બારણું: ખસેડી શકાય તેવી દીવાલ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
એક રીતે જોતાં બારણું એક ખસેડી શકાય તેવી દીવાલ છે. ઓરડાને નિર્ધારિત કરતી સપાટીઓમાં દીવાલ, ફર્શ, તથા છતનો સમાવેશ થાય છે, પણ જો આ ત્રણ અંગ થકી ઓરડાની રચના કરાય તો તે ઓરડાની ઉપયોગિતા સંભવી ન શકે કારણ કે તેમાં પ્રવેશ જ શક્ય ન બને. ઓરડામાં પ્રવેશ માટેની રચના એટલે બારણું. આમ તો આવું બારણું છત તથા ફર્શમાં પણ હોઈ શકે પણ સરળતાના કારણોસર દીવાલમાં તેની રચનાને સહજ સ્વીકૃતિ મળી છે.
દીવાલ થકી ઊભી થતી આડસમાં બારણું એ છૂટછાટ છે. તે આડશ તરીકે પણ રહે છે અને તેનું ખંડન પણ કરે છે. તે જરૂરિયાત પ્રમાણે નિર્ધારિત સમયગાળા માટે આડસમા મોકળાશ આપે છે. બારણું એ દૂર કરી ફરીથી સ્થાપી શકાય તેવી આડાશ છે. દીવાલ થકી ઓરડા કે મકાનનો બહાર તથા અંદરનો ભાગ નિર્ધારિત થાય છે. આ બહાર અંદરના ભેદને મીટાવતી કડી એટલે બારણું, જેના થકી અંદર અને બહાર વચ્ચેનો સંપર્ક સ્થપાય છે.
દીવાલ થકી માલિકી ઊભી થાય છે તો બારણા થકી તે માલિકીનો ભાવ દ્રઢ કરાય છે. બારણું એમ સ્થાપિત કરે છે કે હવે અન્ય કોઈનો માલિકી હક ચાલુ થાય છે. દીવાલમાં એક વાર પ્રવેશ માટે બાકોરું પાડ્યા પછી તેના પુરાણ માટે બનાવાતું બારણું દીવાલની જેમ જ સલામતીનો વિશ્ર્વાસ જગાવી શકે. બારણું કદાચ દીવાલ જેવું મજબૂત ન પણ હોય તો પણ તે મજબૂતાઈનો ખ્યાલ આપે તે જરૂરી છે. દ્રશ્ય સ્વરૂપે બારણું દ્રઢ, સ્થાયી તેમ જ સક્ષમ જણાય તે ઇચ્છનીય છે.
એક રીતે જોતા બારણું બે વિસ્તારને અલગ પણ પાડે છે અને જોડે પણ છે. તે આવકારે પણ છે અને અનિચ્છનીય પ્રવેશને રોકે પણ છે. ક્યાંક તે ગોપનીયતા સ્થાપે છે અને ક્યાંક તેના થકી ગોપનીયતા ઓછી પણ થાય છે. તે દીવાલ પણ છે અને બાકોરું પણ છે. તે સ્થિર પણ છે અને ચલિત પણ છે. તે કુતૂહલ જગાવે છે અને પછી તેને શાંત પણ પાડે છે. બારણામાં એકી સાથે સંભવી શકતો આવો વિરોધાભાસ એની રચનાની સમૃદ્ધિનું મૂળ કારણ છે. બારણા ઘણા પ્રકારના બને છે જેનું કારણ આ અને આવી બધી સંભાવનાઓ છે.
બારણું મજબૂત અને ટકાઉ હોવું જોઈએ, તેની ઉપયોગિતામાં સરળતા હોવી જોઈએ, તેના પર પ્રત્યેક ઉપયોગકર્તાની નજર પડતી હોવાથી તેની દ્રશ્ય અનુભૂતિ સમૃદ્ધ હોવી જોઈએ, અને તેથી જ તેને સુશોભિત કરવામાં આવે છે. બારણા પર લગાવાતાં તોરણ એ આ સુશોભન માટે પણ છે અને પ્રતીકાત્મક પરંપરાગત આવકારની ભાવના માટે પણ. બારણું ક્યારે મકાનના માલિકની પસંદગીનું પ્રતીક બની રહે. તેની કલાત્મકતા સાંપ્રત સમયના સ્થાપત્યના પ્રવાહની રજૂઆત સમાન ગણાય છે. બારણું વ્યક્તિગત પસંદગીની પ્રસ્તુતિ તો છે જ પણ સાથે સાથે તે સમયમાં નીવડેલી પરંપરાગત બાબતોનો સમન્વય પણ છે.
બારણાની રચનામાં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે. પ્રથમ, ચોકઠું કે બારસાખ, જે દીવાલ તથા ફર્શ સાથે જડી દેવાય છે. એ બારણાનો સ્થિર ભાગ છે. જો કે કેટલા પ્રકારનાં બારણામાં આ ચોખઠું નથી હોતું. આ ભાગ સામાન્ય રીતે પથ્થર, લાકડું, લોખંડ, પ્લાસ્ટિક, કોન્ક્રીટ કે અન્ય એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનાવાય છે. પછી બારણાની ઉઘાડ-બંધ થઈ શકે તેવી સપાટી આવે, જે આ ચોકઠાં સાથે યાંત્રિક ઉપકરણોથી જોડાઈ હોય છે. આ ભાગ જ બારણા તરીકે ઓળખાય છે. તે લાકડામાંથી અથવા કાચ, લોખંડ, પ્લાસ્ટિક જેવી સપાટીજન્ય સામગ્રીમાંથી બનાવાય છે. આ સપાટી જાળીદાર પણ હોઈ શકે. બારણાની બનાવટમાં વપરાતું હાર્ડવેર એ ત્રીજો ભાગ છે. આનાથી બારણાની ઉપયોગિતામાં સરળતા તથા સલામતી, એમ બંને સાધી શકાય છે. બારણું જ્યારે મકાનને ફરતી દીવાલમાં બનાવાય ત્યારે તે ઝાંપો, ઝાંપલી કહેવાય. જાળીદાર બારણાને જાળી કહેવાતી હોય છે. કાર્યાલયમાં ક્યારેક અડધિયા બારણા રાખવામાં આવે છે. આ બધાં બારણાનો હેતુ અંદર-બહાર વચ્ચે નો સંપર્ક નિર્ધારિત કરવાનો જ છે.
બારણું મિજાગરા પર લટકતું હોઈ શકે અથવા સરકતું પણ બનાવી શકાય. બારણાને ઉપર નીચે જડવામાં આવેલા ખીલ્લા પર પણ ફેરવી શકાય. બારણું એક તરફ ખૂલતું કે બંને તરફ ખુલે તેવું પણ હોઈ શકે. બારણાની અંદર નાની બારી પણ બનાવી શકાય. બારણું દળદાર હોઈ શકે. તે સંપૂર્ણ અપારદર્શક, અર્ધપારદર્શક કે પારદર્શક પણ બનાવી શકાય. બારણાને એક અલાયદી સ્વતંત્ર રચના તરીકે પણ બનાવી શકાય અને અન્ય બારી – બારણા – દીવાલ સાથે સંયુક્ત રીતે પણ તેની શૈલી નિર્ધારિત કરી શકાય. તે ઉત્સવીય પણ હોઈ શકે અને સાદગીપૂર્ણ પણ. તે અર્વાચીનતા પ્રસ્તુત કરી શકે અને પરંપરાગત શૈલી પણ. તેની રચનામાં ભૌમિતિક આકારો પણ સમાવી શકાય અને ક્યારેક મુક્ત રચનાના સિદ્ધાંતો પ્રમાણે પણ તે બનાવાતું હોય છે. તેને ક્યાંક યાંત્રિક ઉપકરણ તરીકે આલેખવામાં આવે છે તો ક્યાંક તેને શિલ્પમય બનાવાય છે. આ બધી બાબતોની માનવીના મન પર અચૂક અસર પડે છે.
બારણાની બનાવટમાં જરૂરી મજબૂતાઈ, ગોપનીયતા, આવરદા, ઉપયોગિતાનો પ્રકાર, વ્યક્તિગત પસંદગી, પ્રવર્તમાન શૈલી તથા તેની બનાવટની સામગ્રી, અગત્યના બની રહે છે. બારણાનું પ્રમાણમાપ ત્રણ શૈલીમાં વિભાજિત થયેલું છે; આવાસકીય, સંસ્થાકીય અને સ્મારકીય – માનવીના માપ મુજબનું, એકત્રિત થતા માનવ સમુદાયની સંખ્યા મુજબનું, અને પ્રતીકાત્મક વિશાળ માપવાળું. બારણાની બનાવટ જોઈ સ્થાપત્ય શૈલી પણ ક્યારેક ઓળખાતી હોય છે.બારણા બાબતે એક અગત્યની વાત એ છે કે બારણાનું સામાન્ય માપ લોકોના મનમાં જડાઈ ગયું હોવાથી બારણાના માપ થકી મકાનના માપનું અનુમાન કરાતું હોય છે.
બારણું એ માનસિક મુક્તતાની અનુભૂતિ કરાવતી રચના છે અને તેથી જો ઓરડામાં બારણું પ્રમાણમાં નાનું હોય તો તે ઓરડો વધુ બંધિયાર લાગે. ઓરડામાં બારણાના સ્થાનથી આવન-જાવનનો માર્ગ નિર્ધારિત થતો હોવાથી ઓરડાની ઉપયોગિતા પર બારણાની મહત્તમ અસર વર્તાતી હોય છે. એક રીતે જોતાં બારણું એ સામાજિક ઉપકરણ છે જેનાથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે.