કોઈની ટીકાથી હતાશ ન થાવ પોતાની જાત પર વિશ્ર્વાસ રાખો…
દરેક પ્રતિભાશાળી વ્યક્તિએ જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડે, પણ સંઘર્ષથી થાકી-હારી ન જનારી વ્યક્તિ જ આખરે ઇતિહાસ રચતી હોય છે
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
થોડા સમય અગાઉ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે સંઘર્ષ કરતી એક પ્રતિભાશાળી યુવતી મને મળી. એણે હૈયાવરાળ ઠાલવી કે ફલાણા ફિલ્મમેકરે મને તક આપવાની ના પાડી અને પછી એમણે કેટલીક વ્યક્તિને એવું કહ્યું કે ‘એ છોકરીમાં એવી કોઈ ટેલન્ટ નથી કે એ સફળ થઈ શકે.’
એ યુવતીએ વ્યથા ઠાલવતાં ઉમેર્યું : એમણે મને તક આપવાની ના પાડી એનાથી હું થોડી નિરાશ થઈ હતી, પણ મને વધુ આઘાત એ વાતનો લાગ્યો છે કે એમણે મારા વિષે આવી વાતો કરી! હું આટલાં વર્ષોથી આ ક્ષેત્રે આગળ વધવા માટે કોશિશ કરી રહી છું, પણ મને તક મળી રહી નથી ને ઉપરથી આવા અનુભવો થાય છે એટલે ક્યારેક તો મને જીવન ટૂંકાવી નાખવાનો વિચાર આવી જાય છે.
મેં એને કહ્યું: ‘આત્મહત્યાનો વિચાર પણ ન કરવો જોઈએ. તારે હિંમત હાર્યા વિના કોશિશ ચાલુ રાખવી જોઈએ.’
એને સમજાવવા મેં થોડા કિસ્સા કહ્યા એમાંનો એક અહીં વાચકમિત્રો સાથે પણ શેર કરું છું…
એક જાણીતા નાટ્યકાર અને સંગીતકાર હૃદયરોગને કારણે અકાળે મૃત્યુ પામ્યા એમના કુટુંબ પર આર્થિક આફત આવી પડી. એમનાં પાંચ સંતાન નાનાં-નાનાં હતાં. એમાં સૌથી મોટી દીકરી માત્ર ૧૩ વર્ષની હતી. પેલા નાટ્યકાર-સંગીતકાર મૃત્યુ પામ્યા એ સાથે એમના બધા મિત્રો ગાયબ થઈ ગયા. એ વખતે તે નાટ્યકાર – સંગીતકારના માત્ર એક મિત્ર એમના કુટુંબની મદદ માટે આગળ આવ્યા. એમણે પોતાના સ્વર્ગસ્થ મિત્રની તેર વર્ષની દીકરીને મરાઠી ફિલ્મોમાં ગાવાની તક મળે અને એ રીતે તેની આવક ઊભી થાય એ માટે પ્રયાસો શરૂ કર્યા. મિત્રની દીકરીને એક મરાઠી ફિલ્મમાં ગીત ગાવાની તક અપાવી. એ ફિલ્મ બનીને રિલીઝ પણ થઈ ગઈ,પણ એમાંથી પેલી છોકરીએ ગાયેલું ગીત કાઢી નખાયું હતું! એને કારણે તે છોકરી હતાશ થઈ ગઈ,પણ એના પિતાના મિત્રએ સધિયારો આપ્યો અને થોડા સમયમાં પોતાની મરાઠી ફિલ્મ શરૂ કરી. એ ફિલ્મ ‘પહિલી મંગલાગોર’માં પેલી છોકરીને ગાયનની સાથે અભિનયની પણ તક આપી. એ પછી એ ફિલ્મસર્જકની કંપનીએ સ્થળાંતર કરીને મુંબઈ આવવાનું પસંદ કર્યું એ વખતે એ ફિલ્મસર્જકે પોતાના અકાળે મૃત્યુ પામેલા મિત્રની દીકરીને કુટુંબ સહિત મુંબઈ આવી જવાનું આમંત્રણ આપ્યું. મુંબઈ આવ્યા પછી એ ફિલ્મસર્જકે મિત્રની દીકરીને ગીત-સંગીતની વધુ સઘન તાલીમ અપાવી. એ સાથે એની બહેનોને પણ ગીત-સંગીત શીખવાની વ્યવસ્થા ગોઠવી આપી. એ બંને બહેનને એમણે પોતાની પહેલી હિન્દી ફિલ્મ‘બડી મા’માં પણ અભિનય અને ગાવાની તક આપી. જો કે એ ફિલ્મ પછી ત્રણ વર્ષમાં જ એ ફિલ્મસર્જક મૃત્યુ પામ્યા અને ફરી વાર તે છોકરી અનાથ બની ગઈ. એ વખતે તેની ઉંમર હતી માત્ર ૧૯ વર્ષની.
એ સમયમાં સંગીતકાર ગુલામહૈદરે એ છોકરીનો હાથ પકડયો અને ત્યારના વિખ્યાત ફિલ્મસર્જક શશધર મુખરજીને કહ્યું કે ‘આ છોકરીને ગાવાની તક આપવી જોઈએ.’
શશધરજીએ કહ્યું કે ‘આ છોકરીના અવાજમાં દમ નથી. એને તક ન આપી શકાય.’ જો કે ગુલામ હૈદરે બીજી ફિલ્મમાં પેલી છોકરીને ગાયનની તક અપાવી અને એ છોકરી આગળ જતાં અત્યંત સફળ ગાયિકા બની ગઈ.
આ વાત છે, જાદુઈ કંઠ થકી પોતાનું
નામ અમર કરી ગયેલાં ગાયિકા લતા મંગેશકરની!
એ કિસ્સો કહ્યા પછી મેં પેલી યુવતીને સમજાવતાં કહ્યું: દરેક પ્રતિભાશાળી વ્યક્તિએ જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડતો હોય છે. માધુરી દીક્ષિતને દૂરદર્શનની એક સિરિયલ માટે એટલા માટે રિજેક્ટ કરી દેવામાં આવી હતી કે કેટલાક બેવકૂફ અધિકારીઓને એવું લાગ્યું હતું કે માધુરીના ચહેરામાં એવી વાત નથી કે તે અભિનેત્રી બની શકે! માધુરી દીક્ષિતને બેન્જામીન ગિલાની સામે લીડ રોલમાં લઈને ‘બમ્બઈ મેરી જાન’ સિરિયલનો પાઇલટ એપિસોડ બનાવીને દૂરદર્શનને આપ્યો હતો, પણ એ વખતના અધિકારીઓએ એ એપિસોડ રિજેક્ટ કર્યો હતો. અને થોડાં વર્ષો પછી માધુરી દીક્ષિત ભારતની નંબર- વન હીરોઈન બનીને પોતાની અભિનય પ્રતિભા દર્શાવી દીધી. એ જ રીતે લેખિકા જે. કે. રોલિંગ્સે હેરી પોટર સિરિઝનું પ્રથમ પુસ્તક લખ્યું એ પછી ઘણા સમય સુધી કોઈ પણ પ્રકાશક એ પુસ્તક પ્રકાશિત કરવા માટે તૈયાર થયો નહોતો,પણ રોલિંગ્સને પોતાના લેખન પર ભરોસો હતો. ઘણી કોશિશ કર્યા પછી હેરી પોટર સિરિઝનું પ્રથમ પુસ્તક છપાયું અને એ પછી પાંચ જ વર્ષમાં જે.કે. રોલિંગ્સ દુનિયાના પ્રથમ બિલ્યનેર રાઇટર બન્યાં! ૨૦૦૪માં ડૉલરના મૂલ્ય પ્રમાણે એક બિલ્યન એટલે આશરે ચાર હજાર કરોડ રૂપિયા!
આવી જ રીતે અમિતાભ બચ્ચનને રેડિયો એનાઉન્સર તરીકે એટલા માટે રિજેક્ટ થવાનો વારો આવ્યો હતો કે અમીન સયાની સહિતની વ્યક્તિઓને એમનો અવાજ બરાબર લાગ્યો નહોતો! ’
કોઈ પણ પ્રતિભાશાળી વ્યક્તિએ કોઈની ટીકાટિપ્પણીથી હતાશ થઈ જવાને બદલે પોતાની જાત પર વિશ્ર્વાસ રાખવો જોઈએ. એ દરમિયાન સંઘર્ષ કરવો પડે ત્યારે એનાથી થાકી-હારી ગયા વિના આગળ વધતી રહેતી પ્રતિભાશાળી વ્યક્તિઓ ઇતિહાસ રચી જતી હોય છે.