લોન મિલના હી માંગતા પર ભરના ભી માંગતા?
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ:
ઉધારીથી ઉત્સવ ના ઉજવાય. (છેલવાણી)
એક લેખકની ધારાવાહિક નોવેલ, મેગેઝિનમાં દર અઠવાડિયે હપ્તે-હપ્તે આવતી. પેલો લેખક તો એ વાર્તાને મહિનાઓ સુધી દર અઠવાડિયે લંબાવે જ રાખે. આખરે મેગેઝિનના તંત્રીએ કંટાળીને પૂછયું, ‘આ નવલકથાનાં હપ્તા ક્યારે પતશે?’
‘મારી બેંક-લોનનાં હપ્તા પૂરા થશે ત્યારે!’, લેખકે કહ્યું
એક જમાનામાં હપ્તે-હપ્તે આવતી નવલકથામાં પ્રકારણના અંતમાં અચૂક એક આંચકો હોય. અચાનક ડોરબેલ વાગે ને વાર્તાની હિરોઇન બારણું ખોલતાં વેંત ચોંકીને પૂછે, ‘અરે…તું? અત્યારે?’ અને પછી વાર્તાનો હપ્તો કે પ્રકરણ, ‘ક્રમશ:’ બનીને અધ્ધર રહે એટલે વાચકોનો શ્ર્વાસ પણ અધ્ધર! પછી વાચક, અઠવાડિયા સુધી વિચારે રાખે કે પેલીનાં બારણાં પર કોણ આવ્યું હશે? ‘ખૂની કે પોલીસ હશે?’ પણ બીજા અઠવાડિયે, વાર્તાનાં નવા હપ્તામાં ખબર પડે કે દરવાજા સામે તો પોસ્ટમેન ઊભો હતો!
આવા ઝટકાઓની લ્હાયમાંને લ્હાયમાં બિચારા વાચકો, ઝટકા ખાઇ ખાઇને માત્ર થ્રિલર નોવેલ વાંચવામાં ટેવાઇ ગયા અને ગંભીર કે અલગ સાહિત્યનું હપ્તે-હપ્તે ગળું ટૂપાતું ગયું. હવે રોજ હપ્તે-હપ્તે લંબાતી સાંસ-બહુની સિરિયલો જોઇને દેશની સાંસ-બહુઓની જિંદગીઓ હપ્તે-હપ્તે જીવાતી જાય છે.
ઘર કે ધંધા માટેના “ઇન્સટોલમેંટ્સ કે હપ્તા વિશે તો સૌ જાણે છે પણ શું ગેરકાયદે અપાતી લાંચ લેવામાં પણ સરળ ‘હપ્તા’ની સ્કીમ હોય શકે?
જી હાં, ને એમાં યે આવી અનેરી સેવા આપવામાં આપણું ગુજરાત આગળ છે! પોલીસની લાંચ કે હપ્તાને સરળ ‘હપ્તા’થી આપવાની નવી સ્કીમ માર્કેટમાં આવી છે! એક અખબારી અહેવાલ મુજબ ગુજરાત સાયબર-ક્રાઈમ વિભાગના પોલીસ અધિકારીએ, કોઇ પાસેથી ૧૦ લાખની માગણી કરી અને ૪ અલગ-અલગ હપ્તામાં રકમ ચૂકવવાનું કહ્યું! અત્યાર સુધી ૨૦૨૪માં ઇ.એમ.આઇ.(હપ્તા)માં લાંચ(હપ્તો) લેવાના ૧૦થી વધુ મામલા નોંધાયા છે. તમે જ કહો કે આનાથી વધારે પોલીસવાળા જનતાની શું સેવા કરી શકે?
ગુજરાતના એ.સી.બી.ના ડાયરેક્ટર-ડી.જી.બી.(કાયદો ને વ્યવસ્થા) શમશેર સિંહજીનું કહેવું છે: ‘પીડિત વ્યક્તિ શરૂઆતનો એકાદ હપ્તો ચૂકવ્યા પછી જ એમનો સંપર્ક કરે છે.’ એટલે કે જે હપ્તા ચૂકવી શકે છે એવા તો કેટલા હશે? માર્ચ ૨૦૨૪માં, અમદાવાદમાં રાજ્ય માલ અને સેવા કર વિભાગ’ (એસ.જી.એસ.ટી)માં નકલી બિલિંગના મામલામાં ૨૧ લાખની લાંચ માગવામાં આવેલી અને ભ્રષ્ટ અધિકારીઓએ લાંચને ઇ.એમ.આઇ.ના રૂપમાં લાંચની રકમ ચૂકવવાની સુવિધા કરી આપેલી. આ પછી સુરત પાસે ગ્રામ્ય અને તાલુકા પંચાયતના એક સદસ્યએ, ખેડૂત પાસેથી ખેતરને સમથળ કરવા રૂ. ૮૫,૦૦૦ની લાંચ માગી અને પછી લાચાર ખેડૂતની પરિસ્થિતિ પર દયા ખાઇને એ રકમ સરળ હપ્તે ચૂકવવાની સુવિધા કરી આપેલી જેમાં ખેડૂતે પહેલીવાર રૂ. ૩૫,૦૦૦ ચૂકવવાનાં ને બાકીની રકમ ૨ હપ્તામાં! આ બધું જોઇને થાય છે કે કાર-ઘરની જેમ પોલીસવાળાઓએ બાકાયદા કાયદેસર લાંચમાં ઇંસ્ટોલમેંટ માટે જાહેરખબરો આપવી જોઇએ, ‘જેમ કે-મર્ડર કરવું છે? મુંઝાવ નહીં, ૫૦ લાખ રૂ. ‘હપ્તે-હપ્તે‘ ચૂકવીને છૂટી જવાની સેવા મળશે!’ આનાથી જનતા અને પોલીસવાળાઓ બેઉને સરળતા રહેશે. વળી લાંચનો મોંઘો ભાવ કે મોટો હપ્તો જોઇને લોકો, ક્રાઇમ કરતા ડરશે કે અટકશે.
ઇંટરવલ:
અમે ‘લોન‘નાં પંખી રે,
અમે ‘હપ્તે-હપ્તે‘ હલવાયાં.
(કવિ અનીલ જોશીની ક્ષમા સાથે)
વર્ષોથી આપણે ઘર-કાર ઉપરાંત વોશિંગ મશીન, એ.સી., સ્કૂટર, લેપટોપ વગેરે તો સરળ હપ્તાથી લેતા જ હતા પણ હવે તો બાળકોના સ્કૂલ કે કોલજની ફીઝ પણ હપ્તાથી ભરી શકાય છે, જેથી સ્કૂલ-કોલેજની તોતિંગ ફીને બિચારા મા-બાપો હપ્તે- હપ્તે ચૂકવીને લાંબો સમય રિબાઇ શકે! ખરેખર તો હવે મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજમાં લાખોનાં ડોનેશનમાં પણ સરળ હપ્તાઓ શરૂ કરવા જોઈએ. જોકે એ રકમ એટલી મોટી હોય છે કે વિદ્યાર્થી ભણી-ગણીને ડોક્ટર- એન્જિનિયર બને, કમાતો થાય, પછી પરણે, પછી એને સંતાન થાય…અને જે પાછું મોટું થઈને ડોક્ટર કે એન્જિનિયર બનવા ચાહે, ત્યાં સુધી પેલા બાપનાં ડોનેશનના હપ્તાઓ તો ચાલ્યા જ કરે. પછી ફરીથી સંતાનના ડોનેશનનાં હપ્તાઓ ચાલુ થાય આમ પેઢી દર પેઢી ડોનેશનના હપ્તાઓની પરંપરા ચાલ્યા જ કરે.
આજકાલ તો લગ્નો પણ ઇંસ્ટોલમેંટ્સ કે હપ્તાઓમાં થાય છે. સૌથી પહેલાં તો લગ્ન અગાઉ પ્રી-વેડિંગ ફોટો-શૂટ, પછી મહેંદી, પછી છોકરાવાળાને ત્યાં સંગીત, છોકરીવાળાને ત્યાં સંગીત, પછી હલ્દીની વિધિ, પછી વિધિવત્ લગ્ન, પછી રિસેપ્શન ને આખરે હનીમૂન એમ અઠવાડિયા સુધી ‘પરણોત્સવ’ ચાલે જ રાખે છે. હવે જો એમાં હનીમૂન અગાઉ ‘પ્રી-હનીમૂન’ કે પછી ‘પોસ્ટ-હનીમૂન’ પાર્ટીઓનાં હપ્તાઓ પણ ઉમેરાઇ તો નવાઈ નહીં.
ઇન શોર્ટ, મોંઘા ને હપ્તે-હપ્તે થનારાં લાંબા લગ્ન-પ્રસંગ માટે પણ હવે બેંકવાળાઓએ સરળ ‘હપ્તા’ની ‘વેડિંગ-લોન’ આપવી જોઇએ. જે સમાજમાં લાંચ આપવામાં સરળ હપ્તા હોય તો લગ્ન-પ્રસંગ જેવી શુભ બાબત માટે ‘લગન-લોન’ કેમ નહીં? વળી આટલા બધાં હપ્તાઓમાં થયેલ લગ્ન, જો ના ટકે અને છૂટાછેડાં થાય તો એમાં ડિવોર્સ પહેલાં ‘પ્રી-બ્રેકિંગ’ પાર્ટી કે તલ્લાક બાદ ‘પોસ્ટ-ડિવોર્સ પાર્ટી’ જેવા સમારંભ ઉમેરાઇ શકે. (બાય ધ વે, યુરોપ-અમેરિકામાં તો બ્રેકઅપ પાર્ટી યોજવાની ફેશન શરૂ થઇ છે!) તો છૂટાછેડામાં પણ વકીલોની ફીઝ કે ભરણપોષણના દાવાઓ માટે હપ્તાવાર લોન હોવી જોઇએ? ટૂંકમાં, સુખમાં કે દુ:ખમાં લોન તો હોના ઇ ચ માંગતા! વળી, એ જ રીતે જીવનના અંતે મોટી હોસ્પિટલમાં મરવા પડેલા પેશંટોની મોંઘી સારવાર માટે સ્મશાન સુધીના સરળ-હપ્તાઓની સગવડ હોવા જોઈએ, જેથી માણસના શ્ર્વાસે શ્ર્વાસ પર પ્રાઇવેટ હોસ્પિટલોને સરસ કમાણી થાય!
એકાદ સદી પહેલાં, મોટા જમીનદારો પાસે બંધુઆ મજૂરો કે ગુલામો હતા, હવે આપણે જાતજાતનાં હપ્તાઓનાં ગુલામો કે ‘બંધુઆ‘ બની ગયા છીએ.
એંડ-ટાઇટલ્સ:
આદમ: મારે લોન લેવી છે.
ઈવ: આપશે કોણ?