ઉત્સવ

તમારી પાસે કોઈ ડ્રોનવાળાનો નંબર છે ?

હોય તો અમારા રાજુ રદ્દીને આપજો, કારણ કે…

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘ગિરધરભાઇ, કોઇ ડ્રોનવાળા સાથે તમારે ઓળખાણ ખરી?’

હું જાણે રોજ ડ્રોનમાં ઘરેથી ‘બખડજંતર’ ચેનલની ઓફિસ અને ઓફિસથી ઘરે સાત ચાલીસની લોકલ ટ્રેનની માફક અપ-ડાઉન કરતો હોઉં તેમ રાજુ રદીએ મને સવાલ પૂછ્યો.
રાજુ,તારે કોઇ છોરીનો એરિયલ વ્યુ લેવાનો છે? લગ્ન માટે ડ્રોઇંગ રૂમમાં ઉભડક મને બેસીને છોકરી જોવાય. જરૂર પડયે એકાંતમાં વાત કરાય પછી છોકરી ઓકે લાગે તો ગોળધાણા કે સગાઇ કરાય…પણ કેમ છોકરીનો બાપ ડ્રોનનો પાઈલટ છે ?

‘તમે મારા લગ્નની વાત પર ક્યારે મોટું ફૂલસ્ટોપ મુકશો?’ રાજુએ બોરડી ઝંઝેડતો હોય તેવો કડવો કાંટાળો પ્રશ્ર્ન પૂછ્યો. રાજુ આ સવાલથી નારાજ થાય છે, કારણ કે લગ્નનો સવાલ રાજુની દુખતી નસ છે.

‘રાજુ, જ્યારે તારી જાન ઉઘલી જશે અને તું નવોઢા લઇને ઘરે આવીશ પછી હું લગ્નનો સવાલ પડતો મુકી દઇને તું ક્યારે બાપ બનીશ તેમ પૂછીશ!’ મે ઠંડા કલેજે રાજુને પ્રત્યુતર આપ્યો.
‘ગિરધરભાઇ, વાત એમ છેને કે આજકાલ ડ્રોનનું બહુ ચગ્યું છે. ફૂડવાળા ફૂડની ડિલિવરી ડ્રોન મારફત કરે છે. ફાર્મા કંપની દવાની ડિલિવરી ડ્રોનથી કરે છે. આપણો પાડોશી દેશ ડ્રોન મારફત આતંકી હથિયારો આપણી સરહદે મોકલે છે. ડ્રોનનો ઉપયોગ વધતો જાય છે!’ રાજુએ ડ્રોનાયણનો આરંભ કર્યો.

‘રાજુ, લોકોને પાઈલટ કહેડાવવાનો બહુ ઢઢો છે. આજકાલ તેજસ ટ્રેન અને વંદે ભારત ટ્રેનના ડ્રાઇવર ખુદને પાઈલટ કહે છે. અમારો નવઘણ છકડો બારેમાસ ચલાવે છે. શૅરબજારના આખલાની જેમ છકડો ચલાવે છે. નવઘણ પોતાને તોફાની પાઈલટ કહેવડાવે છે. કયાં પ્લેનનો પાઈલટ અને કયાં છકડાનો ડ્રાઇવર !પેટ્રોલ અને પાણી મિકસ ન થાય, પણ આ લોકો પાણી અને પેટ્રોલને મિકસ કરીને જ જંપે… જમીન પર રિમોટ કંટ્રોલથી ડ્રોન આપરેટ કરનાર ડ્રોનમાં કોકપિટ ન હોય તો પણ ખાં સાહેબ પોતાને પાઈલટ કહે છે. હવે હદ થાય છે!’ અમે બળાપો કાઢ્યો
‘ગિરધરભાઇ, ડ્રોન એટલે અમાનવ વિમાન ક્યારે શોધાયું હતું?’ રાજુએ હું જાણે ‘ગુગલ’ કે ‘ચેટજીટીપી’ હોઉં એમ એકેડેમિક કવેશ્ચન કર્યો.

‘રાજુ, ડ્રોન આજકાલની શોધ નથી. સને ૧૮૪૯માં યુદ્ધ લડવા માટે માનવરહિત હવાઈ વાહનનો પ્રથમવાર ઉપયોગ નોધાયેલ છે. ઓસ્ટ્રિયન દળોએ વેનિસ શહેર પર બોમ્બ લોડ કરેલ ર૦૦ બલૂન છોડેલ. પવનની દિશા બદલાઇ જતાં બધા બલૂનો નિષ્ફળ ગયા ત્યારથી લઇને જે કરેમને ઞઅટ (ડ્રોન) ટેક્નોલોજીના સ્થાપક પિતા તરીકે ગણવામાં આવે છે એણે ઇઝરાયલી વાયુસેના માટે યોમ કિપ્પુર યુદ્ધ દરમિયાન પ્રથમ ડ્રોન બનાવ્યું હતું. ‘મે ડ્રોનનો અથ થી ઇતિ ગુગલ’ની અદાથી પેશ કર્યો.

‘ગિરધરભાઇ, ડ્રોન વિમાન ૧૨ થી ૧૩ ફૂટ લંબાઈનાં હોય છે. તેનો પંખો ૨૦ ફૂટ વ્યાસનો હોય છે. ૯ ફૂટ ઊંચું આ વિમાન ૧૫૦ કિલોમીટરની ઝડપે ઊડીને આસપાસના ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં હુમલા કરી શકે છે. રપ૦ ગ્રામથી એક સો પચાસ કિલો વજનના ડ્રોન આવે છે. આમાંથી નેનો તેમજ માઇક્રો કેટેગરીના ડ્રોન કોઈ પણ નોંધણી વિના તમે ૫૦ ફૂટ સુધીની ઊંચાઈ પર ઉડાવી શકો છો. બીજા બધા માટે નોંધણી અને ઉડાવવાની પૂર્વ મંજૂરી જરૂરી છે.’ રાજુએ હવે ડ્રોનની પૂરક માહિતી મને આપી.

‘રાજુ, ભોજનની ડિલિવરી, વર્કસાઇટની ઉત્પાદકતા વધારવાથી લઈને અને સંરક્ષણ ક્ષેત્રની કાર્યક્ષમતા સુધી પાકની ઉપજ વધારવાથી, ડ્રોન ઑફર કરવાની સંભાવનાઓ અનંત છે. મોટી સંખ્યામાં ખેડૂતો ખેતરો માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૩૦ સુધીમાં કોમર્શિયલ ડ્રોનનો બિઝનેસ ૭૫ હજાર કરોડ સુધી પહોંચવાની
સંભાવના છે. ડ્રોન બાબા કેમેરા વડે પાકના રોગનું નિદાન કરતા ડોકડર ડ્રોન પણ બની ગયા છે!’ મેં કહ્યું .

‘ગિરધરભાઇ, તમને તો ખબર જ હશેકે લગ્ન-નવરાત્રિમાં ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. અમદાવાદ રથયાત્રાનું નિયમન ડ્રોન મારફત કરવામાં આવેલું. અને હા, બીજી એક વાત…’ થોડા ગંભીર થઈન રાજુએ ઉમેર્યું :
‘ડ્રોનને આકાશમાં તોડી પાડવા એન્ટી ડ્રોન વપરાય છે. ડ્રોનનો ઉપયોગ ખેતરમાં દવા છાંટવા લગી બરાબર છે, પરંતુ નદીની કોતરમાં દારૂ ગાળવાના સર્વેલન્સ, ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન, વૃક્ષોની ગેરકાયદે કતલ પકડવા માટે હ્યુમન ફોર્સ છે, તેનો ઉપયોગ કરવાની નૈતિક હિંમત દાખવવાના બદલે ડ્રોનનો ઉપયોગ અજુગતું લાગે છે!’

‘રાજુ, મહાનગરપાલિકા અને કોન્ટ્રેકટરોનો સૌનો સાથ સૌનો વિકાસ નીતિને લીધે રોડ પર ખાડા છે કે ખાડા વચ્ચે રોડ છે, તેની ખબર પડતી નથી. રોડ પરના ખાડા શોધવા મેગ્નિફાઇંગ ગ્લાસ, દૂરબીન, પેરિસ્કોપ, માઈક્રોસ્કોપ કે ટેલિસ્કોપ વાપરવાની જરૂર નથી. નરી આંખે સ્પષ્ટ દેખાય તેવા ખાડા અને ભૂવાની વણથંભી વણઝાર હોય છે. કેટલાક ખાડા તો હેરિટેજ ખાડાનો દરજ્જો મેળવી શકે તેવા પ્રાચીનતમ છે. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ સમયના ખાડા છે. આવા ખાડાની શોધ માટે કોલંબસ, વાસ્કો ડી ગામાએ ખાડા શોધખોળ યાત્રા કાઢવાની જરૂર નથી! છતાં, મહાનગરપાલિકાએ શહેરમાં ઊભા થયેલા દબાણ, ગેરકાયદે પાર્કિંગ અને રખડતા ઢોર મામલે હવે ડ્રોનથી નજર રાખવાનો નિર્ણય કર્યો છે. …આવું થાય તો તો પછી કમિશનરથી લઇને અધિકારીઓએ ચેમ્બરમાં બેસી રહેવાનો પગાર ખાવાનો ? કામચોરી- આળસ , દિલદગડાઇને પ્રોત્સાહન આપવાની નીતિ છે! મેં રાજુને નવી નીતિની જાણકારી આપી.

‘ગિરધરભાઇ, મને કોઇ ઓળખીતા ડ્રોનવાળાનું એડ્રેસ આપો ને!’ રાજુએ વિનંતી કરી.

‘પણ તારે કામ શું છે?’.

ગિરધરભાઇ, આજકાલ વાંદરાનો ત્રાસ વધી ગયો છે. ઘરની છત પર કૂદકા મારે છે અને એવું તોફાન મચાવ્યું છે કે ઘરના નળિયા પર વાંદરાઓએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને નળિયાંનો ખાત્મો બોલાવી દીધો છે!
‘મારા ઘરના કેટલાં નળિયા તૂટી ગયા છે તેનું ડ્રોન મારફતે એસેસમેન્ટ કરાવવું છે, જેથી તૂટેલા જૂનાં કાઢી નવા નળિયા લગાવી શકાય!’ રાજુએ કાર્ડ ઓપન કર્યા!

રાજુ રદ્દીનો આ ‘ખુલાસો’ સાંભળીને હું તો એની સામી તાંકતો રહ્યો !

આશરે ૭૯૩ શબ્દ્ .
બે વ્યક્તિ વાત કરતી હોય અને પાછળ દૂર એક-બે ડ્રોન ઊડતાં હોય એવું કાર્ટુન


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…