ઉત્સવ

DM – ડાયરેક્ટ માર્કેટિંગ કે ડાયરેક્ટ મેસેજ?

અહીં નામ અલગ, પણ કામ સમાન, પણ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

આપણે જાહેર જગ્યા, જેવી કે પેટ્રોલ પંપ, મોલ પર વિવિધ બ્રાન્ડ્સ દ્વારા આપણી વ્યક્તિગત માહિતી એકઠી કરાતાં જોઈ હશે. આ માહિતી પર્સનલ મેસેજ મોકલવા બ્રાન્ડ ઉપયોગમાં લે છે. ડાયરેક્ટ માર્કેટિંગ તે એડવર્ટાઇઝિંગનો એક એવો પ્રકાર છે, જેના થકી બ્રાન્ડ ક્ધઝ્યુમરને વિવિધ માધ્યમ દ્વારા પોતાનો મેસેજ ડાયરેક્ટલી કમ્યુનિકેટ કરે છે. આને માર્કેટિંગની ભાષામાં DM અર્થાત્ ડાયરેક્ટ માર્કેટિંગ કહે છે. આજે પણ તેનો ઉપયોગ થાય છે અને અર્થ પણ તે છે, પરંતુ આજે ડિજિટલ દુનિયામાં આનો અર્થ ‘ડાયરેક્ટ મેસેજ’ અને ‘ડિજિટલ માર્કેટિંગ’ પણ થાય છે.

આજે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ વધુ થાય છે આનું મુખ્ય કારણ તમે લોકો સુધી સીધા પહોંચી તમારો માલ વેચી શકો છો. જોવાની ખૂબી તે છે કે બંને જગ્યાએ હેતુ સમાન છે: ડાયરેક્ટ કસ્ટમરને માલ વેચો અથવા એમનો ડેટાબેઝ મેળવો પણ પદ્ધતિ અલગ છે. ગ્રાઉન્ડ લેવલ પર મહેનત વધુ છે જ્યારે ડિજિટલ પર તે આસાન છે. નામ અલગ છે પણ કામ સમાન છે. ત્યાં પણ ડેટાની કમાલ છે અને અહીં પણ ડેટાની કમાલ છે, પણ પરિણામોમાં મોટું અંતર છે. સોશિયલ મીડિયા પર તમને પરિણામ સારાં મળે છે. આનાં કારણ અલગ હોઈ શકે, પણ સૌથી મોટું કારણ એ કે ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે હું લોકોને વન ટુ વન મળું છું ત્યારે એમના વિશે વધુ માહિતી નથી હોતી, જ્યારે સોશિયલ મીડિયા પર મને એમની જોઈતી બધી માહિતી ઉપલબ્ધ છે અને તેના કારણે વેચાણ આસાન થઈ જાય છે. આને ‘કાર્પેટ બૉમ્બિંગ વિરુદ્ધ સ્નાઇપર અપ્રોચ’ કહી શકાય.

એ બંનેની સમાનતા જોઈએ તો બંનેના કેમ્પેન હંમેશા એક્શન ઓરિયેન્ટેડ હોય છે. કોલ ટૂ એક્શનનું મહત્ત્વ તેમાં ઘણું છે. મોટે ભાગે તેના મેસેજમાં તમને કશુંક કરવાની પ્રેરણા આપશે. જેમ કે રજિસ્ટર કરો, વેબસાઇટ વિઝિટ કરો, કોલ કરો, સ્ટોરમાં આવો, બુકિંગ કરો, હમણાં જ ખરીદો વગેરે. ડેટાના આધારે કોણ તેની બ્રાન્ડ માટે ખરીદક્ષમતા ધરાવે છે કાં તો કોણ પ્રોસ્પેક્ટિવ બાયર છે તે જાણી એમને અલગ તારવી, ડાયરેક્ટ માર્કેટિંગમાં વિવિધ માધ્યમ દ્વારા અને ડિજિટલમાં વિવિધ પ્લૅટફૉર્મ પર અને વેબસાઈટ પર રિટાર્ગેટિંગ દ્વારા એમના સુધી પહોંચે છે. બંને પદ્ધતિમાં ટાર્ગેટ ઑડિયન્સને જાણવું-ઓળખવું ઘણું જરૂરી છે. ત્યાર બાદ એને અનુરૂપ મેસેજ ડેવલપ કરવો, મેસેજ દ્વારા તમારા ક્ધઝ્યુમરનું ધ્યાન તમારા તરફ આકર્ષવું પછી તમારી માર્કેટ પોઝિશન શું છે તેનાથી વાકેફ કરો, અમુક લોકોના અનુભવો શેર કરી એનામાં વિશ્વાસ વધારો, સાથે સાથે તમારા સેલ્સ ફોર્સને પણ પૂરતી માહિતી દ્વારા તૈયાર કરો જેથી તે કસ્ટમરને સારી રીતે પ્રોડક્ટ સમજાવી શકે અને તમે જે મેસેજ વાંચ્યો છે તે મુજબનો અનુભવ મેળવી શકે. આના દ્વારા તમે તમારા કસ્ટમરનો વિશ્વાસ જીતશો.

બંને પદ્ધતિનો ઉપયોગ ઓર્ડર મેળવવામાં, લીડ્સ ઊભી કરવામાં, તેના ફોલોઅપ માટે, કસ્ટમર સાથે સંબંધ વધુ ગાઢ બનાવવા અને કસ્ટમર લોયલ્ટી વધારવામાં મુખ્યત્વે હોય છે. તમે કેમ્પેનનાં પરિણામ જાણી શકો છો. જો ઑર્ડર મેળવવાનો તમારો હેતુ હોય તો કેમ્પેનની સામે કેટલા ઑર્ડર આવ્યા તે જાણવું આસાન થઈ જાય છે. તે જ રીતે લીડ ઊભી કરવામાં, તેનો ડેટાબેઝ મેળવવો, લીડ લીધા બાદ ફોલોઅપમાં કેટલા લોકોએ માલ ખરીદ્યો અને લોયલ્ટી માટે કેટલા કસ્ટમર મારી બ્રાન્ડ સાથે આજે પણ જોડાયેલા છે અને લોકોને રીફર પણ કરે છે તે જાણી શકાય છે.

બંને પદ્ધતિ દ્વારા તમે તમારા ક્ધઝ્યુમર સુધી તરત પહોંચી શકો છો, કારણ તમારો ક્ધઝ્યુમર સતત એના ફોન પર હોય છે. કેમ્પેન કસ્ટમાઇઝડ થઈ શકે છે. ટાર્ગેટ ઑડિયન્સને ધ્યાનમાં રાખી એની જરૂરત પ્રમાણે મેસેજ બની શકે જેથી કસ્ટમરને બ્રાન્ડ વેચવી આસાન થઈ જાય.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ: રાતના અઢી વાગ્યે પોલીસ ઘરે આવી!

આ માધ્યમ બીજાં માધ્યમો કરતાં સસ્તું અને ઈફેક્ટિવ – અસરકારક છે. સૌથી મોટો ફાયદો તમે તમારા કસ્ટમરના પ્રતિભાવને ટ્રેક કરી શકો છો અને પરિણામ માપી શકો છો. માર્કટિંગ કેમ્પેન જ્યારે ડેવલપ કરીએ ત્યારે અમુક પાયાના મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે, જેવા કે, તમારા પ્રોડક્ટ અને સર્વિસનું રેગ્યુલર ફોલોઅપ લઈ તેમાં સુધારા-વધારા કરવા. બંને પદ્ધતિમાં કયું ઈફેક્ટિવ માધ્યમ અથવા પ્લૅટફૉર્મ હશે કસ્ટમર સુધી પહોંચવાનું તે નક્કી કરો. હંમેશા કોઈ ને કોઈ ઑફર તમારા કેમ્પેનમાં હોવી જોઈએ, જેથી કસ્ટમર પોતાનો ફાયદો જોઈ શકે. તમારા મેસેજને અલગ અલગ રીતે બનાવતા રહો એથી કસ્ટમર એને એક જ મેસેજ સમજી ડિલિટ ન કરે અને તમે એને અલગ અલગ વસ્તુ ઑફર કરી રહ્યા છો તેમ જાણે અને સૌથી મહત્ત્વનું આ માધ્યમ એટલે એકશન ઑરિયેન્ટેડ માધ્યમ. કોલ ટુ એકશન વ્યવસ્થિત રીતે હાઈલાઈટ કરો, અર્જન્સી ઊભી કરો જેથી કસ્ટમરને ત્યારે ને ત્યારે નિર્ણય લેવા તમે મજબૂર કરી શકો.

આમ બંને પદ્ધતિમાં કેટલી સમાનતા છે તે આપણે જોઈ. વાત એની એ જ, પણ માધ્યમ અલગ છે. ડિજિટલે આજે વેપારના આયામ બદલી નાખ્યા છે તેમ માર્કેટિંગના આયામ પણ પલટાવી નાખ્યા છે. ગ્રાહકને ખરા અર્થમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે અને તેથી ગ્રાહક આજે પોતાના મિત્રોને અને બ્રાન્ડ બંનેને એક જ વાત કહે છે:

‘પ્લીઝ, DM મી!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button