ઉત્સવ

ડોનલ્ડ ટ્રમ્પની જીત અમેરિકનોની ખરી માનસિકતા છતી થઈ ગઈ  છે !

એ ઉપરાંત, ટ્રમ્પ આપણા વડા પ્રધાનના ‘ઘનિષ્ઠ’ મિત્ર ખરા, પણ ભારતના એ બેસ્ટ ફ્રેન્ડ નથી એ ભૂતકાળમાં અનેક મામલે સાબિત થઈ ચૂક્યું છે એટલે એમની પાસેથી આ નવી ટર્મમાં પણ બહુ આશા રાખવી નહીં, સિવાય કે…!  

કવર સ્ટોરી -વિજય વ્યાસ

દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ મનાતા અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસને હરાવીને ડોનલ્ડ ટ્રમ્પે ઈતિહાસ રચી દીધો છે.

અમેરિકાના પ્રમુખપદે રહ્યા પછી હારી ગયેલા ને પછી જબરદસ્ત કમબેક કરનારા ડોનલ્ડ ટ્રમ્પ માત્ર અમેરિકાના બીજા જ પ્રમુખ છે. અમેરિકામાં ૧૯૫૨માં કોઈ પણ વ્યક્તિ ચાર-ચાર વર્ષની બે ટર્મથી વધારે પ્રમુખપદે ના રહી શકે એવો બંધારણીય સુધારો થયો પછી તો આ  સિદ્ધિ મેળવનારા માત્ર બીજા પ્રમુખ છે.

હિલેરી ક્લિન્ટનને હરાવીને ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણી જીત્યા પછી ચાર વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ રહેલા ટ્રમ્પ ૨૦૨૦માં જો બાયડન સામે હારી ગયા ત્યારે એમનું બોર્ડ પતી ગયેલું મનાતું હતું, પણ ટ્રમ્પે જોરદાર લડાયકતા બતાવીને પ્રમુખપદનો જંગ જીત્યો છે. ૭૮ વર્ષની ઉંમરે મોટા ભાગનાં લોકો બધું પડતું મૂકીને નિરાંતની જિંદગી જીવવાનું પસંદ કરે ત્યારે ટ્રમ્પ છેલ્લા દોઢ વર્ષથી રોજના ૧૨-૧૪ કલાક ચૂંટણી પ્રચાર કરતા રહ્યા.


Also read: ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!


કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં ત્યારે અચાનક જ કમલાની તરફેણમાં એક વેવ આવી ગયેલું. ટ્રમ્પ માટે એ નિર્ણાયક પળ હતી ને એ વખતે ટ્રમ્પ હામ હારી ગયા હોત તો પ્રમુખપદની ચૂંટણી પણ હારી ગયા હોત, પણ ટ્રમ્પ હામ ન હાર્યા ને બમણા જોશથી વધારે આક્રમક બન્યા ને પ્રચાર પાછળ વધારે સમય આપીને કમલાની તરફેણમાં નમેલા પલ્લાને પોતાની તરફ નમાવી દીધું.. ટ્રમ્પ જીવન-મરણનો પ્રશ્ર્ન આવી ગયો હોય એવા ઝનૂન સાથે લડ્યા ને જીત્યા. આવા સંજોગો અને આ આયુએ ટ્રમ્પે જે ટેમ્પરામેન્ટ અને સ્ટેમિના બતાવ્યાં તેને સલામ મારવી જોઈએ.

ટ્રમ્પની જીત અમેરિકા અને અમેરિકનો માટે ઐતિહાસિક છે એ ખરું, પણ સાથે સાથે અમેરિકનોની માનસિકતા પણ છતી કરનારી છે. ટ્રમ્પની જીતે અમેરિકનોની માનસિકતાનાં ત્રણ મહત્ત્વનાં પાસાં તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 

પહેલું પાસુ એ કે, અમેરિકનો પોતાને ગમે તેટલા સુધરેલા ગણાવતા હોય પણ અંદરખાને એ લોકો પણ પુરુષપ્રધાન માનસિકતા ધરાવનારા પછાત લોકો જ છે.


Also read: ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૨


બીજું એ કે, અમેરિકનો પોતાને ભલે ગ્બોબલ પ્રજા ગણાવતા હોય પણ એમનું ગ્લોબલપણું પોતાનાં હિતોની વાત આવે ત્યારે જ હોય છે. વાસ્તવમાં એ લોકો અત્યંત સંકુચિત માનસિકતા ધરાવનારા લોકો છે. 

ત્રીજું એ કે, અમેરિકનો નૈતિકતાના મામલે દુનિયાના બીજા દેશોનાં લોકોથી જરાય ચડિયાતા નથી. નૈતિકતાનો ડોળ ને સિદ્ધાંત નિષ્ઠાની વાતો દંભથી વધારે કંઈ નથી. કોઈને આ વાતો આશ્ર્ચર્યજનક લાગશે, પણ સાવ સાચી છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનું એનાલિસિસ સમજશો તો આ વાત સમજાશે.

ડોનલ્ડ ટ્રમ્પ કરતાં કમલા હેરિસ વધારે લાયક છે તેમાં કોઈ શક નથી, છતાં કમલા ના જીત્યાં કેમ કે અમેરિકનો એક મહિલાને પોતાની બોસ તરીકે સ્વીકારવા જેટલી મનની મોકળાશ નથી ધરાવતા. ને આ મહિલા બ્લેક હોય તો તો જરાય ના ચાલે. આ વાત વારંવાર સાબિત થઈ છે કેમ કે અમેરિકાના લગભગ અઢીસો વર્ષના ચૂંટણીના ઈતિહાસમાં હજુ એક પણ મહિવા પ્રમુખ નથી બની ને અત્યાર સુધી માત્ર બે મહિલા જ પ્રમુખપદની ચૂંટણી લડી છે.

અમેરિકામાં ભારતીય જેમ બહુપક્ષીય લોકશાહી છે, પણ રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બે મુખ્ય પક્ષ છે. આ બંને પક્ષે અત્યાર સુધી બે જ મહિલાને પ્રમુખપદની ચૂંટણી લડાવી છે ને બંને હારી ગઈ છે. હિલેરી ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી લડનારાં પહેલાં મહિલા હતાં. હિલેરી ૨૦૧૬માં ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખપદનાં ઉમેદવાર હતાં, પણ ડોનલ્ડ ટ્રમ્પ સામે હારી ગયેલાં. વર્તમાન પ્રમુખ જો બાયડેન છેલ્લી ઘડીએ ખસી જતાં ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને ઉમેદવાર બનાવતાં કમલા પ્રેસિડેન્ટની ચૂંટણી લડનારાં બીજાં મહિલા બન્યાં હતાં, પણ કમલા પણ હારી જતાં અમેરિકાના પહેલાં મહિલા પ્રમુખ બનવાનો ઈતિહાસ ના રચી શક્યાં. હિલેરી અને કમલા બંને ટ્રમ્પ જેવા છાપેલા કાટલા કરતાં બહેતર હોવા છતાં હારી ગયાં કેમ કે અમેરિકનોને પ્રમુખ તરીકે પુરુષ જ જોઈએ. અમેરિકનોને પુરુષ ગમે તેવો લુચ્ચો, લફંગો, લબાડ હોય તો પણ ચાલે. પોતાને સિદ્ધાંતનિષ્ઠ ગણાવતા અમેરિકનોને એ બધું નથી નડતું એ ટ્રમ્પના કિસ્સામાં સાબિત થયું છે.


Also read: ઇન્ટરનેશનલ મ્યુઝિક બેન્ડ્સ માટેનું ખૂબ નબળું બજાર એટલે ભારત!


ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રમુખ છે તેમાં શક નથી. ટ્રમ્પ રાજકારણમાં આવ્યા એ પહેલાંથી રંગીન મિજાજના માણસ છે ને લફરાંબાજીના શોખીન છે. ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી લડતા હતા ત્યારે પણ અનેક વિવાદોમાં સપડાયા હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથેના સેક્સ સંબંધોથી માંડીને સ્ત્રીઓ પર બળાત્કાર સહિતના કેસ ટ્રમ્પ સામે થયા છે. કરચોરી અને સંસદ પર હુમલા સહિતના કેસ ટ્રમ્પ સામે છે. અદાલતે ટ્રમ્પને કરોડોનો દંડ ફટકાર્યો છે. ટ્રમ્પ કરચોરીના કેસમાં પણ દોષિત ઠર્યા ને એ છતાં અમેરિકન પ્રજાએ ફરી ટ્રમ્પને પ્રમુખપદે બેસાડ્યા છે.

કમલા હેરિસ કરતાં ટ્રમ્પને પોપ્યુલર મત વધારે મળ્યા છે તેનો અર્થ એ થાય કે, બહુમતી અમેરિકનોની પસંદગી ટ્રમ્પ છે અને અમેરિકન પ્રજાને ટ્રમ્પ સામેના આક્ષેપોથી કંઈ ફરક પડતો નથી. ટ્રમ્પ પોર્ન સ્ટાર સાથે સૂઈ જાય કે અમેરિકાની સંસદ પર હુમલો કરાવે કે યુવતીઓ પર રેપ કરે, અમેરિકનોને ટ્રમ્પના ચારિત્ર્ય કે વર્તન સાથે કંઈ લેવાદેવા નથી.

ટ્રમ્પની જીતે અમેરિકનોના કહેવાતા ગ્લોબલ માઈન્ડસેટનો ભાંડો પણ ફોડી નાખ્યો છે. ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ની સંકુચિત વિચારધારાના કારણે જીત્યા છે. ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ કાર્ડ કામ કરી ગયું કેમ કે અમેરિકનોની માનસિકતા સંકુચિત છે. ટ્રમ્પ લાંબા સમયથી અમેરિકા ફર્સ્ટની રેકર્ડ વગાડીને કહ્યા કરે છે કે, અમેરિકાની નોકરીઓ કે બીજાં સંસાધનો પર અમેરિકનોનો જ અધિકાર હોવો જોઈએ, બહારનાં લોકોને અમેરિકનોના ભોગે નોકરીઓ ના અપાવી જોઈએ, અમેરિકન કંપનીઓના ભોગે આઉટસોર્સિંગ ના થવું જોઈએ. આ વાતો છિછરાપણાની છે, પણ અમેરિકનો તેના પર ઓળઘોળ થઈ ગયા કેમ કે અમેરિકનોની માનસિકતા સંકુચિત છે.

ખેર, આ માનસિકતા ને ટ્રમ્પ બંનેને અમેરિકાએ સહેવાના છે તેથી આપણા માટે એ મુદ્દો મહત્ત્વનો નથી. આપણા માટે મહત્ત્વની વાત ટ્રમ્પ આપણી સાથે કેવા રહે છે ને કેવી રીતે વર્તે છે એ છે.

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનલ્ડ ટ્રમ્પને એમની જીત બદલ અભિનંદન આપ્યા તેમાં ટ્રમ્પને પોતાના ‘બેસ્ટ ફ્રેન્ડ’ ગણાવ્યા છે. ટ્રમ્પે પણ એમને અનેક વાર નજીકના મિત્ર તરીકે ઓળખાવ્યા છે. મોદીને ટ્રમ્પ સાથે મિત્રતા છે, ગાઢ અંગત સંબંધો છે તેથી મોદીના સમર્થકો મોદીના બેસ્ટ ફ્રેન્ડ ભારતને ફાયદો કરાવશે એવી વાતો કરી રહ્યા છે.

જોકે, ટ્રમ્પનો ભૂતકાળ એ વાતનો પુરાવો છે કે, ટ્રમ્પ કદાચ અંગત રીતે મોદીના બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે, પણ ભારતના બેસ્ટ ફ્રેન્ડ નથી. અગાઉની ટર્મ વખતે અનેક વાર વાતોનાં વડાં થયાં છે, પણ ભારતની નિકાસને ફટકો મારવાથી માંડીને એચ-વન વિઝા ઘટાડવા સહિતનાં પગલાં લઈને ટ્રમ્પે ભારતનાં અનેક હિતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.


Also read: એક સામાન્ય બેંક ગ્રાહક પાસે પણ મજબૂત કાનૂની અધિકાર છે


આ કારણે આ વખતે પણ ટ્રમ્પ પાસેથી બહુ આશા રાખવા જેવી નથી, એક વાત સમજી લેવા જેવી છે કે રાજકારણમાં કોઈ કોઈનું સદા મિત્ર હોતું નથી-માત્ર પોતાનો કે દેશનો સ્વાર્થ જ કાયમી હોય છે – આ એક સનાતન સત્ય છે! આમ છતાં, આ વખતે ટ્રમ્પનું હૃદય પરિવર્તન થાય ને ટ્રમ્પ ભારતના પણ બેસ્ટ ફ્રેન્ડ તરીકે વર્તે એવી આશા રાખીએ…                                                            

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker