ઉત્સવ

ડેન્જરસ ડેરિવેટિવ્ઝથી સાવચેત નહીં રહો તો ખોટના ડંડા પડશે

ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા

સેબી અને એનએસઈ આ વિષયમાં શું કહે છે?

ડેરિવેટિવ્ઝ માર્કેટ જોખમી છે, ડેન્જરસ છે, આ સાધનો ફાઈનાન્સિયલ માર્કેટ માટે વિનાશક શસ્ત્રો ગણાય છે. તેમ છતાં આ જ માર્કેટ સૌથી વધુ ટર્નઓવર ધરાવે છે. ખુદ એકસચેંજ અને નિયમન સંસ્થાને આની ચિંતા છે. તેઓ પણ રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપે છે. આમ શા માટે? સમજવું જોઈએ. જો તમે નાના-નવા રોકાણકારો હો તો ખાસ સમજવું જોઈએ. જો ડેરિવેટિવ્ઝ ન સમજાતું હોય તો તેનાથી દૂર રહેવામાં શાણપણ છે. તેને બદલે ઈક્વિટી માર્કેટ પર લાંબા ગાળાનું રોકાણ પ્લાન કરવું જોઈએ. જોકે ડેરિવેટિવ્ઝ ખરાબ છે યા અર્થહિન છે એવી ગેરસમજ કરવી નહીં. માર્કેટમાં ડેરિવેટિવ્ઝનું જુદું મહત્ત્વ છે. વિદેશોમાં પણ ફયુચર્સ-ઓપ્શન્સની વિશાળ માર્કેટ છે. જોખમના નિયમન માટે-હેજિંગ માટે તેનો ઉપયોગ થઈ શકે છે. મોટા ખેલાડીઓ તેનો વધુ ઉપયોગ કરે છે. બાય ધ વે, હાલ તો આપણે વર્તમાન વિષયને નાના રોકાણકારો સામે જોખમના સંદર્ભમાં આની ચર્ચા કરીએ.

મૂડીબજારમાં-શૅરબજારમાં તાજેતરમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ ચર્ચાનો વિષય બન્યું છે. ખાસ કરીને તેમાં સતત વધતા જતા ટર્નઓવરને કારણે અને તેમાં નાના રોકાણકારો-ટ્રેડર્સના સક્રિયપણાને કારણે. આમાં પણ વિશેષ કરીને ઓપ્શન્સ ટ્રેડિંગ વધુ ધ્યાનમાં ખેંચે છે, કેમ કે આમાં નાના ઈન્વેસ્ટર્સ-ટ્રેડર્સ વધુ એક્ટિવ રહે છે અને તેમાં સૌથી વધુ નાણાં ગુમાવે પણ છે. હા, દસમાંથી નવ જણાં ગુમાવે છે, તેમ છતાં આ સટ્ટાની આદત-રોગ કે લાલચ છૂટતી નથી. આ વિષયમાં નિયમન સંસ્થા તરીકે રહી-રહીને પણ સેબીએ સૌને ચેતવણી આપી છે. બ્રોકરોને વિશેષ સૂચના આપી છે. એનએસઈ ખુદ રોકાણકારોને આ વિષયમાં સાવચેત અને દૂર રહેવાની સલાહ આપે છે, અનુરોધ કરે છે, પરંતુ લોભને થોભ હોતો નથી. સટ્ટાની લત છૂટવી કઠિન હોય છે, જેમાં હાલ તો માર્કેટ કસિનો તરીકે બદનામ થઈ રહ્યું છે, જયારે કે રોકાણકારોએ શૅરબજારમાં ઈક્વિટી રોકાણ મારફત શિસ્તબદ્ધ રોકાણ કરીને સંપત્તિસર્જન કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

એનએસઈના ચીફ શું કહે છે?

શૅરબજારમાં નવા પ્રવેશનારા નાના રોકાણકારોએ લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ડેરિવેટિવ્ઝ (ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ) માર્કેટમાં પ્રવેશવાનું ટાળવું જોઈએ. આ માર્કેટનું યોગ્ય જ્ઞાન ન હોય તો તેનાથી દૂર જ રહેવું જોઈએ, એવું વિધાન તાજેતરમાં નેશનલ સ્ટોક એકસચેંજના મેનેજિંગ ડિરેકટર આશિષ કુમાર ચૌહાણે જાહેરમાં કર્યું હતું. નોંધનીય વાત એ છે કે જે એકસચેંજ પર ડેરિવેટિવ્ઝનું સૌથી ઊંચું (સંભવત વિશ્ર્વમાં પણ) ટ્રેડિંગ વોલ્યુમ થાય છે તે એકસચેંજના સીઈઓ-એમડી ખુદ રોકાણકારોને આ સલાહ આપી રહ્યાં છે તો તેનો ચોકકસ અર્થ સમજવો જોઈએ.

સેબીનો અહેવાલ શું કહે છે?

કેપિટલ માર્કેટનું નિયમનકાર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કેવો અને કેટલો સટ્ટો થાય છે તેનો અહેવાલ તાજેતરમાં બહાર પાડી સૌને ચેતવ્યા છે. સેબીના રિપોર્ટ મુજબ ભારતીય ડેરિવેટિવ્ઝ માર્કેટ (ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ) માં ૨૦૨૨માં ૮૯ ટકા ટ્રેડર્સે ખોટ નોંધાવી હતી, એવરેજ ખોટ ૧.૧ લાખ હતી. જયારે ૧૧ ટકા ટ્રેડર્સે નફો કર્યો હતો. જેની સરેરાશ ૧.૫૦ લાખ હતી. આમાંથી પણ માત્ર એક ટકો ટ્રેડર્સનો નફો ૫૧ ટકા હતો. માર્કેટમાં ઈક્વિટી કરતા ડેરિવેટિવ્ઝ માર્કેટનું વોલ્યુમ અનેકગણું ઊંચું રહે છે, જેનો અર્થ એ જ થાય કે સ્પેકયુલેશન પ્રવૃત્તિ અથવા સટ્ટાનો અતિરેક વધુ ચાલી રહ્યો છે. જેમાં મહત્તમ લોકો હોમાઈ કે ફસાઈ રહ્યા છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ વરસોથી ડેરિવેટિવ્ઝ-ફયુચર્સ-ઓપ્શન્સને વિનાશક ફાઈનાન્સિયલ શસ્ત્રો કહેતા આવ્યા છે, જે વધુ એકવાર સાબિત થઈ રહ્યું છે અને આજે પણ વિચારપ્રેરક છે. તેમ છતાં કરુણતા એ છે કે નાના રોકાણકારો પણ રાતોરાત અને ઊંચી કમાણી કરવાના પ્રલોભનમાં આ માર્ગે ફંટાય છે અને ફસાય છે. આમ તો સેબીએ નાના રોકાણકારો ડેરિવેટિવ્ઝથી દૂર રહે એ માટે તેમાં સોદા કરવાની રકમ મર્યાદા ઊંચી રાખી છે, તેમ છતાં ઓપ્શન્સમાં માત્ર પ્રીમિયમ ભરવાથી કામ થતું હોય છે લોકો એ માર્ગે વધુ જાય છે. આમાં કમાણી ઊંચી થવાની શકયતા હોય અને લોસ મર્યાદિત થઈ શકે, તેથી લોકોને તેનું વધુ આકર્ષણ રહે છે.

ઓપ્શન્સનું આકર્ષણ વિશેષ શા માટે?

ખાસ કરીને ઓપ્શન્સ માર્કેટમાં રોકાણકારો વધુ ખેંચાય છે, કારણ કે ત્યાં પ્રીમિયમ ભરીને સોદા થઈ શકતા હોય છે, જે રકમ મર્યાદિત અને તુલનાત્મક રીતે નાની હોય છે, જેમાં જોખમ પણ તે રકમ પૂરતું મર્યાદિત હોય છે. જયારે કે ફયુચર્સ માર્કેટ તો વધુ જોખમી ગણાય. આશિષ ચૌહાણ કહે છે, ખરેખર તો નાના રોકાણકારોએ ઈક્વિટી સેગમેન્ટ પર ધ્યાન આપવામાં વધુ સાર છે અને તે પણ લાંબાગાળા માટે.
ઓપ્શન્સ માર્કેટમાં ટર્નઓવર બહુ મોટું દેખાય છે, જે નોશનલ ધોરણે લાગે, કિંતુ પ્રીમિયમની ગણતરી જ મુખ્ય કહેવાય. દાખલા તરીકે નિફટી અને બૅંક નિફટીમાં ઈન્ડેકસ ઓપ્શન્સ ટર્નઓવર આ વરસે અત્યારસુધીમાં રૂ. ૪૨,૯૭૭ લાખ કરોડ નોંધાયું છે, જેમાં ઓપ્શન્સના પ્રીમિયમનું ટર્નઓવર ધ્યાનમાં લેવાય તો માત્ર રૂ. ૭૯.૨૪ લાખ કરોડ જેટલું છે.

એનએસઈના આંકડા શું કહે છે?

એનએસઈનો દાવો છે કે ઓપ્શન્સ માર્કેટમાં છેલ્લા ત્રણ વરસમાં રોકાણકારોની-ટ્રેડર્સની સંખ્યા સમાન જ રહી છે, બહુ વધી નથી, જોકે ટર્નઓવરને કારણે આ વધુ આંખે ચઢે છે. જેઓ ઓપ્શન્સ ટ્રેડિંગ કરે છે તેમાં પણ મોટાભાગે નાના રોકાણકારો નહીં, બલકે ટ્રેડર્સ વર્ગ છે, આ વર્ગ ડે ટ્રેડર્સનો છે અને તેઓ આમાં નિપુણ પણ છે. બીજીબાજુ સેબીએ તાજેતરમાં બહાર પાડેલી સૂચના કહે છે કે બ્રોકરોએ ગ્રાહકોને ડેરિવેટિવ્ઝના સોદાની કોન્ટ્રેકટ નોટસ આપતી વખતે તેમાં રિટેલ રોકાણકારો માટે ડિસ્કલેમર-ચેતવણી મૂકવી જોઈએ કે ડેરિવેટિવ્ઝ તેમની માટે જોખમી છે, જેમાં દસમાંથી નવ ટ્રેડર્સ-રોકાણકાર નાણાં ગુમાવે છે. બીજીબાજુ એનએસઈનું કહેવું છે કે આજના સમયમાં રોકાણકારો કયારે ટ્રેડર બની જાય છે એ કળવું કઠિન હોય છે, તેમની કેટેગરી પાડવી મુશ્કેલ છે. આ ઉપરાંત આ વર્ગ એકસપર્ટ પણ હોય છે.

બાકી તમારી મરજી…

બાય ધ વે, અત્યારે તો હકીકત એ છે કે નાના રોકાણકાર ગણો કે ટ્રેડર્સ ગણો, તેઓ ડેરિવેટિવ્ઝના નાદે લાગી મોટાભાગના નાણાં ખોઈ રહ્યા છે, તેમ જ માર્કેટમાં સટ્ટાકીય કલ્ચર વધુ વિકસે છે. તેમ જ માર્કેટ પણ બદનામ થાય છે. લોસ કરનારા માર્કેટને દોષ આપે છે, જેમણે પોતે જ મોટી અને ઝટપટ કમાવાની લાલચમાં આ સટ્ટો કર્યો હોય છે યા કરતા રહે છે. જો તમે આ ડેન્જરસ માર્ગે ઝટપટ કમાણીના મોહમાં જતા હો યા જવાનું વિચારતા હો તો ચેતી જજો. તમે કમાઇ શકો છો, કિંતુ દસમાંથી નવ ગુમાવે છે એ યાદ રાખજો. અલબત્ત, તેમ છતાં તમારી આર્થિક અને જોખમ લેવાની ક્ષમતા ઊંચી હોય તો વાત જુદી છે, તેમ છતાં અતિલોભ એ પાપનું અને નુકસાનનું મૂળ છે એ યાદ રાખવામાં સાર અને સાર્થકતા ખરી.

બાય ધ વે, ડેરિવેટિવ્ઝ શું છે?

ડેરિવેટિવ્ઝ ખરેખર શું છે? ડેરિવેટિવ્ઝ એક એવું સાધન છે, જેનું કોઈ સ્વતંત્ર મૂલ્ય હોતું નથી પણ તે અન્ય કોઈ ચીજોમાંથી મૂલ્ય(વેલ્યૂ) ડીરાઈવ’કરે (અર્થાત્ ઉપજાવે) છે, જેમાંથી આ મૂલ્ય ઉપજાવાય છે તે ચીજો શેર, શૅરબજારનો ઈન્ડેકસ, કરન્સીનો દર, વ્યાજદર, કોમોડિટીઝના ભાવ વગેરે હોઈ શકે છે. ‘ફ્યુચર્સ’ અને ‘ઓપ્શન્સ’ એ ડેરિવેટિવ્ઝ સાધનો છે આ બંને સાધનો પણ અન્ય ચીજોમાંથી ‘વેલ્યુ’ ઉપજાવે છે, જેમ કે સેન્સેક્સ અથવા નિફ્ટી જેવા શેરોના ઈન્ડેકસમાંથી ફ્યુચર કે ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ મૂલ્ય ઉપજાવે (ડીરાઈવ) કરે છે અને એટલે તેમાં ફેરફાર થતા રહે છે. આ સોદા માટે સ્ટોક એકસચેંજમાં અલગ વિભાગ હોય છે, તેના ધોરણો પણ અલગ અને વધુ કડક હોય છે. આ સાધનોનો ઉપયોગ જોખમના સંચાલન (રિસ્ક મેનેજમેન્ટ) માટે કરાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button