ઉત્સવ

મૂર્ખ માણસો સાથે દલીલ ન કરો- ન સમય વેડફો

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા દિવસો અગાઉ હું ગુજરાત ગયો હતો ત્યારે અનાયાસે કેટલાક મિત્રો મળી ગયા. સ્વાભાવિક રીતે અલકમલકની થોડી વાતો થઈ, પણ થોડી વારમાં ત્યાં કલુષિત વાતાવરણ ઊભું થઈ ગયું. અમે મળ્યા હતા ત્યારે બધાનો મૂડ બહુ સારો હતો, પરંતુ એમાં એક મિત્રએ કોઈ કારણ વિના રાજકારણની વાતો શરૂ કરી. એ દરમિયાન એણે કહ્યું કે તમે બધા તો કટ્ટર લોકો છો. તમારા પર દેશભક્તિનું ઝનૂન સવાર થયું છે એટલે તમે લોકો વાસ્તવિકતા જોઈ શકતા નથી અથવા ઈરાદાપૂર્વક વાસ્તવિકતા ભૂલી રહ્યા છો. આપણા દેશ પર શાસન કરી ગયેલા મહાન લોકોની નિશાનીઓ ભૂંસાઈ રહી છે ત્યારે તમે બધા ચૂપ બેઠા છો એનો હિસાબ તમે ઉપર જશો ત્યારે તમારે આપવો પડશે…! અન્ય એક મિત્રએ પણ તેની વાતમાં સૂર પુરાવતા કહ્યું:
મોગલોએ આપણા પર શાસન કર્યું હતું, એમણે આપણા રાજાઓ પર વિજય મેળવ્યો હતો એ ઇતિહાસ દૂર કરાઈ રહ્યો છે એનાથી કોઈ પણ બૌદ્ધિક માણસને તકલીફ થવી જોઈએ..અમને શરમ આવે છે કે આવા સમાજમાં જીવીએ છીએ! ’
એ બંનેએ જે રીતે વાત કરી એને કારણે બીજા કેટલાક મિત્રો એના પર રોષે ભરાયા અને એમણે વળતી દલીલો શરૂ કરી. એમાંનાં એક મિત્રએ તો બુદ્ધિના બોજ હેઠળ દબાઈ ગયેલા પેલા મિત્રોને કહી દીધું કે અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી! આપણા દેશને ગુલામ બનાવનારા, આપણા દેશના લોકો ઉપર અત્યાચાર ગુજારનારા શાસકો માટે તમારા મનમાં આટલી લાગણી ઊભરાઈ રહી છે એટલે તમે નરકમાં જશો..!
પછી તો વાત વધી પડી અને સામસામે ઉગ્ર દલીલો શરૂ થઈ, પણ પછી વાત લગભગ ઝઘડા સુધી પહોંચી ગઈ. મેં બધાને શાંત પાડવાની કોશિશ કરી તો બંને પક્ષના મિત્રો મારા પર ગુસ્સે થઈ ગયા!

એ બધા મિત્રો કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા અને નિરર્થક દલીલો કરી હતા એટ્લે હું ત્યાંથી રવાના થઈ ગયો. મારે આમ પણ કોઈને મળવા જવાનું હતું અને મને વિતંડાવાદમાં રસ નહોતો એટલે હું ત્યાંથી નીકળી ગયો.

એ પછી તે સાંજે બંને પક્ષના બે-ત્રણ મિત્રોના કોલ આવ્યા અને એમણે ફરિયાદ કરી કે તમે કોઈ સ્ટેન્ડ લીધું નહીં અને ત્યાંથી નીકળી ગયા!

મને એ મિત્રો પર હસવું આવ્યું. સાચું કહું તો એમની દયા પણ આવી. એમાં એક બહુ જૂનો મિત્ર હતો તે રાતે મને હોટલના રૂમમાં મળવા આવ્યો. એણે કહ્યું કે તમને ખબર છે કે અમે સાચા હતા અને શરૂઆત અમે નહોતી કરી.

મેં એને કહ્યું: ‘ભલા માણસ જ્યારે આપણને ખબર જ હોય કે શું સાચું છે અને શું ખોટું ત્યારે તદ્દન ખોટી વ્યક્તિ હોય તેની સાથે દલીલો ન કરવી જોઈએ. વ્યર્થ દલીલો કે ઝઘડામાં આપણી ઊર્જા અને આપણો સમય વેડફવા ન જોઈએ…’
એ મિત્રએ મને કહ્યું કે ‘તમારા જેવા મિત્રો જાહેર જીવનમાં હોય ને તમારી સામે કોઈ ખોટી વાતો કે ખોટી દલીલો કરે અને સાચા માણસોને દબાવવાની કોશિશ કરે ત્યારે તમે ચૂપ રહો તો એમાં સમાજનું અને દેશનું અહિત છે’
મને થોડું હસવું આવી ગયું. મેં એને કહ્યું કે ભૂલ તમારી પણ હતી.

આ સાંભળીને પેલા મિત્ર અકળાઈ ઉઠ્યા: ‘મારી શું ભૂલ હતી? મેં તો જે સત્ય છે એ કહ્યું હતું?’

મેં એ મિત્રને એક બોધકથા કહી, જે મેં વર્ષો અગાઉ ક્યાંક વાંચી હતી અને એક મિત્રએ થોડા સમય અગાઉ જોક તરીકે એ જ વાત વોટ્સએપ પર પણ શેર કરી હતી. એ વાત કંઈક આમ હતી: એક વખત એક શિયાળ અને એક ગધેડા વચ્ચે ઝઘડો થઈ ગયો. ગધેડાએ કહ્યું કે આકાશનો રંગ લાલ છે.

શિયાળને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું: મૂર્ખ, આકાશનો રંગ આસમાની છે. કોઈ મૂર્ખ પણ એ વાત સમજી શકે અને તું કહે છે કે આકાશનો રંગ લાલ છે!

ગધેડા કહે: નહીં આકાશનો રંગ લાલ જ છે. બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો એટલે શિયાળે કહ્યું કે આપણે જંગલના રાજા સિંહ પાસે જઈએ અને કોણ સાચું અને અને કોણ ખોટું છે એ ત્યાં નક્કી થઈ જશે.
એ ગધેડો આપણા દેશના ઘણા અડિયલ બૌદ્ધિકો જેવો હતો. તેણે કહે : મને વાંધો નથી. હું સાચો છું.
શિયાળ અને ગધેડો
સિંહ સામે હાજર થયા. સિંહ દરબાર ભરીને બેઠો હતો. તેણે શિયાળ અને ગધેડાની – બંનેની વાત સાંભળી અને પછી શિયાળને સજા ફટકારી.

શિયાળે કહ્યું : આ તો અન્યાય છે… હું સાચો છું છતાં તમે મને સજા ફટકારી રહ્યા છો.

સિંહે કહ્યું : આકાશનો રંગ કેવો છે એ મુદ્દે તું સાચો છે, પરંતુ જ્યારે તને ખબર છે કે તારી સામે દલીલ કરવાવાળો ગધેડો છે ત્યારે તારે આ મુદ્દે તેની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની જરૂર જ શું હતી! તે તારો સમય બગાડ્યો અને હવે આ મુદ્દે મારા દરબારમાં આવીને મારો સમય બગાડ્યો છે એટલે તને સજા ફટકારું છું.

દોસ્તો, આ તો એક બોધકથા છે, પણ આ કિસ્સામાંથી અને આ બોધકથામાંથી સાર એ લેવા જેવો છે કે મૂર્ખ માણસો સાથે દલીલો કરવામાં સમય ન વેડફવો જોઈએ.
અકલમંદને આટલો ઈશારો પૂરતો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત