ઉત્સવ

હિંસાથી અતીતનો ન્યાય ન થાય: ભવિષ્ય વધુ હિંસક બને

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

માનવ ઇતિહાસ સંસ્કૃતિઓનો ઇતિહાસ છે. સંસ્કૃતિઓનાં ચશ્માંમાંથી માણસ તેના વિકાસનું વિશ્ર્લેષણ કરે છે અને તેની આઇડેન્ટિટીની ભાવનાને સંસ્કૃતિના માધ્યમથી નક્કી કરે છે. માણસો સંસ્કૃતિઓ બનાવે છે અને સંસ્કૃતિઓ વળતામાં માણસને આકાર આપે છે. બીજી રીતે કહીએ તો, સંસ્કૃતિઓ માણસના “હું નો જ વિસ્તાર હોય છે અને માણસો સૌથી અહંકારી જીવ હોવાથી સંસ્કૃતિનું “કામ તે અહંનું રક્ષણ કરવાનું હોય છે. માણસ પણ સંસ્કૃતિના જતન માટે જીવ આપવા તૈયાર હોય છે.

એટલા માટે દરેક સંસ્કૃતિને એવું લાગે છે કે દુનિયા તેની આસપાસ ફરે છે અને તે પોતાનો એવો ઇતિહાસ લખવા પ્રયાસ કરે છે, જે બીજા લોકોની સંસ્કૃતિઓ માટે “અનુકરણીય હોય (હાવી થાય તેવી, તેવું વાંચો). જેમ એક માણસ પોતાને બીજા માણસ કરતાં ઊતરતો હોવાનું સ્વીકારતો નથી, તેવી જ રીતે એક સંસ્કૃતિ પણ પોતાને માનવ ઇતિહાસના હાંસિયામાં જોવા તૈયાર નથી હોતી. આ કારણથી સંસ્કૃતિઓ વચ્ચેના તમામ સંબંધો કમજોર અને અસુરક્ષિત હોય છે. માણસ ભલે સભ્ય સમાજોમાં રહેતો થયો હોય, મૂળભૂત રીતે તે હજુય કબીલાઈ વૃત્તિવાળો છે. એટલે, દુનિયામાં જે ઝઘડા છે તે સંસ્કૃતિઓના નહિ, કબીલાઓના છે. એમાં જ તેનું પતન થવાનું છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષની પાછળ જે પણ સ્થાનિક ભૌગોલિક, રાજકીય, ધાર્મિક કારણો હોય, તેની સમસ્યાના પાયામાં મૂળભૂત માનવીય સમસ્યા છે, જે ઈતિહાસની શરૂઆતથી ચાલતી આવી છે.

જંગલની સંસ્કૃતિમાં શિકારી અને શિકાર, એમ બે વર્ગ હતા. એમાં એક વર્ગ પાસે અક્કલ આવી એટલે તેણે ખાવા-પીવા માટેની ઝૂંટાઝૂંટમાં નિયમો અને પરંપરાની સંસ્કૃતિ પેદા કરી. એમાંથી આક્રમક અને આક્રાંત, રાજા અને રૈયત, દમનકર્તા અને દલિત, સાહેબ અને સેવક, અમીર અને ગરીબીનો વર્ગ પેદા થયો.

જંગલની ઇલાકાઇ અને કબીલાઇ માનસિકતા, સભ્ય સમાજની રચના સાથે વધુ રંગ લાવી છે, કારણ કે અગાઉ માણસ પાસે માત્ર શરીરની જ તાકાત હતી, પરંતુ હવે એની પાસે બુદ્ધિશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનશક્તિ પણ છે. બુદ્ધિના આધારે દમન કરવામાંથી જ વારસો, સામાજિક વ્યવસ્થા, અથવા ઊંચ-નીચની વ્યવસ્થા આવી. આ વ્યવસ્થામાં ધર્મની અનુમતિ જોડાઇ એટલે અન્યાય અને અસમાનતાના આખા ખેલને સામાજિક અધિકૃતતા પણ મળી ગઇ.

બીજી વ્યક્તિ અથવા બીજા સમુદાય પર હાવી થવું, એને જુદો ગણવો, એ માણસની (જંગલી) વૃત્તિમાં એટલું વણાયેલું છે કે સમાનતાના ઉચ્ચ આદર્શ છતાં માણસો અસમાનતા અને અન્યાયી વ્યવસ્થાની રચના જ કરતા રહ્યા છે.

જે. કૃષ્ણમૂર્તિ પરંપરાગત રૂપમાં આધ્યાત્મિક પુરુષ નહોતા. તે બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન દુનિયાભરમાં વ્યાપક પ્રવાસ કરીને લોકોને માણસની મનોવિજ્ઞાનિક પરિસ્થિતિ પ્રત્યે જાગૃત કરતા હતા. ઉપરની વાત તેમણે સામાજિક અને મનોવૈજ્ઞાનિક અર્થમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયામાં જેટલા પણ સંઘર્ષો, અન્યાય, અત્યાચારો છે અને માણસના જેટલા પણ માનસિક સંતાપ છે તે તેની કશુંક બનવાની મહત્ત્વકાંક્ષાઓનું પરિણામ છે. માણસને ‘કશુંક બનવું’ હોય છે, સામાજિક રીતે અને માનસિક રીતે. આપણે ‘જે છીએ’ તેનાથી સંતુષ્ટ નથી. આપણી આખી સંસ્કૃતિ મહત્ત્વકાંક્ષા અને સ્પર્ધા પર આધારીત છે. એમાં જીતવા માટે આપણે એ બધું જ કરીએ છીએ જે આપણને ક્રૂર અને વિધ્વંસક બનાવી દે છે.

જ્યારે દરેક વ્યક્તિ કઇંક બનવા મથતી હોય ત્યારે તેમની વચ્ચે સંઘર્ષ, હરીફાઈ, ધક્કામુક્કી, એક બીજાને પાડી દેવાનું વાતાવરણ સર્જાય. પરીક્ષામાં ચોરી કરવી કે બીજા દેશ સામે યુદ્ધ કરવું એ આ સ્પર્ધાત્મક વૃત્તિનું જ પરિણામ છે. એટલે જ ધર્મ તેનું તાકાતવર હથિયાર છે. કારણ કે ધર્મમાં માણસોને આસાનીથી સંગઠિત કરી શકાય છે.

ધર્મના નામે હત્યા થઈ શકે છે એટલા માટે જ લોકોને જીવન કરતાં ધર્મ વધુ મહત્ત્વનો લાગે છે. આ વાતને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવી પડે. માણસ અકલ્પનિય રીતે દુષ્ટ બની શકવાની ક્ષમતા ધરાવે છે. ધર્મ તે ક્ષમતાને ઔચિત્ય બક્ષે છે. નાસ્તિક જેટલી આસાનીથી હિંસા ન કરી શકે, તેટલી આસાની અને ગૌરવથી ધાર્મિક માણસ હિંસા કરી શકે.
હિંસા અનૈતિક અને ગેરકાનૂની બન્ને છે, પણ તેને જો ધાર્મિકતાનો રંગ આપી દેવામાં આવે, તો તે જાયજ બની જાય છે. એટલા માટે, ધર્મના અનુયાયીઓ સામાજિક-રાજકીય સત્તા માટે હિંસાના ઉપયોગમાં ધાર્મિક ઔચિત્યનો સહારો લે છે.

ધર્મનો જન્મ પ્રાચીન કબીલાઈ સમાજમાંથી થયો છે. તે સહેતુક “અમે અને “તમે વચ્ચે વિભાજન કરે છે, અને લોકોને “બીજાથી ડરવા તેમ જ તેમનાથી અવિશ્ર્વાસ કરવા પ્રેરે છે. એ લોકોની વિવેકશક્તિને ખારીજ કરે છે અને લાગણીઓ તેમ જ આદિમ વૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે. વિવેકશક્તિ વૃત્તિઓ પર નિયંત્રણ મૂકે છે. ધર્મ તેને અનુમોદન આપે છે.

સ્વાભાવિક રીતે જ, માણસ ઉત્સાહપૂર્વક ધર્મના નામે હિંસા કરે છે, કારણ કે તેનાથી તેને સારું લાગે છે અને સમાજ તેને પૂજે પણ છે.

પરંતુ હિંસા ક્યારેય અતીતને સુધારતી નથી. હિંસા માત્ર ભવિષ્યને વધુ હિંસા માટે સજજ કરે છે. એનું સરળ કારણ એ છે કે માનવ સ્વભાવ મૂળભૂત રીતે હિંસક છે. એટલે જ આપણે હિંસાને દૂર કરી શક્યા નથી. માત્ર કાબૂમાં જ રાખી શકીએ છીએ.
હિંસાની સૌથી મોટી કમજોરી એ છે કે તે જે ચીજનો નાશ કરવા માગે છે, તેને જ તાકાત બક્ષે છે. તે દુષ્ટતાને ખતમ નથી કરતી, દુષ્ટતાને ઔર ભડકાવે છે.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે મહાત્મા ગાંધીના શબ્દો “આંખના સાટે આંખ આખી દુનિયાને આંધળી કરશેનો પડઘો પાડતાં કહ્યું હતું કે, હિંસાથી તમે જૂઠ બોલનારાને તો મારી શકો છો, પણ ન તો જૂઠને મારી શકો છો ન તો સત્યને સ્થાપી શકો છો. હિંસાથી તમે નફરતી વ્યક્તિની હત્યા કરી શકો છો, નફરતની નહીં. બલ્કે, તમે નફરતમાં ઉમેરો કરો છો.

હિંસાનો જવાબ હિંસાથી આપો તો હિંસા બેવડાય છે. હિંસા તારાઓ વગરના આકાશમાં વધુ અંધારું ફેલાવે છે. અંધારું અંધારાને દૂર ના કરે, માત્ર પ્રકાશ જ અંધારું દૂર કરે. નફરત સાથે લડવાનું આસાન છે, કારણ કે એમાં બંને પક્ષ ઉત્તરોત્તર મજબૂત થાય છે. પ્રેમ સાથે લડવાનું અસંભવ છે.

માણસ એની હિંસક સંસ્કૃતિનો વારસદાર છે. દ્વિતીય મહાયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોએ ભેગા મળીને હિટલરનો ખાતમો કર્યો ત્યારે એવી આશા હતી કે સંસારમાં હવે શાંતિનો સૂરજ ઊગશે. આજે ૫૦ વર્ષ પછી દુનિયા આતંકના યુદ્ધ સામે ઝઝૂમી રહી છે. તમામ વિકાસ પછી પણ મરવાની અને મારવાની માણસની વૃત્તિમાં કોઇ ફરક આવ્યો નથી.

ગુફામાં બેસીને ગધેડાના હાડકાંને અણી કાઢનારોએ માણસ આજે વ્હાઇટ હાઉસમાં બેઠો છે, અફઘાનિસ્તાનમાં બેઠો છે, ઇઝરાયલ-પેલેસ્ટાઇનમાં બેઠો છે કે ઉત્તર કોરિયામાં બેઠો છે.

મંચ પર ચઢીને આપણે એક બાજુ શાંતિ અને પ્રેમની વાતો કરીએ છીએ અને બીજી તરફ સેક્ધડોમાં સંહાર કરે તેવાં સાધનો ય બનાવીએ છીએ. આ ગડબડ નથી? ૧૯૮૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૪૦મી વર્ષગાંઠ પર જે. કૃષ્ણમૂર્તિને વિશ્ર્વશાંતિની ચર્ચા કરવા બોલાવાયા હતા. તેમણે ત્યારે કહ્યું હતું કે, વિકાસની લાંબી યાત્રામાં માણસનું મસ્તિક યુદ્ધ, હિંસા, સંઘર્ષ અને નફરત માટે સંસ્કારિત થઇ ગયું છે. માણસ એમાંથી મુક્ત થશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button