ઉત્સવ

ડોન્કિનોમિકસ: એ વળી કઈ બલા છે?!

વ્યંગ – ભરત વૈષ્ણવ

‘જનાબ, સલામ વાલેકુમ.’ ઇનાયતખાંને સલામ કરી એની ચેમ્બરમાં જમાલમિંયાએ પ્રવેશ લીધો.

આઇયે જમાલમિંયા, વાલેકુમ સલામ. તશરીફ રખિયે ઇત્મિનાનસે બૈઠીએ.’ ઇનાયતખાને તહેઝીબ નિભાવી. લકઝુરિયસ રિવોલ્વિંગ ચેરમાં સ્થાન લીધું..

‘શુક્રિયા જનાબ.’ જમાલમિંયાએ આભાર માન્યો.

‘બોલો, જમાલમિંયા કેમ આવવાનું થયું. કયા હાલચાલ હૈ, મુલ્ક કા… સબ ખેરિયત ?’ ઇનાયતખાને પૂછયું.

‘હાલચાલ બતાવવા જ મંત્રાલય સુધી લાંબો થયો છું’ ચાનો કપ હોઠે લગાડતા જમાલમિંયાએ ફરમાવ્યું : ‘જનાબ, માઠા સમાચાર છે.’

મતલબ?’ ઇનાયતખાને હડબડાઇને પૂછયું. રૂમાલથી ચહેરા પરનો પરસેવો લૂંછ્યો. એસી ચેમ્બર હોવા છતાં એમને પરસેવો છૂટી ગયો. માનો કે ભારત સામે ક્રિકેટની વર્લ્ડ કપની મેચ ન હોય!

જનાબ, બધુ ચોપટ થઇ ગયું. આપણા એક એક કદમ ખોટા પડી રહ્યા છે. હવે અલ્લાહકા હી ભરોસા હૈ!’ જમાલમિંયા નિરાશામાં ગરક થઇ રહ્યા હતા.

જમાલ, આપણા નિર્ણયો ખોટા પુરવાર થઇ રહ્યા છે, પરંતુ આપણી નિયત અને નેકીમાં ખોટ નથી.’ ઇનાયતખાને લાંબો નિસાસો નાખીને કહ્યું. પછી એણે ઇમ્પોર્ટેડ સિગારેટ પેકેટમાંથી કાઢી. સિગારેટને હાથમાં પકડી બીડીની માફક ટેબલ પર હળવેથી બેવાર પછાડી. સિગારેટ હોઠ પર મૂકી મેચબોકસની દીવાસળીથી સળગાવી. બળેલી તિલી એશ ટ્રેમાં મુકી. ડાબા હાથના અંગૂઠા અને વચલી આંગળીથી ચપટી વગાડી.સિગારેટનો સટ લગાવ્યો. ધૂમ્રવલયો ચેમ્બરમા છોડ્યા . ચેમ્બરમાં તમાકુની ગંધ આગની જેમ ફેલાઈ.

સર, મંત્રી તરીકે આપે આવામને રોજ એક ચાનો કપ ઓછો પીવા હિદાયત આપેલી. આપણે ચા ઇમ્પોર્ટ કરીએ છીએ. એક કપ લેખે ચાર-સાડા ચાર કરોડ ચાના કપ પીવાનું કમ થઇ જાય તો ચાની ઇમ્પોર્ટનું બિલ પંદર ટકા ઘટી જાય. બચેલા પૈસાથી અણુબૉમ્બ બનાવીએ તો દુશ્મનોના દાંત ખાંટા કરી શકાય.’ જમાલમિંયાએ મંત્રીની પ્રસંશાનો કસીદો પઢ્યા.

‘બિલકુલ સહી ફરમાયા,જમાલમિંયા. લેકિન આવામ હૈં કી માનતા નહીં.લોકો વધુ ચા પીવા લાગ્યા છે!’ ઇનાયતખાને અફસોસ જાહિર કર્યો.

‘સર તમે લોકોને એક રોટલી ખાવાનો અનુરોધ કરેલો.’ જમાલમિંયાએ સરકારનો વધુ નિર્ણય યાદ કર્યો. ‘હા, આપણા લોકો તો ઇથોપિયાના દુકાળિયાની જેમ વધુ બે રોટલી ખાવા માંડ્યા.મંત્રીના અનુરોધને કચરાચોપલીમાં ફેંકી દીધો.’ ઇનાયતખાને પ્રશાંત મહાસાગર જેટલો નિસાસો નાંખ્યો.

‘સર, લોકો લોટ લેવાની લાઇનમાં ભગદડ થવાથી બિન બુલાયે મહેમાનની જેમ અલ્લાહને પ્યારા થઇ જાય છે.’ આટલું કહેતાં જમાલમિંયાની આંખો નમી થઇ.

‘મુલ્કની બરબાદીની દાસ્તાન કરુણ છે.’ .

સર, ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ, વર્લ્ડ બેંક કે યુએઇ પણ મદદ કરતું નથી. દેશ દેવામાં ડૂબતો જાય છે. સરકારનો ખર્ચો ઘટાડવા મંત્રીની મોંઘીદાટ ગાડીઓ વેચી દીધી. એર ફયુઅલ ન હોવાથી ફલાઇટો ટેઇક ઓફ કરી શકતી નથી. સરકારની આવક તો દેવાના વ્યાજનું વ્યાજ ભરવામાં વપરાઇ જાય છે. જમાલમિયાએ બરબાદીની દાસ્તાન બ્યાન કરી.
જમાલમિંયા, એક લિટર પેટ્રોલના ત્રણસો રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. એક ડોલરના ત્રણસો રૂપિયા છે. લોકો ગૅસ બોટલ ખરીદ કરી શકતા નથી એટલે જાનના જોખમે બલૂનમાં ગૅસ ભરીને રસોઇ કરે છે. પનીર, દાળ ચિકન ગરીબ લોકોની થાળીમાંથી મિસ્ટર ઇન્ડિયાની જેમ રાતોરાત નહીં, બલકે ધોળા દિવસે અદ્રશ્ય થઇ રહ્યાં છે. આર્મી સરકારને કંટ્રોલ કરે છે. લાગે છે કે અલ્લા હતાલ્લા આપણાથી રૂઠી ગયા છે. મંત્રી સાહેબે તકલીફોની ફેરિસ્ત વર્ણવી.

સર, એક વાત જબરી છે. બીજા દેશોનાં મોતના સામાન આઇ મિન સિગારેટની કિંમત આસમાને પહોંચી છે. પણ આપણા પાકિસ્તાનમાં સિગારેટ સસ્તી છે. જિંદગીના સામાનની કિંમત મોંઘી છે, પરંતુ મૌતનો માલ મુફતના મોલે મળે છે!’ જમાલમિંયા બોલ્યા.
‘જમાલમિંયા, લોકોનું દર્દ,તકલીફ અને મુશ્કેલી કમ કરવા વધુ ચલણી નોટ પણ છાપી શકતા નથી. કેમ કે, આપણા પાસે એટલું ગોલ્ડ રિઝર્વ નથી.’ મંત્રી નાસિપાસ થયા.
‘હા, સર. આપણા લોકો ભીખ માગવા અરબસ્તાન જાય છે અને એરપોર્ટ પર પકડાતા ડિપોટ થઇ જાય છે.’ જમાલમિંયાએ એક કાળી બાજુ ખુલ્લી કરી.

‘યા અલ્લાહ. પાકિસ્તાનકો દલ દલસે બચાના.’ મંત્રી ઇનાયતખાને દુઆ ગુજારી.
‘આમિન. સુમામિન’ જમાલમિંયાએ શુભેચ્છા આપી.

‘જમાલમિંયા દેશને સંકટથી બચાવવા એક જ પૉલિસી બાકી રહી છે.’ મંત્રીએ ડૂબતો તરણું ઝાલે એમ એક સ્કિમ મનોમન વિચારી.

‘સર કઇ સ્કિમ?’ જમાલમિંયાએ પૃચ્છા કરી.

‘જમાલમિંયા દેશમાં ગધેડાની વસતિ કેટલી ?’

‘સર, પંદર કરોડ.જગતમાં વસતિની બાબતમાં આપણો છઠો નંબર છે.’ જમાલમિંયાએ ડેટા શેર કર્યા.

‘જમાલમિંયા, હું બે પગવાળા ગધેડાની વસતિનું પૂછતો નથી. એની તો ફૂટી કોડી આવે એમ નથી. ચાર પગવાળા ગધેડાની વસ્તી કેટલી છે?’ મંત્રી ઇનાયતખાને સવાલ પૂછયો. હાલકડોલક કસ્તી જેવા અર્થતંત્ર અને ગધેડાને ભૂંકવા જેવો કે પીટવા જેવો સંબધ હશે? જમાલમિંયા વિચારતો રહ્યો.

હજૂર, આપણે ત્યાં અત્યારે ૫૯,૦૦,૦૦૦ ચાર પગવાળા ગધેડા છે.તમે અને બે પગવાળા હું મળીને કુલ ૫૯,૦૦,૦૦૨ થયા. દેશનો જીડીપી ઘટે છે. ગધેડાની વસતિ લગભગ બે ટકાના દરે વધે છે.’ જમાલમિંયાએ ઇકોનોમિક સર્વે શેર કર્યો.

‘હમ્ અલ્લાહનો લાખ લાખ શુકર છે કે હમારી મુશ્કેલી દૂર કરવા, અર્થતંત્ર મજબૂત કરવા ગધેડાની વસતિ વધારી. હમારી દાલ, ચાવલ,રોટી કા બંદોબસ્ત હો ગયા’ આમ કહી ઇનાયતખાને ઊભા થઈને જમાલમિંયાને ગળે લગાડ્યા.

‘જનાબ, માફી ચાહતા હૂં. મૈં કુછ સમજા નહીં’ જમાલમિંયા ક્ધફયુઝડ થઇ ગયા.
‘જમાલમિંયા, હમારે યહાંસે નિર્યાત કે નામ સિર્ફ ટેરેરિસ્ટ કો હમ ઇન્ડિયા એકસપોર્ટ કર રહે હૈ. સામને સારી દુનિયા કી ચીજે ઇન્પોરિટ કર રહૈ હૈ.હમ હંમેશાં ધાટામેં રહેતે હૈ.’
ઇનાયતખાન શું કહેવા માગે છે એ જમાલમિંયાના પલ્લે પડ્યું નહીં.

‘સર, આપ કહેવા શું માગો છો?

હમ હમારે મુલ્કકી કી તરક્કી કે વાસ્તે ચાઇના કો ગધ્ધે બેચકે મુનાફા કમાયેંગે. હમારે યહાં ઉનસઠ લાખ ગધ્ધે હૈ. એકના વીસ હજાર લેખે ૫૯,૦૦,૦૦૦ લાખ ગધેડાના ૧૧,૮૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા કમાઈશું. કાશ, બે પગવાળા ગધેડા પણ ચીનને વેચી શકાતા હોત તો દેશને ૩,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા મળી શકયા હોત તો દેશ ચપટી વગાડતાં ફાઇવ લાખ ટ્રિલિયન ડૉલરની બુલંદી પર પહોંચી જાત!

મંત્રી ઇનાયતખાન મુંગેરીલાલની જેમ સપના જોતા હતા. એક તરફ ગધેડા અને બીજી તરફ રૂપિયાની નોટોના ઢગલા.

દેશ માટે મંત્રી મહોદય સપનાં તો જોતા હતા. ભલે સળી ભાંગીને બે ન કરે, પરંતુ અબજો રૂપિયાના સુમધુર સ્વપ્ન જોતા હતા. કેટલી પ્રબળ રાષ્ટ્ર ભક્તિ .કોઇના સપના તોડવા એ ધાર્મિક સ્થાન તોડવા બરાબર કહેવાય.

મંત્રીના સપનામાં ખલેલ ન પડે તે રીતે ફાયનાન્સ સેક્રેટરી જમાલમિંયા મંત્રીની ચેંબરમાંથી માખણમાંથી મોવાળો સરકે તેમ સરકી ગયા ત્યારે મંત્રી ઇનાયતખાન ચલચિત્રની જેમ ડોન્કીની ઈકોનોમિકસ યાની કે ડોન્કીનોમિકસ અર્થાત્ ગદ્ધાપુરાણનું અર્થતંત્ર નિહાળતા રહ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button