પર પાણી છાંટતા કહ્યું. અભિનય જરા સળવળ્યો. ધીરે ધીરે આંખો ખોલી. સામે બે અજાણી વ્યક્તિઓને જોઇને સફાળો ઊભો થવા ગયો. ચંદને એને ફરી સુવડાવતાએ એક્સિડેન્ટની ઘટના વિશે કહ્યું. અભિનયે ઘરમાં ફરતે નજર કરી. સીમાને જોઇને હાથ જોડ્યા.

‘કહાં સે આયે હો.?’ ચંદને પૂછ્યું.
‘ભોપાલ સે’ અભિનયે કહ્યું.
‘નૌકરી કી તલાશ મેં?’ સીમાએ પૂછ્યું.
‘નહીં….ફિલ્મોં મેં કામ કરને’
ચંદન મોટે મોટેથી હસવા લાગ્યો…એનું અટ્ટ્હાસ્ય મંચ પર અભિનય કરતા કોઇ નાટ્યકલાકારથી કમ નહતું.
‘ભાઇ, તૂ આજ શામ કી ગાડી સે વાપિસ ચલા જા…યહાં તેરે જૈસે રોઝ સેંકડો લોગ આતે હૈ…બરબાદ હો જાતે હૈ….ના યે લોગ યહાં રહ સકતે હૈ, ના વાપિસ જા સકતે હૈ.’ ચંદન હવે ગંભીર બની ગયો હતો. અભિનય ઊભો થયો.

‘મૈં વાપિસ જાને કે લિયે નહીં આયા. મૈં બમ્બઇ કો અપના પક્કા એડ્રેસ બનાઉંગા.’
સીમાએ અભિનયની આંખોમાં છલકતો આત્મવિશ્ર્વાસ જોયો…એણે ચંદનની સામે જોયું.
‘આપણે આને આપણી બાજુની રૂમ ભાડે આપીએ તો મહિને ઇન્કમ થાય.’ સીમાએ કહ્યું.
‘ના, એ રૂમ ભાડે આપવા માટે નથી’ ચંદને કહ્યું.

‘સાવ ખાલી રહે એના કરતા ભાડું ચાલુ થઇ જાયને’ સીમાએ સમજાવવાના ઇરાદે કહ્યું.

ચંદનની ચૂપકિદીને સંમતિ માનીને સીમાએ અભિનયને પૂછ્યું: ‘હમારી એક રૂમ બાજુ મેં હૈ…તૂમ કો ચાહિયે રહેને કે લિયે…ભાડા દે સકતે હો હર મહિને?’
‘હાં, મેરે મામાજી હર મહિને પૈસે ભેજેંગેં’ અભિનયે કહ્યું.

‘ચંદન, મને ખબર છે તારી પાસે બબ્બે ટેક્સીઓ છે….એક તું ભાડે આપે છે અને બીજી આપણી મર્સિડીસ છે કહીને મને એમાં ફેરવે છે….રૂમનું ભાડું મારું’ સીમાએ મીઠું હસીને ચંદન પાસેથી રૂમ ભાડે આપવાની સંમતિ પડાવી લીધી.

‘ચંદન ભૈયા…પબ્લિક બૂથ પે આપકા ફોન હૈ.’ એક છોકરાએ આવીને કહ્યું.
ચલો તુમ્હે તુમ્હારી રૂમ દિખાતા હું.’ એણે અભિનયને કહ્યું. પછી સીમાની સામે જોતા બોલ્યો: ‘સવારથી ભૂખ્યો હશે એટલે બેભાન થઇ ગયો…એને કાંઇક ખાવાનું આપજે.’


દોડતા ટેલિફોન બૂથ પર પહોંચેલા ચંદને ફોન ઊંચક્યો.

ચંદન, એક ખાસ પેસેન્જર રાહ દેખતા હૈ….જલ્દી આ જાઓ.’
ચંદને ફોન મૂક્યો. ટેક્સી જુહુની માછીમાર કોલોનીના છેવાડેના ઝૂંપડે જઇને ઊભી રહી.
‘બોલો બસ્તા શેઠ.’

બસ્તા શેઠ જુહુ, પાર્લા, સાંતાક્રુઝ, ખાર દાંડા સુધીના એરિયાનો ડોન. કાયમ સફેદ બાસ્તા જેવા કપડામાં સજ્જ. સફેદ કપડાં અને શૂઝ પર એકેય ડાઘ જોવા ન મળે. જમીન હડપ કરવા ઉપરાંત સોનાની દાણચોરીનો મુખ્ય ધંધો…એટલે સોનાથી લથબથ કાયા…હરીફ ગુંડા ટોળકી સામેના સામસામેના ગોળીબારમાં એક આંખ ગુમાવી પછી કાચ બેસાડેલી એ આંખની અસલિયત છુપાવવા રાતેય કાળા ચશ્માં પહેરી રાખે.

‘કેટલા ફોન કર્યા તારા એ ટેલિફોન બૂથ પર…..સવારથી ક્યાં હતો.?’ બસ્તા શેઠે કહ્યું.
‘જરા એક કામમાં ફસાઇ ગયેલો’ ચંદને કહ્યું.

‘જો, એક છોકરો બિહારમાં કાંડ કરીને આવ્યો છે…મર્ડર કે એવું કાંઇક. એક રાત તારે તારી રૂમમાં રાખવો પડશે. બીજે દિવસે ગુજરાત રવાનો થઇ જશે.’
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે