મનનાં મહાસાગરમાં ડૂબકી: ‘બ્રેન મેપિંગ’ ની બારાખડી
મિજાજ મસ્તી -સંજય છેલ
એક ચોર દુકાનમાંથી ચોરી કરીને ભાગે છે. ત્યાં નજીકમાં એક ઇન્સ્પેક્ટર ઊભો હતો. એ ચોરની પાછળ ભાગે છે. ચોર રેલવે-લાઈન પર ભાગતા ભાગતા છેક બીજા સ્ટેશન સુધી પહોંચી જાય છે. માંડ માંડ પેલો ઇન્સ્પેક્ટર એને પકડીને થપ્પડ મારીને પૂછે છે, ‘બોલ, શું ચોર્યું છે?’ ચોર મુઠ્ઠી ખોલે છે તો હાથમાં ફક્ત ૫ રૂ.નો સિક્કો હોય છે.
ઇન્સ્પેક્ટરે પાછી થપ્પડ મારીને કહ્યું, ‘સાલા, તેં પાંચ રૂપિયા માટે મને આટલો દોડાવ્યો.’ ચોરે કહ્યું, ‘સાહેબ, મારા માટે પાંચ રૂપિયા આવક છે ને તમે જે પાંચ કિલોમીટર દોડ્યા એ તમારી નોકરી છે! તમે પણ પોલીસની નોકરી છોડીને સારી નોકરી શોધો અથવા મારી જેમ ચોરી કરવા માંડો…. આ લો, પાંચ રૂપિયા. હવે જાઉં?’ ઇન્સ્પેક્ટર ચૂપ!
શું છે કે ગુનો- ગુનેગાર ને ગુનાની પ્રવૃત્તિમાં એક ઇતિહાસ કે વાર્તા છુપાયેલી હોય છે. ગુનો છુપાવવો મુશ્કેલ છે અને ગુનાને પકડવો એનાથી પણ વધારે મુશ્કેલ છે. દરેક માણસ જીવનમાં ક્યારેક તો નાનો મોટો ‘ગુનો કરવો કે ન કરવો’ એ લક્ષ્મણરેખા પર ઊભો જ હોય છે.
માણસનું મગજ ગુનો કરવામાં માત્ર સહ-ભાગી નથી હોતું કે, જે ગુનો કરીને ભૂલી જાય. માણસે જે ગુનો કર્યો હોય એની યાદોને મગજ સંઘરી રાખે છે. મગજમાં છુપાયેલા ગુનાહિત રહસ્યોને બહાર લાવવા અને એનું વિશ્ર્લેષણ કરવા માટે વપરાય છે ‘બ્રેન મેપિંગ’ પદ્ધતિ, પણ છે શું આ બ્રેન મેપિંગ?
ઇંટરવલ:
તોરા મન દર્પણ કહેલાયે,
ભલે-બૂરે સારે કર્મો કો દેખે, ઔર દિખાયે (સાહિર)
બેંગ્લોરમાં ‘નિમ્હાંસ’ નામની સંસ્થામાં ન્યુરોસાયન્ટિસ્ટ સી.આર.મુકુન્દને, આ ‘બ્રેન મેપિંગ’ ટેકનોલોજીની શોધ કરી હતી, જે મગજમાંથી નીકળતા સિગ્નલોનું આલેખન કરે છે. જ્યારે ગુનાનો કોઈ સાક્ષી કે પૂરતા પુરાવા ન હોય ત્યારે બ્રેન મેપિંગ, ખૂબ કામમાં આવે છે. ‘બ્રેન મેપિંગ’માં આરોપીના મગજના ભાગ પર ૩૨ ઇલેક્ટ્રોડથી સજ્જ ખાસ કેપ ફિટ કરવામાં આવે છે. પછી ગુનેગારને એની આંખો બંધ કરી શાંતિથી કમ્પ્યુટર પર રેકોર્ડ કરાયેલ સવાલો કે નિવેદનો સંભળાવવામાં આવે છે.
ફોરેન્સિક સાયકોલોજિસ્ટ ડૉ. દીપ્તિ પુરાણિક કહે છે કે અપરાધના સમયનાં દ્રશ્યો ફરીથી ગુનેગારની સામે દેખાડવામાં આવે છે, જેમ કે હાથમાં છરી લેવી અથવા શરીરના ટુકડા કરવા જેવાં દ્રશ્યો આરોપીના મગજમાં ગુનાની યાદોને ઉત્તેજિત કરે છે અને મગજના ઇલેક્ટ્રિકલ પેટર્નમાં વધઘટ થાય છે. નિર્દોષ વ્યક્તિઓના મગજની પેટર્નમાં ફરક ના પડે. હાઇ-પ્રોફાઇલ કેસ જેમ કે- આરુષિ તલવાર ડબલ મર્ડર કેસ અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં બ્રેન મેપિંગનો ઉપયોગ થયો હતો.
જો કે સુપ્રીમ કોર્ટે માન્યતા આપી હતી કે પૉલિગ્રાફ અને બ્રેન મેપિંગ જેવાં સાધન પુરાવાનો એક ભાગ છે, પણ સાથે ચેતવણી આપી હતી કે આ સાધનો જ અપરાધ સાબિત કરવા માટે અપૂરતાં છે. જેમકે, લોનાવલાના મનમોહન સિંહ -સુખદેવ સિંહ વિરદીની હત્યા માટે હુસૈન શટ્ટ અને એની પત્ની વહીદા શટ્ટા ‘બ્રેન મેપિંગ’ દ્વારા ગુનેગાર સાબિત થય, છતાં ય મુંબઇ હાઈ કોર્ટે બેઉને છોડી મુક્યાં.
એક માણસ પાસે ૧૫૦ રૂ.ના સોદામાં ૧ રૂ.ની ફાટેલી નોટ આવી જાય છે. એને થાય કે ફાટેલી ૧ રૂ.ની નોટમાંથી છુટકારો નહીં મેળવું ત્યાં સુધી બાકીના ૧૪૪ રૂપિયાનો આનંદ નહીં થાય. એ વિચારે છે કે આજે ફાટેલી નોટમાંથી છુટકારો મેળવીને જ રહીશ.. પછી તરસ ન હોવા છતાં રૂપિયાની નોટ વટાવવાના ચક્કરમાં ૨૫-૨૫ પૈસાનાં ૨ ગ્લાસ પી ગયો ને ફાટેલી નોટ પાણીવાળાને આપી, પણ પાણીવાળા પાસે છુટ્ટા નહોતા એટલે આઠ આના આપીને એ આગળ વધ્યો. પછી રસ્તામાં એણે એક વૃદ્ધની કેળાની લારી જોઈ તો પેલાએ પૂછ્યું, કાકા, કેળાં શું ભાવે આપ્યાં?’
‘રૂપિયે ડઝન.’
‘અડધો ડઝન આપો.’ કહીને ફાટેલી નોટ કાકાને આપી.
‘હાશ! બોણી તો થઈ!’ કેળાવાળાએ કહ્યું.
‘કેમ રાત થવા આવી તોય બોણી નથી થઈ?’ પેલા માણસે આવી બનાવટી સહાનુભૂતિ બતાવી, જેથી કેળાવાળાનું ધ્યાન નોટ પર ન જાય.
કેળાવાળાએ કહ્યું, મોડો આવ્યો આજે, કારણ કે મારી પત્ની મરવા પડી છે. એક આઠ આની કાલે કમાયેલો ને આજે આ તમે બીજી આપી. હવે આ ૧ રૂપિયામાં શું ખાઉં? ને શું દવાદારૂ કરવાં? હશે જેવી ભગવાનની મરજી!’કહીને કેળાવાળાએ આઠ આના પેલાને આપ્યા.
હવે પેલાને પહેલી વાર પોતાની કંગાલિયતનો અનુભવ થયો. સાચા આઠ આનીના બદલામાં ખોટી નોટ લઈને પણ કેળાવાળો ભગવાનને સહારે બધું જ સ્વીકારી રહ્યો છે અને પોતાના ખિસ્સામાં ૧૪૪ રૂપિયા હોવા છતાં કંગાળ જેવી મનોદશામાં છે!
પછી એણે કેળાવાળાને કહ્યું, ‘લાવો, હું તમને છુટ્ટા પૈસા આપું.’
‘ના, ના, સાહેબ. રૂપિયો રહેવા દો. ખિસ્સામાં હશે તો કાંઈક ભરેલું લાગશે.’
‘અરે, રાખોને, કાકા’ એમ કહી પેલાએ ફાટેલી નોટ કેળાવાળા પાસેથી પાછી લીધી અને આઠ આની આપીને ચાલવા માંડ્યો. રસ્તે જતાં જતાં એણે નોટને ફાડીને ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા… હવાની લહેરખી એ રૂ.ના ટુકડાઓને દૂર ઉડાડી ગઈ. નવનીત મિશ્રાની આ હિંદી વાર્તા થોડામાં ઘણું કહી જાય છે કે ગુનો કરવાનું મન થાય ને ગુનો ન કરો, એમાં જ તમારામાંની માણસાઈની કસોટી છે. અહીં છેવટે તમારો અંતરઆત્મા બોલે છે.., પણ જો કે એમ.એલ.એ. કે સાંસદોને ખરીદવા-વેંચવાની વાતમાં આ બધું લાગુ નથી પડતું, કારણ કે જેણે આત્મા જ વેંચી નાખ્યો હોય એ કંઈ પણ વેચી શકે.
એંડ-ટાઇટલ્સ:
આદમ: મારા મગજમાં એક વિચાર આવ્યો..
ઈવ: બધું ખાલી જોઇને જતો રહશે…