બુદ્ધિ ગિરવે ન મુકાય…!
આવી ભૂલની ક્યારેક આકરી કિંમત પણ ચૂકવવી પડે છે
સુખનો પાસવર્ડ – આશુ પટેલ
આપણી લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ એ સાથે પ્રિન્ટ – ઈલેક્ટ્રોનિક ને સોશિયલ મીડિયામાં ઝેર ઓકવાનું શરૂ થઈ ગયું છે.
તમામ રાજકીય પક્ષો કોઈ પણ પ્રકારની મર્યાદા રાખ્યા વિના એકબીજા પર આક્ષેપો કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. જો કે , આપણા દેશમાં આ કોઈ નવીનવાઈની વાત નથી. આપણા રાજકીય નેતાઓ ન બોલવાનું બોલી નાખે કે ગપગોળા ચલાવે, સાવ વાહિયાત વાતો કરે, એકબીજા પર દોષારોપણ કરે એનાથી હવે કોઈને આશ્ર્ચર્ય થતું નથી, પરંતુ દરેક નવી ચૂંટણી વખતે રાજકીય પક્ષો નવા રેકોર્ડ્સ સ્થાપિત કરતા જાય છે અને એમાં આઘાતજનક વાત એ છે કે દેશના બૌદ્ધિકો પણ ભાન ભૂલીને અવિચારી રીતે સરકારની તરફેણમાં કે સરકારની વિરુદ્ધમાં અકલ્પ્ય હદ સુધી પહોંચી જાય છે. એમાંના કેટલાક સરકાર વિરોધી બૌદ્ધિકો તો સરકારનો વિરોધ કરવા માટે દેશની ઘોર ખોદવા સુધી તત્પર બની જાય છે અને સરકાર સમર્થકો પણ વિવેકભાન ભૂલીને મેદાનમાં ઊતરી પડે છે. સાથેસાથે ભારતીય પ્રજા પણ જુદી જુદી દિશામાં વિભાજિત થતી જાય છે. નાગરિકો વિવેકભાન ભૂલીને સોશિયલ મીડિયા પર બેફામ પોસ્ટ્સ મૂકતા થઈ જાય છે અને ચૂંટણીઓ આવે એટલે સરકાર વિરોધીઓ અને સરકાર સમર્થકો સાનભાન ભૂલીને સરકારની વિરુદ્ધમાં અને સરકારની તરફેણમાં લડવા સજ્જ થઈ જાય છે. એમાં ઘણા તો સમાજમાં, દેશમાં ઝેર ઘોળવા માટે તત્પર બની જાય છે તો કેટલાક ઝનૂનપૂર્વક પોતાનાથી વિરુદ્ધ વિચારસરણી ધરાવતી વ્યક્તિઓ સાથે ઝઘડા કરી બેસે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બેફામ ગાળો પણ લખી નાખે છે. કોઈ પણ પ્રજા પોતે સુખી થવું કે દુ:ખી થવું એ નિર્ણય જાતે લઈ શક્તી હોય છે અને અત્યારે આપણા દેશના સંખ્યાબંધ નાગરિકો પોતાનું મગજ ગીરવે મૂક્યું હોય એ રીતે છીછરી માનસિકતાનું પ્રદર્શન કરતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર હમણાં કેટલીક પોસ્ટ્સ જોઈને આઘાત લાગ્યો. સોશિયલ મીડિયાને કારણે લોકોના વ્યક્તિગત સંબંધોમાં તિરાડ પડવા માંડી છે તો ક્યાંક એ તૂટવા લાગ્યા છે. કેટલાક કિસ્સામાં અંગત મિત્રો દુશ્મન બની જાય છે.
હમણાં સરકારતરફી અને (કહેવાતી) સરકારવિરોધી આઈડિયોલોજીને કારણે બે અંગત મિત્રોની દાયકાઓ જૂની દોસ્તીનો અંત આવ્યો.
આ જાણીને સ્વાભાવિક રીતે દુ:ખ થયું. મેં એ બંનેને સમજાવવાની કોશિશ કરી. એક મિત્ર તો માનવા તૈયાર પણ થયો કે સંબંધો આઈડિયોલોજીથી પર હોવા જોઈએ, પણ બીજો મિત્ર જીદે ચડેલો છે કે હું જ સાચો છું અને હું આ લડાઈમાં પાછો હટવાનો નથી.
મેં એને સમજાવ્યો કે આ લડાઈ રાજકીય પક્ષોની છે. તને ગમે એ રાજકીય પક્ષને તું મત આપ. પેલા મિત્ર એને જે રાજકીય પક્ષ ગમતો હોય એને મત આપે. એમાં અંગત સંબંધો પૂર્ણવિરામ મૂકી દેવાની ક્યાં જરૂરત છે? જો કે એના પર મારા શબ્દોની કોઈ અસર થઈ નહીં.
આવા માહોલમાં મને બુદ્ધના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો.
વૈશાલીમાં સુશાસન હતું. એક વાર મગધના રાજાના મનમાં વિચાર જાગ્યો કે વૈશાલી સમૃદ્ધ રાજ્ય છે. એ રાજ્ય જીતીને એના પર આધિપત્ય જમાવવું જોઈએ.
બુદ્ધને કોઈએ કહ્યું કે મગધનો રાજા વૈશાલી પર ચડાઈ કરીને તેને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવા ઈચ્છે છે.
બુદ્ધ ઇચ્છતા હતા કે આવી કોઈ લડાઈ ન થાય. કારણ કે કોઈ પણ લડાઈમાં નિર્દોષ વ્યક્તિઓએ ભોગવવું પડતું હોય છે.
બુદ્ધે મગધના રાજાને સવાલ કર્યો: કે તમે વૈશાલી પર આક્રમણ કરવાનું વિચારી રહ્યા છો?
મગધના રાજાએ કહ્યું: હા, ભગવંત.
બુદ્ધે એને કહ્યું કે મારા થોડા સવાલોના જવાબ આપશો?
જરૂર , ભગવંત…
બુદ્ધે પ્રથમ સવાલ કર્યો: વૈશાલીના લોકો થોડા થોડા સમયના અંતરે એકઠા થઈને ચર્ચાવિચારણાઓ કરે છે ખરા?
મગધના રાજાએ જવાબ આપ્યો: હા, ભગવંત. મેં તપાસ કરાવી છે અને મને ખબર પડી છે કે વૈશાલીના લોકો સમયાંતરે ભેગા થાય છે અને ચર્ચાઓ કરે છે. વૈશાલીને વધુ સમૃદ્ધ બનાવી શકવા શું કરી શકાય એ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરે છે.
બુદ્ધે બીજો સવાલ કર્યો : વૈશાલીના લોકોની સભામાં બધાના મત એકસરખા હોય છે ખરા કે લોકો ભિન્ન મત દર્શાવતા હોય છે?
મગધના રાજે કહ્યું : હા, વૈશાલીના લોકો મળે ત્યારે મતમતાંતરો તો વ્યક્ત થતા રહેતા હોય છે.
બુદ્ધે પૂછ્યું : વૈશાલીના લોકો સભા કરે એ પછી સભા વિખેરાય ત્યારે સભામાં થયેલી ચર્ચાના ફળ સ્વરૂપે એમના મનમાં કડવાશ ઉત્પન્ન થાય છે ખરી કે એ છૂટા પડે ત્યારે પણ એમનામાં સભા અગાઉ હતો એવો જ વિશ્ર્વાસ એકબીજા પર હોય છે?
મગધના રાજાએ કહ્યું : વૈશાલીના લોકો સભા યોજે અને મતમતાંતરો સાથે ઉગ્ર ચર્ચાઓ પણ કરે, પરંતુ સભા વિખેરાય ત્યારે સૌ હસતા હસતા છૂટા પડતા હોય છે. એ લોકો કોઈ ચોક્કસ નિર્ણય પર આવતા હોય છે અને એકવાર એ નિર્ણય લેવાઈ જાય પછી એ નિર્ણય વિરુદ્ધ હોય એવા લોકો પણ વૈશાલીના હિતમાં એ નિર્ણયનું સમર્થન કરતા હોય છે આમ એમનો એકબીજા પ્રત્યેનો વિશ્ર્વાસ અકબંધ રહે છે.
બુદ્ધે આગળ પૂછ્યું : વૈશાલીના લોકો કાયદા અને કાનૂનનો પોતાને ગમે એવો અર્થ કરીને વૈશાલીના કાયદાઓનો, કાનૂનનો ભંગ કરતા હોય છે ખરા?
મગધના રાજાના કપાળ પર કરચલીઓ ઊપસી આવી : નહીં, ભગવંત. વૈશાલીમાં એવું તો કોઈ કરતું નથી.
બુદ્ધે કહ્યું : તો પછી તમે વૈશાલી પર ચડાઈ કરવાનું આક્રમણ કરવાનું માંડી વાળો, કારણ કે તમે વૈશાલી કોઈ કાળે જીતી નહીં શકો.
આ કિસ્સો કદાચ રમણલાલ સોનીના કોઈ પુસ્તકમાં વાંચ્યો હતો. સોશિયલ મીડિયા પર પાગલની જેમ નફરત ફેલાવતી મંદબુદ્ધિની વ્યક્તિઓથી માંડીને દૃષ્ટ વ્યકિતઓ સુધીની વ્યક્તિઓને નિત્ય પ્રાત:કાળે આવા કિસ્સાઓનું સાત વખત પઠન કરવાની ફરજ પાડવી જોઈએ.
રાજકીય પક્ષો તો સત્તા મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે, પરંતુ આપણે નીરક્ષીર છૂટા પાડીને જોવાનું શીખવું જોઈએ અને બુદ્ધિ ગિરવે મૂકવાની ભૂલ તો ન જ કરવી જોઈએ…